પુરૂષ એટલે ? Man पुरुष

 *અવશ્ય વાંચજો, બહુ જ સમજવા જેવું છે.*   

 *પુરૂષ : સાત રંગોનું મેઘધનુષ..*

*લેખિકા : એશા દાદાવાલા..*

*એક સ્ત્રી માટે પુરૂષ શું હોઇ શકે ?*👇🏻

*તમારા નામની પાછળ લખાતું દીવાલ જેવું અડીખમ નામ? હાથમાં દર મહિને આવી જતી ઘરખર્ચની રકમ? તમારાં સંતાનોનો પિતા? સમય કરતાં વહેલા ભરાઇ જતા લોનના હપ્તા? સોલિટેરની ગિફ્ટ? લાઇફ ઇન્શ્યોરન્સ, મેડિક્લેઇમનાં પ્રીમિયમ્સ વચ્ચે વહેંચાઇ જતો, તમારા નામે રોકાણ કરતો અને તમને સલામતી આપવા લોહી-પાણી એક કરીને પોતે કમાયેલું ઘર તમારા નામે કરી દેતો એક મર્દ????*

 *પુરૂષ શું છે?*

*પિતા? પ્રેમી? પતિ? કે દોસ્ત?*

 *પુરૂષ એક મેઘધનુષ છે. એની પાસે સાત રંગ છે...*

*અને એ સાતેય રંગ દ્વારા એ તમારા જીવનમાં ઢગલાબંધ રંગ ઠાલવતો રહે છે.*

*પુરૂષના આ સાત રંગ છે : સલામતી, સ્વીકૃતિ, સંવેદના, સહકાર, સમર્પણ, સંગાથ અને સંવાદ.*

*પુરૂષ એ સલામતી છે. અડધી રાત્રે તમને ઘરે મૂકવા આવે એ પુરૂષ નથી, પણ જેના સાથે હોવા માત્રથી તમારા દરેક ડર પૂંછડી દબાવીને ભાગી જાય એ પુરૂષ છે. આર્થિક રીતે સ્વતંત્ર સ્ત્રી પોતાની માલિકીના ઘરમાં સલામતી મહેસૂસ કરતી નથી, પણ ગમતા પુરૂષની છાતી વચ્ચે એ પોતાની જાતને સૌથી વધારે સલામત મહેસૂસ કરતી હોય છે. સ્ત્રી આખી જિંદગી સલામતી ઝંખતી રહે છે અને પુરૂષ લાગણીઓથી લઇને લગ્ન સુધીની બધી જ સલામતી એને આપતો રહે છે. પોતે ખરીદેલું ઘર કે ઓફિસ સ્ત્રીના નામે કરી દેતી વખતે એને ક્યારે પણ એવો વિચાર આવતો નથી કે એ દગો દઇને જતી રહેશે તો? એ સલામત થવામાં નહીં, પણ સલામતી આપવામાં માનતો હોય છે.*

*પુરૂષનો બીજો રંગ છે સ્વીકાર. સ્ત્રી જેટલી સરળતાથી સ્વીકાર કરી શકે છે. એના કરતાં પણ પુરૂષો માટે કોઇ પણ વાત કે પરિસ્થિતિનો સ્વીકાર વધારે સહેલો હોય છે. પત્ની પતિની નાની-નાની વાતને ગાઇ-વગાડીને મોટી કરી શકે છે, પણ પત્નીની નહીં ગમતી વાતોને એ પોતાની છાતીમાંથી ક્યારેય બહાર નીકળવા દેતો નથી. કશું પણ બદલી નાખવાના વિચારોને અમલમાં મૂકવા કરતાં એને સ્વીકારી લેવાનો રસ્તો એને હંમેશાં સહેલો લાગે છે.*

*પુરૂષનો ત્રીજો રંગ છે સહકાર. આ એનો સૌથી મોટો ગુણ છે. એક સ્ત્રી બીજી સ્ત્રીને સહકાર આપવાની વાત આવે ત્યારે પીછેહઠ કરી લેતી હોય છે. પુરૂષ આવું કરતો નથી. બીજા પુરૂષને મદદ કરવાની વાત આવે ત્યારે એ પાછળ હટી જતો નથી. એ સહકારમાં માને છે.*

*પુરૂષનો ચોથો રંગ છે સંવેદના. એની પાસે પણ ભરપૂર સંવેદનાઓ હોય છે. સવાલ એટલો જ છે કે એ રડીને, એને વ્યક્ત કરતો નથી. દીવાલ પર વીંટળાયેલી વેલની માફક આ સંવેદનાઓ આખી જિંદગી એની છાતી સાથે વીંટળાયેલી રહે છે અને કોઇની પણ જાણ બહાર પુરૂષ એને લીલીછમ રાખવાના પ્રયત્નો કરતો રહે છે.*

