આદરણીય સ્વર્ગસ્થશ્રી પુષ્પક સરને શ્રદ્ધાંજલિ...🙏🙏🙏🌹🌹🌹
સારા શિક્ષકો પાસે ભણવાનો એક લ્હાવો હોય છે. મારું સદનસીબ કહો કે સદભાગ્ય કે મારું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સેન્ટ મેરીસ હાઈસ્કૂલ પેટલાદ ખાતે થયું. ધોરણ એક થી માંડીને અને ધોરણ 10 સુધી મને ખૂબ જ સારા શિક્ષકો મળ્યાં.
અત્યારે વાત કરવી છે આવા જ એક સારા શિક્ષક શ્રી પુષ્પક પરમાર સાહેબની. ધોરણ ૮, ૯ અને ૧૦ વર્ષ 1979 થી 1982. એમની પાસેથી હું ગુજરાતી ભણ્યો. એ સમાજવિદ્યા પણ ભણાવતાં. પણ એ વિષે મને કાંઈ યાદ નથી.ગુજરાતી એક વિષય તરીકે એમનો પિરીયડ દિવસમાં એક વાર તો આવે જ.એમનો પિરીયડ એટલે મજાનો પિરીયડ. ( અલબત બીજા શિક્ષકોના પિરીયડ પણ મજાના રહેતાં !) એમના પિરીયડની હું આતુરતાથી રાહ જોતો. એમની વર્ગમાં એન્ટ્રી કંઈક અલગ જ હોય. ભાઈ અમ્રીતરાજે જણાવ્યું તે મુજબ એમનો પોશાક કંઈ અલગ જ હોય. વૈવિધ્યસભર કપડાંમાં એ શોભી ઉઠતાં.સફેદ ઝભ્ભો લેંઘો અને કોટી પહેરે ત્યારે એમનો વટ્ટ પડતો ( દીપી ઉઠતાં ).મોટું પ્રભાવશાળી કપાળ, વ્યવસ્થિત ઓળેલા વાળ,ચોરસ મોટાં ચશ્મા,એ ચશ્મા પાછળ ચમકતી આંખો, હોઠ પર આછું સ્મિત અને મૂછોમાં એક પ્રકારનો મલકાટ... અને પછી ભણવાનું ચાલુ થાય.ગુજરાતી એટલે માતૃભાષા. એ જે બોલે એ બધું સમજાય.સમજાય એટલે શીખવાની મજા પડે. પાઠ ભણાવતાં ભણાવતાં સાહિત્યની વાતોમાં સરકી જાય. સાહિત્યના ઘણા પ્રકારોનો તેમજ ઘણા પુસ્તકોનું રસપાન કરાવી નાખેલું. કવિતા ભણાવતાં ભણાવતાં તો એ પોતે અંદર ખૂંપી જાય અને અમને પણ ખૂંપવી દે. ખૂબ જ સુંદર અને મરોડદાર અક્ષર.એમની ચોક પકડવાની સ્ટાઈલ અદભુત. આજે પણ મને યાદ છે, બે લાંબી આંગળીઓ વચ્ચે મજબૂત પકડથી ચોક પકડ્યો હોય અને સરસ રીતે ભાર દઈને ઘાટા અક્ષરે લખે.એમનું લખાણ ગમે અને સીધું અંદર ઉતરી જાય.લખતી વખતે એમના હાથના જમણા હાથમાં પહેરેલી સોનાની (!) અંગૂઠી નજરમાં આવી જાય.આકર્ષક લાગે, અમે અભિભૂત થઈએ. વર્ગમાં કદી બેસે નહીં. એક પ્રેમાળ માની જેમ જ માતૃભાષા થકી પ્રેમ કરે. લેખક હતાં એવું ધોરણ 10માં જાણવા મળ્યું હતું.અને એમના પ્રત્યેનો અભિભાવ બેવડાઈ ગયેલો. ભૂલતો ન હોવ તો ‘માણસ જેવા માણસ’ નામની નવલકથા પણ એમણે લખી હતી.એ નવલકથામાં ટાંકેલું એક વાક્ય તેમણે શીખવ્યું હતું. તે વાક્ય હું આજે પણ ભુલ્યો નથી. ‘પ્રતિકૂળ સંજોગોને અનુકૂળ બનાવે એનું નામ માણસ’ આ પંક્તિ મારી નવલકથાની પંક્તિ છે એવું ઘણી વાર કહેતાં. આ પંક્તિ મારા જીવનનો મંત્ર બની ગઈ છે. બીજી પણ ઘણી નવલકથા લખી છે,એવું જાણમાં આવેલું છે.
