વાંચવા લાયક પ્રસંગ...

હું LLB બની ગયો...!🤨

આજે મારે ઈલેકશન કામગીરી અર્થે મળેલાં ઓર્ડર મુજબ બીજી તાલીમ/મીટીંગમાં જવાનું હતું. ઓર્ડરમાં સવારે 9 વાગે હાજર થવાનો સમય છાપ્યો હતો.પણ મીટીંગ ક્યારે પૂરી થશે એનો સમય છાપ્યો નહોતો. આની આગલી મીટીંગનો ઓર્ડર પણ આમ જ હતો. પણ એ મીટીંગ 1.10 પૂરી થઈ હતી.

એક ઉચ્ચતર માધ્યમિક વિભાગ, વિજ્ઞાન પ્રવાહ સાથે ધરાવતી શાળાના આચાર્ય તરીકે મારે માથે ઘણી બધી જવાબદારીઓનો બોજ રહેતો હોય છે.સામાન્ય રીતે ચૂંટણી કામગીરી માટે ઓર્ડર મળ્યો હોય એટલે એ કર્મચારી કે શિક્ષક ફરજ પણ ગણાતાં હોવાથી તેમ જ એમનાં આવવા જવાની અનુકૂળતા કે સમયનું સેટીંગ ના થતું હોય, જે તે દિવસે જે તે કર્મચારી કે શિક્ષકને શાળામાં આવવાની ઈચ્છા હોતી નથી.એ શાળામાં આવે એ ઈચ્છનીય હોય છે પણ એમને ફરજ પાડી શકાતી નથી.જો કે આની અગાઉની પ્રથમ મીટીંગમાં  મારી શાળાના તમામ શિક્ષક મિત્રો અને કર્મચારીઓ મીટીંગ/તાલીમ હોવાં છતાં શાળામાં આવ્યા હતાં અને ચાર તાસ એટલે કે અડધાં દિવસનું કામ કરીને સીધાં જ મીટીંગમાં ગયા હતાં. આજે મારે અને બીજાં એક શિક્ષકને મીટીંગ હોવાથી શાળા સમયાનુસાર ચાલું જ રાખી હતી.હું રોજની જેમ જ સવારે 7.15 શાળામાં પહોંચી ગયો હતો. ગઈ મીટીંગ એક કલાક મોડી ચાલુ થઈ હતી એ અનુભવને આધારે આજે 9.30 મીટીંગના સ્થળે પહોંચીશ એવું મનોમન નક્કી કર્યું હતું. શાળામાં પહોંચ્યા પછી ખબર પડી કે આજે 2 શિક્ષકો રજા પર હતાં...એક અગાઉથી જણાવ્યા મુજબ અને બીજાં આકસ્મિક. આજની મીટીંગનો જેને ઓર્ડર હતો એ શિક્ષક આજે શાળામાં આવવાને બદલે સીધા મીટીંગમાં આવવાનાં હતાં. આમ 

ત્રણ શિક્ષકોની ગેરહાજરી, 

મારા નિયમ મુજબના 2 તાસની પ્રોક્ષી ગોઠવવી,

શાળા સમયસર ચાલું થાય, 

એસ.ઓ.પીનું પાલન થાય એ અંતર્ગત તમામનું ટેમ્પરેચર મપાય,

તમામને સેનેટાઈઝ કરાય,

અને તમામે માસ્ક પહેર્યું છે કે નહીં...આ બધાની કાળજી રાખવી, SSA વેબસાઈટ પર વિદ્યાર્થીઓની હાજરી મારી પાસે આવે પછી પૂરાવાની કાળજી રાખવી,

SOP અંતગર્ત SVSમાંથી આવતી લિંક પર વિદ્યાર્થીઓની હાજરી પૂરાવવી, 

બીજાં દિવસની ચૂંટણી કામગીરી માટે સવારે જ ઈમરજન્સીમાં મળેલાં 15 ઓર્ડરને વ્યવસ્થિત રીતે જે તે શિક્ષકને પહોંચાડવા,

આ શિક્ષકો કાલે ઑન ડ્યુટી રહેશે એટલે શાળા ચાલુ રાખી શકાશે નહીં એ અંગે ત્વરિત નિર્ણય લઈ નોટીસ કાઢવી, 

રજા પર રહેનાર શિક્ષક મિત્રોની પ્રોક્ષી,

શિક્ષકોની ઓનલાઈન હાજરી પૂરવી જેવાં રોજેરોજ કરવા પડે એવાં કામો અને એક બે આવી પડેલાં અનઅપેક્ષિત કામો જેવાં કે 

ઉચ્ચતર પગાર ધોરણ માટે મોકલેલી ફાઈલો પરત મળતાં એમાં આગળ શું? ની ઓ.એસ.સાથે ચર્ચા  

અને રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી આવતાં વર્ષ માટે પાઠ્ય પુસ્તકો નોંધાવવા વગેરે  કામો કરતાં કરતાં 9.30 ક્યારે થઈ ગયાં એ ખબર જ ના પડી ! 

