મારી પ્રાર્થના...

 હે સકલ સૃષ્ટિના સર્જનહાર મારા પિતા પરમેશ્વર, પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તી અને પવિત્ર આત્મા,


સૌ પ્રથમ તો તમારો આભાર માનું છું કે તમે મને,મારી જીવન સાથી સુનિતાને, મારા વહાલા બાળકો નિસર્ગ અને સાક્ષીને, મારા મા,બાપુ અને મમ્મીને,મારા તમામ સગાં સંબંધીઓ,મિત્રો અને સ્નેહીજનોને આજની અત્યારની આ ઘડી સુધી સાચવી-સંભાળીને રાખ્યાં છે એ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે પ્રાર્થું છું કે આવનાર હવે પછીની તમામ ક્ષણોમાં, આજના આ સમગ્ર દિવસ અને રાત્રિ દરમ્યાન તમે અમને સૌને સાચવી-સંભાળીને રાખજો.તમે અમારી સૌની સાથે અને પાસે રહેજો.

અમારા સૌનું રક્ષણ કરજો.

હે પ્રભુ, આજના દિવસના ધારેલાં તમામ કાર્યો પૂર્ણ કરવાની અમને શક્તિ આપજો.અમને નોકરી, ધંધો કે વ્યવસાયના સ્થળે જતાં અને આવતાં સંભાળી રાખજો. અમને અમારાં નોકરી, ધંધા અને વ્યવસાયમાં પૂરતી કાર્યદક્ષતા અને ધગશથી કાર્ય કરવાની શક્તિ આપજો.અમે અમારા કાર્યો પૂરી પ્રામાણિકતા અને નિષ્ઠાથી કરી શકીએ એવી શક્તિ આપજો.

     હે પ્રભુ અમારા રોજિંદા કાર્યોમાં તમારી સહાર કરો.અમારે ફાળે આવેલાં દુન્યવી કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકીએ એવી કરુણા અને કૃપા વરસાવજો.

     હે પ્રભુ, કોઈ પણ પ્રકારના રોગથી, કોઈ પણ પ્રકારના અકસ્માતથી, કોઈ પણ પ્રકારના પાપથી, કોઈ પણ પ્રકારના ભયથી, કોઈ પણ પ્રકારના વ્યસનથી, કોઈ પણ પ્રકારના કુવિચારથી અને કોઈ પણ પ્રકારના વ્યભિચારથી અમને સૌને બચાવી રાખજો.

     હે પ્રભુ, તમે અમને સૌને શારીરિક, માનસિક,બૌદ્ધિક, વૈચારિક,તાર્કિક, વ્યવહારિક,આર્થિક, વ્યવસાયિક અને બીજી બધી રીતે સુખી, સક્ષમ, સમૃદ્ધ અને શક્તિશાળી બનાવજો.

     હે પ્રભુ તમે અમને સૌને સારાં, સદાચારી, સંસ્કારી, ધાર્મિક, નિર્ભયી, સાહસિક, નિરાભિમાની અને હેલ્પફુલ બનાવજો.

     હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને સાચવી-સંભાળીને રાખજો.એની એના વિકાસ અને જતન માટે કાર્ય કરતાં પોપથી માંડીને નાના ધર્મજન ઉપર તમારી કરુણા અને કૃપા વરસાવજો કે જેથી ધર્મ સભાને ટકાવી રાખીને એનાં વિકાસના કાર્યો કરી શકે.સૌ કોઈ પર તમારાં પ્રેમની અમી દ્રષ્ટિ રાખજો.

     હે પ્રભુ, જગતના સૌ માતા-પિતાની ઉપર તમારી કરૂણા અને કૃપા વરસાવજો કે જેથી એ એમનાં કુટુંબને બચાવીને આગળ વધારી શકે. પ્રાર્થનામય જીવન વડે સંતાનોનો યોગ્ય અને ધાર્મિક ઉછેર કરી શકે.

     હે પ્રભુ, જગતની તમામ સરકારો ઉપર તમારી કરૂણા અને કૃપા વરસાવજો કે જેથી તમામ સત્તાધીશો એમને મળેલી સત્તાનો બુદ્ધિ અને વિવેક પૂર્ણ ઉપયોગ કરીને પ્રજાના હિતના કાર્યો કરી શકે. પ્રજામાં હાર્મની, સંપ અને સુમેળ સ્થાપી શકે તથા તેને કાયમ રાખી શકે.

