સુનિતાની નિવૃત્તિ - અવસર ઓવારણાંનો
સુનિતા, મારી પત્ની, અમારા બાળકોની માતા, ઘરમાં ગૃહિણી પણ સેંટ ઝેવિયર્સમાં એક આદર્શ શિક્ષિકા !
જી, હા...મારા 33 વર્ષના લગ્નજીવનમાં મને અસંખ્ય વાર એવું અનુભવાયું છે કે સુનિતા મેડમ અમારા કરતાં વધારે પ્રેમ એની ફરજ થકી એની શાળાને કરે છે. આ એક ગપ્પું કે ઉપજાવી કાઢેલી વાત નથી. કે નથી સૌને સારા લગાડવાની વાત. એકદમ સત્ય અને જીવાઈ ગયેલી અનુભૂતિઓના અમે સાક્ષીઓ છીએ.
35 વર્ષની કારકિર્દીમાં 35 વાર પણ શાળામાં લેટ નહીં પહોંચી હોય ! હું મૂકવા આવું તો વહેલાં તૈયાર કરાવે અને વહેલાં નીકળી જવાનું કહે. અમારા દાંપત્યજીવનની શરૂઆતે અમે BSA સાયકલ પર સ્કૂલ જતાં. 1992 માં સ્કૂટર, પછી એક્ટીવા અને હજી હમણાં 2014 માં કાર...અને નિવૃત્તીના આ છેલ્લાં મહિનાઓમાં રીક્ષામાં...પરિવહન ભલે ગમે તે બદલાયું, પણ સ્કૂલે બીફોર ટાઈમ પહોંચી જવાની નેમ નોકરીના અંત સુધી તૂટી નથી. હું ચીખોદરા નોકરી કરતો અને એને ઉતારીને સ્કૂલે જતો તો એ અમારી સ્કૂલ ટાઈમ અલગ હોવાને લીધે, 40 મિનીટ બીફોર સ્કૂલ આવી જતી. અને શાળામય બની જતી.
એ જ રીતે સ્કૂલ છૂટે તો પણ ઘરે જવાની કોઈ જ ઉતાવળ નહીં. એને લેવા આવું ત્યારે મેં ઘણા શિક્ષકોને બેલ વાગે એ પહેલાં સ્કૂલ છોડીને ઘરે જતાં જોયાં છે. પણ એ અંતિમ હોય...એકદમ શાંતિથી પરવારીને આવે.
નોકરીની શરૂઆતના વર્ષોમાં એન્યુઅલ ડે વખતે એ છોકરાઓ પાસે પોતે કૂદી કૂદીને જે ઉત્સાહભેર અને એના પગ ફુલી જાય ત્યાં સુધીના ડાન્સ તૈયાર કરાવતી એવી ભાવના આજના આ કોરિયોગ્રાફર યુગમાં ક્યાંથી હોય ?!
આ સિવાય એની ફરજનિષ્ઠા નીચેની બાબતોમાં પણ એટલી જ જોરદાર રહી છે.
* ઘરે નિયમિત રોજીંદા પાઠ તૈયાર કરવાની વૃત્તિ,
* તમામ પેપરો પૂરેપૂરા સોલ્વ કરવાની વૃત્તિ,
* પોતાના તાસમાં સમયસર જવું, સ્કૂલનું ઈતર કાર્ય ફ્રી તાસમાં જ કરવું,
* સુપરવાઈઝર તરીકેની તમામ લાયકાતો, આવડતો અને અનુભવો હોવા છતાં શાળામાં કોઈ ડીસ્પ્યુટ ઊભો ના થાય એ માટે સુપરવાઈઝર પદની મંછા ન રાખીને પણ સુપરવાઈઝર તરીકેના ઘણાં ઘણાં કામ વધારાનો સમય આપીને કરવાં,
* તમામ આચાર્ય ફાધરો સાથે સૌહાદપૂર્ણ વ્યવહારો,
* સ્ટાફ મિત્રો સાથે હકનું હોવા છતાં છોડી દેવાની ઉદાર ભાવના,
* વર્ગને સ્વર્ગ બનાવવાની શૈલી,
* પુસ્તકિયાં જ્ઞાન ઉપરાંત અનુભવ અને આસપાસનું વધારાનું જ્ઞાન પીરસવું,
* "કોઈ વિધાર્થીને મેં નહીં પણ અમે ડોક્ટર બનાવ્યો" એવી સમૂહ ભાવના,
* શ્રેષ્ઠ કામ મેળવવા માટે "નો લોબીંગ", પણ મળે એ કામ શ્રેષ્ઠ રીતે જ કરવું એવી વિભાવના,
* અંગત સ્વાર્થ વિનાનું સૌને સાચવતું અને સૌને ગમતું સમયપત્રક બનાવવું,
* શાળાકીય અને જાહેર પરીક્ષાઓના સંચાલનમાં પ્રામાણિકતા અને કુનેહના દર્શન
* સ્ટાફ મિત્રોમાં પારિવારિક ભાવના ઊભી કરીને એકમેકના સુખ અને દુઃખમાં સહભાગી બનવા-બનાવવાનું બીડું ઝડપવું
* એની ઉપરોક્ત પ્રવૃતિથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સ્કૂલમાં ભાવાત્મક વાતાવરણ સર્જાવાથી શૈક્ષણિક અને શિક્ષણકાર્યમાં ધરખમ ફાયદો થયો હતો એમના ગૃપ પ્રત્યેની અન્યોની ઈર્ષ્યા એ સાબિત કરેલી બાબત છે.
