ધુળેટીઃ ઉજવણીમાં વિવિધતા...

ભારતભરમાં જુદા જુદા રાજ્યોમાં આ પર્વની ઉજવણીની પરંપરા અલગ અલગ જોવા મળે છે, પણ આ દિવસે રંગોની છોળો ઉડાડવાની પરંપરામાં સમાનતા જોવા મળે છે.

આપણે ગુજરાતથી શરૂઆત કરીએ... રાજ્યનાં ગામડાઓ અને શહેરોમાં હોળી-ધુળેટીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. હોળીના દિવસે છાણાં, લાકડાં, પૂળા વગેરેમાંથી હોળી તૈયાર કરવામાં આવે છે અને રાતે તેને પ્રગટાવવામાં આવે છે. લોકો હોળીની ફરતે જળ ભરેલા લોટામાંથી પાણી નાખીને પ્રદક્ષિણા કરે છે. હોળીમાં ધાણી, ખજૂર, મમરા વગેરે પધરાવે છે. આખુંય વર્ષ નીરોગી રહેવાની પ્રાર્થના કરે છે અને લાડુ સહિતનું ભોજન કરે છે. બીજા દિવસે હોલિકાના બળી જવાની અને પ્રહલાદના બચી જવાની ખુશીમાં ધુળેટીનું પર્વ મનાવવામાં આવે છે. લોકો એકબીજાને પાણી, કેસૂડાનું પાણી અને અબીલ, ગુલાલ સહિતના રંગોથી રંગે છે. ઘેરૈયાઓ ઘરે ફરી ફરીને ગોઠ માગે છે. લોકો તેમને પૈસા, ખજૂર, ચોકલેટ એમ કંઈ પણ ગોઠ આપીને ખુશ કરે છે. હોળી-ધુળેટીમાં ગુજરાતભરમાંથી લાખો યાત્રાળુઓ પગપાળા યાત્રા કરીને ડાકોર રણછોડરાયજીના મંદિરે દર્શન કરવા પહોંચે છે.

પડોશી રાજ્ય રાજસ્થાનમાં હોળીના દિવસે પરંપરાગત રીતે હોલિકાદહન કરવામાં આવે છે. ત્યારબાદ બીજો દિવસ એટલે કે ધુળેટી ધૂમધામથી મનાવવામાં આવે છે. અહીં રંગોત્સવ છેક રંગપંચમી સુધી મનાવવામાં આવે છે. આ દરમિયાન લોકો પકવાન બનાવીને ખાય છે તથા એકબીજાના ઘરે મળવા તથા હોળીની શુભકામનાઓ આપવા માટે જાય છે.

રાજસ્થાનમાં પણ હોળીની ઉજવણી વિવિધ રીતે કરવામાં આવે છે. જેમ કે, ઉદેપુર, બાંસવાડા, ડુંગરપુર, પાલી વગેરે જગ્યાઓએ તલવારબાજી અને લઠ્ઠમારનાં કરતબ કરવામાં આવે છે.

• વૃંદાવન

અહીં એકાદશીના દિવસથી હોળીના તહેવારનો પ્રારંભ થઈ જાય છે. એકાદશીના બીજા દિવસથી કૃષ્ણ અને રાધા સાથે જોડાયેલાં મંદિરોમાં હોળીનું આયોજન થાય છે. એકાદશીના બીજા દિવસે લઠ્ઠમાર અને ફૂલોની હોળી રમવામાં આવે છે. સાથે સાથે રાધે-રાધેની ગુંજ વચ્ચે આકાશમાંથી વરસતાં પુષ્પોનો નજારો દ્વાપર યુગનું સ્મરણ કરાવે છે. અહીંની હોળી સાત દિવસો સુધી ચાલે છે.

• બરસાનાની લઠ્ઠમાર હોળી

ઉત્તર પ્રદેશમાં જ આવેલા બરસાનાની હોળી ખૂબ જ પ્રસિદ્ધ છે, કારણ કે ભગવાન શ્રીકૃષ્ણની પ્રેમિકા રાધા બરસાનાની હતી અને તેમની સાથે શ્રીકૃષ્ણનો સંબંધ બહુ જૂનો છે. અહીંની લઠ્ઠમાર હોળીમાં સ્ત્રીઓ પુરુષો પર લાકડીના પ્રહાર કરે છે અને પુરુષો તેનાથી બચવાનો પ્રયત્ન કરે છે. લઠ્ઠમાર હોળી જોવાનો લહાવો મળે તો પણ મન પુલકિત થઈ જાય છે, તેથી લઠ્ઠમાર હોળી દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે.

