શિક્ષણની સમસ્યા વિષે...
આખી શિક્ષણ વ્યવસ્થામાં વિદ્યાર્થીનું હિત ક્યાંય દેખાતું નથી …
રવીન્દ્ર પારેખ
28 July 2023
એ ખરું કે ગુજરાતમાં શિક્ષણ વિભાગ છે, પણ તેના હોવાથી કેવળ અરાજકતા જ ફેલાઈ છે. એ બે કામ મુખ્યત્વે કરે છે. એક, પરિપત્રો મોકલવાનું અને બે, ડેટા ક્લેક્ટ કરવાનું. ખરા ખોટા આંકડા પરથી બધું બરાબર ચાલે છે એમ માનીને તે પોરસાય છે. એ ઉપરાંત તેના અધિકારીઓ, મંત્રીઓ રોજ કોઈને કોઈ તુક્કાઓ, યોજનાઓને નામે તરતા મૂકે છે ને ઘેટાં જેવા તેનાં શિક્ષણાધિકારીઓ, આચાર્યો, શિક્ષકો નીચું જોઈને તેનો અમલ કરવામાં ધન્યતા અનુભવે છે. કોઈને એમાં કશું અજુગતું લાગતું નથી. આ દાયકાની સૌથી મોટી સફળતા એ છે કે કોઈને, કોઈ સવાલ જ નથી થતો. યુનિયનો ક્યારેક પગાર વધારાને મામલે કાળી પટ્ટી પહેરીને વિરોધનો ફણગો ફોડે છે, પણ પછી બધું શાંત થઈ જાય છે. તેમનો પોતાનો જ ગુનાહિત ભાવ એવો છે કે બીજી નોકરીના કલાકો કરતાં તેઓ ઓછો સમય સંસ્થામાં આપે છે, એટલે શિક્ષણેતર કામો સોંપાય છે, તો નીચું ઘાલીને વસ્તી ગણી આવે છે કે રસી મૂકી આવે છે. એમને કારકૂનીનો વાંધો નથી, ભણાવવાનો છે, એટલે શિક્ષણ વિભાગ પણ એમની પાસેથી કારકૂની જ કરાવે છે. કારકૂનો અંગ્રેજોને જ જોઈતા હતા એવું નથી, શિક્ષણ વિભાગને પણ શિક્ષક-કમ-કારકૂન ખપે છે. આમાં ઘણા શિક્ષકો, શિક્ષણથી વંચિત થતાં જતાં બાળકોથી દુ:ખી છે, તો કેટલાક અધિકારીઓ પણ ચાલતી લાલિયાવાડીથી વ્યથિત છે, પણ એ ખૂણે બબડી લેવાથી વિશેષ કૈં કરી શકતા નથી.
બીજી તરફ સરકારને ખાનગી સ્કૂલો ખોલવામાં રસ છે, એટલો પોતાની સ્કૂલો ચલાવવામાં રસ નથી. એ જો બંધ થાય તો સરકાર, શિક્ષણ ખર્ચથી બચે. એને ગ્રાન્ટેડ સ્કૂલો ચલાવવામાં પણ રસ નથી, એટલે એ ગ્રાન્ટ કાપી કાપીને ખર્ચ ઘટાડતી જાય છે. સરકારને એમ જ છે કે સરકારી સ્કૂલોનો ખર્ચ તેનાં ગજવામાંથી થાય છે. એની સામે પરીક્ષાઓનું ભારણ વધતું જ આવે છે. પરીક્ષા ફરજિયાત છે ને ભણાવવાનું મરજિયાત છે. વિદ્યાર્થીઓ પણ એટલા હોંશિયાર છે કે નથી ભણતા તો ય ઉત્તમ ટકાએ પાસ થઈ જાય છે. આજકાલ તો પરીક્ષા પૂરી થયાં પછી પેપર લખી આપનારા પણ હાથવગા છે. એવા દિવસો હવે દૂર નથી કે એક પણ ધોરણ ભણ્યા વગર પીએચ.ડી.નું સર્ટિફિકેટ ઘરે આવી જાય.
