તામિલનાડુના નાનાં એવા ગામમાં રહેતી એન.અંબિકા નામની છોકરીના માત્ર ૧૪ વર્ષની ઉમરમાં જ એક છોકરા સાથે લગ્ન થયા. અંબિકા જ્યારે ૧૮ વર્ષની થઈ ત્યારે તે બે દીકરીઓની માતા હતી. અંબિકાનો પતિ તામિલનાડુ સરકારના પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતો હતો. 

એકવખત પોલીસ કોન્સ્ટેબલ પતિ પરેડ જોવા માટે અંબિકાને સાથે લઇ ગયેલો. ૧૦ ધોરણ સુધીનો અભ્યાસ પણ પુરો ન કરનારી અંબિકાએ જિંદગીમાં પહેલી વખત શાનદાર પરેડ જોઈ. પરેડના મુખ્ય મહેમાન આઈપીએસ ઓફિસર હતા. અંબિકાએ જોયું કે આઈપીએસ ઓફિસરને ખૂબ માન અને સન્માન સાથે આદર મળી રહ્યો હતો. બીજા પોલીસ અધિકારીઓ પણ આ મોટા સાહેબની આગળ પાછળ દોડતા હતા. 

ઘરે આવીને અંબિકાએ પતિને પૂછ્યું  કે આ મોટા સાહેબ કોણ હતા ? પતિએ ઓછું ભણેલી પત્નીને આઈપીએસ ઓફિસર અંગે બધી વાત વિગતવાર કરી. આઈપીએસ બનવા માટે યુપીએસસીની કઠિન પરીક્ષા પાસ કરવી પડે. આ માટે પ્રચંડ પુરુષાર્થ કર્યો હોય પછી આવું માન સન્માન મળે એ બધી વાત સમજાવી. અંબિકાએ રાતભર પતિની વાતો પર વિચાર કર્યો. 

બીજા દિવસે એમણે એના પતિને કહ્યું કે હું પણ આ પરીક્ષા આપું અને પાસ કરું તો હું પણ આઈપીએસ ઓફિસર બની શકું ? પતિએ કહ્યું, " હા, તું પણ બની શકે પણ એ માટે કોલેજ સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. તે ૧૦મુ ધોરણ પણ પાસ નથી કર્યું એટલે આ પરીક્ષા આપવા માટે પહેલા તો તારે કોલેજ સુધીનો અભ્યાસ કરવો પડે પછી યુપીએસસીની પરીક્ષા આપી શકે."

જેમણે બોર્ડની પરીક્ષા પણ પાસ નહોતી કરી એવી ૨ સંતાનોની માતા અંબિકાએ કહ્યું કે જો તમે મને મદદ કરો અને મંજૂરી આપો તો હું કોલેજ પુરી કરીને આ પરીક્ષા આપવા માંગુ છું. કદાચ બીજો કોઈ પતિ હોત તો પત્નીના આવા વિચાર પર એને હસવું આવ્યું હોત પણ આ પતિ જુદી માટીનો હતો એમણે પત્ની અંબિકાને આગળના અભ્યાસ માટે અને યુપીએસસીની પરીક્ષા માટે મંજૂરી આપી. 

આઈપીએસ ઓફિસર બનવાનું સપનુ પૂરું કરવા માટે બે દીકરીઓની માતા અંબિકાએ વર્ષો પછી ફરીથી અભ્યાસ શરુ કર્યો. એક્સ્ટર્નલ વિદ્યાર્થી તરીકે ધો.૧૦ની અને ધો.૧૨ની પરીક્ષાઓ પાસ કર્યા પછી કોલેજ પણ પુરી કરી. પોતે જ્યાં રહેતા હતા ત્યાં આ પ્રકારની પરીક્ષાની તૈયારી માટે યોગ્ય માર્ગદર્શન મળી શકે તેમ નહોતું એટલે યુપીએસસીનાં કોચિંગ કરવા માટે અંબિકા ચેન્નાઈ ગઈ. કોચિંગ બાદ એણે યુપીએસસીની પરીક્ષા આપી પણ નિષ્ફળતા મળી. એક પછી એક એમ કરતા એમણે ૪ ટ્રાય આપી. દરેક વખતે મળતી નિષ્ફળતાને પચાવીને પોતાના સપનાઓ પુરા કરવા માટે એ આગળની પરીક્ષાની તૈયારીમાં લાગી જતી. ચોથા પ્રયાસમાં એ સફળ થઈ. સારા રેન્ક સાથે યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને આઈપીએસ ઓફિસર બની ગઈ. 

પ્રચંડ પુરુષાર્થ અને પતિના સહકારથી અશક્ય લાગતું કામ અંબિકાએ શક્ય કરી બતાવ્યું. એન. અંબિકા અત્યારે મુંબઈમાં ઝોન-૪ના ડીસીપી તરીકે તેમની સેવાઓ આપે છે. 

મિત્રો, આપણે નાની એવી મુશ્કેલીઓમાં પણ ફરિયાદ કરતા હોઈએ છીએ અને સામાન્ય નિષ્ફળતામાં પણ હથિયાર હેઠા મૂકી દેતા હોઈએ છીએ ત્યારે જેને બાળવયમાં જ પરણાવી દેવામાં આવી એવી એન.અંબિકાએ  સમાજ સામે કોઈ ફરિયાદો કરવાને બદલે શ્રદ્ધા પૂર્વકની જાત મહેનત દ્વારા જિંદગી જ બદલી નાંખી.
સૌજન્ય - શૈલેષ સગપરિયા સર

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...