બેંગલોર ડાયરી...
તારીખ ૧૨.૩.૨૫ બુધવાર થી....
તારીખ ૧૩.૩.૨૫ ગુરૂવાર હોળી...અહીં હોળી બનાવવામાં કે સળગાવવામાં આવતી નથી.
• પૂર્વભૂમિકા...
મારો દીકરો નિસર્ગ કે જે મર્સિડીઝ બેન્ઝ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્ડીયા લિમિટેડમાં 2021 થી સિનિયર એન્જિનિયર તરીકે નોકરી કરે છે અને 2022 થી બેંગલોરના વ્હાઈટ ફિલ્ડ વિસ્તારમાં રહે છે તેને ત્યાં આ વખતે પહેલી વાર આવવાનું અને આવીને રહેવાનું બન્યું. કારણ હવે હું નિવૃત્ત છું. પહેલાં નોકરી ચાલુ હોવાથી અને વેકેશન ના હોવાથી હું અહીં બેંગલોર આવી શક્યો નહોતો.
દીકરાનું ઘર...
• મારા દીકરાનું ભાડાનું ઘર બેંગલોરના વ્હાઈટ ફિલ્ડ વિસ્તારમાં ECC રોડ પર લેનાર એડિફિસ એપાર્ટમેન્ટમાં બીજા માળે આવેલું છે. આ ફ્લેટ બધી સગવડો ધરાવતું 2 BHK મકાન છે.જેનું એ મહીને રૂ 30000 ભાડું ચૂકવે છે.
• બેંગલોર વિષે એક પરિકલ્પના લઈને આવ્યો છું. મને જે મળે અને જાણે કે હું બેંગલોર જવાનો છું,તો એ એમ જ કહેતાં હતાં કે બેંગલોર તો બહુ જ સરસ, સ્વચ્છ અને હરિયાળું તેમજ ટેક સિટી છે.
• ૧૦ માર્ચ ૨૦૨૫ ના રોજ આરંભાયેલી મારી મુસાફરી...
મહેશ સ્ટેશને મૂકવા આવ્યો હતો. ટ્રેન નંબર 22497 શ્રીગંગાનગર થી તિરુચિલ્લાપલી (હમસફર) સમય 8.53 રાઇટ ટાઇમ હતી. 3 એ સી કોચ નંબર બી 10 સીટ નંબર 44 માં ગોઠવાયો. 30 કલાકની મુસાફરી બાદ બીજા દિવસે 3.15 બેંગલોરના એક સ્ટેશન ક્રિષ્નારાજપુરમ પહોંચ્યો,ઊતર્યો
• મારો દીકરો નિસર્ગ લેવા આવ્યો હતો
ટ્રેનની પેન્ટ્રી કારનું દ્રશ્ય
દિવસ ૧ ૧૨.૩.૨૫ બુધવાર
• સાંજના ચાર વાગ્યે ઘરે પહોંચીને નાહ્યો, ખાધું
• આરામ, વાતો
દિવસ ૨...૧૩.૩.૨૫ ગુરુવાર
• ફ્રી અને સામાન્ય દિવસ
• રૂટીન કામકાજ અને કામોમાં સહાય, આરામ, જમવાનું, વાતો,
• નિસર્ગ અને સાક્ષી ઓફિસ ગયા હતા
• સાંજે ઘરથી લગભગ બે કિલોમીટર Pattandur Agharhara ECC રોડ પર આવેલા અવર લેડી ઓફ લુડ્સ ચર્ચમાં હું, સુનિતા અને સાક્ષી ચાલતાં ગયા હતાં. ત્યાં અંગ્રેજીમાં ક્રૂસના માર્ગની ભક્તિ અને ખ્રિસ્તયજ્ઞ ભરીને પરત આવ્યા હતાં.અહીં દેવળમાં ફોટા પાડવાની મનાઈ છે.
ચર્ચની પાછળનો વ્યૂ
એક ટેકરી ઉપર ક્રૂસના માર્ગની ભક્તિનો પાથ
જૂનું દેવળ હોલમાં પરિવર્તિત
દેવળના પટાંગણમાં અરીઠાનું ઝાડ
દિવસ ૩...૧૪.૩.૨૫ શુક્રવાર
• સવારે 5.30 ઉઠીને દવા પીને, ચાલવા નીકળ્યો હતો.