આવી સ્થિતિમાં શિક્ષણ વિભાગનો એક તુક્કો 20 માર્ચે એક પરિપત્રથી બહાર આવ્યો, જેમાં 2023-‘24થી જ્ઞાનશક્તિ યોજના હેઠળ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કૂલ્સ જેવી સ્કૂલો શરૂ કરવાની વાત હતી. તેને માટે 2023માં હોંશિયાર વિદ્યાર્થીઓની ધોરણ છ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાઈ. પાંચેક લાખથી વધારે વિદ્યાર્થીઓએ એ પરીક્ષા આપી, પણ તેનું પરિણામ આવે તે પહેલાં આખો જ્ઞાનસેતુ પ્રોજેક્ટ જ રદ્દ કરી દેવાયો. 400 જેટલી જ્ઞાનસેતુ સ્કૂલો મોટાં ઉપાડે શરૂ થવાની હતી તેનું પડીકું વળી ગયું. લીધેલી પરીક્ષા માથે ન પડે એટલે જ્ઞાનસેતુ સ્કૂલ ‘મુખ્ય મંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના’માં તબદીલ થઈ. જ્ઞાનનું આવું તકલાદી નાટક લાંબું ન ચાલ્યું એનો અર્થ જ એ કે એમાં જીવ ન હતો. પૂરતા અભ્યાસ વગર આવી યોજનાઓ ઉતાવળે દાખલ કરવાનું ને પછી રદ્દ કરવાનું કોણ કહે છે તે નથી સમજાતું, પણ આવું કાચું કાપવામાં શિક્ષણ વિભાગને કોઈ પહોંચે એમ નથી.
આમ તો 2017થી શિક્ષકોની કાયમી જગ્યાઓ પુરાતી નથી અને પ્રવાસી શિક્ષકો, વિદ્યાસહાયકોથી સરકાર આંગળા ચાટીને પેટ ભરે છે. શિક્ષકોની અછત એટલી છે કે ઊનાની વાવરડાની સ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિકના 11-12ના વર્ગોમાં એક પણ શિક્ષક નથી ને વિદ્યાર્થીઓ એમ જ સ્કૂલે આવીને પાછા જાય છે. જામનગરની સરકારી સ્કૂલમાં 5માંના ક્લાસ 8માંના વિદ્યાર્થીઓ લે છે. શિક્ષકોના આવા દુકાળથી સરકારને એવું કઇ રીતે લાગે છે કે 2020ની નવી શિક્ષણ નીતિ માટેનું આ તંદુરસ્ત વાતાવરણ છે? એમ લાગે છે કે કોઈ પણ શ્રેષ્ઠ નીતિ નિષ્ફળ કરવાનાં આ હવાતિયાં છે. કરુણતા એ છે કે શિક્ષણ વિભાગ પાસે ગંભીર ચિંતનનો ભારોભાર અભાવ છે, એટલે તે કામચલાઉ ઉકેલથી જ રાજી રહે છે.
