ગુજરાતમાં શાળાઓ ક્યારે શરૂ કરવી?


1.


ગુરુવારે ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજયભરના નિષ્ણાત શિક્ષણશાસ્ત્રીઓ સાથે  વર્ચ્યુઅલ મિટિંગ કરી. ગુજરાત સરકાર નવેમ્બર મહિના સુધી શાળાઓ શરૂ કરવાના મુડમાં દેખાતી નથી. ડૉ. કિરીટભાઈ જોશી, ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની, ડૉ. વિદ્યુતભાઈ જોશી, ગિજુભાઈ ભારડ તથા સંજયભાઇ રાવલ જેવાં વિદ્વાનો આ મિટિંગમાં ઉપસ્થિત હતા. આ તમામ વચ્ચે ૩૦% સિલેબસ ઘટાડવા માટે સંમતિ હોય તેવું દેખાઈ રહ્યું હતું. ડૉ. વિદ્યુતભાઈ જોશીએ દિવાળી અને નવરાત્રીના વેકેશનને ઘટાડીને બગડેલા દિવસોને ભરપાઈ કરી શકાય એવું એક સૂચન કર્યું હતું. સાથે સાથે તેમણે સૂચવ્યું હતું કે પ્રિ-પ્રાયમરી માટે આખી ટર્મ રદ કરવી જોઈએ તથા ધોરણ એકથી ચાર દિવાળી સુધી ચાલુ ન કરવા જોઈએ. ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાનીએ સૂચન કર્યું હતું કે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા જૂન ૨૦૨૧માં લેવામાં આવશે એવી આગોતરી ઘોષણા કરી દેવી જોઈએ જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જે એક પ્રકારનો અનિશ્ચિતતાનો માહોલ છે તે દૂર થઈ જાય. ડૉ. કિરીટભાઈ જોશીએ ત્રણ શિફ્ટમાં શાળાઓ નવેમ્બર પછી શરૂ કરવી જોઈએ એવું સૂચન કર્યું. સંજયભાઇ રાવલે અંતરિયાળ ગામડાંઓ તથા ગરીબ વિસ્તારો કે જ્યાં મોબાઈલ ફોન તથા ઇન્ટરનેટના પ્રશ્નો છે ત્યાં મોબાઈલ વાન શિક્ષણ આપે એવી વ્યવસ્થા કરવા અંગે સૂચિત કર્યું હતું.
.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આવનારા પંદર દિવસની અંદર નિર્ણય લઈ લેવામાં આવશે એવું જાહેર કર્યું છે ત્યારે મારે તેમને કેટલાંક સૂચનો કરવા છે.
--------------
સૂચન એક
પ્રિ-પ્રાયમરી
--------------
પ્રિ-પ્રાયમરી એટલે કે નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી – આ ત્રણ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ડિસેમ્બર સુધી શિક્ષણ બંધ રાખવામાં આવે. ત્યારબાદ બાકી રહેતી ટર્મમાં જેટલું અનિવાર્ય હોય તેટલું શિક્ષણ આપીને આ વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં મોકલી આપવામાં આવે.
---------------------
સૂચન બે
ધોરણ એકથી ચાર
---------------------
