કૃષ્ણ એટલે કોણ ?

      આપણા દેશમાં જન્મેલી એક એવી વિભૂતિ જેની કથાઓ, કાવ્યો અને પરાક્રમોએ આપણા ગ્રંથો છલકાવ્યા છે. જેણે બોલેલા શબ્દો એક એવા ગ્રંથમાં પરિમાણ પામ્યા છે કે આજે પણ અદાલતોમાં એ ગ્રંથાવલીને સત્યની સોગંધ લેવા વાપરવામાં આવે છે. આવી માનવના રૂપમાં મહામાનવની પદવી ધરાવતી વ્યક્તિ એટલે કૃષ્ણ! એક સામાન્ય જેલમાં જન્મેલી વ્યક્તિ સમગ્ર આર્યાવર્તમાં ધર્મની સ્થાપના પણ કરી શકે એનું તાદયશ ઉદાહરણ એટલે કૃષ્ણ.મનુષ્યે જન્મે મહાન નથી હોતો પરંતુ એના કર્મે મહાન બનતો હોય છે; આ વિચારનું જન્મસ્થાન અને સાબિતી એટલે કૃષ્ણ!
     ક્યાંય જોયો છે એવો ઈશ્વર કે જે આમ તો રાજા હોય પરંતુ પોતાના બાળપણના મિત્રના આગમન સમયે ખુલ્લા પગે દ્વારિકાની શેરીઓમાં દોડી જાય? ત્રણ મુઠ્ઠી તાંદુલના બદલામાં ત્રણ ભુવનની સુખ-સાહ્યબી પોતાના મિત્રના ભાગ્યમાં લખી આપે? નાનપણના પ્રેમને ભૂલે નહિ પણ પોતાની પત્નીની ખ્વાહીશે સ્વર્ગનું પારિજાત વૃક્ષ ઇન્દ્ર સાથે ઝઘડીને લઇ આવે? એક જ પ્રકારની સ્ટીરીયોટાઇપ થતી ઇન્દ્રની પૂજાનો વિરોધ કરી પર્વતો, વૃક્ષો અને ગાયોની પૂજા શરુ કરાવે અને જરૂર પડ્યે આખે આખો ગોવર્ધન ઉપાડી લે? ગામ લોકોની માખણની માટલીઓ ફોડે અને પાછો માઁ યશોદાના પ્રકોપે ખાંડણિયે પણ બંધાય? ચપટીક ધૂળ મોઢામાં મૂકી પોતાની માતાને બ્રહ્માંડના દર્શન કરાવે અને પાછો જંગલમાં ગાયો પણ ચરાવે? એક હાથમાં વાંસળી રાખે તો બીજા હાથે સુદર્શન ચલાવે? પ્રેમ અને પ્રકોપ, સર્જન અને વિનાશ, સાદગી અને ભવ્યતાની બે અત્યંત વિરોધી અવસ્થાઓએ આબાદ લય સાધીને ઉભેલો માનવી એટલે કૃષ્ણ.
      એ દ્રૌપદીના સખા પણ છે અને અર્જુનના સારથી પણ છે. દ્રૌપદીના સ્વયંવર સમયે જરાસંધને અડધી રાત્રે ઊંઘમાંથી જગાડીને ધમકી પણ આપે અને બીજી બાજુ પોતાની બહેન સુભદ્રાને અર્જુન જોડે ભગાડવામાં સહાય પણ કરી આપે. જીવન સંજોગોનું મહોતાજ હોય છે, સાહેબ! અહીં સંજોગો પ્રમાણે નિર્ણયો બદલવા પડે. ક્યારેક કોઈ સાથે થતો અન્યાય રોકવા કોઈકને રોકડું પરખાવવું પડે તો ક્યારેક કોઈકના સારા ભવિષ્ય માટે પોતાની પ્રકૃતિથી વિપરીત જઈને નિર્ણયો પણ લેવા પડે! ક્યારેક સામે ઉભેલા શત્રુને રણ મેદાનમાં પડકારવો પડે તો ક્યારેક એની તાકાતનું સન્માન કરી રણછોડ પણ બનવું પડે! કોઈકની ૯૯ ગાળો સાંભળવા જેટલી ધીરજ પણ રાખવી પડે અને એને ૧૦૦મી ગાળે નેસ્ત નાબૂદ કરી શકવાની તાકાત પણ રાખવી પડે. ક્યારેક કોઈ મોટા ઝઘડાને નિવારવા શાંતિ દૂત પણ બનવું પડે તો યુદ્ધના મેદાનમાં પોતાની પ્રતિજ્ઞા નેવે મૂકી રથનું પૈડું પણ હથિયાર તરીકે ઉંચકવું પડે!
