અડાસનું શહીદ સ્મારક.

ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા અડાસ ગામે ૧૮મી ઓગષ્ટ ૧૯૪૨ ના રોજ શહાદતનો ઈતિહાસ સર્જ્યો હતો. જલિયાંવાલા બાગ હત્યાકાંડ ની નાની આવૃત્તિ સમી આ ઘટના હજુ પણ લોકોના હ્રદયમાં કંડારાયેલી છે. આઠમી ઓગસ્ટે ગાંધીજીએ પ્રવચન આપેલું અને એમાં અંગ્રેજ સરકારને 'હિન્દ છોડો' નું આદેશ આપેલો સાથે ભારતની જનતાને ' કરેંગે યા મરેંગે' નો મંત્ર આપ્યો. પછી તો પૂછવું જ શું? ગામેગામ અને શહેર શહેરમાં ગાંધીજીનો આ સંદેશો પહોંચાડવા માટે નવલોહિયા જુવાનિયાઓ લોકોમાં ઉત્સાહ પૂરવા અને જાગૃત કરવા ફરવા માંડ્યા. એમાં વડોદરા યુનિવર્સિટી માં અભ્યાસ કરતા પાંચ જુવાનિયાઓ પણ કે જેમની મૂછો હજુ હમણાં જ ફૂટી હતી એ પણ આ ચળવળમાં જોડાયા. એ લોકો વડોદરાથી કૂચ કરતા બાજવા ગયા અને ત્યાંથી ગાડીમાં બેસી નાવલી ગયા. નાવલીથી તેઓ ચાલતા વડોદ ગયા. ત્યાં તેઓ પોલીસની નજરે ચડ્યા અને સુત્રોચ્ચાર કરતા અને પત્રિકાઓ વહેંચતા તેઓ સૌ ત્યાંથી ગોપાલપુરા અને જહાંગીરપુરા થઈ આણંદની ઈન્સ્ટીટ્યુટ ઓફ એગ્રિકલ્ચરમાં પહોંચ્યા. કેટલાક યુવાનો આણંદ શહેરમાં પણ ગયા. આમ બધે ક્રાંતિનો સંદેશો ફેલાવતા બપોર બાદ તેઓ આણંદથી પાછા વડોદ આવી પહોંચ્યા. વડોદની ભાગોળે એક ખેડૂ...