• મથુરા (ઉત્તર પ્રદેશ)

અહીં કપડામાંથી કોડો બનાવીને ગોપીઓ બાળગોપાળો પર પ્રહાર કરે છે. વ્રજધામની અસલી હોળીની મજા મથુરામાં લઈ શકાય. અહીં આવેલા તમામ રાધા-કૃષ્ણનાં મંદિરોમાં અલગ-અલગ દિવસે હોળી સંપૂર્ણ ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે.

• બનારસમાં વરઘોડો

બનારસમાં એકાદશી તિથિના દિવસથી જ અબીલ-ગુલાલ હવામાં લહેરાવા લાગે છે. અહીંની પરંપરા અનુસાર વરઘોડો કાઢવામાં આવે છે. જેમાં વર રથ પર સવાર થઈને આવે છે. કન્યાને ત્યાં મંડપ સજાવવામાં આવે છે. જ્યારે વરઘોડો કન્યાને ત્યાં પહોંચે છે ત્યારે પરંપરાગત રીતે તેનું સ્વાગત કરવામાં આવે છે. શણગાર સજેલી કન્યા મંડપમાં આવે છે. મંડપમાં વર અને કન્યા વચ્ચે વિવાદ થાય છે અને છેવટે જાન કન્યા વગર જ પાછી ફરે છે. આ પરંપરામાં ભાગ લેનાર ખૂબ મજા માણે છે. સંગીતના તાલે નાચે છે અને ગુલાલ ઉડાડીને આનંદ વ્યક્ત કરે છે. આમ, બનારસમાં સૌથી અનોખી રીતે હોળી મનાવવામાં આવે છે.

• કાનપુરનો રંગોત્સવ

સમગ્ર ભારતમાં હોળીનો તહેવાર એક, ત્રણ કે પાંચ દિવસ મનાવવામાં આવતો હશે, પરંતુ કાનપુરમાં આ તહેવાર સાત દિવસ સુધી મનાવાય છે. હોળીના દિવસથી લઈને અનસૂયા નક્ષત્ર દેખાય ત્યાં સુધી રોજ હોળી રમવામાં આવે છે. આ દરમિયાન શહેરનાં બધાં જ મોટાં બજારો બંધ રહે છે અને લોકો પોતાના ગામ કે વતનમાં તહેવાર મનાવવા ચાલ્યા જાય છે. એવી માન્યતા છે કે અનસૂયા નક્ષત્ર દેખાય નહીં ત્યાં સુધી વેપાર માટે મુહૂર્ત ઠીક હોતાં નથી, તેથી દુકાનો બંધ રાખવામાં આવે છે. જે દિવસે નક્ષત્ર દેખાય છે તેનો આગલો દિવસ અહીં ગંગામેળા તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ રંગોત્સવનો છેલ્લો દિવસ હોય છે. બીજા દિવસે લોકો વેપાર-વ્યવસાયની શરૂઆત કરી દે છે.

• મહારાષ્ટ્રમાં રંગપંચમી

મહારાષ્ટ્રના લગભગ દરેક ભાગોમાં હોળીથી લઈને રંગપંચમી સુધી હોળીનો ઉત્સવ ઊજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં રંગપંચમીએ સૂકા ગુલાલથી હોળી રમવામાં આવે છે અને પૂરણપોળીનું ભોજન કરવામાં આવે છે.

• ગોવામાં શિમગો

મહારાષ્ટ્રના પડોશી પ્રદેશ ગોવા (કોંકણ)માં હોળીને શિમગો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં માછીમારો નાચગાનમાં મસ્ત બને છે. આ સમય લગ્ન નક્કી કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે, કારણ કે બધા જ માછીમારો એકબીજાના ઘરે જાય છે.

• બિકાનેરમાં ડોલચી હોલી

રાજસ્થાનના બિકાનેરમાં અનોખી રીતે હોળી રમવામાં આવે છે. અહીં એક જગ્યાએ 'ડોલચી હોલી' રમવામાં આવે છે. આ પરંપરાનો ઇતિહાસ આશરે ચારસો વર્ષ પુરાણો છે. ડોલચી ચામડાના વાસણને કહે છે, જેમાં પાણી ભરીને પીઠ પર મૂકવામાં આવે છે. વજન ઊંચકી રહેલા પુરુષોની પીઠ પરથી પાણી ભરી લઈને સ્ત્રીઓ પુરુષની પીઠ પર જોરથી વાર કરે છે. જેની ગુંજ દૂર દૂર ફેલાઈ જાય છે. આ હોળી બિકાનેરના હર્શ ચોક પર આયોજિત થાય છે.

