ભક્ત કવિ દયારામ...

આજે ભક્તકવિ દયારામભાઈ (ઈ.સ.૧૭૭૭–૧૮૫૩)નો જન્મ દિવસ. તેમનો જન્મ ભાદરવા સુદ એકાદશી એટલે કે દાન એકાદશીના રોજ ૧૮ ઓગસ્ટ, ૧૭૭૭ના રોજ એટલે કે આજથી લગભગ ૨૪૦ વર્ષ પહેલાં નર્મદા નદીને કિનારે આવેલા ચાણોદમાં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં તથા પુષ્ટિમાર્ગીય સાહિત્યમાં ભક્ત કવિ દયારામભાઈને જે સ્થાન પ્રાપ્ત થવું જોઈએ તે પ્રાપ્ત થયું નથી. નરસિંહ મહેતા, કવિ નર્મદ, દલપતરામ કે અખા કરતાં વધારે વિદ્વતા ભક્તકવિ દયારામભાઈ ધરાવતા હતા. જે ગુજરાત “ગરબા” માટે વિશ્વ-વિખ્યાત છે તેમાં જો ભક્તકવિ દયારામભાઈની કૃષ્ણભક્તિથી રસપ્રચુર ગરબીઓને સ્થાન મળી જાય તો ગુજરાતી ગરબો એક અલગ ઓળખાણ બનાવી શકે એવી તાકાત ભક્તકવિ દયારામભાઈની ગરબીઓમાં છે. પરંતુ ખુબ જ ખેદની વાત છે કે આજે ટ્રેડીશનલ ગરબા માટે જગ-વિખ્યાત વડોદરામાં પણ ગરબા-ગાયકો તેમની ગરબીઓને ગાવામાં ઉપયોગમાં લેતા નથી. ચાલો...તેમના વિષે ટૂંકમાં જાણવાનો એક પ્રયાસ તો કરીએ.
.
તેઓ પ્રભુરામના બીજા પુત્ર હતા. તેમની મોટી બહેન ડાહીગૌરી અને નાના ભાઇ મણીશંકર ૯ અને ૨ વર્ષની વયે જ અવસાન પામ્યા હતા. તેમના પિતા કારકૂન હતા. દયારામે બહુ અલ્પ માત્રામાં શિક્ષણ લીધું હતું અને તેમને વૈષ્ણવ મંદિરમાં ભજન ગાવામાં રસ હતો. તેમના લગ્ન બાળપણમાં થયા હતા પરંતુ તેમની પત્ની લગ્નના બે વર્ષ પછી મૃત્યુ પામી અને તેમના બીજા લગ્ન તેમના પિતાનું અવસાન થવાથી ટક્યા નહી. બે વર્ષ પછી તેમની માતાનું પણ અવસાન થયું. તેઓ ચાણોદ અને ડભોઇમાં તેમના સગા-સબંધીઓના ઘરે રહેતા હતા. બાર વર્ષ સુધી તેમને અનેક વ્યાધિ ભોગવી હતી. કવિ નર્મદના મતે તેમને ત્રણ ભગંદર, તાવ, સારણગાંઠ જેવા તે સમયના જટિલ રોગો હતા.
.
દયારામભાઈએ ભારતભરમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના મહત્વના સ્થળોની મુલાકાત લીધી હતી. ઇચ્છારામ ભટ્ટના સંપર્કમાં આવ્યા પછી તેઓ ધાર્મિક વૃત્તિ તરફ વળ્યા હતા. તેઓ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય તરફ વિ. સં. ૧૮૫૮માં જોડાયા અને વિ. સં. ૧૮૬૧માં સંપૂર્ણ રીતે તેમાં પરોવાઇ ગયા હતા.
.
