પટુંદર અગરહારા ગામનો તહેવાર...
મારા #જयंt ૦.૩ વર્ઝન પૈકીના પ્રથમ ચરણમાં exploring Banglore અંતર્ગત મારી નજરે જોયેલો, અનુભવેલો અને માણેલો તહેવાર....
બેંગલોર ખૂબ એટલે ખૂબ મોટું શહેર છે. મારો exploring Banglore પ્રોજેક્ટ આ માટે ખૂબ નાનો પડે એવું મારા અઢી માસના રહેવાસ થકી અનુભવ્યું. આ મસ મોટા બેંગ્લોરમાં એક મસ મોટો કહી શકાય એવો વિસ્તાર એટલે Whitefield. આ વ્હાઈટફિલ્ડ વિસ્તારમાં સમાઈ ગયેલું અને એક હજારાઉન્સ બની ગયેલું ગામ એટલે પટુંદર અગરહારા ગામ.
અહીં લગભગ ૭૫૦ જેટલા અહીંના મૂળ એવાં લોકોની એક પ્રજાતિ અહીં વસે છે. આ લોકોને વારસામાં મળેલી સંસ્કૃતિનું એ લોકો જે આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસથી ઊજવણી કરે છે એનો આંખે દેખ્યો અહેવાલ અત્રે રજૂ કરું છું...
Exploring Banglore Part 1...
બેંગલોરની દક્ષિણે વ્હાઈટફિલ્ડ નામનો ખૂબ મોટો વિસ્તાર છે. આ વિસ્તારમાં પટુંદર અગરહારા નામનું જૂનું ગામ ધરાવતો એક વિસ્તાર છે. અહીં કર્ણાટકની સ્થાનિક પ્રજા વસવાટ કરે છે. એમની જાતિ વિષે કંઈ ખ્યાલ આવતો નથી. પરંતુ એમના દેખાવ અને પહેરવેશ પરથી ખ્યાલ આવી જાય કે આ લોકો સ્થાનિક છે. ઊંચાઈમાં લગભગ પાંચ ફૂટની સરેરાશ ઊંચાઈ પુરુષો અને સ્ત્રીઓ ધરાવે છે. એમના વાન માટે ભાગે કાળો છે.
ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યો અને પશ્ચિમના ગુજરાત અને રાજસ્થાનની સરખામણીએ અહીંની સ્ત્રીઓની માફી સાથે સુંદરતા ઓછી જોવા મળે. પુરુષોનું પણ એવું જ. જો કે અહીંના લોકો સ્વભાવે શાંત અને અડચણરૂપ નથી લાગ્યા. થોડા અતડા પણ ખરા. સામેથી બોલાવે નહીં. કદાચ એમનામાં લઘુતાગ્રંથિ હોઈ શકે. પરંતુ સામેથી બોલાવો તો બોલે એટલું જ નહીં પરંતુ ખૂશ થાય અને આવકારે.
મોટે ભાગે લોકો હિંદુ ધર્મ પાળે છે. એટલે એમના નામો હિન્દુ દેવી દેવતા પરથી હોય છે. પરંતુ માંસાહારી પણ ખરા. મંદિરોમાં વારે તહેવારે મરઘાં અને બકરાનો બલિ ચઢાવે. તહેવારો અને પ્રસંગોની મિજબાનીમાં બકરાનું મટન બીફ ચીકન અને મચ્છી જ હોય. મીઠાઈ ઓછી ખાય છે. ફરસાણને આ લોકો ચિપ્સ કહે છે. એમાં ગુજરાતી ટેસ્ટ ના આવે. અને એટલે અમૂક આઈટમ આપણને ના પણ ભાવે.
ફૂલોના શોખીન છે. સ્ત્રીઓ માથામાં સફેદ જૂઈની અને કેસરી રંગને...ની વેણી અચૂક પહેરે. ઠેર ઠેર ફૂલોની દુકાન જોવા મળે. મંદિરોમાં ફૂલો ખાસ ચઢાવે. અહીંના ગુલાબ ગુજરાતના ગુલાબ કરતાં નાના, સુગંધ વિનાના અને ઘટ્ટ કેસરી રંગના છે.
અંગ્રેજી જાણે પણ હિન્દી ઓછું જાણે. એમની કન્નડ ભાષામાં જ વાત કરવાનો આગ્રહ રાખે.