• લેન્નાર એડિફિસથી નજીકના નલુરહલ્લી લેક વાળા રસ્તે ડાબી બાજુએ વળીને નલુરહલ્લી રોડ પર આંબેડકર ચોક અને ઉડુપી હોટલ થઈને લગભગ 3000 સ્ટેપ્સ ચાલ્યો અને ત્યાંથી પરત ફર્યો.
• ચાલતી વખતે મને અહેસાસ થયો કે ભારતના બીજા શહેરોની માફક અહીંનું તંત્ર પણ કચરા અને ગંદકીના નિકાલમાં થાકી જતું હોય એમ લાગે છે. કાંતો અહીંની કચરા નિકાલ વ્યવસ્થામાં કાંઈ ખામી કે ઉણપ જણાય છે. કે પછી ભ્રષ્ટાચાર કે પોલમપોલ હોય તો નવાઈ નહીં !? કારણ મને ઘણી બધી જગ્યાએ કચરાના ઢગલા જોવા મળ્યા હતા. સાંભળેલી વાત અને જે ઈમેજ લઈને આવેલો એ આ બધું જોતા દુઃખ અનુભવાયું.
• 11 થી 11.45 સુધી લૈઝૂને લઈને બહાર રોડ પર ઊભો રહ્યો
• અહીંની મિનરલ વોટર પાણીની વ્યવસ્થા જોઈ જેમાં અમુક અમુક જગ્યાએ ખાસ તો મજૂર વર્ગ, ગરીબ અને દલિત લોકોના નિવાસ સ્થાનની નજીક, તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મિનરલ વોટર ના હટ એટલે કે પોઇન્ટ ઊભા કરેલ છે. ત્યાંથી તમે વેચાતું પણ સસ્તું મિનરલ વોટર ખરીદી શકો છો. આવા સેલ્ફ સર્વીસ પોઇન્ટ પરના ઓટોમેટિક મશીનમાં 5 રૂ. નો સિક્કો સરકાવીને તમે લગભગ 2 થી 2.5 લીટર પાણી ભરી શકો છો.
અહીં ઘણી વાર જતાં આવતાં મેં શ્રમિકોની લાઈનો જોઈ છે. મોટા ભાગે બધા શ્રમિકોએ માટલાને બદલે 20 લીટરના કેરબા વસાવી લીધાં છે. આ કેરબા લઈને તેઓ બાઈક, સ્કૂટર,સાયકલ,રિક્ષા, ટેમ્પો જેવાં વાહનો લઈને પાણી ભરવા આવે છે. ઘણા લોકો માથા ઉપર કેરબા લઈ જતા જોવા મળ્યા છે. કરમની કઠિનાઈ એવી કે મશીન બગડે ત્યારે ઘણા લોકોના 5,10,15,20 રૂપિયા ફસાઈ જતા મેં જોયા છે. બિચારા ! કારણ આ હટ કે પોઇન્ટ આગળ કોઈ સંચાલક હોતું નથી. વળી લાઈટ જાય ત્યારે પણ ઘણા લોકોના રૂપિયા ફસાઈ જાય છે. બીજું કે 5 રૂપિયાનો સિક્કો જ ચાલતો હોવાથી અહીં આ સિક્કાની ભારે અછત જોવા મળે છે. આજુબાજુના દુકાનદારોએ આ પરિસ્થિતિનો લાભ લેવા બઝાર કરતાં મોંઘા કેરબા વેચવાનું ચાલુ કર્યું છે તેમજ 5 રૂપિયાના સિક્કા કમિશનથી આપે છે.
• સાંજે વ્હાઇટ ફિલ્ડ નજીકમાં આવેલા Nallurhalli નલુરહલ્લી તળાવ પર ફરવા, ચાલવા અને સમય પસાર કરવા માટે ગયા હતાં. ત્યાં બે કલાક જેટલો સમય પસાર કરીને કિનારા પરના એક જ્યૂસવાળા પાસેથી જ્યૂસ પીને ઘરે પરત ફર્યા હતા. ભાવ ફ્રેશ પાઈનેપલ જ્યુસ 40 રૂ અને ઓરેન્જ જ્યુસ 30 રૂ હતો.