દયારામભાઈ ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા. તેમણે રચેલાં પુષ્ટિમાર્ગને અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે. દયારામની ગરબીઓ માત્ર મધ્યકાલીન નહીં, સર્વકાલીન ગુજરાતી ગીતોનો સરતાજ છે. દયારામની ગરબી એમની બેવડી પ્રાસરચના -આંતરપ્રાસ તથા અંતર્પ્રાસ- ના કારણે સવિશેષ ધ્યાન ખેંચે છે. ગોપીના મનોભાવનો અંચળો ઓઢીને નખશીખ કૃષ્ણપ્રેમની ચરમસીમાઓ આલેખતી દયારામની ગરબીઓ આપણી ભાષાની અણમોલ સમૃદ્ધિ છે. દયારામભાઇ એટલે ગુજરાતની મધુરતા, ઝમક, ઝબકાર અને વિહ્વળતા. એમની એક એક ગરબી ગુજરાતનું મહામૂલું મોતી.
.
માત્ર ૧૩ વર્ષ ની વયે " તત્વપ્રબંધ " કાવ્ય લખ્યું. ૧૪ વર્ષની વયે ભારતમાં આવેલા તીર્થોનો પ્રવાસ શરુ કર્યો. ૧૨ વર્ષના તીર્થાટનમાં ૨૫ વર્ષની વયે "ગીત-ગોવિંદ ગ્રંથ" ભરૂચમાં રચ્યો. ૨૯ વર્ષની વયે ડભોઇમાં " પત્ર-લીલા ગ્રંથ" રચ્યો. ૩૦ વર્ષની વયે ચાંદોદમાં " અજામિલાખ્યાન " લખ્યું. ૩૧ વર્ષની વયે ભારતનું બીજું પર્યટન શરુ કર્યું. તીર્થાટન કરતાં કરતાં વ્રજભાષા જેવી અન્ય બાર ભાષાઓમાં ગ્રંથોની રચના કરી. દયારામભાઈએ ગુજરાતી, હિન્દી (વ્રજભાષા), મરાઠી, પંજાબી, સંસ્કૃત, ઉર્દૂ, મારવાડી વગેરે ભાષાઓમાં રચના કરી છે. તેમને ગુજરાતીમાં ૭,૦૦૦ - હિન્દી (વ્રજભાષા)માં ૧૨,૦૦૦ - મરાઠીમાં ૨૦૦ - પંજાબીમાં ૪૦ - સંસ્કૃતમાં ૧૫ - ઉર્દુમાં ૭૫ તથા મારવાડીમાં ૦૭ રચનાઓ કરી હોવાનું કહેવાય છે. તેમને સવા લાખ જેટલા પદોની રચના કરી છે. તદુપરાંત ગરબી, ગરબા, ધોળ, પદો, વ્રજ ભાષામાં દ્રુપદ-ધુમાર, ખ્યાલ ઠુમરી તેમના પ્રસિદ્ધ છે. આમ ધર્મ અને સાહિત્ય ક્ષેત્રમાં કવિશ્રી પ્રખર વિદ્વતાભર્યા વિવિધ રસપૂર્ણ સાહિત્યોનું સર્જન કર્યું છે.
.
ગોવર્ધનરામે દયારામભાઈને અંજલી આપતા લખ્યું હતું કે
.
“આપણા આદિ કવિ નરસિંહ મહેતા અને અંતિમ કવિ દયારામભાઈએ પોતાના યુગોમાં ભક્તિમાર્ગના જે શિખરો રચી તેની ઉપર પોતાના સ્થાનકો રચ્યા છે તેનાથી અડધી ઊંચાઈનું શિખર કોઈ કવિએ દેખાડ્યું નથી”.
.
ક.મા.મુનશીએ કહ્યું હતું કે
.
“દયારામ નિતાંત શૃંગારકવિ જ છે. દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણવિરામ.”
.
તેમની રચનાઓને ૧૪ વિષયોમાં વહેંચી શકાય:
(૦૧) શિક્ષાત્મક (૦૨) સિદ્ધાન્તાત્મક (૦૩) ભાવનાત્મક (૦૪) નામાત્મક (૦૫) આખ્યાનાત્મક (૦૬) વર્ણાત્મક (૦૭) શુદ્ધ કાવ્યાત્મક (૦૮) પ્રમેયાત્મક (૦૯) રહસ્યાત્મક (૧૦) પ્રકીર્ણ (૧૧) અનુવાદાત્મક (૧૨) ગદ્ય (૧૩) સ્તોત્રાત્મક (૧૪) લક્ષણાત્મક
.
