અડાસનું શહીદ સ્મારક.
ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા અડાસ ગામે ૧૮મી ઓગષ્ટ ૧૯૪૨ ના રોજ શહાદતનો ઈતિહાસ સર્જ્યો હતો. જલિયાંવાલા બાગ હત્યાકાંડ ની નાની આવૃત્તિ સમી આ ઘટના હજુ પણ લોકોના હ્રદયમાં કંડારાયેલી છે.
આઠમી ઓગસ્ટે ગાંધીજીએ પ્રવચન આપેલું અને એમાં અંગ્રેજ સરકારને 'હિન્દ છોડો' નું આદેશ આપેલો સાથે ભારતની જનતાને ' કરેંગે યા મરેંગે' નો મંત્ર આપ્યો. પછી તો પૂછવું જ શું? ગામેગામ અને શહેર શહેરમાં ગાંધીજીનો આ સંદેશો પહોંચાડવા માટે નવલોહિયા જુવાનિયાઓ લોકોમાં ઉત્સાહ પૂરવા અને જાગૃત કરવા ફરવા માંડ્યા. એમાં વડોદરા યુનિવર્સિટી માં અભ્યાસ કરતા પાંચ જુવાનિયાઓ પણ કે જેમની મૂછો હજુ હમણાં જ ફૂટી હતી એ પણ આ ચળવળમાં જોડાયા. એ લોકો વડોદરાથી કૂચ કરતા બાજવા ગયા અને ત્યાંથી ગાડીમાં બેસી નાવલી ગયા. નાવલીથી તેઓ ચાલતા વડોદ ગયા. ત્યાં તેઓ પોલીસની નજરે ચડ્યા અને સુત્રોચ્ચાર કરતા અને પત્રિકાઓ વહેંચતા તેઓ સૌ ત્યાંથી ગોપાલપુરા અને જહાંગીરપુરા થઈ આણંદની ઈન્સ્ટીટ્યુટ ઓફ એગ્રિકલ્ચરમાં પહોંચ્યા. કેટલાક યુવાનો આણંદ શહેરમાં પણ ગયા. આમ બધે ક્રાંતિનો સંદેશો ફેલાવતા બપોર બાદ તેઓ આણંદથી પાછા વડોદ આવી પહોંચ્યા. વડોદની ભાગોળે એક ખેડૂત ભાઈએ તેમને સમાચાર આપ્યા કે કેટલીક લાઠીધારી અને બંદૂકધારી પોલીસ તેમની તપાસમાં છે, અને તમારી પૂછપરછ કરતા હતા માટે નાવલી ન જશો. ખેડૂતભાઈએ આ કુમળા જુવાનોને જોઈ દયાથી પ્રેરાઈ તેમને પોતાને ત્યાં રોકાઈ જવા કહ્યું પરંતુ યુવાનોને તો તે દિવસે પાછા વડોદરા પહોંચવું જ હતું. એટલે તેઓ સૌ નાવલી ન જતા ત્યારપછીના સ્ટેશન તરફ ઉપડ્યા. તેઓ સૌ અડાસથી વડોદરા જવા ગાડી પકડવા ઈચ્છતા હતા પરંતુ સ્ટેશન થોડું દૂર રહ્યું ત્યાં (સૌરાષ્ટ્ર એક્સપ્રેસ) ગાડી સ્ટેશન ઉપર આવી ગઈ હતી. તેમની પાછળ પડેલા પોલીસોએ ગાડીમાંથી યુવાનોને જોયા કે તરત તેઓ ગાડીમાંથી પાટા ઉપર કૂદી પડ્યા અને રેલવે લાઈનની તારની વાડ ઓળંગી આ નવયુવાનોને ખેતરમાં આંતર્યા લાઠીઓ અને બંદૂકો તાકતાં બધા નવયુવાનો નીચે બેસી ગયા. પછી ? પછી શું? ખૂબ બધો લાઠીમાર, બંદૂકના અધધ ગોદાઓ અને ભયંકર બિભત્સ ગાળોનો વરસાદ. એ પણ કોઈપણ જાતની પૂછપરછ કે ચેતવણી કે જાણ કર્યા વિના જ. એ દૂધમલ જુવાનિયાઓ ને ગોળીથી વિંધી નાખ્યા. મોડી રાત સુધી આ જુવાનિયાઓ ત્યાં પડ્યા રહ્યા. ગામમાં જાણ થઈ ગઈ હતી. પણ પોલીસે ગામલોકોને ઘરની બહાર જ ન નીકળવા દીધાં. આથી કોઈપણ જાતની મદદ વિના પાણી... પાણી... માંગતા આ જુવાનિયાઓમાંથી ત્રણ જણ તો ત્યાં જ શહીદ થઈ ગયા. એ શહીદો શ્રી રતિલાલ ગોરધનભાઈ પટેલ, શ્રી રમણલાલ પુરુષોત્તમદાસ પટેલ, શ્રી મોહનલાલ મગનલાલ પટેલ હતા. છેક મધરાતે બધાને એક માલગાડીમાં નાખીને આણંદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. ત્યાં પણ ફકત દેખાવા પૂરતું જ લાવેલા. કોઈ જ સારવાર એમને આપવામાં ન આવી. આથી બીજે દિવસે શ્રી તુલસીદાસ સાંકળચંદ મોદી અને ત્યારબાદ શ્રી મણીલાલ પુરૂસોત્તમદાસ શહીદ થયા. પોલીસે માનવતા નેવે મૂકી દીધી હતી. યાદ રહે પોલીસમાં અંગ્રેજ નહિ પણ આપણા ભારતીય લોકો જ હતા. નોકરી અંગ્રેજોની કરતા હતા.
