શિક્ષક કભી સાધારણ નહીં હોતા...(શિક્ષક કથાઓ)

1.

સાચુકલા માણસ સાથે ઇરાદાપૂર્વક થતો અન્યાય ભયંકર ઝંઝાવાત પેદા કરતો હોય છે.આવા અન્યાયની પીડા માણસના સત્વને હણી લેતી હોય છે.યોગ્ય સમયે એનો યોગ્ય ઈલાજ ન થાય તો એના ગંભીર પરિણામો આવતા હોય છે.વાંચો આવા ઈરાદાપૂર્વકના અન્યાયનો ભોગ બનેલ માણસની સત્યકથા...


         'એક શિક્ષકના હૃદયપલટાની રસપ્રદ વાત...'

    હું બોટાદ નગરપાલિકા હસ્તકની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો.શરૂઆતમાં એકથી છ ધોરણ અને મારા સહિત બે જ શિક્ષકોને કારણે ભારે મુશ્કેલીઓ પડી રહી હતી.શિક્ષકો ફાળવવા અંગેની મારી વારંવારની માંગણી પછી પણ કોઈ ઉકેલ આવતો નહોતો.બદલી કેમ્પ સિવાય  શિક્ષક ફાળવવા શક્ય નહોતા.આમેય શિક્ષકોની  પહેલેથી જ ઘટ ચાલી રહી હતી.વળી, અમારી શાળા છેવાડાના વિસ્તારમા હોવાથી દૂર પડવાના કારણે પણ કોઈ સ્વૈચ્છિક આવવા રાજી ન થાય એ સ્વાભાવિક હતું. 

    કાળી ચીકણી માટી વાળા ખેતરમાં નવી સોસાયટી બની હતી અને સ્કૂલ પણ સોસાયટીમાં છેક છેલ્લે હતી.એટલે ચોમાસામાં સ્કૂલ સુધી પહોંચવાનો રસ્તો કાચો હોવાથી બાઈક કે સાઈકલ દૂર રોડે મૂકવા પડતા.ભૂલમાં પણ બાઈક કે સાઈકલ ચલાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો વાર્તા પૂરી.બાઈક કે સાઈકલના પંખા ચીકણા ગારાથી ભરાઈ જાય.વ્હીલ જામ થઈ જવાથી આગળ કે પાછળ ફેરવી ના શકાય.આ બધી વસ્તુની ખબર હોવાથી અગવડતા કોણ ભોગવે ! 

      આવી પરિસ્થિતિ વચ્ચે સ્કૂલને એક શિક્ષક મળી રહે એવી ઘટના બને છે.બોટાદની હરણકૂઇ વિસ્તારની નગરપાલિકા હસ્તકની શાળામાં   નવઘણભાઈ ગમારા નામે એક શિક્ષક નોકરી કરતા હતા.મૂળ તો આ શિક્ષક ભાવનગર મહાનગરપાલિકાની શાળામાં શિક્ષક તરીકે જોડાયેલા હતા.પણ, અરસપરસ બદલી હેઠળ એ થોડા વરસ પહેલા બોટાદ નગરપાલિકાની શાળામાં જોડાયા હતા.

      મારા એક મિત્ર ગોવિંદભાઈ ડાભી અરસપરસ બદલીમાં અહીંથી ભાવનગર ગયેલા અને નવઘણભાઈ અહીં આવેલા.

      નવઘણભાઈથી આખું ગામ રાડ ફાડે.એકદમ બાધુક્ડો સ્વભાવ.ધાર્યું જ કરવાનું.હાલતા ગમે એની સાથે વાંકું પડે.એનાથી છોકરાઓ ડરે એ તો સ્વાભાવિક,  પણ શિક્ષકો અને આચાર્ય પણ ડરે.ફરિયાદોના કારણે એમની વારંવાર બદલી થતી.કોઈ આચાર્ય એમને સંઘરવા રાજી નહીં.વહેલા જવા માટે રજા માંગી હોઈ અને આચાર્ય ના કહે તો ઝગડો પાક્કો.પૂછ્યા વિના જતા રહે અને સી.એલ.મૂકાઈ જાય તોય ઝગડો પાક્કો.રજાઓ વપરાઈ ગઈ હોઈ અને કપાત પગારી થાય તો પણ ઝગડો પાક્કો.પછી તો એવું થઈ ગયું કે લોકોએ એમને વતાવાનું જ બંધ કરી દીધેલું.

