કામ તો કરવું જ પડે...

"બોલ.. બીજું શું ચાલે?"

---"બસ જો ને આ પરવાર્યા..આજે તો દાળ-ઢોકળી કરી 'તી તે વાસણે ય  ઓછા જ હતાં.. ને તારા ભાભી તો  તું જાણે જ છે,કેટલી ઉતાવળી છે તે...એ તો વહેલાં વહેલાં જ જમવા બેસી ગઈ,એને ભૂખ લાગે એટલે તો મારે એને બેસાડી જ દેવી પડે,એનાથી જરાય ભૂખ્યું ના રે'વાય, ને છોકરાઓ પણ થોડી હા ..ના..કરતાં બેસી ગ્યા તે હારુ થયું,વહેલાં પરવાર્યા..!!"

..."--લે,એટલે  તેં ફોન કર્યો એમ કહે ને! મારે  તો આજે હજી વાસણે ય બાકી છે..આ તો તારો ફોન જોયો તે ઉપાડ્યો, બાકી મરવાનીય  હાચું કહું તો અત્યારે ફુરસદ નથી મને!..આ મોબાઇલ બી કાને દબાઈ ને રોટલી જ વણું
છું. આજે  તો તમારા ભાભી કહે,'બહુ દિવસ થી બે-પડી નથી બનાઇ,મને બહુ મન થાયછે,'-તે બે-પડી બનાવું છું,ને થોડી કેરી પડી છે તે રસ કાઢીશ હમણાં, આજે તો મારે બે -અઢી વાગી જશે ભૈ સાબ આ વાસણ કરતાં કરતાં.. એટલું વળી સારુ છે કે કચરા-પોતા પતાવી દીધા છે આજે, -જો કે ,જૂઠું નહિ બોલું હોં, થોડી આ તમારા ભાભીએ ડ્રોઈંગરૂમને  ઝાટક ઝુટક માં મદદ કરી તે વહેલું પત્યું...ક્યારેક એમનાં દિલમાં આમ જ રામ વસે ને મદદ કરવાનું સુઝે છે તે સારું જ છે.."

    ---" તું તો નસીબદાર છે લ્યા, અમારી એ તો ક્યારેય ઝાટકઝુટક બી ન કરે, કહે છે,'મને તો ડસ્ટની  એલર્જી છે..થોડી ડસ્ટ ઉડેને મને તો શરદીની અસર થઈ જાય..'- હમણાં કહું એ...!ગુસ્સોતો એવો આવે છે કે...ખૂણામાં ઘાલી ને....***. પણ પછી સમસમી ને બેસી જાઉં..થોડા દિવસ સંભાળી લઈ એ...!- એટલે હું તો એને કશું કહેતો જ નથી,આપણે ભલા ને આપણું કામ ભલું.. થોડું વધારે કરીશું તે ક્યાં ઝાટકા લાગી જશે,હેં....!"

---"પણ,મારે આ બે છોકરાં છે એ બાર ની બરાબર છે, એણે જ ફટવ્યા છે. મદદ તો કરે નહી પણ કામ વધારે.હમણાં વાસણ થી પરવારી હવે હું થોડું આડે પડખે થવા જઈશ ત્યાં, 'પપ્પા..., નાસ્તો...પપ્પા...મેગી બનાઇ દો'જેવી ફરમાઈશ શરૂ. પણ આ તારાં ભાભી બહુ સારા છે.એ ય તે છેક બપોર પછી ચાર વાગે ઉઠે ત્યારે એને બસ ભર્યોકપ ચા જોઈએ,ને જોડે કાંઈ મમરા-સેવ જેવું કે ખાખરા હોય તે ખાઇ લે.એની કચકચ નહીં બહુ.પણ આ છોકરા થી ત્રાસ્યો....વડ નાં વાંદરા ઉતારે એવા પાક્યા છ."

--"આ લ્લે, મારે તારા કરતાં ઊંધું છે. છોકરાવ સમજે છે કે પપ્પા ને બહુ હેરાન ન કરાય પણ આ નેવું કિલોની નથી સમજતી...! એની તો ચક્કી ચાલુ જ. સેવ-મમરાનો ઉભોડબ્બો તો એને હાથવગો જ હોય,ઉભા ગળે ખાય.ને સાથે ક્રીમ-બિસ્કિટ અને ચા  જોડે ખારી તો ખરી જ...જોઈએ જ.ન હોય તો ઘર માથે લે.પણ આ લોકડાઉન માં હું ક્યાલેવા જાઉં?? તે રોજ કકળાટ નું ઘર કરે છે...હું તો થાકયો છું એનાથી.પણ હશે અવે.. આ જનમ તો હખે દખે  કાઢી નાખીએ..આ લોકડોઉન ના દા'ડા ની જેમ..પછી....એ ય તે ગંગા નાહયા..... લે ગંગા થી યાદ આવ્યું,. કાલે અગિયારસ છે હોં.. કરવાનો છું ને?

--" લે,હું તો ભૂલી જ ગયો 'તો.."

--"લ્યા કાલ તો કે'છે કામદા એકાદશી છે....તે ઘણી સારી.."

--"કેમ..એ કરવાથી આ કામમાં રાહત મળે એવું લાગે છે??

--" એ ખબર નૈ હોં ભાઈ, પણ આપણે તો આ ઘરવાળી અને છોકરાવ માટે કરવી પડે..!-ને કામ માં તો એવું છે ને ભાઈ ,કે કામ તો કરવું જ પડે...!!"

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...