એક તબક્કે બિનતાલીમી પ્રવાસી શિક્ષકોથી કામ લેવાયું, ત્યાં તુક્કો આવ્યો કે બિનતાલીમી શિક્ષકોથી ચાલી જશે તો જતે દિવસે બી.એડ્.નું જ મહત્ત્વ નહીં રહે, એટલે પ્રવાસી શિક્ષકોની યોજના રદ્દ કરાઇ. 1998થી શરૂ થયેલી વિદ્યાસહાયકોની યોજનામાં અમુક વર્ષની નોકરી થતાં કાયમી નોકરીનો લાભ મળતો હતો, ત્યાં કોઈ સાહેબને ઝબકારો થયો કે એમ કોઈ કાયમી થઈ જશે તો તેને નોકરીના લાભો આપવા પડશે, એટલે વિદ્યાસહાયકોની યોજના રદ્દ કરી ને 10 જુલાઇએ નવી યોજના જ્ઞાનસહાયકની દાખલ કરી. તેમાં વિદ્યાસહાયક કરતાં પગાર લગભગ ડબલ કરી દેવાયા. તે એટલે કે વધારે પગારની લાલચે કોઈ બહુ ઊહાપોહ ન કરે. કોઈ હલકી મનોવૃત્તિનો વેપારી પણ ન રમે એવી મેલી રમત આમાં એ રમાઈ કે એ નોકરીઓ કોન્ટ્રાક્ટ આધારિત ઊભી કરાઇ. 11 મહિના પતે કે નોકરી પૂરી. પછી ફરી મળે તો મળે, નહીં તો નાહી નાખવાનું …
આ જ્ઞાન જ્ઞાનનું જબરું તૂત ચાલે છે. એમાં પણ જ્ઞાનસહાયકની આખી યોજના અમાનવીય અને નિષ્ઠુર છે, તે એટલે કે એમાં કાયમી નોકરીની કોઈ તક નથી. વર્ષો સુધી નોકરી કર્યાં પછી એવી સ્થિતિ આવી શકે કે બધી પાત્રતા છતાં, ઉંમર પુરાઈ જાય ને શિક્ષક તરીકે તો ઠીક, બીજી નોકરીને લાયક પણ એ ઉમેદવાર ન રહે. એ સમજ નથી પડતી કે શિક્ષકને કાયમી નોકરી આપવામાં સરકાર આટલું કરાંજે છે કેમ? કોઈ નોકરીમાં પાંચ વર્ષે પેન્શન મળતું નથી, પણ પાંચ વર્ષની કોર્પોરેટરની કે વિધાનસભ્યની કે સાંસદ તરીકેની ટર્મ પૂરી થતાં કરોડોનો લાભ રાજકારણી મેળવી શકે ને તે પછી એક, નહીં, બે નહીં, ત્રણ ત્રણ પેન્શન પણ મેળવી શકે, તો માસ્તરને કાયમી કરવામાં આટલો દ્વેષ કેમ? કેમ એની કાયમી ઘટ પૂરી કરવામાં સરકાર આટલા અખાડા કરે છે ને કેમ શૈક્ષિક યુનિયનો એ અંગે ચૂપ છે? કાયમી શિક્ષકના વિકલ્પો સરકારે પ્રવાસી શિક્ષક, વિદ્યાસહાયક અને હવે જ્ઞાનસહાયકમાં શોધ્યા છે. જો કે, એનાં ય ઠેકાણાં નથી. આ જ મહિનામાં પ્રવાસી શિક્ષક યોજના રદ્દ કરી અને એ ફરી લાગુ પણ કરી. કેમ? તો કે, જ્ઞાનસહાયકોની નિમણૂકમાં ટેટ-ટાટને લીધે સમય જાય એમ છે. તો એ સાહેબોને પૂછી શકાય કે 10મી જુલાઇએ ઠરાવ લાગુ કરતાં પહેલા એ ખબર ન હતી કે નિમણૂકમાં સમય જશે? કે ટેટ-ટાટનાં પરિણામોની રાહ જોવી પડશે એ યાદ ન રહ્યું? એ ઠરાવ સભાન અવસ્થામાં થયો હોય તો આટલા ઓછા દિવસમાં પ્રાથમિકમાં 15,000 અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 11,500 જ્ઞાનસહાયકોની નિમણૂક થઈ ન શકે એટલો વિચાર તો આવ્યા વગર ન રહે. 25 જુલાઈએ ખબર પડતી હોય કે જ્ઞાનસહાયકોની નિમણૂકમાં 6 મહિના લાગે એમ છે, તો તેના 15 દિવસ અગાઉ શિક્ષણ વિભાગને એવું કેવી રીતે લાગ્યું કે એ નિમણૂક થઈ રહેશે? વારુ, 10 મીએ નક્કી કર્યું જ્ઞાનસહાયકોનું, ત્યારે જ પ્રથમ સત્ર શરૂ થવાને દોઢેક મહિનાથી વધુ સમય તો થઈ ચૂક્યો હતો, તો ચાલુ સત્રે એ વેપલો કરવાની જરૂર હતી? એને બદલે 6 મહિના સુધી પ્રવાસી શિક્ષકોની સ્કિમ ચાલુ રાખી હોત તો થૂંકીને ચાટવા જેવું ન થયું હોત !
નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં બધું ‘જ્ઞાન’, સત્ર શરૂ થયા પછી જ થાય છે. તેમાં ઉતાવળ એવી હોય કે છૂટાછેડા પહેલાં કરી નંખાય ને લગ્નની દરખાસ્ત પછી આવે. જ્ઞાનસેતુની પરીક્ષા પહેલી લઈ લેવાય ને યોજનાનો નિર્ણય પછી લેવાય. જ્ઞાનસહાયકની જાહેરાત પહેલી થઈ જાય ને પનો ટૂંકો પડે તો અગાઉ રદ્દ કરેલી ‘પ્રવાસી’ યોજના ફરી લાગુ કરી દેવાય. લાગે છે આ માનસિક સ્વસ્થતાનાં પરિણામો છે?
આ બધું પાછું વિદ્યાર્થીનાં હિતમાં થાય છે. તે એ રીતે કે પ્રવાસી શિક્ષકો લેવાય તો શિક્ષણ કાર્ય અટકે નહીં. શિક્ષણ વિભાગને ત્યારે એ યાદ નથી આવતું કે કેટલી ય શાળાઓમાં પૂરતા શિક્ષકો જ નથી? 700 સ્કૂલો એવી છે જે એક જ શિક્ષકથી ચાલે છે. એવે વખતે શિક્ષકોની ઘટ ન પુરાય તો અસરકારક શિક્ષણ થતું જ નથી એ કેમ કોઈને નહીં સમજાતું હોય !
સાધારણ રીતે શિક્ષણ વિભાગને પોતાની સત્તામાં આવતી કોલેજો કે યુનિવર્સિટીઓની ખબર હોય. એ પણ ખબર હોય કે કોલેજો કે યુનિવર્સિટીઓ નેકનું જોડાણ ધરાવે છે, પણ ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી 2018થી નેકનું જોડાણ ધરાવતી નથી. એ તો ઠીક, ગુજરાતની 55 યુનિવર્સિટી ને 1,767 કોલેજો નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ – નેકનું જોડાણ ધરાવતી નથી. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા દરેક યુનિવર્સિટી ને કોલેજ માટે નેકની માન્યતા ફરજિયાત હોવા છતાં રાજ્યની ઘણી યુનિવર્સિટીઓ અને કોલેજો નેકની માન્યતા ધરાવતી નથી અને એની જાણકારી શિક્ષણ વિભાગને હશે કે કેમ તે નથી ખબર. ગુજરાત સૌથી વધુ – 108 યુનિવર્સિટીઓ ધરાવતું સ્ટેટ ગણાય છે, ત્યારે લગભગ અડધી યુનિવર્સિટીઓ અને 2,267માંથી 1,767 કોલેજો નેકનું જોડાણ ધરાવતી નથી એની સરકારને ચિંતા હોય એવું લાગતું નથી ને કમાલ એ છે કે ગુજરાત મોડેલ સ્ટેટ તરીકે ઓળખાવાઈ રહ્યું છે. એમ લાગે છે કે ગુજરાત, શિક્ષણની ગુણવત્તા તો ઠીક, પણ ગુણવત્તાયુક્ત ફીનું ધોરણ તો જાળવી શક્યું છે. શિક્ષણનાં સર્વાંગી રકાસમાં એટલું ય ક્યાં છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 જુલાઈ 2023
Comments
Post a Comment