       એમાં કંઈક બન્યું અને નવઘણભાઈને સજારૂપે કામગીરી ફેરફારમાં મારી સ્કૂલમાં મૂકવામાં આવ્યા.શાસનાધિકારીએ મને કીધું પણ ખરું કે, 'તમારી બહુ માંગણી છે અને બીજા કોઈને જોતા નથી એટલે તમને આપ્યા છે, સંભાળી લેજો.'

       શાસનાધિકારી ને મેઁ 'હા..' કહી  નવઘણભાઈને "નહીં મામા કરતા કાણા (કહેણા) મામા શું ખોટા" એ ન્યાયે સ્વીકારી લીધા.

      વાસ્તવમાં નવઘણભાઈ ભાવનગર ખાતેની કુંભારવાડા સ્કૂલમાં શિક્ષક અને આચાર્ય તરીકે હતા ત્યારે એક સમયે એમણે ખૂબ જ ઉમદા કામ કરેલું.એ દરેક પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતા.શાળાને નમૂનારૂપ બનાવવા એમણે ભરપૂર પ્રયાસ કરેલા.એમાં એમને ખૂબ સફળતા પણ મળેલી.સ્થાનિક કક્ષાએ અખબારોમાં પણ એમના કામની ખૂબ સરાહના થયેલી.મેઁ એમના આ કામ વિષે થોડું સાંભળેલું અને વાંચેલું પણ ખરું.

      કુંભારવાડા જેવા પછાત વિસ્તારની શાળાના બાળકો માટે એમણે કરેલા કામની મને ખબર હોવાથી મનમાં એક પ્રશ્ન સતત થયા કરતો હતો કે કાંઈક એવું જરૂર થયું છે ! જેણે આ માણસને એની મુખ્ય ધારાથી વિમુખ કર્યો છે!

      આવતી કાલે એ મારે ત્યાં હાજર થવાના હતા એટલે મને પણ થોડી ચિંતા હતી.ચિંતામાં જ હું બેઠો બેઠો છાપામાં આવેલી સારી માહિતીનું કટીંગ કાપી રહ્યો હતો. મને છાપાના માહિતીસભર લેખો કટીંગ કરીને સાચવી રાખવાની ટેવ હતી.અચાનક મને કંઈક યાદ આવ્યું.મેઁ સાચવેલા જૂના છાપાના કટિંગની ફાઈલ કબાટમાંથી કાઢી, જેમાં મારો એક લેખ છપાયેલો હતો.મારા લેખની બાજુમાં કુંભારવાડા સ્કૂલની સુંદર કામગીરીવાળા સમાચાર ફોટા સાથે પ્રકાશિત થયેલા હતા. એમાં નવઘણભાઈ ગમારાની કામગીરીની નામ જોગ નોંધ હતી.એમનો ફોટો પણ હતો.મને યાદ આવી ગયું એટલે મેઁ  એ કટિંગ શોધીને  ખિસ્સામાં મૂકી દીધું.

    બીજે દિવસે નવઘણભાઈ મારી શાળામાં હાજર થવા આવ્યા એટલે મેઁ એને પ્રેમથી આવકાર્યા.એમના આગમનથી શાળાને એક અનુભવી શિક્ષક મળ્યાનું જણાવ્યું.એમના તોફાનોની મને ખબર હતી જ, એટલે મેઁ એમને સામેથી જ કહી દીધેલું.

      'જો નવઘણભાઈ ! હું તમારાથી ભડકીને કે ડરીને તમને કશું કહેતો નથી. તમને વધારે રજા જોઈએ છે એ મને ખબર છે.રજા જોઈએ છે તો એ તમને મળી જશે, પણ જ્યાં સુધી તમે શાળામાં હો ત્યાં સુધી મને કુંભારવાડાવાળા નવઘણભાઈ જોઈએ છે, બોટાદવાળા નહીં.'