એ મોટે ભાગે આખી બાંયનું પહેરણ પહેરતા હતા. ભણાવતી વખતે જમણો ખભો ઊંચો કરીને ખોંખારો ખાય ને મોટેથી અવાજ કાઢીને, મોટેથી વાંચીને, મોટેથી બોલીને ભણાવવાની એમની ટેવ હતી. ઘણીવાર એ એમની દિનચર્યાઓ પૈકીની સાંજની શહેરની લટાર મારવાની આદત...પેટલાદના આ ખૂણેથી પેલા ખૂણે એટલે કે સંતરામપુરા એમના ઘરથી શરૂ કરીને રણછોડરાયના મંદિર સુધી એ ચાલીને જતાં એની અમને વર્ગમાં વાત કરતા. એમની વાતોમાં અમને રસ પડતો અને અમે એમને અહોભાવથી જોઈ રહેતા. કોઈ વાર ગુસ્સે થાય તો મોટી આંખો અને ઊંચા અવાજ ને લીધે બીક લાગતી.પણ થોડી જ વારમાં કૂણા પડી જતાં અને ઉપદેશાત્મક ભાવે શિખામણ આપીને કામ પૂર્ણ કરાવતાં.
એમની વાતોમાં પેટલાદમાં આવેલી પરીખ ચંદુલાલ કેશુભાઈ સાર્વજનિક લાઇબ્રેરીની વાત અચૂક હોય.એ એના સભ્ય હોવાને નાતે એમાંના બધા પુસ્તકો એમણે વાંચી નાખ્યા હશે ! એમની વાતો સાંભળીને અમને પણ ત્યાં જવાનું પોરસ ચઢતું.અને પછી ત્યાં જવાનું ચાલુ કરતાં, ત્યાં વારંવાર જવાનું ઘેલું લાગી ગયું હતું.જે ટેવને મેં અને મારા મિત્ર સુરેશ આશાએ વર્ષો સુધી જાળવી રાખેલી.
મારા અને મારા જેવાં અનેક વિધાર્થીઓ માટે ગુજરાતી ભાષાનાં રસ અને જ્ઞાન માટે શ્રી પુષ્પક સાહેબ જ પ્રેરણાસ્રોત હતાં એમ હું અવશ્ય કહી શકુ છું. હું ગુજરાતીમાં રસ લેતો થયો અને લેખન તેમજ કાવ્યમાં રસ લેતો થયો એનું કારણ એ પોતે પણ હતા. મારી જેમ એ સમયે મારી સાથે ભણતાં મારા ઘણાં સહાધ્યાયીઓ પણ લેખનમાં રસ લેતાં થયેલાં. પ્રકાશ કાયુસ નામના મારા સહાધ્યાયીએ તો એક નવલકથા લખીને પુષ્પક સરને સુધારા વધારા માટે આપી હતી એવું યાદ છે. ભાઈ અમ્રિતરાજે પણ આ વાતની પુષ્ટિ આપતી પોસ્ટ ફેસબુક પર મૂકી છે.
તેમના મૃત્યુના સમાચારથી હું ઘણો જ વ્યથિત થયો છું. હું એવું કબૂલ કરું છું કે એક પુણ્ય આત્માની જેમ અમારી પર અનોખો પ્રેમ અને આશીર્વાદ વરસાવીને એ ગયા છે.એમના મૃત્યુના સમાચાર જાણ્યા ત્યારે મને એક બાબતનો ભારે અફસોસ લાગ્યો કે શાળા છોડ્યા બાદ હું એમને ફરી કેમ મળી ન શક્યો ? કદાચ મળ્યાં હોત અને એમણે અમારી કારકિર્દી કેવી છે એ વિષે જાણ્યું હોત તો તેમને કેટલો અનહદ આનંદ થયો હોત. ખેર, જીવનમાં કેટલાક પ્રસંગો અને કેટલીક બાબતો આપણા હાથમાં હોતાં નથી. પરંતુ યાદ, સંસ્મરણો અને દુઆ એ આપણા હાથમાં હોય છે.આજે હું એમને નતમસ્તકથી બે હાથ જોડીને વંદન કરું છું અને આ શબ્દો થકી ભાવાંજલિ અર્પણ કરું છું.
🙏🙏🙏🌹🌹🌹
લિ. આપનો વિધાર્થી...
જયંતીભાઈ આઈ.પરમાર
બુલાખી માલની ચાલી,પેટલાદ
હાલ આચાર્ય, ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ
Thank you...🙏
ReplyDelete