પ્રાયમરીના પહેલાં ચાર વર્ષ એટલે કે ધોરણ એકથી ધોરણ ચારના વિદ્યાર્થીઓને ૩૧ ડિસેમ્બર સુધી શાળાએ ન બોલાવવામાં આવે. આ ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓને એકસાથે દસથી વધારે નહીં એ રીતે બેચ પ્રમાણે સમય નક્કી કરીને દર પંદર દિવસે શાળાએ બોલાવીને એસાઇનમેન્ટ આપવામાં આવે. પંદર દિવસ પૂરા થાય એટલે વાલી પોતાના સંતાન સાથે એસાઇનમેન્ટ લઈને શાળાએ જાય. શાળામાં શિક્ષક તેને ચેક કરીને લઈ લે અને તેમને બીજા પંદર દિવસનું એસાઇનમેન્ટ આપવામાં આવે. આમ થવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડશે નહીં અને શાળા અને શિક્ષક સાથે “રેપો” બની રહેશે. આ વિદ્યાર્થીઓને ૦૧ જાન્યુઆરી ૨૦૨૧થી શાળામાં નિયમિત રીતે બોલાવવાના શરૂ કરવામાં આવે તે પહેલાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવે અને ત્યારબાદ જ તેઓને નિયમિત રીતે શાળામાં બોલાવવામાં આવે.
----------------------
સૂચન ત્રણ
ધોરણ પાંચથી આઠ 
----------------------
પ્રાયમરીના પછીના ચાર વર્ષ એટલે કે ધોરણ પાંચથી ધોરણ આઠના વિદ્યાર્થીઓને ૩૦ નવેમ્બર સુધી શાળાએ ન બોલાવવામાં આવે. આ ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓને દર સોમવારે એકસાથે દસથી વધારે નહીં એ રીતે બેચ પ્રમાણે સમય નક્કી કરીને શાળાએ બોલાવીને એસાઇનમેન્ટ આપવામાં આવે. આગળના અઠવાડિયાનું એસાઇનમેન્ટ સબમિટ કરવા અને નવા અઠવાડિયાનું એસાઇનમેન્ટ લેવા માટે દર સોમવારે વાલી પોતાના સંતાન સાથે શાળાએ જાય. શાળામાં શિક્ષક તેને ચેક કરીને લઈ લે. શિક્ષકે સબમિટ થયેલા એસાઇનમેન્ટ બીજા અઠવાડિયે વાલી અને તેમનું સંતાન આવે તેને તપાસીને પરત આપવાનું રહેશે. આમ થવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ વધારે બગડશે નહીં અને વિદ્યાર્થીનો શાળા અને શિક્ષક સાથે “રેપો” બની રહેશે. આ વિદ્યાર્થીઓને ૦૧ જાન્યુઆરી ૨૦૨૧થી શાળામાં નિયમિત રીતે બોલાવવાના શરૂ કરવામાં આવે.
----------------------------
સૂચન ચાર
ધોરણ નવ અને દસ
ધોરણ અગિયાર અને બાર 
----------------------------
માધ્યમિક એટલે કે ધોરણ નવ અને દસ તથા ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓને ઓકટોબર ૦૧, ૨૦૨૦થી નિયમિત શાળામાં અભ્યાસ શરૂ કરાવવામાં આવે. ૧૭ ઓકટોબરથી શરૂ થતી નવરાત્રીનું વેકેશન રદ કરવામાં આવે તથા દિવાળીમાં માત્ર ૧૧ નવેમ્બરથી ૧૮ નવેમ્બર એમ કુલ આઠ દિવસનું જ વેકેશન આપવામાં આવે. ઓકટોબર ૦૧, ૨૦૨૦થી અભ્યાસ શરૂ કરતી વખતે સોશિયલ ડિસ્ટર્ન્સિંગ જાળવવા માટે ૬૦ના ક્લાસને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે. પ્રથમ ચાર પિરિયડ ભાગ એકમાં લેવામાં આવે તે ચાર પિરિયડ ભાગ બેમાં છેલ્લા ચાર પિરિયડ લેવામાં આવે. તેવી જ રીતે ભાગ બેમાં પ્રથમ ચાર પિરિયડ લેવામાં આવે તે ચાર પિરિયડ ભાગ એકમાં છેલ્લા ચાર પિરિયડ તરીકે લેવામાં આવે. આવું કરવાથી શિક્ષણન સાતત્ય જળવાશે.