તો આમ આ પાંચેય દૂધમલ જુવાનિયાઓને આજે આપણે યાદ કરીએ અને એમને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ.
આ વીર શહીદોની યાદમાં અડાસ રેલ્વે સ્ટેશન પર શહીદ સ્મારક બનેલું છે. દર વર્ષે આજના દિવસે અડાસની સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ત્યાં પહોંચી ને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
(૧) શ્રી રતિલાલ ગોરધનભાઈ પટેલ, ભાદરણ ઉ.વ. ૨૩ વર્ષ
(૨) શ્રી રમણલાલ પુરુષોત્તમદાસ પટેલ, ધર્મજ ઉ.વ. ૨૦ વર્ષ
(૩) શ્રી મોહનલાલ મગનલાલ પટેલ, દહેગામ ઉ.વ. ૨૦ વર્ષ
(૪) શ્રી તુલસીદાસ સાંકળચંદ મોદી, બાલાસિનોર, ઉ.વ. ૨૧ વર્ષ
(૫) શ્રી મણીલાલ પુરુષોત્તમદાસ, ચાણસ્મા ઉ.વ. ૨૦ વર્ષ
આપ સૌ પણ આ શહીદ સ્મારક ની મુલાકાત લઈ શકો છો. ઉપરોક્ત નામો તમે શહીદ સ્મારક પર કોતરેલા જોઈ શકશો. સૌથી ઉપર ગાંધીજીનું ચિત્ર કોતરેલું છે.
હું જ્યારે નાની હતી ત્યારે તો સ્મારકની આસપાસ ખૂબ બધાં વૃક્ષો હતાં એ દ્રશ્ય જોયેલું. બેસવા બાંકડાઓ પણ હતાં. ત્યાં દરરોજ સાંજે અમે બાળકો રમવા જતાં. ખૂબ શાંત વાતાવરણ લાગતું અને જ્યારે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ આવે ત્યારે મારી શારદાએ કહેલી બધી વાતો યાદ આવતી. એ હંમેશાં કહેતી કે આ એ જ સૌરાષ્ટ્ર ગાડી છે જેમાં પેલા વીર છોકરાઓ આવેલા અને અહીં આ ખેતરોમાં એમને ગોળીઓ મારવામાં આવી હતી. શહીદોની કહાની સાંભળી એક જાતનું લખલખું પસાર થઇ જતું શરીરમાં અને આપણા દેશના એ વીર શહીદો માટે ગૌરવથી માથું ઊંચું પણ થઈ જતું. અત્યારે એ જગ્યાએ જવાનું તો થાય છે પણ શાંતિ નથી લાગતી. વૃક્ષોની હરિયાળી ગાયબ થઈ ગઈ છે. શહીદ સ્મારકની આગળ વૃક્ષોની જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટની છત ઊભી કરી દેવામાં આવી છે. બાંકડાઓ તો છે પણ આંખોને મળતી ઠંડક બિલકુલ ગાયબ છે. ટ્રેનોની આવનજાવન વધી ગઈ છે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના કાળા ભમ્મર પાડા જેવા એન્જિનનો ધૂમાડો અને એનો ભભૂચક ભભૂચક અવાજ ગાયબ છે. એની જગ્યાએ ઈલેક્ટ્રિક એન્જિન અને આધુનિક ટ્રેન રોજ એ પાટા પર જોવા મળે છે. નથી જોવા મળતા તો એવા વીર સપૂતો અને એ ટ્રેન! દરેકને પોતાની સમસ્યા હાથી કરતાં ય મોટી લાગે છે અને દેશની સમસ્યાઓ કોઈને મન કંઈ છે જ નહીં! આઝાદી તો મળી છે પણ વીર શહીદોએ જેવી વિચારી હશે એનાથી વિપરીત! જાતપાત, ઊંચનીચ અને કહેવાતા ધર્મની જંજીરોથી જકડાયેલ રક્તપાત કરતી અવૈજ્ઞાનિક અને અમાનવીય વિચારોની ગુલામ અત્યારની પ્રજા સાચી આઝાદી ક્યારે મેળવશે એ તો કોણ જાણે! 🙏
Comments
Post a Comment