વિચારવા જેવી વાતો....

*આ જગતની સૌથી મોટી અજાયબી શરીર છે. શરીર ખાઈ શકે છે, પચાવી શકે છે, જોઈ શકે છે, સુંઘી શકે છે, દોડી શકે છે, થોભી શકે છે, વીક્સી શકે છે અને નષ્ટ પણ થઈ શકે છે. એક શરીરમાંથી બીજું શરીર પ્રસવી શકે છે.*

*શરીરને સમજ્યા વગર આત્માને સમજવાની એક્સરસાઈઝ કરવી જોઈએ ખરી? આત્માનું કલ્યાણ કરવા માટે શરીરને કષ્ટ આપવું જરુરી ખરું? શરીરનો વાંક શો છે એ તો કહો! જે શરીર આપણા તથા કથીત આત્માને રહેવા માટે જગ્યા આપે છે, જે શરીર આત્મા પાસેથી કદીયે ભાડું–રેન્ટ કે કીરાયા માગતું નથી એ શરીર પર આત્માના કલ્યાણ માટે જુલમ ગુજારવો એ બેવકુફી છે કે પાપ છે?*

*શરીરનો કોઈ વાંક નથી; તો પણ એને ભુખ્યું રાખો. શરીરનો કોઈ જુર્મ નથી; છતાં એને ત્રાસ આપ્યા કરો. એની પાસે બ્રહ્મચર્ય પળાવો. એને ઉઘાડા પગે દોડાવો. એના વાળ ખેંચી કાઢો. આવું કરો તો તમે મહાત્મા? એક મહાશય મને કહેતા હતા, ‘તમે માત્ર બે જ દીવસ માટે સાધુજીવન જીવી બતાવો તો તમને ખબર પડશે કે એમાં કેટલું કષ્ટ છે અને એ જીવન કેટલું અઘરું છે!’ મેં તેમને કહ્યું કે પ્રથમ વાત તો એ છે કે એવું કશુંય કરવાની જરુર જ શી છે? બીજી વાત એ છે કે કોઈ કામ અઘરું અને કષ્ટદાયક હોય એટલા જ કારણે એને પવીત્ર કેમ માની લઈ શકાય? પર્વતની ટોચ પર જઈને ખીણમાં કુદકો મારવો એ અઘરું છે; એટલે એને આપણે પવીત્ર કહેવાનું? એમ તો તમે સાપની જેમ એક દીવસ માટે શરીરને ઘસડી–ઢસડીને ચાલી બતાવો ! તમે બે દીવસ સાધુજીવન જીવવાની મને ચૅલેન્જ કેમ કરો છો ? ખરી વાત તો એ છે કે મને સાધુજીવનમાં કશુંય અઘરું દેખાતું નથી. લાખો લોકો એવું જીવન જીવે છે. અઘરું કામ તો પ્રામાણીકપણે જીવનના સંઘર્ષો સામે ઝઝુમવાનું છે. વંઠેલા પતીનો ત્રાસ વેઠીનેય પારીવારીક જવાબદારીઓ નીભાવતી સ્ત્રીની પવીત્રતા તમે જોઈ છે ખરી ? વહેમીલી અને ડંખીલી પત્નીની પજવણી મુંગા મોંએ વેઠી લઈને સંતાનોનાં હીત માટે ઓવરટાઈમ કરતા પતીનું કષ્ટ તમે કદી મહેસુસ કર્યું છે ખરું? અડધી રાત્રે પાડોશમાં કોઈ બીમાર પડે તો ઉજાગરો વેઠીને તેની સાથે રહેનાર સ્વજનની સંવેદનાના સાક્ષી તમે કદી થયા છો ખરા ? પાડોશી માટે પોતાની નીદ્રાનો ત્યાગ કરવો, એને તમે કેમ ત્યાગ નથી માનતા ? તમને પવીત્રતા અને મહાનતા ફીક્સ વેશભુષામાં જ જોવાનું વ્યસન પડી ગયું છે એટલે બીજે બધે પાપ જ પાપ દેખાય છે !*