એમનામાં શિક્ષણનું પ્રમાણ પણ ઓછું લાગ્યું છે. એટલે સારી અને ઊંચી નોકરીમાં લગભગ જોવામાં આવ્યા નથી. નાની અને ઓછા પગારની નોકરી અને ધંધો વેપાર કરતાં જોવા મળ્યાં છે. શેટ્ટી, ગૌડા, વગેરે જેવી અટકો રાખે છે.
મોટાભાગના કુટુંબોને વારસાગત સંપતિનો ફાયદો મળ્યો છે. અહીંની જમીન અને મકાનો મોંઘા હોવાથી એમને વારસામાં મળેલી જમીન પર પી જી માટે એપાર્ટમેન્ટ, રહેણાંકના ફ્લેટ, શ્રમિકો માટે નાની ઓરડીઓ બનાવી અને તથા મકાનો અને જમીનો ભાડે આપીને અઢળક રૂપિયા કમાયા છે. ઘણાં બધા કરોડપતિ મળી શકે.
આ લોકો એમના ગામનો વાર્ષિક કહી શકાય એવો એક તહેવાર ઉજવે છે. તહેવારનું કોઈ નામ નથી. એને ઉજવવા માટે કોઈ તિથિ નક્કી નથી. અનુભવ અને સ્થાનિક લોકો સાથે વાતચીત અને મુલાકાત કરતાં જાણવા મળ્યું કે આ તહેવાર એ લોકો હવે વાર્ષિક નથી ઉજવતા. એની ઉજવણીના કોઈ ચોક્ક્સ નીતિ નિયમો નથી. વર્ષે, બે વર્ષે કે ત્રણ વર્ષે પણ ઉજવી લે છે.
મારા ૧૨ માર્ચ ૨૦૨૫ થી ... સુધીના રોકાણ દરમિયાન મને એમની આવી એક ઉજવણી જોવાનો, એના સાક્ષાત્કાર કરવાનો અને એમાં સામેલ થવાનો મોકો મળી ગયો. તારીખ એમ ત્રણ દિવસ આ તહેવારની ઉજવણી એમણે રાખી હતી. એક અઠવાડિયા પહેલાં મારા દૈનિક ચાલવા જવાના રૂટ પર રોડની બન્ને બાજુએ રોશનીની લાઈટો લાગેલી જોઈને મને કૌતુક અને રહસ્ય જાણતાં મેં અહીંના લોકોને પૂછવાનું ચાલુ કર્યું હતું એમ માહિતી મળતી ગઈ હતી. જેમ જેમ તહેવાર નજીક આવતો ગયો એમ એમ એમનાં મકાનોમાં કલર કામ થતું મેં જોયું. એમના ઘરની આસપાસ સાફ સફાઈ અને મુખ્ય રોડ ITPL મેઈન રોડ થી પટુંદર અગરહારા રોડ પરની ગટરોની સાફ સફાઈ પણ થતી જોઈ. ધીમે ધીમે એમના મંદિરોની સાફ સફાઈ, રંગ રોગાન અને સજાવટ થવા લાગી હતી. જેમ જેમ તહેવાર નજીક આવતો ગયો એમ એમ એની અગત્યતા અને ભવ્યતા મને જોવાં મળી. ગામની વચ્ચે આવેલા એક મુખ્ય મંદિરથી ત્રણ બાજુએ નીકળતા માર્ગો પર બન્ને બાજુએ તેમજ વચ્ચે વચ્ચે મોટા બલ્બોની લાઈનો થકી રોશનીની ઝગમગાટ અને લગભગ ૫૦૦ ૫૦૦ મીટરના અંતરે મુકાયેલ દેશી ભૂંગળા જેવાં લાઉડસ્પીકર પર કન્નડ ભાષામાં ભજનો, આરતીઓ વગેરે સંભળાવવા લાગ્યા હતાં.
આ તહેવાર આ લોકો કેવી રીતે ઉજવે છે એ જાણવાનું કૌતુક તો હતું જ. પણ કોઈ જગ્યાએ એના વિષે કોઈ સમય પત્રક કે માર્ગદર્શિકા જોવા ના મળતાં, સ્થાનિકોને પૂછતો રહ્યો હતો. આ લોકોએ એમની હેસિયત અને તાકાત પ્રમાણે નાના મોટા બેનરો બનાવી એમના ઘરો આગળ, એમના ફળિયાની હદ આગળ મૂક્યાં હતાં. પરંતુ એ બધું સ્થાનિક ભાષામાં હોવાથી કઈ સમજાતું નહોતું.