દિવસ ૪...૧૫.૩.૨૫ શનિવાર
• મારા માટે ફ્રી અને સામાન્ય દિવસ
• નિસર્ગ અને સાક્ષી માટે શનિ રવિ વિકેન્ડનો દિવસ
• આજે બેંગલોરમાં આવેલા જોવાલાયક સ્થળોમાંથી કોઈ પણ એક કે બે સ્થળોની મુલાકાત લેવાનું પ્લાનિંગ આગલા દિવસે ચાલતું હતું. પરંતુ ગઈકાલે અચાનક સુંદણ ગામના આણંદ જિલ્લાના ગુજરાતના ફાધર રાકેશ કે જેઓ કર્મેલાઇટ ફાધર બનીને મૈસૂર અને બેંગલોરમાં સેવા આપે છે એમનું સુનીતાને આમંત્રણ મળતાં બીજા સ્થળોની મુલાકાત મુલત્વી રાખીને એમને ત્યાં જવાનું નક્કી કર્યું હતું.
• નિસર્ગનો ભાઈબંધ અજય પણ અહીં બેંગલોરમાં હોવાથી તેમજ નિસર્ગ અને ફાધર રાકેશનો ક્લાસમેટ હોવાથી એને પણ અમારી સાથે લેવાનું નક્કી થયું હતું.
• સવારે 9 વાગે તૈયાર થઈને કારમાં એમના નિવાસ સ્થાને 10 વાગે પહોંચી ગયા હતાં. અજય ડાયરેક્ટ આવ્યો હતો.
• https://maps.app.goo.gl/iFHqB7H4KnZprUxY7
• દિવ્ય સદન, કાર્મેલાઈટ હોમ, Cunningham Cross Rd, Vasanth Nagar, Bengaluru, Karnataka 560051
• ફાધર એમના ફ્લેટ ટાઈપ રેસિડન્ટ પર ત્રીજા માળે અમને લઈ ગયા, ત્યાં અન્ય 6 ફાધરો હાજર હતાં. એમાંના એક ફાધર નોએલ કે જેઓ ગોવાના છે અને ગુજરાતમાં વડોદરા ખાતે રહ્યાં હતાં તે અને ફાધર ટોની કે જેઓ ત્યાંના હેડ અને હતાં.
વસંતના વધામણાં અને રંગોનું સ્વાગત બેંગલોર સ્ટાઈલમાં
કાર્મેલાઈટ સિસ્ટરોનું ઘર, ફાધરના ધાબા પરથી
• અમારા સ્વાગત અને પરિચય કરાવ્યાં બાદ ફા રાકેશ અમને એમના ફ્લેટની બાજુ અને નજીકમાં આવેલા ક્લોઈસ્ટર્ડ કાર્મેલાઈટ સિસ્ટરના કોન્વેન્ટની મુલાકાતે ચાલતાં જ લઈ ગયા હતાં. એમની સાથે અન્ય ત્રણ ફાધર્સ પણ સિસ્ટરોની મુલાકાતે આવ્યા હતાં.
• આ કોન્વેટ 1938 માં સ્થપાયેલું છે. ત્યાં 20 જેટલાં સિસ્ટર્સ છે.આ સિસ્ટર્સ કાળો પોશાક પહેરે છે.અને કોન્વેટમાંથી ક્યાંય બહાર જતાં નથી. કોન્વેટની અંદર જ એમના સિડયુલ્ડ પ્રમાણે કામકાજ અને મોટા ભાગનો સમય પ્રાર્થનામાં ગાળે છે.
• લગભગ ત્રણ વીંઘામાં સ્થાપિત આ કોન્વેટમાં એક દેવળ, સિસ્ટરના રેસિડન્સ અને અન્ય બાંધકામ તથા ખુલ્લી જગ્યામાં ફળફળાદિ અને બાગકામ માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે.
• ફાધરે અગાઉથી સિસ્ટર સુપિરિયરની રજા મેળવી હોવાથી અને 10.30 વાગે એમની સાથે મુલાકાત નક્કી હોવાથી એ મળે ત્યાં સુધીમાં ફાધર અમને ત્યાંના ચર્ચની મુલાકાતે લઈ ગયા. અતિ પવિત્ર, શાંત અને ઠંડકવાળા આ સો માણસની કેપીસીટી વાળા કાર્મેલાઈટ ચર્ચને જોઈને અમે અભિભૂત થઈ ગયા હતા. આ ચર્ચની ખાસિયત એ હતી કે અહીં જ્યારે મિસ થાય ત્યારે કાર્મેલાઈટ સિસ્ટરો ખુલ્લા ચર્ચમાં આવતાં નથી. પણ વેદીના જમણે ખૂણે જાળીમાંથી mass એટેન્ડ કરે છે અને ત્યાંથી જ ડ્રોઅરમાંથી કોમ્યુનન ગ્રહણ કરે છે.
