નિરોગી રહેવાનો નુસખો...

*એક એનઆરઆઈ ડૉક્ટરની આરોગ્ય સાધનાઃ*
તેમણે બાર વર્ષથી રોટલી-રોટલો, દૂધ, મીઠાઈ, તળેલું, રાંધેલું ખાધું નથીઃ શરીરમાં ઘૂસેલા તમામ રોગોને ઊભી પૂંછડીએ ભગાડ્યા...

આલેખનઃ રમેશ તન્ના

મૂળ વઢવાણના અને અત્યારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડી.સી. પાસેના એક નગરમાં વસતા ડૉ. નીતિન દોશીએ તપ શરૂ કર્યું છે.
એ તપ છે આરોગ્યનું...
તેમણે ૧૨ વર્ષથી રોટલી-રોટલો-ભાખરી ખાધાં નથી. બાંધેલું અને રાંધેલું તેઓ ખાતા નથી. લોટવાળી વસ્તુ નહીં ખાવાનો તેમણે સંકલ્પ કર્યો છે. દૂધ અને દૂધની તમામ બનાવટો બંધ કરી છે. મીઠાઈ સામું તો જોતા પણ નથી.
 ગળ્યું, તળેલું, રાંધેલું નહીં ખાવાનું તો પછી જીવવા માટે ખાવાનું શું ?
ફળ-ફળાદિ, કાચાં શાકભાજી, કુદરતે પોતે જે બનાવ્યું છે તે.
 કુદરતની મદદથી જે પાક્યું હોય તે જ ખાવાનું.
કૃત્રિમ રીતે પકવેલું નહીં ખાવાનું.
વિનોબા ભાવે કહેતા કે બાર વર્ષ એટલે એક તપ. આવું આકરું તપ નીતિનભાઈએ શું કામ કર્યું અને તેનાં પરિણામો શું આવ્યાં ?
અત્યારે નીતિનભાઈ ૬૭ વર્ષના છે. તેઓ ૫૫ વર્ષના હતા ત્યારે ચૂપચાપ તેમના શરીરમાં ડાયાબિટીસે પધરામણી કરી. તેને કંપની આપવા બ્લડ પ્રેશર પણ આવ્યું. આ જોઈને કોલોસ્ટોલને થયું કે મેં શું ગુન્હો કર્યો છે ? વાજતે-ગાજતે તેમની પણ પધરામણી થઈ. નીતિનભાઈનું પેટ ફાંદ બની ગયું. વજન વધ્યું એટલે બેક-પેઈન થવા લાગ્યું. ઘૂંટણમાં પાણી ભરાવાની સમસ્યા પણ થઈ. કબજિયાતે પણ તેમના શરીરમાં આશરો લીધો.
નીતિનભાઈ આ બધાથી કંટાળ્યા. તેઓ આ બધાથી છુટવા માગતા હતા. અચાનક તેમના હાથમાં, ઘરના પુસ્તકાલયમાં સચવાયેલી મહાત્મા ગાંધીએ લખેલી નાનકડી પુસ્તિકા *‘આરોગ્યની ચાવી’* આવી. તેમણે એ પુસ્તિકા વારંવાર વાંચી.
 તેઓ શરીર અને આરોગ્ય પ્રત્યે સભાન થયા. તેમણે સંકલ્પ કર્યો કે હું મારું આરોગ્ય પાછું મેળવીશ. દરમિયાન તેમણે અમેરિકાના ડૉક્ટર, આધ્યાત્મિક પ્રયોગવીર અને લેખક ગ્રેબિયલ ક્યુઝન્સ ને વાંચ્યા.
ડૉ. નિતીનભાઈ એલોપથીના ડૉક્ટર હોવા છતાં હોમિયોપેથી અને કુદરતી ઉપચારનો સઘન અભ્યાસ કરનારા આ ડૉક્ટરના વિચારોની પણ નીતિનભાઈ પર અસર પડી.
તેઓ શરીરને, તેના મહત્ત્વને, તેના બંધારણને, તેને ટકાવી રાખવા માટે જરૂરી ખાવા-પીવાની બાબતોને ઊંડાણથી સમજ્યા.
તેઓ સમજ્યા કે જેટલા કુદરતથી નજીક તેટલું સારું અને સાચું જીવન. જેટલા કુદરતથી દૂર એટલી તકલીફો-બિમારીઓ અને સમસ્યાઓ.
લેખના પ્રારંભે કહ્યું છે તેમ તેમણે પોતાના ખાણી-પીણીમાં પરિવર્તનો કર્યાં.
શું પરિણામ આવ્યું ?
એમ કહો કે ચમત્કાર જ થયો.
 અત્યારે ૬૭ વર્ષના નીતિનભાઈના શરીરમાં એક પણ બિમારી નથી. તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. તેમનું વજન ઘટ્યું. તનની સાથે સાથે મન પણ એકદમ હળવું થઈ ગયું.
 ડાયાબિટીસ, બ્લડ-પ્રેશર, કોલોસ્ટોલ, પીઠનો દુઃખાવો, પગના ઘૂંટણમાં પાણી ભરાવાની સમસ્યા... આ બધુ જ સંપૂર્ણપણે મટી ગયું.
*તેમણે તમામ પ્રકારની દવાઓ બંધ કરી દીધી.*  તેઓ કહે છે કે મેં મારા શરીરને શુદ્ધ કર્યું.  મેં વારંવાર મારા શરીરના અંદરના તમામ ભાગોને વ્યુઝીલાઈઝ કર્યા અને તેમનું શુદ્ધિકરણ કર્યું.  મને જ્ઞાન થયું કે માણસજાતે રહેવા અને ખાવા માટે વધુને વધુ કુદરતની નજીક રહેવું જાઈએ.
નીતિનભાઈ જ્યારે પોતાની જાત પર આરોગ્યના તમામ પ્રયોગો કરતા હતા ત્યારે ઘણી વાર અચકાતા. ઘણી વખત મૂંઝાતા કે ગૂંચવાતા. હવે શું કરવું એવા સવાલ પણ તેમને થતા. એ વખતે તેઓ વિચારતા કે આવી સ્થિતિમાં આપણા પ્રાચીન ઋષિ-મુનિઓેએ કે ગાંધીજીએ શું કર્યું હોત ?
તેઓ આમ વિચારતા અને જવાબ મળી જતા.
પોતાના આરોગ્યની સંભાળ લેતાં લેતાં તેમને સમજાયું કે મનુષ્યનું શરીર એક અજબ અને વિશિષ્ટ કરામત છે. જો શરીરને સાચવવામાં આવે તો જીવન સરસ રીતે જીવી શકાય.
