અવનવું
સુરતમાં બનાવાઈ સોનાની ઘારી, 11,000/- રૂપિયે કિલો
આમતો સુરત સોનાની મૂરત ગણાતું હતું અને છે પણ ખરું, આવી સોનેરી તક ધરાવતા સુરતમાં ગૌરાંગભાઈ સુખડીઆને ત્યાં તૈયાર થઈ છે આવી સોનાની ઘારી, 1 કિલોના 11,000 રૂપિયા તેનો ભાવ છે.
‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ આ કહેવત બહુ જૂની અને જાણીતી છે. સુરતને સોનાની મૂરત પણ કહેવામાં આવે છે. અહીં ખાણીપીણીની વસ્તુઓ દેશભરમાં વખણાય છે. ત્યારે અહીં ચંદની પડવા માટે ખાસ ખાવામાં આવતી ઘારીની ફક્ત ગુજરાત કે ભારતમાં જ નહીં વિદેશોમાં પણ માંગ રહે છે. દર વર્ષે આવતા ચંદની પડવામાં સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી અને ભૂસુ ઝાપટી જાય છે. ખાવાપીવામાં સુરતીઓએ ક્યારેય મોંઘવારી અને સમય જોયો નથી. આ વાતનો ઈતિહાસ પણ સાક્ષી છે. ત્યારે સુરતમાં તૈયાર કરવામાં આવી છે ગોલ્ડન ઘારી.
સુરતના ભાગળ વિસ્તારમાં મીઠાઈની દુકાન ધરાવતા મીઠાઈ વિક્રેતા એસ. મોતીરામના ગૌરાંગ સુખડીઆ દ્વારા ખાસ ચંદની પડવા માટે ગોલ્ડન ઘારી બનાવવામાં આવી છે. આ ઘારીની બનાવટમાં પ્યોર ડ્રાયફ્રુટ અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટેસ્ટમાં ખાંડનો ઉપયોગ થોડો ઓછો કરવામાં આવ્યો છે. પરંતુ આકર્ષણના ભાગરૂપે તેમણે ઘારી પર પ્યોર સોનાની વરખ ચડાવી છે. સોનામાં આમ પણ ઘણા ગુણો હોય છે અને આરોગ્યવર્ધક તરીકે ખાવામાં પણ તેનો ઉપયોગ થાય છે. એવું મીઠાઈ વિક્રેતાઓનું કહેવું છે.
આ ઘારી દેખાવમાં જેટલી આકર્ષક છે તેનો ભાવ તેટલો જ ઊંચો છે. 1 કિલો ઘારીનો ભાવ 11,000 રૂપિયા રાખવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કોરોનાકાળમાં આટલો ઊંચા ભાવથી ઘારી ખાવી સામાન્ય લોકોને પોષાય એવો નથી પણ સુરતના ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગ અને મોટા ઉદ્યોગપતિઓ દ્વારા આ સોનાના ઘારીની ઈન્કવાયરી આવી રહી હોવાનું મીઠાઈ વિક્રેતા ગૌરાંગભાઈ સુખડીઆનું કહેવું છે.
Comments
Post a Comment