     આવી અત્યંત વિવિધતાથી ભરેલી વ્યક્તિ ઈશ્વર કઈ રીતે હોઈ શકે? જેણે જીવનમાં ધર્મને મહત્વ આપી સત્ય સાથે બાંધ છોડ કરી હોય, પોતાની જ અગિયાર અક્ષૌહિણી સેનાને સામે પક્ષે લાડવા મોકલી દીધી હોય, લોકોના ઘરેથી નાનપણમાં માખણ ચોરીને ખાધું હોય, વિદર્ભની કન્યાનું સ્વયંવરમાંથી અપહરણ કરી લગ્ન કરી લીધા હોય અને જીવનમાં બીજું ઘણું એવું કર્યું હોય કે જે સીધી રેખાનું ન હોય ત્યારે આપણને સવાલ થાય કે આવા વ્યક્તિને ઈશ્વર ગણી પૂજી શકાય ખરું?
     જાણો છો? જાદુના ખેલ તરફ આપણે શા માટે આકર્ષાઇએ છીએ? કારણ કે એ જાદુગરને આપણે આપણા પૈકીનો એક માનીએ છીએ અને માટે જ આવી વ્યક્તિ જયારે હાથ ચાલાકી કરી જાણે ને ત્યારે આપણે આશ્ચર્ય સાથે અહોભાવની લાગણી આપમેળે અનુભવતા હોઈએ છીએ. પૃથ્વી ઉપર થઇ ચૂકેલા એ તમામ મહામાનવો પૈકી એક કૃષ્ણનું વ્યક્તિત્વ આપણને એવું મળ્યું કે જે આપણને આપણા પૈકીનું એક લાગે. સાચું પૂછો તો કૃષ્ણ પાણીનો ગુણધર્મ ધરાવતી વ્યક્તિ છે, જે પાત્રમાં તમે એને જોવા ઈચ્છો એ જ પાત્રમાં તમે એને પામી પણ શકો! એક મિત્ર તરીકે ઈચ્છો તો એ તમારી જોડે વરસાદમાં ચા ની ચુસ્કી લેતા પણ અનુભવી શકો, એક સખા તરીકે ઈચ્છો તો તમારી આબરૂ બચાવવા પણ દોડી આવે, કોઈકના પિતાનું શ્રાદ્ધ કરી આપે તો કોઈકનું મામેરું! કોઈકના ઝેરથી ભરેલા દૂધના પ્યાલામાંથી ઝેર અદૃશ્ય કરી નાખે તો કોઈક સૂરદાસની આંગળી પકડી ખાડામાંથી પડતા બચાવી જાય. આવા અનેકાનેક ચમત્કારો કરતા આપણા પૈકીના એક લાગતા જાદુગર પ્રત્યે જયારે માનવજાતને અહોભાવ સાથે અનુકંપાની લાગણી જન્મે છે ત્યારે-ત્યારે તે વ્યક્તિ માનવ મટીને મહામાનવની પદવી પ્રાપ્ત કરી લેતી હોય છે! એને ફરક નથી પડતો કે તમે એને ઈશ્વર ગણો કે માનવ! એને નિસ્બત તમારી અંદર રહેલા ભાવથી છે. જયારે કોઈ મિત્ર પરીક્ષા સમયે તમને વળગેલી હતાશા તમારી સાથે વાર્તાલાપ કરી દૂર કરી શકે ત્યારે-ત્યારે એ મિત્રમાં તમને કૃષ્ણ દર્શન થતા હોય છે, ખરું ને? ઘોર નિરાશામાં સપડાયેલા વહાણને જયારે દીવાદાંડીનું એક કિરણ દેખાઈ જાયને તો એ એક કિરણે અંતરમાં પાથરેલો આશાનો ઉજાસ કૃષ્ણ છે. સાચા ને સાચું અને ખોટા ને ખોટું કહેવાની શક્તિ, જીવ માત્રના અંતરમાં રહેલો બીજા જીવ પ્રત્યેનો પ્રેમ કૃષ્ણ છે! આ કૃષ્ણ માત્ર મૂર્તિમાં જડાઈ જતો ઈશ્વર નથી, પણ આપણી આસપાસ નિશ-દિન, જાગતા-સૂતા, હસતા-રમતા પ્રત્યેક પળે આપણી સાથે અનુભવાતો સધિયારો એટલે કૃષ્ણ! અને છેલ્લે, જીવ માત્રના સારથી બની જીવનું શિવ સાથે મિલન કરાવતો અંતરનો શંખનાદ છે, માનો તો એક અપ્રતિમ સાથી અને બાકી મંદિરે પૂજાતી પથ્થરની મૂરત કૃષ્ણ છે!!

લબુક-ઝબુક :
શ્રદ્ધાની આંખે; ધર્મના સહારે
જીવનરૂપી જાંજવાના જળમાં સર્જાતું;
પ્રેમ-ભક્તિ અને શક્તિનું રમણીય દ્રશ્ય એટલે કૃષ્ણ!

સંકલન :- જે.આઈ.પરમાર

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...