એક દિવસ રાત્રે અને લાલબાગની મુલાકાત કરીને કેબમાં પાછા ફરી રહ્યાં હતાં ત્યારે અમને નલુરહલ્લી લેક પાસે રોડ પર આગળ જતાં અટકાવવામાં આવ્યા. અમને કારણ ખબર નહોતી પણ એ રસ્તેથી કેબ પાછી વાળીને અમે ડ્રાઈવરને બોરવેલ રોડ પરથી ECC રોડ બાજુથી અંદર જઈ શકાશે એમ માની, એ બાજુ લગભગ દોઢેક કિલોમીટર ફેરવીને ત્યાં પહોંચ્યા ત્યારે અમને ત્યાં પણ અટકાવવામાં આવ્યા. અહીંથી અમારું ઘર લગભગ ૬૦૦ મીટર જેટલું જ દૂર હોવાથી, અમે વધુ ફરવું નથી એમ નક્કી કરીને અમે ત્યાંથી જ કેબમાંથી ઉતરી ચાલતા ઘરે જવાનું નક્કી કરી લીધું હતું. ત્યાંના ચેક પોઈન્ટ પર પોલીસ મેનને કારણ પૂછતાં તેમણે કહ્યું કે આગળ ફેસ્ટિવલનું સરઘસ ચાલું છે. ઘરે જતાં રસ્તામાં અમે ઢોલ નગારાના અવાજ, ટેટાનો કચરો, રસ્તામાં પડેલી ફૂલોની પાંખડીઓ જોઈ. એટલે ઘરે પહોંચ્યા બાદ મેં ઘરના સભ્યોને કહ્યું કે હું આ સરઘસ જોઈને આવું છું.
રાત્રિના લગભગ ... વાગે જ્યારે હું ગામના મુખ્ય ગણાતા મંદિરે પહોંચ્યો ત્યારે ત્યાં પુષ્કળ લોકોની ભીડ, ઢોલ નગારાના અવાજ અને વાહનો પર અલગ અલગ મૂર્તિઓ, હાલતા ક્રિએચર બનાવીને ફૂલો અને લાઈટોની રોશનીથી શણગારેલા રથોમાં અલગ અલગ દેવી દેવતાઓની સ્થાપના કરીને ભગવાનોને શાહી પૂજા અર્ચના સાથે શાહી સવારી કરાવતાં આ લોકો એક છેડેથી બીજે છેડે જઈ રહ્યાં હતાં.આ દ્રશ્યો જોઈને હું અત્યંત ખુશ અને ભાવ વિભોર થઈ ગયો હતો. ઘણા લોકો નાચી રહ્યાં હતાં. પુરુષો અને સ્ત્રીઓ નવા વસ્ત્રોમાં સજ્જ હતાં. ઘણાં લોકો રથોને ગાઈડ કરી રહ્યાં હતાં. રસ્તામાં આવતાં ઘરોમાં વસતા સ્થાનિક લોકો આ રથમાંના દેવી દેવતાઓની પૂજા માટે પોતાના ઘરેથી થાળીમાં ફૂલો, ફળો, અગરબત્તી વગેરે ભગવાનને ચડાવવા રથમાંના પૂજારીને આપી રહ્યાં હતાં. પૂજારી એ બધી સામગ્રીને ભગવાનને ધરાવીને એમને પરત કરી રહ્યાં હતાં. છેલ્લે સૌને આરતી આપવામાં આવતી હતી. લોકો આ આરતીના ઓવારણાં લઈને ધન્યતા અનુભવી રહ્યાં હતાં. ભગવાનોની પૂજા અર્ચના કરવા લોકોમાં ભારે આનંદ અને ઉલ્લાસ અને ઉન્માદ જોવા મળ્યો હતો. ઉજવણીનો આ પ્રથમ દિવસ હતો. અને પછી મને નાકાબંધી કરવાનો હેતુ સમજાયો હતો.
Comments
Post a Comment