હાલરડાં...

 


જૂનાં-નવાં હાલરડાં

ઘણા સમયથી કેટલાક મિત્રોની હાલરડાં મૂકવા માટેની વિનંતી હતી તેથી આજે ગુગલમાંથી થોડાં હાલરડાં શોધીને રજું કરું છું.આશા છે કે સાહિત્ય રસીકોને ગમશે.


🌹 આ લોકગીત હાલરડું છે. 

હાલ્ય વાલ્ય ને હુવા,

લાડવા લાવે રે ભાઇના ફુવા ;

ફુવાના શા છે ફોક,

લાડવા લાવશે ગામનાં લોક ;


લોકની શી પેર,

લાડવા કરશું આપણે ઘેર ;

ઘરમાં નથી ઘી ને ગોળ,

લાડવા કરશું રે પોર ;

પોરનાં ટાણાં વયાં જાય –

ત્યાં તો ભાઇ રે મોટો થાય !…


ભાઇને ઘેરે ગાડી ને ઘોડાં,

ઘોડાંની પડઘી વાગે,

ભાઇ મારો નીંદરમાંથી જાગે ;

ઘોડાં ખાશે રે ગોળ,

ભાઇને ઘેર હાથીની રે જોડ !…


ભાઇ ભાઇ હું રે કરું,

ભાઇ વાંસે ભૂલી ફરું ;

ભાઇને કોઇએ દીઠો,

ફૂલની વાડમાં જઇ પેઠો ;

ફૂલની વાડી વેડાવો,

ભાઇને ઘેરે રે તેડાવો !…


❣️❣️❣️❣️❣️


તમે મારાં દેવના દીધેલ છો...


તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,

આવ્યાં ત્યારે અમર થઇને રો’ !


મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;

મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ !


તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,

આવ્યાં ત્યારે અમર થઇને રો’ !


મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું હાર,

પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર. – તમે…..


હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,

હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે…..


ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ ;

પાનસોપારી ખાઇ ગઇ, કંકોતરીમાંથી રૈ. – તમે…..


ભાવનગર ને વરતેજ વચ્ચે રે’ બાળુડાની ફૈ ;

બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા ટોપીમાંથી ગૈ

બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રૈ. – તમે…..

🌹🌹🌹🌹🌹


❣️દીકરી મારી લાડકવાયી

દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર


એ સૂએ તો રાત પડે ને જાગે તો સવાર

દીકરી મારી..


દીકરી તારા વ્હાલનો દરિયો જીવનભર છલકાય

પામતા જીવન માત-પિતાનું ધન્ય થઈ જાય

એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડાં હાજર

દીકરી મારી..


ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ

રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર

રૂપમાં તારા લાગે મને પરીનો અણસાર

દીકરી મારી..


કાળી ઘેલી વાણીથી ઘર ઘૂઘરો થઈ ને ગુંજે

પા-પા પગલી ચલાવતા બાપનું હૈયું ઝૂમે

દીકરી તું તો માત-પિતાનો સાચો છે આધાર

દીકરી મારી..


હૈયાના ઝૂલે હેતની દોરી બાંધી તને ઝૂલવું

હાલરડાની રેશ્મી રજાઈ તને હું ઓઢાડું

પાવન પગલે તારા મારો ઉજળો છે સંસાર

-મુકેશ માલવણકર


🌹દીકરો મારો લાડકવાયો

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,


વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે.

દીકરો મારો લાડકવાયો…..


રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,

કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,

આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.

દીકરો મારો લાડકવાયો…..


કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,

છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,

સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.

દીકરો મારો લાડકવાયો…..


ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,

લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,

આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.

દીકરો મારો લાકડવાયો…..


હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,

શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,

રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,

વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.

દીકરો મારો લાડકવાયો….