.
સપ્ટેમ્બર ૩૦ સુધી ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને દર સોમવારે એકસાથે દસથી વધારે નહીં એ રીતે સમય નક્કી કરીને બેચ પ્રમાણે શાળાએ બોલાવીને એસાઇનમેન્ટ આપવામાં આવે. આગળના અઠવાડિયાનું એસાઇનમેન્ટ સબમિટ કરવાનું અને નવા અઠવાડિયાનું એસાઇનમેન્ટ લેવા માટે દર સોમવારે વિદ્યાર્થી શાળાએ જાય. શાળામાં જે તે વિષે શિક્ષક તેને ચેક કરીને લઈ લે. જે તે વિષય શિક્ષકે સબમિટ થયેલા એસાઇનમેન્ટ બીજા અઠવાડિયે વિદ્યાર્થી આવે તેને પરત આપવાનું રહેશે. એસાઇનમેન્ટ સબમિટ કરવા આવે તે સમયે ધોરણ નવ અને દસના વિદ્યાર્થિની જેમાં તકલીફ હોય કે મૂંઝવણ હોય તે જે તે વિષય શિક્ષકે સોલ્વ કરવામાં મદદરુપ બનવાનું રહેશે.
.
જો અઠવાડિયા દરમિયાન કોઈ પ્રશ્ન હોય તો જે તે શિક્ષકે ફોન કરવાનો સમય નિશ્ચિત કરવાનો રહેશે અને તે સમય દરિમયાન વિદ્યાર્થીના પ્રશ્નોનું સમાધાન ફોન ઉપર જે તે વિષય શિક્ષક કરી આપશે.
-------------
સૂચન પાંચ 
-------------
આ પદ્ધતિ દાખલ કરીને શાળાકીય અભ્યાસને અસરકારક બનાવી શકાશે. રાજ્યના અંતરિયાળ ગામડાંઓ હોય કે ગરીબ વિદ્યાર્થીઓ – તમામને એક સરખું શિક્ષણ પ્રાપ્ત થશે. આ પદ્ધતિ દાખલ કર્યા પછી ઓનલાઈન ક્લાસીસ સંપૂર્ણરીતે બંધ કરી દેવામાં આવે.
----------
સૂચન છ 
----------
ધોરણ દસ અને ધોરણ બારનો બોર્ડની પરીક્ષા માર્ચના પ્રથમ અઠવાડિયાને બદલે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં લેવામાં આવે. જૂનમાં નહીં.  કારણ કે જૂનમાં પરીક્ષા લેવામાં આવશે તો પરિણામ ઓગસ્ટ પહેલાં નહીં આવે. એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં બોર્ડની પરીક્ષાઓ લઈને મેના છેલ્લા અઠવાડિયામાં અથવા તો મોડામાં મોડું જુનના પ્રથમ અઠવાડિયામાં પરિણામ આપી દેવું જોઈએ. આમ થવાથી આગળના શૈક્ષણિક વર્ષમાં વિલંબ નહીં થાય.
--------------
સૂચન સાત   
--------------
૧૭ ઓકટોબરથી શરૂ થતી નવરાત્રીનું વેકેશન રદ કરવામાં આવે તથા દિવાળીમાં માત્ર ૧૧ નવેમ્બરથી ૧૮ નવેમ્બર એમ કુલ આઠ દિવસનું જ વેકેશન આપવામાં આવે.
-------
અંતે
-------
મારી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ સચિવશ્રી, બોર્ડના અધ્યક્ષશ્રી, પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સચિવશ્રીઓ – તમામને આ રીતે વ્યવસ્થા ઊભી કરીને રાજ્યના શાળાના અભ્યાસને અસરકારક બનાવીને દેશમાં એક “આદર્શ મોડેલ” પ્રસ્તુત કરે એ જ અપેક્ષા.
-Jayeshbhai Shah

