સુખ એટલે પતંગિયું...

કોઈક ની લખાયેલી આ આંખો ખેલનારી વાત.....

     આજની શનિવારની સવારે જર્સીસીટીથી પાંચેક માઈલ દૂર સ્પ્રિંગવેલી લાઇન પર નેનુટન  ગામની સીમમાં આવેલાં હાલમાં સુકાભઠઠ, લહેરાતાં ખેતરોની વચ્ચે બનેલ ટ્રેન સ્ટેશન બાજુમાં આવેલી નાનકડી કેડી પર હું ફરવા નીકળ્યો.
આજુબાજુ પાંચ પાંચ માઈલ સુધી કોઇ પણ પ્રકારનું કોમર્શિયલ ડેવલપમેન્ટ ન થયું હોવાનાં કારણે શુદ્ધ વાતાવરણ, છેક કેનેડાથી શાંતાદાદા, અને હડસનમૈયા બાકીના તેંત્રીસ કરોડનાં આશીર્વાદ લઇને દોડી આવતા હાડ થીજાવી દેતા પવન અને કુદરતનાં માનીતા જીવ એવાં ચકલા-ચકલીનો મધુર ધ્વની સિવાય આજુબાજુ ફક્ત હું અને મારા બેરહમીથી ભટકતા વિચારો સિવાય કોઇ જ નહતું.
એવામાં એક ખેતરના છેવાડે બનાવેલી જરજરિત કોમ્યુનમાં મારી નજર પડી.
એક વયોવૃદ્ધ ભાભા અને એક નાનું અમથું ભૂલકું એક તૂટેલી કટાયેલી ટ્રક પાર્ક કરીને અબજો રૂપિયાની સંપત્તિથી પણ ન ખરીદી શકાય એવી મોજ માણતા હતા.
આમ તો હું એ જાણતો જ હતો કે સરળતામાં જ સુખ છે. આજે એ સુખ માણતાં જોઇને મને આપણી સ્થિતિ પર દયા ઊપજી.
કેટલાં લાચાર છીએ આપણે!
આપણને બાંધી રાખતી, જકડી રાખતી કેટલા બધા પ્રકારની સાંકળો (ભૌતિક) આપણે જ ખરીદી છે. અને હજી આપણે આપણી આવનારી પેઢીને એ સાંકળો એમ કહીને ભેંટ આપીએ છીએ કે, "બેટા, આ બધું તો હું તારું ભવિષ્ય સિક્યોર કરવા કરું છું."
ઇશ્વર પણ જે નથી કરતો (એ પણ ફક્ત રાહ ચીંધે છે, મહેનત કરીને એના પર ચાલવાનું તો આપણે જ છે) એ આપણે કરવાની ઠાલી બડાશ હાંકીએ છીએ.
સારામાં સારી (મોંઘામાં મોંઘી હાર્વર્ડ-પ્રિંસ્ટન સમજવું) (જયાં એક લેવલનાં બાળકો જ આવતાં હોય) સ્કુલમાં ભણતર આપવું, શહેરનાં બેસ્ટ સર કે કોચિંગ ક્લાસમાં બાળકોને પદોડવાં, (અને પછી કહેવું કે, આ કમાતાં અમને પરસેવો પડે છે) બારમાં ધોરણમાં વધુમાં વધુ માર્ક લાવવા દબાણ કરવું, (પોતાનાં આવ્યા હોય કે નહીં) (તું પોતે આઇન્સ્ટાઇન કે અંબાણી ન કેમ બન્યો?) JEE, JEE advance, NEET, CAT, ડોગ, મંકી.... કંઇ કેટલીય પરિક્ષાઓ માટે જો અને તો ની લાકડી ફટકારી ફટકારીને બાળકને હાંકવું, (ધણમાંના પશુઓને પણ એનો ગોવાળ મોંઢેથી અવાજ કાઢીને ટેકલ કરી લે છે, એ આવડત પણ આપણામાં નથી) ગ્રેજ્યુએશન પછી ફોરેન પોસ્ટ ગ્રેજ્યુએશન એના પછી સુપર સ્પેશ્યલાઇઝેશન...... પછી તું સેટલ, એન્જોય કરજે જીવન......

રહી હોય એન્જોય કરવાની ઇચ્છા શક્તિ કે માનસીકતા?
પછી મલ્ટી મિલીયોનર બનવાના સપના, ધગશ અને ખ્વાહિશ જ રહે.
શહેરોનાં કાટમાળ સમ ચકાચોંધ કરી નાંખનારા ભૌતિક સુખ હેઠળ ક્યાંય ધરબાઇ જાય પેલું રઝળપાટ વાળું સરળ બાળપણ.

આપણે કેમ સગવડ ને સુખ, આનંદ ને સુખ કે સાહ્યબીને સુખ માની લેતાં હશું?

સુખ તો સરળતામાં છે. સુખ કુદરત રોજ સવાર પડે ને, એનાં બાળકોમાં (નદી, પર્વત, સાગર, જંગલ, ખેતર, ધૂળ, ફૂલ, છોડ, વૃક્ષ, પશુ, પક્ષી અને મનુષ્યમાં) છુટે હાથે વેરે છે. તમે એને વ્હાલ કરો, સુખ આપોઆપ આવીને તમારી પર બેસશે.
એ તો પતંગિયું છે. એને એની મેળે આવવા દો અને તમારા પર બેસવા દો.

એને પકડવા એની પાછળ ભાગશો તો એ આમ-તેમ, ક્યાંય નું ક્યાંય ઊડી જાશે. તમે એને જોયાનું એન્જોયમેન્ટ અને ન પકડી શક્યાનાં વસવસા સાથે જીવશો

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...