*પુરૂષનો પાંચમો રંગ છે સમર્પણ. આપણે એવું માનતા આવ્યા છીએ કે, સ્ત્રી સૌથી વધારે સમર્પિત હોય છે. આ વાત સાચી છે, પણ એનો અર્થ એવો નથી કે પુરૂષો સમર્પિત હોતા નથી. સ્ત્રીનાં કમિટમેન્ટ કરતાં પુરૂષનું કમિટમેન્ટ વધારે પાક્કું અને ઘટ્ટ હોય છે. ‘આ બધું છોડીને ક્યાંક ભાગી જવું છે’ એવું સ્ત્રી અનેકવાર કહેતી હોય છે. પુરૂષ આવું બોલતો નથી. એ વિના બોલે જવાબદારીઓ નિભાવતો રહે છે.*

*પુરૂષનો સૌથી મહત્ત્વનો રંગ છે સંવાદ અને સંગાથ. સડી ગયેલા સંબંધમાં શ્રદ્ધા રાખીને એ છેલ્લે સુધી સંગાથ જાળવી રાખે છે. સ્ત્રી અબોલા લઇ શકે છે, પણ પુરૂષ માટે અબોલા સહેલા નથી હોતા. એનો ગુસ્સો ઓગળી જાય પછી સંવાદ એના માટે શ્વાસ જેટલો જરૂરી થઇ જતો હોય છે.*

*‘જેન્ટલમેન કિસે કહેતે હૈ...'* *આયુષમાન ખુરાનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. દુનિયાભરમાં સેંકડો સ્ત્રીઓએ મી-ટૂ કહ્યું. સંબંધમાંથી ફાયદો લઇ લીધા બાદ પોતાનો ઉપયોગ થયો છે. એવું ગાઇ-વગાડીને ચીસો પાડનારી સ્ત્રીઓ સામે એક પણ પુરૂષે પોતે જાણ્યે-અજાણ્યે સીડી બન્યાની ફરિયાદ ન કરી, કારણ કે પોતે લીધેલા નિર્ણયોની સંપૂર્ણ જવાબદારી સ્વીકારવાની ત્રેવડ મોટા ભાગના પુરૂષોમાં હોય છે. પોતે કરેલાં સમાધાનોને ગાઇ-વગાડીને કહેવાનું એમને માફક આવતું નથી.*

*પુરૂષ ખુલ્લે આમ રડી શકતો નથી. ‘શયનેષુ રંભા, ભોજયેષુ માતા’ જેવો કોઇ શ્લોક એના માટે બન્યો નથી એટલું જ, બાકી એ પણ એના હિસ્સાનો રોલ નિભાવતા હાંફી જતો હોય છે, તમારી જેમ જ. એણે ઘરમાં વાસણ માંજવાનાં હોતા નથી. રસોઇ બનાવવાની હોતી નથી. એણે ઓફિસે જવાનું હોય છે. ઢગલાબંધ વાવાઝોડાં સામે અડીખમ ઊભા રહેવાનું હોય છે. ઓફિસમાં રમાતા રાજકારણની સુનામીઓ વચ્ચેથી ભીના થયા વિના પસાર થવાનું હોય છે. એને પિરિયડ્સ આવતા નથી. કમર કે પગના દુખાવાની ફરિયાદ એ વારે-વારે કરતો નથી. દોસ્તો સાથેની એની વાતમાં કેન્દ્રસ્થાને પત્ની, સાસુ, સસરા કે સાળો હોતા નથી.*

*એની પણ પોતાની ઇચ્છાઓ હોય છે. એની આંખો પણ સપનાંઓ જુએ છે. આ બધું હું શું કામ વેંઢારું ? એવો સવાલ એને પણ થતો હોય છે, પણ એ ચૂપ રહે છે. સપનાંઓ શૉપિંગ મૉલમાં વેચાતાં મળતાં નથી કે ઇચ્છાઓની કોઇ દુકાનો હોતી નથી, એવું એ જાણતો હોવા છતાં ગજવામાં તમારાં સપનાંઓ અને ઇચ્છાઓનું લાંબું લિસ્ટ લઇને આખો દિવસ ફરતો રહે છે.*

*ઇશ્વરે એનું સર્જન કર્યું ત્યારે દુનિયાભરની હિંમત એની અંદર ઠાંસી-ઠાંસીને ભરી દીધી છે એવું નથી. અંધારાનો ડર એને પણ લાગતો જ હોય છે અને તોય તમારો હાથ પકડીને એ હિંમતથી કહી શકે છે કે ડરતી નહીં. સંજોગોથી એ પણ ડરી જતો હોય છે. મુશ્કેલીઓ સામે એને પણ ફફડાટ થતો હોય છે અને તોય નિર્ણયો લેવાની જવાબદારીમાંથી મુક્ત થયા વિના તંગ દોરડા પર સતત ચાલતો રહે છે. એ ગજબ છે.*


*પોતાની છાતીમાં મેઘધનુષ લઇને ફરતા પુરૂષને સમજવાનું તો અઘરું જ છે, પણ એના રંગોનો સ્વીકાર પણ મુશ્કેલ છે. મેઘધનુષ દેખાય એના માટે માપસરનો વરસાદ જોઇએ. સ્ત્રીઓએ આ એક જ વાતને સમજવાની જરૂર છે.*


*Proud To Be A Man.*

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...