2.

*આ શૈક્ષણિક વર્ષને જ બદલી દઈએ તો ??*
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
*સરકાર સત્વરે નક્કર નિર્ણયો લે ને હમણાં પરીક્ષાનું નહીં, પણ શિક્ષણનું જ વિચારે.*
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
---ભદ્રાયુ વછરાજાની
bhadrayu2@gmail. com
""""""""""""""""""""""""""""""""""""""""""""
*(ફૂલછાબ:સમયની આરપાર:*
*તા.૨૫-૦૭-૨૦૨૦)*

આપણી ગુજરાત સરકારની આગળ એક ઓફિશયલ વિશેષણ લગાવવામાં આવે છે *"સંવેદનશીલ સરકાર"*. આવાં વિશેષણોના બે અર્થ નીકળે :(૧) સરકાર ખરેખર સંવેદનશીલ છે. (૨) સરકારે સતત યાદ રાખવાનું છે કે "આપણે સંવેદનશીલ રહેવાનું છે." પહેલું અર્થઘટન સરકારલક્ષી છે અને બીજું  પ્રજાલક્ષી છે. બન્ને એકબીજાનાં પૂરક બની રહે તે રાજ્ય માટે લાભકારક છે. કોરોનાકાળમાં આ વિશેષણો કસોટીએ ચડેલાં છે.

ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ સંવાદ સાધવા સતત પ્રયત્નશીલ રહે છે કારણ આપણા શિક્ષણમંત્રી સ્વભાવે "માસ્તર" છે. શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ બહુ બધા ક્ષેત્રજ્ઞો સાથે ઓનલાઈન સંવાદ કરી સૂચનો મેળવ્યાં અને બન્ને પ્રધાનોએ સતત ત્રણ કલાક સાથે રહી સાંભળ્યું-નોંધ્યું-વિચાર્યું પણ.. હવે જે નવનીત તેમનો વિભાગ કાઢે ને અમલ કરે તેની રાહ જોવાની રહી.

"શાળા કોલેજો કેમ-ક્યારે-કેવી રીતે શરૂ કરવામાં આવે ?" એવા વન લાઈનર માટે સૂચનો થયાં. શ્રી અરુણભાઈ દવે, શ્રી ગિજુભાઈ ભરાડ, શ્રી શાહબુદિન રાઠોડ, ડો. વિદ્યુત જોશી અને બીજા ચારેક નિષ્ણાતોની સાથે મને પણ તક મળી કે નક્કર સૂચનો રજૂ કરું.

આ અવસરે લગભગ બધા જ એક વાત પર સંમત હતા કે "દિવાળી પહેલાં શાળાઓ ખોલવાની ઉતાવળ ભૂલ ભરેલું પગલું ગણાશે." ચાલીસેક વર્ષ કેજી થી પીજી સુધી અઠંગ માસ્તરી કરી હોવાથી મેં પાક્કું હોમવર્ક પેશ કર્યું અને સરકારશ્રીને અગાઉથી તે સઘળું મુદ્દાસર મોકલી પણ આપ્યું. જેનો સાર સમયની આરપાર પ્રસ્તુત છે :

# UGC પ્રમાણે કોલેજોમાં વર્ષના ૯૦+૯૦ = ૧૮૦ દિવસનું અધ્યાપન ફરજીયાત છે અને
શાળાઓમાં બધું મળીને વધુમાં વધુ ૨૧૦ દિવસ હાજરીના ગણાય છે......(માની લઈએ કે ગુજરાત નવેમ્બરમાં કોરોનાને "આવજો" કહી દેશે તો..) આ વાતને ધ્યાનમાં લઈને વર્ષ ૨૦૨૦-૨૧ને ( સિંક કરી કે તેની ઝીપ ફાઇલ બનાવીને ) નવેમ્બર ૨૦૨૦ થી મે ૨૦૨૧ નું "વિશિષ્ટ વર્ષ" ઘોષિત કરવું જોઈએ.
આમ કરીએ તો  નવેમ્બર-૨૦૨૦ થી એપ્રિલ-૨૦૨૧ સુધીમાં કોલેજોના ૧૮૦ દિવસ અને નવેમ્બર-૨૦૨૦ થી મે-૨૦૨૧ સુધીમાં શાળાઓના ૨૧૦ દિવસ પૂર્ણ કરી શકાય અને વ્યવસ્થિત વર્ગખંડમાં વર્ષ ચલાવી શકાય.
# હા, નવેમ્બર સુધી આપણે વિદ્યાર્થીઓને રેઢા ન મૂકીએ પણ અત્યારે જે ઓનલાઈન-
ઓફલાઇન-હોમ લર્નિંગ-
વીડિઓ વર્ક વગેરે પ્રયાસો ચાલે છે તે ચાલુ જ રાખીએ અને વિદ્યાર્થી-શિક્ષક નાતો બનાવી રાખીએ.
# શાળાઓ તબક્કાવાર શરૂ કરવાનું ઘોષિત કરીએ:
૧) ધો. ૯ થી ધો. ૧૨ ::
તા. ૦૧-૧૧-૨૦૨૦ થી
૨) ધો. ૫ થી ધો. ૮ ::
તા. ૧૫-૧૧-૨૦૨૦
૩) ધો. ૧ થી ધો. ૪ ::
તા. ૨૨-૧૧-૨૦૨૦
૪) પ્રિ-સ્કૂલ :: ડિસેમ્બર  પહેલાં શરૂ કરવાનું ન જ વિચારવું.
(નોંધ: ઉપરના બીજા-ત્રીજા-ચોથા તબક્કાની તારીખો આગળના તબક્કાની અસરને ધ્યાને લઈને આગળ-પાછળ કરવાની રહે.)

