રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો અને ફરકાવવાની રીત....


રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો :-

વિવિધ પ્રસંગોએ જુદે જુદે સ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. આવે વખતે તેનો ઉપયોગ કરવાની સાચી રીત કઈ તે સમજાવવા માટે વખતોવખત તે અંગેના સામાન્ય માર્ગદર્શન માટેના નિયમો આપવામાં આવે છે. આ નિયમો નીચે આપવામાં આવે છે.

સત્તાવાર ધ્વજ ફરકાવવા માટે તમામ પ્રસંગોએ ભારતની ધોરણ સ્થાપન સંસ્થા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટયૂશન દ્વારા રાષ્ટ્રધ્વજ માટે ઠરાવેલા ધોરણસરના અને ધોરણ ચિહ્નોવાળા રાષ્ટ્રધ્વજનો જ ઉપયોગ કરવો, બીજા પ્રસંગોએ પણ યોગ્ય કદના રાષ્ટ્રધ્વજ ફરકાવવા ઇચ્છનીય છે.

રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાચી રીત :-

(૧) જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે ત્યારે તે માનભર્યા સ્થાને હોવો જોઈએ અને સ્પષ્ટ દેખાઈ આવે તે રીતે ગોઠવાયેલો હોવો જોઈએ.
(૨) જ્યારે તેને જાહેર મકાનો પર ફરકાવવામાં આવે ત્યારે તે રવિવાર અને રજાના દિવસો સમેત બધા જ દિવસો સમેત બધા જ દિવસોએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હવામાન ગમે તે પ્રકારનું હોય તો પણ ફરકાવી શકાશે. આવાં મકાનો પર ક્વચિત જ ખાસ પ્રસંગોએ રાત્રે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે.
(૩) રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું કાર્ય ત્વરાએ થવું જોઈએ અને તેને ઉતારતી વખતે તેને ધીમે ધીમે વિધિપૂર્વક ઉતારવો જોઈએ. રણશિંગાના સરોદ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય અને રાષ્ટ્રધ્વજ ઉતારવાનો હોય છે. રણશિંગાના પ્રસંગોચિત સરોદની સાથે જ જે ક્રિયા થવી જોઈએ એટલે કે તેની સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અને ઉતારવાની ક્રિયા થવી જોઈએ.
(૪) જ્યારે રાષ્ટ્રધ્વજને આડી કાઠી સાથે અથવા બારી કે છજાના ખૂણે પડતો અથવા મકાનના અગ્ર ભાગમાં ફરકાવવામાં આવનાર હોય ત્યારે કાઠીના છેડાના ભાગ તરફ રાષ્ટ્રધ્વજનો કેસરી પટ્ટો રહેવો જોઈએ.
(૫) જ્યારે રાષ્ટ્રધ્વજ કાઠી સિવાય બીજી રીતે દીવાલ પર સપાટ અને આડો ફરકાવવાનો હોય ત્યારે રાષ્ટ્રધ્વજનો કેસરી પટ્ટો ઉપર રહેવો જોઈએ. જ્યારે તેને ઊભો ફરકાવવાનો હોય ત્યારે રાષ્ટ્રધ્વજની રહેનારની એ ડાબી બાજુએ રહે તેમ રાખવો.
(૬) જ્યારે તેને પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ જતી શેરીના મધ્ય ભાગમાં પ્રર્દિશત કરવાનો હોય ત્યારે ધ્વજનો કેસરી પટ્ટો ઉત્તર તરફ રહે તે રીતે ઊભો હોય અથવા પ્રસંગ પ્રમાણે પૂર્વ તરફ રહે તે રીતે  ફરકાવવો જોઈએ.
(૭) જો રાષ્ટ્રધ્વજને વક્તાના મંચ પર રાખવાનો હોય તો તે વક્તાની જમણી બાજુએ રહેવો જોઈએ. તેમ જો થઈ શકે તેમ ન હોય તો તો વક્તાની પાછળ અને તેનાથી ઊંચા સ્થાન પર રાખવો જોઈએ.
(૮) પ્રતિમાઓના અનાવરણ વિધિ જેવા પ્રસંગોએ રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તે સ્પષ્ટ દેખાય તે રીતે અને જુદો તરી આવે તેમ રાખવો જોઈએ.

નોંધ : રાષ્ટ્રધ્વજનો સ્મારક અથવા પ્રતિમાના ઉપરણા તરીકે ઉપયોગ કરી શકાય નહીં.
(૯) મોટર પર જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે મોટર સાથે અગ્ર ભાગમાં સજ્જડ બેસાડવામાં આવેલા સળિયા પર તે ફરકાવવો જોઈએ.
(૧૦) જ્યારે રાષ્ટ્રધ્વજને સરઘસ કે સમૂહકૂચમાં લઈ જવાનો હોય ત્યારે ધ્વજ કૂચની જમણી બાજુએ રહેવો જોઈએ અથવા બીજા ધ્વજોની હરોળમાં હોય ત્યારે પણ હરોળની મધ્યમાં અગ્રસ્થાને રહેવો જોઈએ.

રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખોટી રીત

(૧) નુકસાન પહોંચેલ હોય તેવો ફાટયો, તૂટયો કે ચોળાયેલો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે નહીં

(૨) કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને સલામી આપવા રાષ્ટ્રધ્વજને નમાવી શકાશે નહીં.

(૩) બીજો કોઈ રાષ્ટ્રધ્વજ અથવા પતાકાને રાષ્ટ્રધ્વજથી વધારે ઊંચા સ્થાન પર ઊંચી જગ્યાએ એની ઉપર ગોઠવી શકાશે નહીં તેમ જ જેના પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય તે કાઠી પર પુષ્પો, હારતોરા અથવા બીજા કોઈ ચિહ્ન રાખી શકાશે નહીં.

(૪) રાષ્ટ્રધ્વજમાંથી બીજી કોઈ સુશોભન માટેની આકૃતિ બનાવી શકાશે નહીં કે તેના સુશોભન માટે પણ ઉપયોગ કરી શકાશે નહીં. તેમાંથી ધજા-પતાકાઓ બનાવી શકાશે નહીં તેમ જ બીજા રંગીન કાપડના ટુકડાઓને રાષ્ટ્રધ્વજનો આભાસ થાય તે રીતે ગોઠવી શકાશે નહીં.

(૫) રાષ્ટ્રધ્વજનો ઉપયોગ વક્તાઓના મેજને ઢાંકવામાં અથવા વક્તાના મંચ પર પાથરવામાં વાપરી શકાશે નહીં.

(૬) રાષ્ટ્રધ્વજને ફરકાવતી વખતે એનો કેસરી પટ્ટો નીચે રાખી શકાશે નહીં.

(૭) રાષ્ટ્રધ્વજને જમીન પર કે ભોંય પર અટકાવી શકાશે નહીં અથવા તો પાણી ઝબોળતો રાખી શકાશે નહીં.

(૮) રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે એવી રીતે એને ફરકાવી શકાશે નહીં.

રાષ્ટ્રધ્વજનો અયોગ્ય ઉપયોગ

(૧) સરકારી કે લશ્કરી અંતિમ વિધિ સિવાય કોઈ પણ પ્રસંગે રાષ્ટ્રધ્વજનો આચ્છાદિત તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.

(૨) વાહન, ટ્રેન કે વહાણની ઉપર, બાજુમાં અગર પાછળ રાષ્ટ્રધ્વજનો આચ્છાદિત તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.

(૩) રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે અગર એ બગડે એ રીતે તેને સંગ્રહી શકાશે નહીં.

(૪) રાષ્ટ્રધ્વજને નુુકસાન પહોંચ્યું હોય કે તે ખરડાઈ ગયો હોય ત્યારે તેને ગમે ત્યાં નાંખી દઈ શકાશે નહીં, પરંતુ તેનો ખાનગીમાં નાશ કરી શકાશે અને શક્ય રીતે તેને બાળી નાંખીને કે ધ્વજની પ્રતિષ્ઠાને અનુકૂળ હોય એવી બીજી કોઈ પણ રીતે તેનો નિકાલ કરવો જોઈએ.

(૫) કોઈ પણ ગૂંચળાની ઉપર રાષ્ટ્રધ્વજને લપેટી શકાશે નહીં.

(૬) કોઈ પણ પોષાક કે ગણવેશના ભાગ તરીકે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાશે નહીં. તકિયાના ગલેફ પર એનું ભરતકામ કરી શકાશે નહીં અથવા રૃમાલ કે ડબાઓ પર એને છાપી શકાશે નહીં. અગર એ રીતે રાખી શકાશે નહીં અથવા તો ગમે તે રીતે તેનો નિકાલ કરી શકાશે નહીં.

(૭) રાષ્ટ્રધ્વજ પર કોઈ જાતના શબ્દો ચીતરી શકાશે નહીં.

(૮) કોઈ પણ જાતની જાહેરખબરમાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાશે નહીં અને જ્યાંથી રાષ્ટ્રધ્વજ ફરકાવાય એ થાંભલા પર કોઈ જાતની જાહેરખબરની નિશાનીઓ લગાડી શકાશે નહીં.

(૯) કોઈ પણ વસ્તુ ઝીલવામાં, આપવામાં, પકડવામાં કે એને લઈ જવામાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ એક સાધન તરીકે કરી શકાશે નહીં.

રાષ્ટ્રધ્વજનું કદ

૨૧ ફૂટ બાય ૧૪ ફૂટ

૧૨ ફૂટ બાય ૮ ફૂટ

૭ ફૂટ બાય ૬ ફૂટ

૬ ફૂટ બાય ૪ ફૂટ

૩ ફૂટ બાય ૨ ફૂટ

૭ ઇંચ બાય ૬ ઇંચ

આમાંથી જોઈતા અને અનુકૂળ કદનો રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પસંદ કરી શકાશે...
                - સંકલન: J I Parmar

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...