• અહીં સિસ્ટરોની સાથે કોઈ રહેતું નથી. બે લેડીઝ કામકાજ અને સહાય માટે રાખેલ છે. બાજુના ફ્લેટમાં રહેતા ફાધર્સ એમને બહારથી કાંઈ લાવવું હોય કે અન્ય સર્વીસની જરૂર હોય તો એ તેમજ મિસ વગેરે કરી આપે છે.
• લગભગ નિર્ધારિત સમય કરતાં થોડી મોડી પણ અમારી મુલાકાત નો સમય આવી ગયો. એક નાની રૂમમાં મજબૂત જાળી મારેલી હતી. અને એમાંથી ભાગ્યે જ સિસ્ટરન મોં જોઈ શકાય. જાળીની નીચે એક ડ્રોઅરમાંથી વસ્તુની આપલે માટેની વ્યવસ્થા હતી. આઠ દસ ખુરશીઓ ગોઠવેલી હતી. ફાધર અમને એ મીટિંગ રૂમમાં લઈ ગયા.જાળીને પેલી બાજુ બધા સિસ્ટર્સ અમારી સાથે વાત કરવા એકત્ર થયા હતા.
• એકબીજાનું અભિવાદન કર્યા બાદ ફાધરે અમારો પરિચય એમને કરાવ્યો હતો. બધા સિસ્ટર્સ અમને મળીને ખુશ લાગતાં હતાં. સિસ્ટરોએ એમની દિનચર્યા, ભક્તિ અને પ્રાર્થના, એમના જીવન, સંઘની સ્થાપના, એમની પ્રવૃત્તિઓ વિષે વિસ્તારથી વાતો કરી. અમે પૂછેલા પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. એમની સાથે વાતો કરીને અમે અભિભૂત થઈ ગયાં હતાં. સિસ્ટર્સ પણ ખુશ થઈ ગયા હતા. સુનિતાએ ડ્રોઅરમાં રૂ 2500 દાન પેટે મૂક્યાં હતાં.
• લગભગ અડધા કલાકની મુલાકાત બાદ બધા સિસ્ટર્સ અંદર અદ્રશ્ય થઈ ગયા હતા.અમને ચા કોફી પીવડાવવાની વ્યવસ્થા પણ એમણે કરી હતી. એમણે બનાવેલી વસ્તુઓમાંથી થોડી અમે ખરીદી હતી.
ઈતિહાસ
• મુલાકાત પતાવીને પાછા અમે ફાધરના રેસિડન્ટ દિવ્ય સદન આવ્યા હતાં. ત્યાં ફાધરે અમારા માટે ભાત, ફ્રાઈડ ચીકન, મિક્સ સબ્જી,રસમ અને કચુંબર બનાવડાવ્યા હતા તે જમ્યાં હતાં. તેમજ જમ્યાં પછી કેરી અને કેળાં પણ ખાધાં હતા.
• જમીને ફાધર રાકેશ પરમાર અમને બેસિલિકા ઓફ સેન્ટ મેરીસ ચર્ચ
XJM3+QQ3, MF Norrona St, Shivaji Nagar, Bengaluru, Karnataka 560051
• ખાતે લઈ ગયા હતાં.
• અહીંનું ચર્ચ ઘણું પ્રખ્યાત અને શ્રદ્ધાભાવ વાળું લાગ્યું. દેવળનો ઊંચો મિનારો અને દક્ષિણ ભારતની બાંધકામ શૈલીથી આ દેવળ પ્રભાવિત લાગ્યું. બેંગલોર જેવા મેટ્રોપોલિટન સિટીમાં સાંકડા રસ્તા પર આવેલા ખૂબ મોટા નહીં એવાં આ ચર્ચમાં ભક્તોની ભારે ભીડ અને અવરજવર લાગી હતી. પવિત્ર મારિયાને સમર્પિત આ ચર્ચામાં ભક્તો માતાજીનો આભાર માનવા, માનતા પૂરી કરવા અને માતાજીનો આશીર્વાદ લેવા આવતાં હતાં એવું જોવા મળ્યું.