# અભ્યાસક્રમમાં ફેરફાર કરવો રહે :૧) ૩૦% ઘટાડો કરીએ
૨) જ્ઞાન-સમજ નાં વર્ણનાત્મક પ્રકરણ રાખીએ, ઉપયોજન-
કૌશલ્યનાં ઘટાડીએ. ૩) વિદ્યાર્થી વાંચીને સમજી શકે તેવા વિષયઅંગો વધુ રાખીએ. ૪) ક્યાં કેટલું ઘટાડવું તે રાજ્યના ચુનંદા શિક્ષકો નક્કી કરે, સરકારી અધિકારીઓ નહીં.

# *સરકારશ્રી અતિ સત્વરે  આદેશાત્મક રીતે આટલું તો જાહેર કરે જ તેવી આગ્રહભરી વિનંતી પણ કરવામાં આવી :*
૧) ધોરણ દસ અને બાર ની બોર્ડ એક્ઝામ જૂન-૨૦૨૧ નાં અંતમાં લેવાશે. ૨) ત્રીજું ધોરણ એટલે કે ૮ કે ૯ વર્ષની ઉંમર સુધીનું બાળક સ્ક્રીન સામે બેસીને ભણે તે ગુન્હો ગણાશે. ૩) ધોરણ ૪ થી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીને માત્ર ક્રિએટિવ વિડીઓ મોકલીને ઓનલાઈનમાં જોડી શકાશે.
૪) ધોરણ ૯ થી બધા જ વિદ્યાર્થીઓને દિવસના ત્રણ કલાક ઓનલાઈન શિક્ષણમાં જોડી શકશે.
હા, આપણે વિશિષ્ટ અને વિચિત્ર સંજોગોમાં શૈક્ષણિક વર્ષને અગાઉ કહ્યું તેમ બદલીએ તો ઘણી ચિંતાઓ ઓછી થાય, એ નક્કી..પણ એ બહુ બોલ્ડ નિર્ણય છે અને તે અહીંથી લેવાય તેવી પાતળી અપેક્ષા રાખીએ તો એટલું તો સ્પષ્ટ રાખીએ કે..
"અત્યારે સરકારે શીખવાનું (લર્નિંગ) થાય તેનું આયોજન કરવાનું છે, ટીચિંગનું નહીં. અને લર્નિંગ નું સ્વ-માપન હોય, મૂલ્યાંકન ન હોય. અને તેથી "પરીક્ષાઓ ફરજિયાત લેવી જ ... " એવો આદેશ એ અધિકારિક છે, શૈક્ષણિક નથી. હા, શિક્ષકોને કામે લગાડવાનો છાનો ખ્યાલ સચિવસ્તરે હોય તો પછી હરિ હરિ..