     હે પ્રભુ, જગતની તમામ માતાઓ ઉપર તમારી કરૂણા અને કૃપાઓ વરસાવજો કે જેથી એ એમનાં સંતાનોનો પ્રેમ, કાળજી અને હકારાત્મક ઉછેર કરી શકે.

     હે પ્રભુ, જગતના તમામ ડોક્ટરો ઉપર તમારી કરૂણા અને કૃપા વરસાવજો કે જેથી તેઓ પૂરેપૂરી સેવા ભાવનાથી દર્દીઓની સેવા સુશ્રુતા કરીને લોકોના દુઃખ-દર્દ ઓછાં કરી શકે.

     હે પ્રભુ, જગતના તમામ કેદીઓ ઉપર તમારી કરૂણા અને કૃપા વરસાવજો કે જેથી તેઓ એમણે કરેલાં ગુનાહિત કૃત્યોનો પસ્તાવો કરીને, પુનઃ નવું અને સારું જીવન જીવવાનો નિર્ણય લઈ, જેલ મુક્તિ બાદ ગુના રહિત જીવન જીવી શકે.

     હે પ્રભુ, જગતના તમામ શિક્ષકો ઉપર તમારી કરૂણા અને કૃપા વરસાવજો કે જેથી તેઓને લોક સુધાર અને સમાજ સુધારની મળેલી તકનો યોગ્ય ઉપયોગ કરીને વિધાર્થીઓમાં જ્ઞાન, આવડત અને સંસ્કારોનું સિંચન કરી શકે.

     હે પ્રભુ, જગતના તમામ દર્દીઓ, એમાંય વળી મરણની સન્મુખ ઊભેલાં દર્દીઓ ઉપર તમારી ખાસ કરૂણા અને કૃપા વરસાવજો કે જેથી એમની પીડા અને દર્દ ઓછાં થાય.હે પ્રભુ મરણને સન્મુખ ઊભેલાં દર્દીઓને એમના દર્દમાંથી મુક્તિ અપાવવાં શક્ય હોય તો એમને તમારી પાસે બોલાવી લો.

     હે પ્રભુ, જગતના તમામ વૃદ્ધો ઉપર તમારી કરૂણા અને કૃપા વરસાવજો કે જેથી તેઓ તેમની વૃદ્ધાવસ્થા વિના વિઘ્ને પસાર કરી શકે અને એમની શારીરિક તકલીફોનો સામનો કરી શકે.

     હે પ્રભુ, જગતના તમામ નિરાધાર અને ગરીબ લોકો ઉપર તમારી કરૂણા અને કૃપા વરસાવજો કે જેથી એમને આધાર મને અથવા આધાર ઊભો કરી શકે.તેમજ ગરીબ લોકો એમની ગરીબીનું કારણ શોધી એનું નિરાકરણ લાવી એમાંથી મુક્તિ મેળવી શકે.

     હે પ્રભુ, આ જગતમાંથી વિદાય લઈ ચૂકેલાં અમારા આપ્તજનો ઉપર તમારી કરૂણા અને કૃપા વરસાવજો કે જેથી કદાચ તેઓ શોધાગ્નિમાં હોય તો એમના પાપોની માફી મળે અને ત્યાંથી મુક્ત થઈ સ્વર્ગમાં પ્રવેશી શકે.

     હે પ્રભુ, અમારી આ તમામ પ્રાર્થનાઓ તમે સાંભળો અને સ્વીકાર કરો. આમીન.

હે અમારા બાપ...

પ્રણામ મારીયા...(દસ કે અગિયાર) જુદાં જુદાં સ્વરૂપે

1. નિત્ય સહાયક મા, ચાવડાપૂરા

2. લૂડ્સના પવિત્ર મારીયા, પધાર્યા

3. અનાથોની મા, ખભોળજ 

4. આરોગ્ય માતા, પેટલાદ 

5. નિરાધારોની મા, વડોદરા

6. ઊંટેશ્વરી મા, કલોલ

7. કોરવી માતા, ડેડિયાપાડા

8. માઉન્ટ મેરી મા, મુંબઈ 

9. વેલાંકની મા, વેલાંકની

10. ગ્વાદાલુપે મા, કઠવડ


પ્રણામ ઓ રાણી...(દીવના મા)

સ્તુતિ...

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...