• અમે ચર્ચમાં જઈ,પ્રાર્થના કરી, ચર્ચની બાજુમાં બનાવેલા માતાજીના કોરીડોરમાં પ્રસ્થાપિત માતાજીના, બાળ ઈસુના આશીર્વાદ મેળવ્યાં.
• ચર્ચ પરિસરમાં અમુક લોકો ભક્તોને પાવ વહેંચી પુણ્ય મેળવતાં કે માનતા પૂરી કરતાં માલૂમ પડ્યા. તથા અમુક લોકો ભૂખ્યા લોકો માટે ભોજન પીરસતા જોવા મળ્યાં હતાં.
• આવનારા સ્થાનિક ભક્તો મીણબત્તી સળગાવીને તથા ફૂલો ચઢાવીને પૂજા અર્ચના કરતાં જોવા મળ્યાં હતાં.
• લગભગ કલાક સુધી ત્યાં રોકાઈને, માતાજીનો આભાર માનીને તથા એમના આશીર્વાદ મેળવીને ત્યાંથી ઘરે પરત જવા રવાના થયાં.
દિવસ ૫...૧૬.૩.૨૫ રવિવાર
• ફ્રી અને સામાન્ય, પરંતુ ચર્ચમાં જવાનો દિવસ
• સંતાનો માટે વિકેન્ડનો દિવસ
• આગલા દિવસે નક્કી કર્યા મુજબ આજે બ્રધર પ્રતિકની મુલાકાત લેવા સેંટ પીટર સેમિનરીમાં જવાનું હતું
• સવારે અવર લેડી ઓફ લુડ્સ ચર્ચમાં 7 વાગ્યાની માસમાં અમે બધા ગયા હતા.
• આજે પણ અજય અડાસ અમારી સાથે આવવાનો હોઈ એ રીક્ષામાં અમારા ઘરે આવી ગયો હતો
• Christ The King Public School St. Peter’s Pontifical Seminary, CHRIST THE KING PUBLIC SCHOOL, 61, 8th Main Rd, Malleshwaram, Bengaluru, Karnataka 560055
• એક કલાકની મુસાફરી બાદ અમે સેંટ પીટર પોન્ટીફીકલ સેમિનરીમાં 10.30 ની આસપાસ પહોંચ્યા હતાં.
• ત્યાં બ્રધર પ્રતિકે પહેલાં અમારું સ્વાગત કરીને પાર્લરમાં બેસાડ્યાં.પછી એમની પ્રોફીટરીમાં ચા નાસ્તા માટે લઈ ગયા. પછી પહેલાં થિઓલોજી ઇન્સ્ટિટ્યૂટ અને બાદમાં ફિલોસોફી ઇન્સ્ટિટ્યૂટ બતાવ્યા. 1937 થી ફાધરોને તૈયાર કરતી આ વિશાલ, શાંત, હરિયાળી, પવિત્ર સેમિનરી જોઈને અમે બધા ઘણાં જ અભિભૂત થઈ ગયાં હતાં.
• બ્રધરના જણાવ્યાં મુજબ આ સંસ્થાએ અત્યાર સુધીમાં 2500 કરતાં વધારે ફાધરને તૈયાર કરીએ દેશને, સમાજને અને ચર્ચને સમર્પિત કર્યા છે. આ સંસ્થા ડાયરેક્ટ રોમ સાથે સંકળાયેલી છે. એની સ્થાપના ફ્રેન્ચ ફાધરોએ કરેલ હતી. હાલના નવા બિલ્ડીંગ 1960માં પત્થરોથી બનેલ છે. આ સ્થળે દક્ષિણ ભારતની ઘણી ફિલ્મો અને સિરિયલોના શૂટિંગ થાય છે. હાલમાં આ ઇન્સ્ટિટ્યૂટમાં 55 જેટલા બ્રધર્સ થિઓલોજીનો અને 85 જેટલા બ્રધર્સ ફિલોસોફીનો અભ્યાસ કરી રહ્યાં છે.