-કૈલાશ પંડિત


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


હાલરડું

…હાલ્ય વાલ્ય ને હુવા,

લાડવા લાવે રે ભાઇના ફુવા ;

ફુવાના શા છે ફોક,

લાડવા લાવશે ગામનાં લોક ;

લોકની શી પેર,

લાડવા કરશું આપણે ઘેર ;

ઘરમાં નથી ઘી ને ગોળ,

લાડવા કરશું રે પોર ;

પોરનાં ટાણાં વયાં જાય –

ત્યાં તો ભાઇ રે મોટો થાય !…

ભાઇને ઘેરે ગાડી ને ઘોડાં,

ઘોડાંની પડઘી વાગે,

ભાઇ મારો નીંદરમાંથી જાગે ;

ઘોડાં ખાશે રે ગોળ,

ભાઇને ઘેર હાથીની રે જોડ !…

ભાઇ ભાઇ હું રે કરું,

ભાઇ વાંસે ભૂલી ફરું ;

ભાઇને કોઇએ દીઠો,

ફૂલની વાડમાં જઇ પેઠો ;

ફૂલની વાડી વેડાવો,

ભાઇને ઘેરે રે તેડાવો !…

          – ઝવેરચંદ મેઘાણી 

🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌷🌷🌷


🌹પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ

પારણીએ ઝૂલે રે ઝીણી જ્યોત રે

અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ

નભથી પધારી મારી તારલી રે લોલ

અંગે અંગે તે ઓતપ્રોત રે

અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ

લેજો રે લોક એનાં વારણાંરે લોલ

પુત્રી તો આપણી પુનાઈ રે

અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ

ઓસરિયે,આંગણિયે,ચોકમાં રે લોલ્

વેણીના ફૂલની વધાઈ રે

અદકાં અજવાળાં એની આંખમાં રે લોલા

અમૃત દેવોનું દિવ્ય લોકમાં રે લોલ્

લાડલી લાવી આ ઘેર ઘેર રે

અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ

સરખાં સહુ હેત એને સીંચજો રે લોલ્

લીલા સપનાની જાણે લહેર રે

અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ

બાપુની ઢાલ બને દીકરો રે લોલ

કન્યા તો તેજની કટાર રે

અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ

ઉગમણે પહોર રતન આંખનું રે લોલ

આથમણી સાંજે અજવાસ રે

રમતી રાખોને એની રાગિણી રે લોલ

આભથી ઉંચેરો એનો રાસ રે

અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ

—મકરન્દ દવે

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


🌹નીંદર ભારી રે …-હાલરડું

 નીંદર ભરી રે ગુલાલે ભરી

બેની બાની આંખડીમાં નીંદર ભરી


નીંદરને દેશ બેની નીત્ય નીત્ય જાતાં,

આકાશી હીંચકાની હોડી કરી

બેની બાની આંખડીંઆં નીંદર ભરી


નીંદર બેથી છે નીલ સમદરના બેટમાં

કેસરીયા દૂધના કતોરા ધરી

બેની બાની આંખડિમાં નિંદર ભરી


નીંદરનો બાગ કાંઇ લુંબે ને ચુંબે,

ઘડીયોની તાળીને કચોળી ભરી

બેની બાની આંખડિમાં નિંદર ભરી


સીંચાય તેલ મારી બેનીને માથડૅ

નાવડૅ કરાવે ચાર દરિયા ફરે

બેની બાની આંખડિમાં નિંદર ભરી


– ઝવેરચંદ મેઘાણી

સંકલન,સંપાદન:-હસમુખ ગોહીલ


🌹ધીરા વાજે રે મીઠા વાજો,

વાહુલિયા હો,

તમે ધીરા રે ધીરા વાજો

ધીરા ગાજો રે ધીરા ગાજો,

મેહુલિયા રે, ધીરા રે ધીરા ગાજો

બાળુડાના બાપુ નથી ઘરમાં

અથડાતા એ દૂર દેશાવરમાં

લાડકવાયો લોચે છે નિંદરમાં

વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

વીરા તમે દેશે દેશે ભટકો

ગોતી ગોતી એને દેજો મીઠો ઠપકો

લખ્યો નથી કાગળનો કટકો

વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

મેઘલ રાતે ફૂલ મારું ફરકે

બાપુ બાપુ બૂમ પાડી થડકે

વિજોગણ હું ય બળુ ભડકે

વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

સૂતી’તી ને સ્વામી દીઠા સ્વપને

વા’ણે ચડી આવું છું કે’તા મને

ચાંદલિયા વધામણી દૈશ તને

વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

મીઠી લે’રે મધદરિયે જાજો

વ્હાલાજીના શઢની દોરી સાજો

આકળિયા નવ રે જરી થાજો

વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

પાછલી રાતે આંખ મળેલ હશે

ધીરી ધીરી સાંકળ રણઝણશે

બે માં પેલો સાદ કેને કરશે?

વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

– ઝવેરચંદ મેઘાણી


🌹સાવ રે સોનાનું મારું પારણિયું

ને ઘૂઘરીનાં ઘમકાર, બાળા પોઢો ને !

ચાર પાયે ચાર પૂતળિયું

ને મોરવાયે બે મોર, બાળા પોઢો ને !


🌹હાલાં વાલાં

હા… હાલાં !

ઓળોળોળો હાં … હાલાં !

ઓળોળોળો હાલ્ય હાલૂડી હાલ્ય !


🌹રો મા! રો મા! રે બાળક!

બારણે બેઠું છે હાઉ

બારણે બેઠું છે હાઉ.


🌹સૂઈ જા, વીર, સૂઈ જા !

લાડકડા વીર સૂઈ જા !

તને રામજી રમાડે

વીર સૂઈ જા

તને સીતાજી સુવરાવે

વીર સૂઈ જા !


🌹હડ્ય તૂતૂડાં હાંકું,

ભાઈને રોતો રે રાખું!

તૂતૂડાં જાજો દૂર,

ભાઈ તો શિરાવશે દૂધ ને કૂર :

દૂધ ને કૂર લાગે ગળ્યાં

ભાઈના આત્મા રે ઠર્યા.

હડ્ય તૂતૂડાં હસજો!

વાડીમાં જઈને રે વસજો!

હાં...હાં હાલાં!


🌹નીંદરડી તું આવે જો આવે જો

મારા બચુ તે ભાઈ સારુ લાવે જો – નીંદરડી૦

તું બદામ મિસરી લાવે જો – નીંદરડી૦

તું પેંડા પતાસાં લાવે જો – નીંદરડી૦


🌹ભાઈ મારો છે સાગનો સોટો

આવતી વહુનો ચોટલો મોટો

હાં...હાંલાં!

ઘોડાંની પડઘી વાગે

ભાઈ મારો નીંદરમાંથી જાગે;

ભાઈ ભાઈ હું રે કરું

ભાઈની વાંસે હું રે ફરું.

ભાઈને કોઈએ દીઠો!

ફૂલની વાડીમાં જઈ પેઠો.


🌹હાલાં હાલાં કરતા'તાં

સંતોકરા મામા રમતા'તા;

રમતે ખેલતે બાજરી વાઈ

બાજરીરા ખેતમેં ઢેલડી વિંયાઈ;

ઢેલડીરા બચિયા રાતા રે ભાઈ

સંતોકરા મામા માતા રે ભાઈ

હાલાં.. હાલાં!


સંતોકરા મામા આવતા'તા

ઢાલ પછેડો લાવતા'તા,

ઢાલ પછેડે નવલી ભાત

સંતોક ઓઢે દિ' ને રાત.

ઓઢી ઓઢી જૂનો કર્યો

સરવર પાળે ઝીલવા ગ્યાં

હાડિયો આવ્યો લઈ ગિયો

કાનમાં વાત કહી ગિયો

હાલાં! હાલાં!


🌹પોઢો ને!


હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;

ઘડી જાવને ઘોડિયા માંય, અંબર તમે ઓઢો ને!


હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;

મારા લાડકવાયા લાલ, પીતાંબર ઓઢો ને!


હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;

મારે દો'વી છે કાંઈ ગાય, અંબર તમે ઓઢો ને!


હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;

મારે ઘરમાં છે ઘણું કામ, અંબર તમે ઓઢો ને!


🌹બહુ વા′લો

પોઢો ને મારા હરિ હાલો હાલો !