      એ ચોંક્યા.એમની આંખોમાં ચમક આવી." કેમ એવું કીધું પ્રભુ !" નવઘણભાઈએ ખુરશી ઉપર સહેજ ઊંચા થઈને પૂછ્યું.

      'તમારી કામગીરીની મને ખબર છે.શિક્ષક તરીકે તમે ખૂબ સુંદર કામ કરેલું એ પણ મને ખબર છે, પણ મને એ ખબર નથી કે તમે તમારું શિક્ષકત્વ ક્યારે અને શું કામ ગીરવે મૂકી દીધેલું ? ગીરવે મૂકેલા તમારા  શિક્ષકત્વના તમે  દામ બોલો ?મારે એ દામ ચૂકવવા છે.'

      પછી ખિસ્સામાંથી મેઁ પેલું છાપાનું કટીંગ કાઢી એની સામે મૂક્યું.છાપામાં રહેલા એમના ફોટા સામે આંગળી ચીંધીને ઉમેર્યું.

      ' મને આ નવઘણ ગમારા જોઈએ છે.'

      પછી તો મારી અને એની આંખોનું ત્રાટક રચાયું.કોરી આંખો સજળ થઈ.એ ઊભા થયાં.હું ઊભો થયો.એમણે મારા બંને હાથ હાથમાં લઈ એમની આંખે અડાડ્યા.એમની આંખોમાંથી બે આંસુ ખરી પડ્યા.

      એમની વાતથી હવે ચોંકવાનું મારે હતું.એ બોલતા ગયા.હું અવાક બની સાંભળતો ગયો.

      " મેઁ શિક્ષક તરીકે પૂરા સમર્પણથી કામ કર્યું હતું.રાત દિવસ જોયા વિના કામ કર્યું હતું.હરીફાઈઓ અને પ્રદર્શનમાં અમે અવ્વલ દેખાવ કરતા હતા.એવું ઘણી વખત બન્યું કે ઇનામ આમારી શાળા અને અમારા બાળકોને મળવા પડે એના બદલે નિર્ણાયકોની ખોટી દાનતના કારણે અમને નહીં મળેલા. બસ, આ કારણથી મારી શિક્ષણ પ્રત્યેની શ્રદ્ધા ઊડી ગયેલી. આ સિસ્ટમ વેઠ ઉતારવાને જ લાયક છે એમ માની મેઁ મારો ટ્રેક બદલી નાંખેલો.પછી હું બગડતો ગયો.જેમ જેમ ઠપકો મળતો ગયો એમ એમ વધુ ને વધુ બગડતો ગયો.કોઈએ કદર ના કરી એટલે હું બગડી ગયો.આજે તમારી કદરે મને બચાવી લીધો.મારા સ્વપણામાં આજે હું ફરીથી ઓગળી ગયો.આજથી તમે મારા ગુરુ અને આજથી હું તમારો કુંભારવાડાવાળો નવઘણ ગમારા."

      અમે બંને અવાક બની એકબીજા સામે હાથ જોડી ઊભા રહ્યા.એ મારી સામે મીણની જેમ પીગળતા રહ્યા.હું એમની ગુરુતાને વંદી રહ્યો.

      બીજા દિવસે એ એમની ફાઈલમાં સાચવીને રાખેલા ઢગલો કટીંગ શાળામાં લઈને આવ્યા.એમની કામગીરીનું બયાન કરતા છાપાના આ સઘળા કટિંગ મારી સામે મૂકીને તેઓ મને કહે છે. "પ્રભુ ! હવે તમે કહો એ રીતે કામ કરવું છે."

      ત્યારની ઘડી ને આજનો દી...નવઘણભાઈ ગમારા શિસ્તબદ્ધ રીતે આજ સુધી પોતાનું કર્મ બજાવી રહ્યા છે. બાર વરસ થયા આ ઘટનાને...! એમણે કોઈને પણ,એકાદી ય  ફરિયાદ કરવાનો મોકો નથી આપ્યો. 

      નવઘણભાઈને જાણનાર સૌને આજે પણ એ વાતનું આશ્ચર્ય છે કે એવું તો શું બન્યું કે વાલિયો વાલ્મિકી બની ગયો.

      મિત્ર નવઘણભાઈના શિક્ષકત્વ સાદર વંદન.

      -રવજી ગાબાણી

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...