તેઓ એક નવી અને અદ્‌ભુત વાત કરે છે. તેઓ કહે છે કે શરીરને સાચવતાં સાચવતાં આપણે મોક્ષ સુધી પણ પહોંચી શકીએ. આપણે કુદરત આધારિત જીવન જીવીએ, જમવામાં સંયમ રાખીએ એટલે હળવા-ફૂલ થઈએ. આપણી જરૂરિયાતો ઘટે. સંયમની સાથે સંતોષ પણ આવે. આપણે કોઈનું શોષણ ના કરીએ. તનની સાથે સાથે મન પણ પ્રસન્ન રહે. આપણે શુદ્ધ-સત્ત્વશીલ અને પવિત્ર જીવન તરફ ગતિ કરીએ.
ડૉ. નીતિનભાઈ દોશીએ અનેક વખત એવો અનુભવ કર્યો છે, જાણે કે તેઓ સ્વર્ગમાં છે. કોઈને આ વાત અતિશ્યોક્તિપૂર્ણ લાગશે, પણ આવા પ્રયોગો કરનારા લોકોનો અનુભવ આવો જ હોય છે!
નીતિનભાઈએ તો પોતાના આ સાર્થક પ્રયોગોનો લાભ મહત્તમ લોકોને મળે તેવું વ્રત (મિશન) શરૂ કર્યું.
અમેરિકામાં પોતે જે હોસ્પિટલ માં ફરજ બજાવે છે, ત્યાં પોતાના દર્દીઓને પૂછવા લાગ્યા કે તમારે બિમારી મટાડવા ઉપરાંત શ્રેષ્ઠ જીવન જીવવું છે?
દર મહિને નિયત સમયે તેઓ આવા જિજ્ઞાસુ લોકોને ભેગા કરે અને શરીર તથા જીવનનો સંબંધ સમજાવે. હવે તો આ બાબતને તેમણે વધારે તીવ્રતા થી શરૂ કર્યું છે.
ભારતની પોતાની મુલાકાત દરમિયાન અમદાવાદ-રાજકોટમાં સેંકડો લોકોને તેમણે પોતાના અનુભવો આધારિત માર્ગદર્શન આપ્યું.
તેઓ કહે છે દરેક વ્યક્તિએ તન-મન સાચવવા માટે એમડી કરવાની જરૂર નથી.
તેઓ *ત્રણ એમ (3M)અને ત્રણ ડી (3D)* આધારિત સૂત્રનો અમલ કરીને જાતે જ વિશેષ પ્રકારના એમડી થઈ શકે.
ત્રણ એમ એટલે
માઈન્ડ, માઉથ અને મસલ્સ.
 મગજને સતત શાંત અને ઠંડુ રાખવાનું.
માઉથ એટલે મોં. મોંનાં બે મુખ્ય કામ, ખાવા અને બોલવા પર સંયમ રાખવાનો.
મસલ્સ. આપણા શરીરમાં કુલ ૭૦૦ મસલ્સ છે. તેનું ધ્યાન રાખવાનું.
ત્રણ ડી એટલે ડીટરમીનેશન (સંકલ્પ), ડિસીપ્લિન (શિસ્ત) અને ડેડિકેશન (પ્રતિબદ્ધતા).
 ડૉ. નીતિનભાઈ કહે છે કે આપણું જીવન પોતે જ એક સ્કૂલ છે. આપણે પોતે જ આપણા મનની કોરી પાટી પર જીવનનું સુંદર ચિત્ર દોરવું જોઈએ. તેઓ કહે છે કે દવાઓમુક્ત જીવન હોવું જોઈએ, જે શક્ય છે.
 *કામચલાઉ આનંદને બદલે દરેક માણસે સનાતન અને કાયમી આનંદની ખોજ કરવી જાઈએ.*
 નીતિનભાઈ કહે છે કે ભારત પાસે ડહાપણનો અનમોલ ખજાનો છે. કુદરતી ઉપચાર, યોગ અને આયુર્વેદનો વારસો આપણે સમજવાનો છે.
ડૉ. ગ્રેબિયલ ક્યુઝન્સ કુદરતી ઉપચારને સમજવા ભારત આવ્યા હતા અને આઠ વર્ષ રોકાયા પણ હતા. તેમણે કુદરતી ઉપચાર, આયુર્વેદ અને યોગા પર સઘન અભ્યાસ કર્યો હતો.
ભારતના લોકોએ દેહ તો ક્ષણભંગુર છે એમ કહીને શરીરનું ધ્યાન રાખ્યું નથી. ભારતીયોનાં શરીર માંદલાં અને ખોખલાં થઈ ગયાં છે.
 સ્વામી વિવેકાનંદ કહેતા કે સ્વસ્થ શરીરમાં જ તેજસ્વી આત્મા વસે છે. જોકે ભારતીયોએ શરીરના સ્વાસ્થ્યની ભારે ઉપેક્ષા કરી છે. સરેરાશ ભારતીય માંદો હોય છે. વિશ્વના મોટા ભાગના ટોપ ફાઈવમાં આવતા રોગોમાં ભારત પ્રથમ નંબરે છે.
 ભારતીયો દવાઓ ખાઈને શરીરને ટકાવે છે. શરીરને સાચવ્યા વિના આત્માનું કલ્યાણ કેવી રીતે થાય તેવો સાદો સવાલ પણ કોઈ સમજતું નથી ત્યારે મૂળ ગુજરાતી એવા નીતિનભાઈ દોશીનો અનુભવ અને તેમની વાતો સમજવા જેવી છે.
અમરેલીના બાલુભાઈ ચૌહાણે કાચું ખાઈને રોગમુક્ત ભારત કેવી રીતે કરી શકાય તેનું અભિયાન ઉપાડ્યું છે. ડૉ. નીતિનભાઈએ તો તેમનાથી પણ પહેલાં આ અભિયાન વ્યક્તિગત રીતે શરૂ કરી દીધું હતું. બાલુભાઈ ચૌહાણ અમેરિકામાં તેમના ઘરે રોકાઈ આવ્યા છે.
નીતિનભાઈ પંકાયેલા અને માનવતાવાદી તબીબ છે. તેમણે કરેલા પ્રયોગો સફળ અને સાર્થક થયા છે.
 તેઓ સમાજને કશુંક પાછું આપવા માગે છે. જો કોઈ તેમનું માર્ગદર્શન લેવા માગતું હોય તો અચૂક તેમનો સંપર્ક કરે. 
*ખાસ કરીને કેન્સરના રોગીઓને તેઓ અણમોલ માર્ગદર્શન આપી શકે તેમ છે.*  આ ઉપરાંત મેદસ્વિતા, ઈજાગ્રસ્ત મગજ, હૃદય, લીવર અને કિડનીના રોગોમાં તેઓ ઉપયોગી થઈ શકે તેમ છે.
*દવાઓ વગરનો સમાજ એ તેમનું મિશન છે.*