દયારામભાઈની મુખ્ય રચનાઓ:
.
અકળલીલા, અકળચરિત્ર ચંદ્રિકા, અજામીલ આખ્યાન, અનન્ય ચંદ્રિકા, અનન્યાશ્રય, અનુભવમંજરી, અન્યાયમર્દન, અપરાધ ક્ષમાસ્તોત્ર. અષ્ટપટરાણી વિવાહ, આશરવાદ, ઇશ્વરતાપ્રતિપાદિક, ઇશ્વર નિરીક્ષણ, એકાગ્રતા, ઓખાહરણ, કમળલીલા, કાત્યાયીનો ગરબો, કાશીવિશ્વેશ્વરનિ લાવણી, કાળજ્ઞાનુસાર, કુંવરબાઇનું મોસાળું, કૂટકાવ્યાદિના નમૂના, કૃષ્ણઅષ્ટોત્તરશતનામ,કૃષ્ણઅષ્ટોત્તરશતનામ ચિંતામણિ, કૃષ્ણઉપવીત, કૃષ્ણક્રીડા, કૃષ્ણજન્મખંડ, કૃષ્ણના ધ્યાનનું ધોળ, કૃષ્ણનામ ચિંતામણિ, ક્રુષ્ણયજ્ઞોત્તરશતનામ, ક્રુષ્ણસ્તુતિ, કૌતકરત્નાવલિ, કલેશકોઠાર, ક્ષમાપરાધષોડશી, ગધેડાની ગાય ન થાય, ગરબી તથા પદ,તેમની રચનાઓ ગુરુનો ઉપદેશ, ગુરુપૂર્વાધ, ચાતુરચિત વિલાસ, ચાતુરીનો ગરબો, ચિત્તશુદ્ધિ, ચિંતાચૂર્ણિકા, ચિંતામણિ, ચિંતામણિ, ચેતવણી, ચોવિસ અવતારનું ધ્યેય, ચોરાશી વૈષ્ણવ, દશમ અનુક્રમણિકા, દશમલીલા અનુક્રમણિકા, દાણચાતુરી, દીનતા સ્વરૂપ, દ્રષ્ટકૂટ, દીનતા-આશ્રય-વિનતિના પદ, દ્રષ્ટાંતિક દોહરા, દ્વિલીલામૃત સ્વરૂપનો ગરબો, નાગ્નજીતી વિવાહ, નામપ્રભાવબત્રિસી, નિતિભક્તિ ધોળ, નીતિવૈરાગ્ય, નરસિંહ મહેતાનિ હૂંડી, પત્રલીલા, કવિત, પંદર તિથિ (ભાગ ૧ અને ૨), પરીક્ષાપ્રદીપ, પારણું, પિંગળસાર, પુરુષોત્તમાષ્ટોત્તરશતનામ, પૃષ્ટિભક્તરૂપમલિકા, પુષ્ટિપથ રહસ્ય, પુષ્ટિપથ સારમણિદામ, પ્રબંધ, પ્રબોધબાવની, પ્રમેયપંચાવ તથા સ્વાંતઃકરણ સમાધાન, પ્રશ્નોત્તર માલિકા, પ્રસ્તાવચંદ્રિકા, પ્રસ્તવિકપિયુષ, પ્રેમપરિક્ષા, પ્રેમપ્રશંસા, પ્રેમમંજરી, પ્રેમરસગીતા, બહુશિષ્ય ઉત્તરાર્ધ, બાનાધારી અંતરનિષ્ટ સંવા નાટક, બાર માસ, બાળલીલા (ભાગ ૧ અને ૨), બૃજવિલાસામૃત, ભ્રાહ્મણભક્તવિવાદ નાટક, ભક્તવેલ, ભક્તિ, ભક્તિ દ્રઢત્વ, ભક્તિપોષણ, ભક્તિવિધાન, ભગવત ઇચ્છોત્કર્વતા, માયામતખંડન, મીંરાચરિત્ર, મુરલીલીલા (પંજાબી), મુર્ખલક્ષણાવલિ, મોહનીસ્વરૂપ, મોહમર્દન, યમુનાજીની સ્તુતિ, રસિકરંજન, રસિકવલ્લભ, રસિયાજીના મહિના, રાધા અષ્ટોતરશતનામ, રાધાજીનો વિવાહખેલ, રાધિકાનીનાં વખાણ, રાધિકાજીનું સ્વપ્નું, રાધિકા પોતાની માતાને કહે છે, રાધિકા વિરહના દ્વાદશ માસ, રાસપંચાધ્યાયી, રાસલીલા, રુક્મિણીવિવાહ, રુક્મિણીસીમંત, રુક્મિણીહરણ, રૂપલીલા, વલ્લભ અષ્ટેત્તરશતનામ, વલ્લભનો પરિવાર, વસ્તુવૃંદદીપિકા, વહાલાજીના મહિના, વિજ્ઞપ્તીવિલાસ, વિઠ્ઠલઅષ્ટોત્તરશતનામ, વિનયબત્રીસી, વિશ્વાસાગ્રતગ્રંથ, વિશ્વાસામૃત, વૃત્રાસુરાખ્યાન, વ્રૂંદાવનવિલાસ, વ્રજભક્ત અષ્ટોત્તરશતનામહીરાવલિ, વ્રજમહિમા, વ્રજવાસિનિનો ગરબો, વ્રેહવિલાસ, શિક્ષા, શુદ્દાદ્વૈતપ્રતિપાદન, શૃંગાર, શ્રીકૃષ્ણનામ ચંદ્રકળા, શ્રીકૃષ્ણનામચંદ્રિકા, શ્રીકૃષ્ણનામ મહામત્ય, શ્રીકૃષ્ણનામ માહાત્મ્યમંજરી, શ્રીકૃષ્ણનામ માહાત્મ્યમાધુરી, શ્રીકૃષ્ણનામ રત્નમલિકા, શ્રીકૃષ્ણનામમાહાત્મ્યમાર્તંડ, શ્રીકૃષ્ણસ્તવનચંદ્રિકા, શ્રીકૃષ્ણસ્તવન મંજરી, શ્રીકૃષ્ણનામામય્તધારા, શ્રીકૃષ્ણનામામૃતધ્વનુલઘુ, શ્રીકૃષ્ણનામાવલિ, શ્રી ગુરુદેવચંદ્રિકા કે ગુરુપ્રભાવ ચંદ્રિકા, શ્રીનાથજીનું વર્ણન, શ્રી પુરુષોત્તમ પંચાંગ, શ્રીભાગવત અનુક્રમણિકા, શ્રી ભાગવત મહામત્મ્ય, શ્રીશેષશાઇનું ધોળ, શ્રીહરિભક્તચંદ્રિકા, શ્રીહરીભક્તા, શ્રીહરિસ્વપ્નસત્યયા, ષડઋતુ વર્ણન, ષડરિપુ સંશયછેદક, સતસૈયા, સત્યભામાવિવાહ, સંતતિવિરાગ, સપ્રદાયસાર, સાત વાર સારાવલિ, સિદ્વાંતસાર, સ્તવનપીયૂષ, સ્તવનમાધુરી, સ્વરૂપતારતમ્ય, સ્વભ્યાપારપ્રભાવ, હનુમાનગરૂડસંવાદ, હરિદાસ મણિમાળ, હરિનામમાળા, હરિનામવેલિ, હરિભક્તરત્નમાળા, હરિસ્વપ્નસત્યતા, હીરાવલી.
.
આપણા માટે ગર્વની વાત એ છે કે ઉપર્યુક્ત સઘળી રચનાઓ પ્રાપ્ય છે.

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...