*ઘણા લોકોને પશુ–પંખીઓ અને જંતુઓ માટેની જીવદયામાં જ ધર્મ દેખાય છે. એવી જીવદયાનો વીરોધ નથી; પરંતુ બીજા માનવીની લાચારી પ્રત્યે હમદર્દી ન જાગે તો પેલી જીવદયા શોભતી નથી. દરેક જીવ માટે સમાન આદરભાવ હોવો એ ધર્મ છે. ગાયને ભલે માતા કહીએ; પણ એ નગ્ન હશે તો એની ઈજ્જત સામે ખતરો નથી; પણ કોઈ દરીદ્ર સ્ત્રીને તન ઢાંકવા વસ્ત્ર નહીં હોય તો તે શી રીતે બહાર નીકળશે? એક માણસ પાંચ કુતરાનું પેટ ભરી શકશે; પણ પાંચસો કુતરા ભેગા મળીને એક માણસનું પેટ નહીં ભરી શકે ! એક માણસ પાંચ હજાર પશુઓ માટે જળાશય બનાવી શકશે; પણ પાંચ હજાર પશુઓ ભેગાં મળીને એક માણસ માટે એક પવાલું પાણી નહીં લાવી શકે. માણસ ઓશીયાળો ન બને એ જરુરી છે. બીમાર પશુઓ માટે માણસ હૉસ્પીટલ બનાવી શકશે; પશુઓ કદીયે માણસ માટે હૉસ્પીટલ નહીં બનાવી શકે. જીવદયાના કેન્દ્રમાં માણસ જ રહેવો જોઈએ.*
 *પશુ–પંખીઓ કુદરતી રીતે જીવવા–મરવા ટેવાયેલાં હોય છે; પણ માણસે સામાજીક રીતે જીવવાનું હોય છે અને એ માટે તેને ‘હેલ્પ’ કરવી એ ‘ધર્મ’ છે.*

       *મને ઉપવાસ કરવામાં કદીયે તપ દેખાતું નથી; તપ તો બીજાનું પેટ ભરવામાં છે. પોતાના જીવનમાં સામે ચાલીને કષ્ટો વેઠવાં એ ત્યાગ નથી; બીજાનાં કષ્ટો દુર કરવા પ્રયત્ન કરવો એ તપ છે. હું ઉઘાડા પગે ચાલું એથી જગતને (કે મને) શો લાભ થાય ? એના કરતાં એક ગરીબ મજુરના ઉઘાડા પગ માટે તેને ચંપલ લાવી આપું તો તેની તકલીફ જરુર ઓછી થાય. પૈસાને અડવાથી પાપ લાગે એ વાત મારા દીમાગમાં બેસતી નથી. પ્રામાણીક પુરુષાર્થ કરીને, વધુમાં વધુ પૈસા કમાઈને, એ દ્વારા બીજાઓનાં જીવનની યાતનાઓ ટાળી શકાય એને હું ધર્મ માનું છું. આવી પડેલાં કષ્ટો ખુમારીપુર્વક અને પુરી ખાનદાનીથી વેઠવાં જીવનધર્મ છે. કષ્ટોને સામે કંકોત્રી મોકલવી એ તો મુર્ખામી જ છે !*

*એક અવળચંડાઈ પ્રત્યે પણ તમારું ધ્યાન દોરી દઉં. જે લોકો શરીરને ભાતભાતનાં કષ્ટ આપીને મહાત્મા બની બેસે છે, એ જ લોકોને જ્યારે કોઈ રોગ કે દરદ થાય છે; ત્યારે સારામાં સારા ડૉક્ટર અને શ્રેષ્ઠ હૉસ્પીટલમાં સારવાર કરાવે છે. વાહનનો ઉપયોગ નહીં કરનારાઓને પણ, વીમાનમાં તાત્કાલીક સારવાર માટે લઈ જવાય છે. કેમ ભાઈ ? આમ તો તમે કહો છો કે શરીર નાશવંત છે અને શરીરને કષ્ટ આપવું એ ધર્મ છે. ત્યારે બીમારીનું કષ્ટ વેઠવાની ત્રેવડ કેમ નથી બતાવતા ?*

*આવી પડેલાં કષ્ટોના ઉપાય માટે પ્રયત્નો કરવાના અને ન હોય એવાં કષ્ટોને આમન્ત્રણ આપવાનો ઢોંગ કરવાનો – આવું શા માટે ?*

      *અધ્યાત્મના નામે સંસારને સળગાવી મારવામાં કશું ડહાપણ નથી. સંસારનો ધર્મ નીભાવતાં આવડે તો અધ્યાત્મની ગલીઓમાં ભટકવાનું જરુર અટકી જાય. સંસારમાં રહીને આપણે અનેક ધર્મો નીભાવી શકીએ છીએ : જેમ કે પતીધર્મ, પુત્રધર્મ, પીતાધર્મ, માતૃધર્મ, શીક્ષકધર્મ, વેપારીધર્મ, વડીલધર્મ, પાડોશીધર્મ, તબીબીધર્મ.. વગેરે સેંકડો ધર્મ નીભાવી શકાય છે. સંસારનાં સુખો ભોગવતાં–ભોગવતાં મોક્ષનું માધુર્ય માણી શકાય છે. જેને એવું માધુર્ય માણતાં આવડતું હોય તેણે કાલ્પનીક મોક્ષસુખ માટે ફાંફાં મારવાં પડતાં નથી.

- અજ્ઞાત

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...