સિધ્ધાંત વિરુદ્ધ સહકાર

થોડાં દિવસ પહેલાં એક નવી પેઢીના યુવાન સહ કર્મચારીનો વોટ્સઅપ પર નીચેનો મેસેજ આવ્યો.
(*Morning Special*

*સિધ્ધાંત કરતાં સહકાર*
*અને*
*બહુમતી કરતાં સહમતી*
*શ્રેષ્ઠ છે*

*બહુ...*
*દૂર જોશો તો..*
*નજીક નહીં દેખાય..*

*બહુ...*
*ખામીઓ જોશો તો..*
*ખાસિયત નહીં દેખાય..!!*

🎈 *Good Morning* 🎈)

ઉપરના આ મેસેજમાં સિદ્ધાંત અને બહુમતીને ઉતરતી કક્ષાના અને હલકાં બતાવવામાં આવ્યાં છે. જ્યારે સહકાર અને સહમતીને ચઢતી કક્ષાના અને ભારે બતાવવામાં આવ્યાં છે.
     હું એવું માનું છું કે છેલ્લાં દસ બાર વરસથી મારા અનુભવ પ્રમાણે આ નવી પેઢીના માણસો જૂના સિદ્ધાંતોને મારી મચડીને કે ગમે તેમ કરીને, દલીલો કે ટીકા ટીપ્પણથી ખોટાં સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હોય એમ લાગે છે. આની પાછળ એ લોકોની મહત્વકાંક્ષા અને યોગ્ય સમયની રાહ જોવાની અધીરજ જોવા મળે છે.
        આ લોકોને ઉતાવળે આંબા પકવી દેવા છે.આ લોકોને જૂના માણસો, જૂની વિચારધારા, જૂની પરંપરાઓને બદલીને પોતાના નિજી સ્વાર્થ ખાતર સનાતન સત્ય અને સ્વીકાર્ય મનોવલણોનો છેદ ઉડાડીને, પોતાને ગમતી, પોતાના ફાયદાવાળી પરિસ્થતિઓનો મેળ બેસાડવાં આવા ગતકડાં રુપી કુવિચારોને સુવિચારોનું નામ આપીને ફરતાં કરી દેવાય છે. ઉપરના વિચારમાં સિદ્ધાંત અને સહકારની સરખામણી દ્ધારા જે રીતે સિદ્ધાંતને અવગુણવામાં આવ્યો છે એ મનને કઠે છે. યુગોથી સિદ્ધાંત પર તો દુનિયા ટકેલી છે. પૌરાણિક ગ્રંથોમાં પણ સિદ્ધાંતોનો મહિમા બતાવવામાં આવ્યો છે.ઘણાં યુદ્ધો સિદ્ધાંતોની રક્ષા કાજે લડાયાં અને જીતાયાં છે.
     હું સહકારનો વિરોધી નથી.સહકાર જરુરી છે.એ એને સ્થાને યોગ્ય છે. પરંતુ સિદ્ધાંતને ભોગે સહકાર અયોગ્ય છે.બન્નેની સરખામણી બિલકુલ ઉચિત નથી.બન્ને પોતપોતાને સ્થાને યોગ્ય છે.જેમ સિદ્ધાંત છોડીને સહકાર ના આપી શકાય તેમ સિદ્ધાંત છોડનારને પણ સહકાર ના આપવો એવું મારુ સૂચન છે.

     વળી આ સુ(?) વિચારના બીજાં ભાગમાં દૂર જોવાની બાબતને હલકી ગણાવી છે.હકીકતમાં "દૂર જોવું"એ દીર્ઘદ્રષ્ટિ રાખ્યા સમાન છે. જે ખૂબ ઓછાંની પાસે હોય છે.નજીક જોનારાં સ્વાર્થી, મતલબી અને લેભાગુ હોય છે.સિદ્ધાંત અને સહકારની જેમ " દૂર જોવું" અને "નજીક જોવું" આ બેની સરખામણી પણ અયોગ્ય છે.બન્નેનું આગવું અને અલગ મહત્વ છે જેથી બેમાંથી એકેયને નીચું કે હલકું બતાવવું અપરાધ છે.

     આવું "ખામીઓ અને ખાસિયતો" નું છે.ખામીઑને શા માટે નજરઅંદાજ કરવાની ? ખામીઓને ખામી જ રહેવા દેવાનું કેટલું યોગ્ય ? કોઈની ખામી સુધરતી હોય તો એને જોઈને બતાવવાને હું પૂણ્થનું કામ માનું છું.અને આપણી ખામી સુધરતી હોય તો ભલે ને કોઈ એ જોઈને આંગળી ચીંધે.શા માટે આપણે વાંધો લેવો ? આપણી તો ખામી સુધરી રહી છે.આપણા ફાયદાની વાત છે.છતાંય ઘણાં લોકો આ પ્રક્રિયાને "નાટક" સમજીને પોતાની ખામી સ્વીકારવા કે સુધારવા તૈયાર હોતાં નથી. હા, ખાસિયતો પણ જોવી જોઈએ અને એની કદર કે પ્રશંસા થવી જોઈએ.પણ એથી વધૂ સારુ કામ ખામી જોઈ, વિવેકપૂર્ણ આંગળી ચીંધી એને સુધારવાનું બીડું ઝડપવું એ સાહસ અને સેવાનું કાર્ય છે એમ હું માનું છું.
     એટલે તમને મોકલાતાં તમામ સુવિચારો સાચા જ છે એમ ન માની લેતાં એને " દૂરથી જોશો" મતલબ એના પર ઊંડો વિચાર કરશો તો એના ગૂઢ હકારાત્મક અને નકારાત્મક અર્થ સુધી પહોંચી શકશો. દરેક સુવિચારનું સાચું અને સારુ અર્થઘટન કરી શકો તેવી શુભેચ્છા.
આભાર.

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...