(તેમનો સંપર્કઃ  healthfreedombychoice@gmail.com  અથવા
+૧ (૩૦૧) ૨૨૧-૮૫૨૧ )
ગુજરાતે આવા માનવતાવાદી તબીબ અને જીવનસાધકનો મહત્તમ લાભ લેવો જોઈએ.

************************
તુલસીપત્રઃ દરેક વ્યક્તિની પહેલી ફરજ પોતાનું શરીર સાચવવાની છે. બીજી બધી જ ફરજો પછીના ક્રમે આવે છે.
 જોકે આધુનિક માણસ પહેલી ફરજ બરાબર નિભાવતો નથી, તેથી પોતાની બીજી ફરજો પણ યોગ્ય રીતે નિભાવી શકતો નથી. - ડૉ. નીતિનભાઈ દોશી.
********************
(ડૉ. નીતિનભાઈ દોશીના પિતાજી વિનોબા ભાવના અનુયાયી હતા. ધંધો કરવામાં તેમણે વિનોબા ભાવેનું માર્ગદર્શન લીધું હતું. વિનોબાજીએ તેમને કઈ કઈ સલાહ આપી હતી... એ ખૂબ જ રસપ્રદ વાતો છે.
 ડો. નિતીનભાઈ શારદાગ્રામ માંગરોળમાં ભણ્યા હતાં.)

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...