• હરિયાણાની ધુલેંડી

ભારતીય સંસ્કૃતિમાં સંબંધો અને પ્રકૃતિ વચ્ચે સામંજસ્યનું અનોખું મિશ્રણ હરિયાણાની હોળીમાં જોવા મળે છે. અહીં હોળી ધુલેંડી તરીકે મનાવવામાં આવે છે. જેમાં અબીલ-ગુલાલથી સૂકી હોળી રમવામાં આવે છે. ભાભીઓને આ દિવસે પોતાને આખું વર્ષ સતાવનારા દિયરોને દંડ આપવાની છુટ્ટી હોય છે. સાંજે દિયર પોતાની ભાભી માટે ભેટ લાવે છે અને ભાભી તેને આશીર્વાદ આપે છે.

• બંગાળની ડોલ પૂર્ણિમા

બંગાળમાં હોળીને ડોલ પૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે. આ દરમિયાન રંગોની સાથે સમગ્ર બંગાળની સંસ્કૃતિની ઝલક પણ જોવા મળે છે. આ દિવસે લોકો વાસંતી રંગોનાં કપડાં પહેરે છે અને ફૂલોથી શૃંગાર કરે છે. સવારથી જ નૃત્ય અને સંગીતનો કાર્યક્રમ ચાલે છે. ઘરોમાં મીઠાં પકવાન બને છે. આ પર્વને ડોલ જાત્રાના નામથી પણ ઓળખવામાં આવે છે.

• બિહારની ફાગુ પૂર્ણિમા

ફાગુનો અર્થ થાય છે લાલ રંગ અને પૂર્ણિમા એટલે પૂર્ણ ચંદ્ર. બિહારમાં તેને ફગુવાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસ બિહાર તથા ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં નવા વર્ષ તરીકે પણ મનાવવામાં આવે છે. પહેલા દિવસે રાત્રે હોલિકાદહન થાય છે, જેને અહીં સંવત્સર દહનના નામથી ઓળખવામાં આવે છે. લોકો અગ્નિની ચારે તરફ ફરીને નૃત્ય કરે છે.

• તમિલનાડુની કામન પોડિગઈ

તમિલનાડુમાં હોળીનો દિવસ કામદેવને સર્મિપત હોય છે. તેની પાછળ એક કિંવદંતી જોડાયેલી છે. દેવી સતીના મૃત્યુ પછી ભગવાન શંકર વ્યથિત થઈને ધ્યાન મુદ્રામાં બેસી ગયા. બીજી તરફ પર્વતસમ્રાટની પુત્રી પાર્વતી ભગવાન શંકર સાથે વિવાહ કરવા માટે કઠોર તપસ્યા કરી રહ્યાં હતાં. દેવતાઓએ ભગવાન શંકરનું ધ્યાન તોડવા માટે કામદેવની મદદ લીધી. કામદેવે પોતાનાં કામબાણો ભગવાન શંકર પર છોડયાં. તેને લીધે શિવજીની તપસ્યામાં ખલેલ પહોંચી. તપસ્યામાં વિઘ્ન નાખવાને કારણે શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલીને કામદેવને ભસ્મ કરી દીધા. જોકે, કામદેવનાં તીરોએ કામ કર્યું અને પાર્વતીજીને ભગવાન શંકર પતિ રૂપમાં પ્રાપ્ત થયા. કામદેવની પત્ની રતિ વિલાપ કરવા લાગી અને શિવજીને પોતાના પતિ કામદેવને જીવિત કરવા આજીજી કરી. આ પછી શિવજીએ કામદેવને પુનર્જીવિત કર્યા. આ દિવસ હોળીનો હતો. આજે પણ રતિના વિલાપને લોકસંગીત તરીકે ગાવામાં આવે છે અને ચંદનનાં લાકડાંને અગ્નિદાહ આપવામાં આવે છે. જેથી કામદેવને ભસ્મ થવામાં પીડા ન થાય. બીજા દિવસે કામદેવના જીવિત થવાની ખુશીમાં એકબીજાને રંગોથી રંગીને ઉત્સવ મનાવવામાં આવે છે.

• મણિપુરની યોસાંગ હોળી

મણિપુરમાં હોળી એક, બે નહીં, પરંતુ છ દિવસ સુધી ચાલે છે, જેને યોસાંગ કહે છે. હોળી દરમિયાન લોકો કૃષ્ણમંદિરમાં પીળા અને સફેદ રંગનાં પારંપરિક પરિધાન પહેરીને જાય છે તથા પારંપરિક સંગીત પર નૃત્ય કરે છે. આ દરમિયાન થાબલ ચોંગા નામનું વાદ્ય વગાડવામાં આવે છે, જેના તાલ પર યુવક-યુવતીઓ નાચે છે અને એકબીજાને ગુલાલ લગાવે છે.

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...