7.8.20

*1 થી 15 સપ્ટેમ્બર દરમ્યાન ધો. 10 થી 12ના ક્લાસ ખોલાશે ત્યારબાદ ધો. 6 થી 9ના વિદ્યાર્થીઓનો વારો : બેથી ત્રણ કલાક જ ભણાવાશે : 14મી નવેમ્બર સુધીમાં દેશની તમામ શિક્ષણ સંસ્થાઓ ખોલી નાખવાની ફોર્મ્યુલા તૈયાર*
નવી દિલ્હી,તા. 7
માર્ચમાં કોરોના લોકડાઉન વખતથી બંધ શાળા-કોલેજો હજુ ખુલ્લી નથી પરંતુ 1લી સપ્ટેમ્બરથી તબક્કાવાર શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. 1લી સપ્ટેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન તમામ શૈક્ષણિક સંસ્થાઓ ખોલી નાખવામાં આવશે.

કોરોના મેનેજમેન્ટ કરતા પ્રધાનજૂથમાં સામેલ સચિવોના ગ્રુપે શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનું શિડ્યુલ તૈયાર કર્યું છે. માસાંતે નવા અનલોકની માર્ગદર્શિકા જાહેર થાય ત્યારે તેની જાહેરાત થઇ શકે છે. જો કે,શાળા કોલેજો ક્યારે અને કેવી રીતે ખોલવી તેનો નિર્ણય રાજ્યોનીસરકારો લઇ શકશે.

કેન્દ્ર સરકાર શાળા-કોલેજો ખોલવા માટે વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરશે તેને તમામ રાજ્યોએ અનુસરવાનું રહેશે. ગત મહિને શિક્ષણ વિભાગ દ્વારા સર્વે કરાવાયો હતો. તેના આધારે 1લી સપ્ટેમ્બરથી શિક્ષણક્ષેત્ર ખોલવા નક્કી થયું છે. અને વિસ્તૃત માર્ગદર્શિકા નક્કી કરી છે.

શિક્ષણ વિભાગના સર્વેમાં એવું બહાર આવ્યું હતું કે કોરોનાની બીકને કારણે વાલીઓ હજુ સંતાનોને સ્કૂલે મોકલવાના પક્ષમાં નથી પરંતુ રાજ્યોએ એવી દલીલ કરી હતી કે નબળા વર્ગના બાળકોને વધુ નુકસાન થાય છે. આ ઉપરાંત જે રાજ્યોમાં કેસ-સંક્રમણ ઓછું થવા લાગ્યું છે તેના દ્વારાપણ શાળાઓ ખોલવાની તરફેણ કરવામાં આવી હતી.

માનવ સ્ક્રોપી વિકાસ તથા આરોગ્ય મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. 1લી સપ્ટેમ્બરથી પ્રથમ પખવાડિયામાં ધો. 10 થી 12ના ક્લાસ ખોલવા સૂચવાયુંછે. વિદ્યાર્થીઓનું વિભાજન થશે અને જુદા જુદા દિવસોએ સ્કૂલે આવવા કહેવાશે. અર્થાત 50 ટકા વિદ્યાર્થીઓને એક દિવસ અને બાકીના 50 ટકાને બીજા દિવસે બોલાવાશે. શાળા-અભ્યાસનો સમય પણ 5-6 કલાકને બદલે બે-ત્રણ કલાકનો જ રહેશે.

આ ઉપરાંત 8થી 17 અને 12 થી 3ની શિફટમાં સ્કૂલ ચાલશે. દરેક શિફટ બાદ સ્કૂલ સેનીટાઇઝ થશે. 33 ટકા સ્ટાફ તથા વિદ્યાર્થીઓની સ્કૂલ ચલાવવાનું કહેવામાં આવશે.પ્રાયમરી સ્કૂલના વિદ્યાર્થીઓને હજુ ઓનલાઈન ધોરણે જ ભણાવાશે.

10 થી 12ના ક્લાસ વ્યવસ્થિત થયા બાદ ધો. 6 થી 9ના વિદ્યાર્થીઓનો વારો લેવાશે. સ્વીટઝરલેન્ડના મોડલ મુજબ શિડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે. અઢી મહિનાના ગાળામાં તમામ શિક્ષણ સંસ્થાઓ ખોલી નાખવાનો ઇરાદો છે.

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...