તું તો રે તારા બાપને બહુ વા'લો. - પોઢો ને૦

તું તો રે તારી માતાનો લાલ. - પોઢોને૦


મળવાને આવશે વ્રજ તણા બાળા,

તે તો રે લાવશે ફૂલડાંની માળા,

તું તો રે તારા કાકાને બહુ વાલો!-પોઢો ને૦


મળવા રે આવશે ગોકુળની ગોપી,

તે તો રે લાવશે ફૂલડાંની ટોપી,

તું તો રે તારી માતાનો લાલો ! – પોઢો ને૦


મળવા આવશે મામો ને મામી,

તે તો રે ભમ્મર તાણી રે'શે સામી,

તું તો રે તારા મામાને બહુ વાલો! - પોઢો ને૦


🌹બહુ વા′લો

પોઢો ને મારા હરિ હાલો હાલો !


તું તો રે તારા બાપને બહુ વા'લો. - પોઢો ને૦

તું તો રે તારી માતાનો લાલ. - પોઢોને૦


મળવાને આવશે વ્રજ તણા બાળા,

તે તો રે લાવશે ફૂલડાંની માળા,

તું તો રે તારા કાકાને બહુ વાલો!-પોઢો ને૦


મળવા રે આવશે ગોકુળની ગોપી,

તે તો રે લાવશે ફૂલડાંની ટોપી,

તું તો રે તારી માતાનો લાલો ! – પોઢો ને૦


મળવા આવશે મામો ને મામી,

તે તો રે ભમ્મર તાણી રે'શે સામી,

તું તો રે તારા મામાને બહુ વાલો! - પોઢો ને૦


🌹 હાં આં...... આં હાલાં !

[નિદ્રાને ઘૂંટે તેવી અને બાળકના રુદન-સ્વરો સાથે મળી જાય તેવી એકસૂરીલી હલકથી સૌરાષ્ટ્રમાં ગવાતું.]

હાલ્ય હાલ્ય ને હાંસીનો,

રાતો ચૂડો ભાઈની માશીનો;

માશી ગ્યાં છે માળવે,

ભાઈનાં પગલાં રે જાળવે.

હાં હાં હાલાં!


હાલ્ય હાલ્ય ને હાંસી

લાડવા લાવશે ભાઈની માશી,

માશી ગ્યાં છે મ'વે

લાડવા કરશું રે હવે.

હાં...હાં હાલાં!


હાલ્ય હાલ્ય ને હલકી,

આંગણે રોપાવો રે રૂડી ગલકી;

ગલકીનાં ફૂલ છે રાતાં,

ભાઈનાં મોસાળિયાં છે માતા;

માતાં થૈને આવ્યાં,

આંગલાં ટોપી રે લાવ્યાં;

આગલાં ટોપીએ નવનવી ભાત

ભાઈ તો રમશે દા'ડો ને રાત;

મોસાળમાં મામી છે ધુતારી

આંગલાં લેશે રે ઉતારી;

મામાને માથે રે મોળિયાં,

ભાઈનાં ઉતરાવશે હિંગળોકિયાં ઘોડિયાં.

હાં...હાં હાલાં!

હાલ્ય હાલ્ય ને હેવૈયો,

ભાઈને ભાવે રે લાડુ સેવૈયો;

સેવૈયો પડયો છે શેરીમાં,�

ભાઈ તો રમશે મા'દેવની દેરીમાં;�

દેરીએ દેરીએ દીવા કરું,

ભાઈને ઘેરે તેડાવી વિવા કરું,

વિવા કરતાં લાગી વાર,

ભાઈના મામા પરણે બીજી વાર.

હાં...હાં હાલાં!


હાલ્ય વાલ્યના રે હાકા,

લાડવા લાવે રે ભાઈના કાકા;

હાલ્ય હાલ્ય ને હુવા,

લાડવા લાવે રે ભાઈના ફુઆ:

ફુઆના તો ફોક,

લાડવા લાવશે ગામનાં લોક;

લોકની શી પેર,

લાડવા કરશું આપણે ઘેર;

ઘરમાં નથી ઘી ને ગોળ,

લાડવા કરશું રે પોર;

પોરનાં ટાણાં વયો જાય,

ત્યાં તો ભાઈ રે મોટો થઈ જાય.

