વણકર - સ્વાભિમાન...
વર્ષોથી વણકર સમાજનો મુખ્ય વ્યવસાય વણાટકામ હતો. વણકર કુટુંબોનો જીવન નિર્વાહ એની પર ચાલતો. બદલાતાં સમયની સાથે ટેકનોલોજીના વિકાસથી મિલો આવી અને આ ઉદ્યોગની પડતી શરૂ થઇ. ગામડામાં વસતો વણકર સમાજ ધીમેધીમે શહેર - મહાનગરો ભણી પલાયન કરવા લાગ્યો.જાતે કાપડ બનાવતો વર્ગ શહેરોમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદની મિલોમાં મજૂર તરીકે જોડાતો ગયો.જેને લીધે હાથ વણાટ કારીગરી ગુજરાતમાં નામશેષ થવાના આરે આવીને ઊભી છે. હવે અમુક ગણ્યા ગાંઠ્યા પરિવારમાં જ વણાટકામ રહ્યું છે.
અન્ય વિકલ્પોના અભાવે, અન્ય કામોના અનુભવના અભાવે, નહીવત તક કે સામાજિક બંધનોને લીધે આજે વણકર સમાજ સૌથી વધુ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન પસાર કરી રહ્યો છે. વણકર ઘરોની હાથશાળો બંધ થવા લાગી છે. થોડાં ઘણાં જે લોકો માત્ર હાથવણાટથી જ નિર્વાહ ચલાવે છે, એમને પણ આખા દિવસના તનતોડ પરિશ્રમના અંતે પેટ ગુજારો કરી શકાય એટલું ઉપાર્જન પણ માંડ મળે છે. માત્ર હાથશાળ પર જીવનયાપન કરનાર વણકર સમાજની આર્થિક હાલત આજે અત્યંત ખરાબ છે. એક જમાનામાં ગુજરાતના દરેક ગામમાં વણકરવાસ હાથશાળના રિધમ સાથે વણકરો જે શાળ(કાપડ વણવાનું મશીન) ચલાવતાં ચલાવતાં, ભજન કે લોકગીત લલકારતા, વણકર સ્રીઓ રેંટિયાના તાલે બોબીન ભરતી તેને લીધે વણકરવાસ હર્યોભર્યો રહેતો. આવો વણકરવાસ આજે વેરાન અને સૂનો ભાસે છે. વણકરના હાથે વણાટ કરેલ કાપડ બધાં જ સમાજ હોંશે હોંશે પહેરતાં હતા. આ સમાજને માટે "વણકર મહાજન" એવો માનવાચક શબ્દ પ્રયોગ થતો હતો.
તાણો-વાણો, બોબીન ભરવાં, સાંધણી સાંધવી, હીરવવું, ઓજુ લાંબુ કરવું. ભાંદણી બાંધવી, પાણ માંડવું,વેજા વણવા, જેવા દેશી શબ્દો જે આખી વણાટ પ્રક્રિયાનો ભાગ હતા, એ આજે જાણે શબ્દકોષમાંથી ગાયબ થઈ ગયા છે. નવી પેઢી માટે આ શબ્દો અપરિચિત છે. જે કુટુંબો વણાટકામ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા, જેમનો મુખ્ય વ્યવસાય જ વણાટનો હતો એ ઘરોમાં ઉછરી રહેલી નવી પેઢી પણ આ બધાથી એકદમ અજાણ છે.
ખેર
પરિવર્તન પ્રકૃતિનો અપરિહાર્ય હિસ્સો છે. તેને સ્વીકારવું જ રહ્યું.
Comments
Post a Comment