* વળી ઘરની જેમ શાળાકીય પ્રવાસોની ટૂર મેનેજર બની કંઈ કેટલાંય વિધ્યાર્થીઓને તથા સ્ટાફ મિત્રોને સફળ અને આનંદદાયક પ્રવાસો કરાવ્યા છે.
* એના કાર્યકાળ દરમિયાન આવેલા તમામ સુકાની ફાધર્સનો વિશ્વાસ જીતીને છેલ્લે એક સફળ લીડર તરીકે ઊભરીને, સઘળી મેનેજરીયલ સ્કીલસ્ અને ગુપ્તતા જાળવીને એક સક્ષમ પ્રતિભા બની રહીને શાળાને ભરપૂર ફાયદો કરાવ્યો છે.
* શિક્ષિકા તરીકે શિસ્તબદ્ધ અને કડક છાપ એટલે સાંપ્રત સમયે વિધ્યાર્થીઓમાં વહાલાં ન બની શકેલી એ અક્ષા ગૃપમાં તથા જૂના વિદ્યાર્થીઓમાં આજે પણ એટલી લોકપ્રિય અને ચાહના ધરાવનાર શિક્ષિકા બની ચૂકી છે.
* વિધાર્થીઓને વ્હાલાં લાગવા છાવરવાને બદલે સીધું, સચોટ અને સોંસરવું ઉતરી જાય એવું અમૂલ્ય ભાથું આપતી, પરિણામે કડક અને શિસ્તબદ્ધ શિક્ષિકાની છાપ એટલે વિદ્યાર્થીઓમાં વિધાર્થી કાળ દરમિયાન ઓછી લોકપ્રિય પરંતુ કારકિર્દીના મુકામ પરથી મોંફાટ વખાણ અને પારાવાર પ્રસંશા કરતાં વિધાર્થીઓનો એક મોટો વર્ગ એની સંપત્તિ છે.
આમ આવી તો ઘણી ઘણી બાબતોમાં એનું શ્રેષ્ઠ પ્રદાન છે.
35 વર્ષના આવાં 3500 પસંગો હશે જે સુનિતાબેન મેકવાન મેડમને એક સિદ્ધહસ્ત, જન્મજાત અને સફળ શિક્ષિકા પૂરવાર કરે છે.
કર્મ યોગી અને એવી ઘણી તાલીમોમાં રીસોર્સ પર્સન અને કી રીસોર્સ પર્સન બનવાને લાયક અને પોતાના વ્યક્તિગત વિકાસ માટે આચાર્ય બનવા સુધીના અસંખ્ય અવકાશને હડસેલીને ફક્ત એક સાચા અને સંનિષ્ઠ ઝેવિયરાઈટ શિક્ષિકા બની રહેવાની એના મનસુબાને લાખ લાખ વંદન કરતાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.
" સંસ્થાએ મને શું આપ્યું એના કરતાં મેં સંસ્થાને શું આપ્યું " એવાં પ્રબળ ડેડીકેશન સાથે નિવૃત્ત થતી સુનિતાને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ...
https://youtu.be/Cm1Wtlq6Xfw?si=I29bszsT7tw45eAt
Comments
Post a Comment