• બ્રધર પ્રતિક મૂળ પેટલાદ, જીલ્લો આણંદના વતની છે અને અમદાવાદ ડાયોસિસન ફાધર બનવા જોડાયેલ છે. એમણે બિશપ રત્નાસ્વામીની ભલામણથી સાઉથની આ સેમિનરીમાં અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતાં. તેઓ લગભગ બે વર્ષથી અહીં છે. હાલમાં જ એમની પરીક્ષાઓ પૂર્ણ થતાં એ ફ્રી હોવાથી અમને આમંત્રણ આપ્યું હતું. તેઓ સ્વભાવે ખૂબ જ સરળ અને નમ્ર છે. સિંગલ કાઠીના માણસ છે. એમના પ્રયત્નો થકી અમને આ જગ્યા જોવાનું સદભાગ્ય સાંપડ્યું.
• સેમિનરીમાં એમનું શિડયુલ્ડ, નિત્યક્રમ, પ્રાર્થનાઓ, શિક્ષણ, તાલીમ, પરીક્ષાઓ અને લોકોની વચ્ચે કામ કરવાના અનુભવોની વાતો સાંભળવા મળી.
• આ સંસ્થાના મુખ્ય કહી શકાય એવા રેકટર ફાધર રિચાર્ડ બ્રિટોની પણ એમણે મુલાકાત કરાવી. એમના આગ્રહ અને માનમાં અમને ફિલોસોફી પ્રીફેક્ટરીમાં જ્યાં પ્રોફેસર ફાધર્સ જમે છે ત્યાં લંચ લેવાનો લાહવો મળ્યો. મેનૂમાં પોર્કનું મટન અને સાઉથ ઈન્ડિયન વાનગીઓ અમને આનંદ કરાવી ગયા.
• સેંટ પીટર પોન્ટીફીકલ સેમિનરીના વિશાળ કેમ્પસમાં એક છેડે ડાબી બાજુએ ફાધર સંચાલિત સ્કૂલ અને ચર્ચ આવેલા છે. બીજે છેડે જમણી બાજુએ સિસ્ટર્સ સંચાલિત સ્કૂલ છે. આ સિવાય સિસ્ટર્સના રેસીડન્સ, મુખ્ય ઇમારતની પાછળ પિગેરી, બે મોટા પ્લે ગ્રાઉન્ડ્સ, ખુલ્લી જગ્યામાં ખૂબ જ વૃક્ષો, કોફીનું પ્લાન્ટેશન,ઇમારતની આગળની બાજુએ ગાર્ડન,ખૂબ જૂના વૃક્ષો, ફણસ, અવકાડો નાળિયેર વગેરે આવેલા છે.
• આખા સેન્ટરનું મુખ્ય આકર્ષણ એ અત્રે બનાવેલું બાઈબલ મ્યુઝિયમ છે. એવું કહેવામાં આવે છે આ મ્યુઝિયમ એશિયાનું સર્વપ્રથમ અને એકમાત્ર મ્યુઝિયમ છે. અહીં દુનિયાની લગભગ તમામ ભાષાના બાઈબલો સંગ્રહિત છે. ઉપરાંત યહુદીઓનો ધર્મગ્રંથ THORA થોરા અને એક પેજમાં સમાવિષ્ટ બાઈબલ પણ છે. આ ઉપરાંત અત્રે નિવાસ કરીને અભ્યાસ કરી ગયેલા બ્રધર્સ દ્વારા બનાવવામાં આવેલા બાઈબલ આધારીત અલગ અલગ પ્રસંગો નાના નાના પૂતળાંથી પ્રદર્શિત કરેલ છે. આ મ્યુઝિયમ જોઈને અમે બધા આશ્ચર્યચકિત અને અભિભૂત થઈ ગયાં હતાં. વિઝિટર્સ નોટમાં નોટ પણ મૂકી હતી.
સેંટ પીટર પોન્ટીફીકલ સેમિનરી ચેપલ
TESCO કંપની
શ્રી સત્ય સાઈ હોસ્પિટલ સ્ટેશન
શ્રી સત્ય સાઈ હોસ્પિટલ
બસ વ્યવસ્થા અને ઇંતેજારી
થડમાં ઊગતા ફૂલોનું ઝાડ
મર્સિડીઝ બેન્ઝ મેઈન રોડ પરથી
Comments
Post a Comment