હાં...હાં હાલાં!

હાલ્ય વાલ્ય ને હેલ્ય,

વગડે વસતી રે ઢેલ્ય;

ઢેલ્યનાં પગલાં તો રાતાં,

ભાઈના કાકા મામા છે માતા.�

હાં... હાં હાલાં!

હાલ્ય હાલ્ય ને હડકલી,

ભાઈને ઓઢવા જોવે ધડકલી.

હાં...હાં હાલાં!ય


ભાઈ માગે છે વણઝારો,

સવાશેર સોનું લઈ શણગારો;

સોનું પડ્યું છે શેરીમાં,

ભાઈ મારો રમશે મા'દેવજીની દેરીમાં.

હાં...હાં હાલાં!


ભાઈને દેશો નૈ ગાળ,

ભાઈ તો રિસાઈ જાશે મોસાળ;

મોસાળે મામી છે જૂઠી,

ધોકો લઈને રે ઊઠી;

ધોકો પડ્યો છે વાટમાં,

ને ભાઈ રમે રે હાટમાં,

હાં...હાં હાલાં!


ભાઈ મારો છે ડાયો,

પાટલે બેસીને રે નાયો;

પાટલો ગ્યો રે ખસી,

ભાઈ મારો ઊઠ્યો રે હસી,

હાં...હાં હાલાં!


🌹ભાઈ મારો છે સાગનો સોટો,

આવતી વહુનો ચોટલો મોટો;�

હાં...હાં હાલાં!


ભાઈ મારો છે લાડકો,

જમશે ઘી-સાકરનો રે વાડકો;

ઘી-સાકર તો ગળ્યાં;

ભાઈના વેરીનાં મોં બળ્યાં;

ઘી-સાકર ખાશે મારા બચુભાઈ,

વાટકો ચાટે રે મીનીબાઈ.

હાં... હાં હાલાં!


🌹ભાઈ મારો છે રે રાંક,

હાથે સાવ સોનાનો છે વાંક;

વાંકે વાંકે રે જાળી,

ભાઈની સાસુ છે કાળી!

વાંકે વાંકે રે ઘૂઘરી,

ભાઈની કાકી મામી છે સુથરી !

વાંકે વાંકે મોતી થોડાં,

ભાઈને ઘેરે ગાડી ને ઘોડાં;

ઘોડાંની પડઘી વાગે,

ભાઈ મારો નીંદરમાંથી જાગે;

ઘોડા ખાશે રે ગોળ,

ભાઈને ઘેરે હાથીની રે જોડ.�

હાં...હાં હાલાં!


ભાઈ મારો છે ગોરો

એની ડોકમાં સોનાનો રે દોરો;

દોરે દોરે રે જાળી,

ભાઈની કાકી રે કાળી.

હાં... હાં હાલાં!


ભાઈ મારો છે અટારો,

ઘી ને ખીચડી ચટાડો;

ખીચડીમાં ઘી થોડું,

ભાઈને સારુ વાઢી ફોડું.

ઘી વિના ખીચડી લૂખી,

ભાઈના પેટમાં રે દુઃખી !

હાં...હાં હાલાં!


ભાઈ ભાઈ હું રે કરું,

ભાઈ વાંસે ભૂલી ફરું;

ભાઈને કોઈએ દીઠો,

ફૂલની વાડીમાં જઈ પેઠો;

ફૂલની વાડી વેડાવો,

ભાઈને ઘેરે રે તેડાવો.

હાં...હાં હાલાં!


હડ્ય તુતુડાં હાંકું,

ભાઈને રોતો રે રાખું;

તુતડાં જાજો દૂર,

ભાઈ તો શિરાવશે દૂધ ને કૂર;

દૂધ ને કૂર તો લાગે ગળ્યાં,

ભાઈના આતમા રે ઠર્યા;

હડ્ય તુતુડાં હસજો,

વાડીમાં જઈને રે વસજો.

હાં...હાં હાલાં!

- ઝવેરચંદ મેઘાણી 

સંકલન / સંપાદન - જયંતીભાઈ પરમાર 

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

૭/૧૨ પત્રક વિષે વિસ્તૃત માહિતી...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...