મીટીંગના સ્થળે મૂકવાં આવે એ માટે સેવક કિરીટભાઈનો ફોન પર સંપર્ક ચાલતો હતો ત્યારે જ એક વાલી એમનાં પાલ્ય અને એક બોડી ગાર્ડ જેવાં ભાઈ સાથે હૂમલો કરવાનો હોય એમ આવી ચડ્યાં અને એમની રજૂઆતો ગુસ્સા અને આવેશમાં જોર-શોરથી કરવાં લાગ્યાં. એમને ઠંડા પાડી સોમવારે શાંતિથી મળવાં આવશો એમ સમજાવતાં પાંચેક મિનિટ પસાર થઈ ગઈ. આખરે હું ઉતાવળ અને ગભરાટમાં મીટીંગના સ્થળે પહોંચ્યો ત્યારે ઉપરના હોલમાં ગણગણાટ ચાલુ હોવાથી મીટીંગ હજી શરુ થઈ નથી એમ માની અને મીટીંગ મોડી પૂરી થશે તો ભૂખ લાગશે એમ માની, ત્યાં હાજર ચ્હા-નાસ્તો ફટાફટ પતાવી, પ્રવેશ દ્વારે સલામતી ચકાસાવડાવીને હોલમાં પહોંચ્યો તો આખો હોલ ખીચોખીચ ભરેલો હતો.એક પણ સીટ કે ખુરશી ખાલી ના જણાતાં, પાછળ થપ્પીમાં મૂકેલી એકસ્ટ્રા ખુરશીમાંથી એક ખુરશી જાતે નીકાળીને છેક છેલ્લી હારમાં ગોઠવાયો. 

મને નવો પ્રવેશેલો જોતાં જ એક ભાઈ મસ્ટર લઈને મારી સહી કરાવવા આવી પહોંચ્યા. એમની પાછળ બીજાં એકભાઈ આઈ કાર્ડ અને દોરી આપી ગયાં. બાદમાં મેં આજુબાજુમાં બેઠેલાં મિત્રોને પૂછી લીધું કે હું આવ્યો ત્યાં સુધીમાં મીટીંગમાં શું બન્યું હતું. એક વિડીયોનું નિર્દેશ ચાલું હતું. એના સિવાય મીટીંગ શરું જ થઈ નથી એવું જાણીને મને આનંદ થયો.પાંચેક મિનીટમાં ચૂંટણી અધિકારીશ્રી બામણીયા સાહેબ એમનાં કાફલા સાથે પધાર્યા. પ્રાથમિક વિધિ જેવી કે સ્વાગત, પરિચય, હાજરી અંગે પૃચ્છા પતાવીને સાહેબે માઈક હાથમાં લીધું. આવકાર, સ્વાગત બાદ એમણે છેલ્લી હરોળમાં બેઠેલાં બધાં શિક્ષકો માટે કટાક્ષમાં LLB શબ્દ વાપરીને આજની મીટીંગમાં થનાર કાર્યવાહીમાં ધ્યાન રાખવા જણાવ્યું. 

અને હું LLB બની ગયો.!!!

સાહેબ એવું કહેવા માંગતા હતાં અને બોલ્યાં પણ હતાં કે છેલ્લે બેસનાર, વર્ગમાંના વિદ્યાર્થીઓની જેમ તોફાની, આળસુ, બેધ્યાન અને ગુલ્લી મારનાર હોય.આ બાબત મને બિલકુલ ગમી નહોતી. એક ઉચ્ચ કક્ષાના અધિકારી તરીકે એમની પાસેથી આવી અપેક્ષા નહોતી. છેલ્લે બેસનાર કેમ ? અને કઈ પરિસ્થિતિમાં છેલ્લે બેઠો છે એ જોયાં-જાણ્યાં વગર આવાં અપમાનજનક વિધાનો સાંભળીને મને અપમાન અને અકળામણ લાગ્યાં હતાં. કોઈ પણ હોલ કે મીટીંગમાં કોઈકે તો છેલ્લે બેસવાનું આવે ને આવે જ. કોઈ કિસ્સામાં મારી જેમ શાળામાં ફરજો નિભાવીને મીટીંગમાં પહોંચતા મોડું થાય તો પણ છેલ્લે બેસવું પડે.છેલ્લે બેસનાર વ્યક્તિ કંઈ ગુનેગાર કે લાપરવાહ ના જ હોય.મારી વાત કરું તો હું કાયમ બીફોર ટાઈમ પહોંચનાર અને હમેંશા પ્રથમ હરોળમાં બેસનાર આજે ફરજ પરસ્તા અને સરકારી મીટીંગો સમયસર શરું ના જ થાય  એ અનુભવને કારણે કહો કે જાણી જોઈને મોડો પહોંચતા Lord of the last bench બન્યો હતો. આગલી હરોળમાં સ્ટેજ પર બિરાજેલા એક અધિકારી જ્યારે છેલ્લી હરોળમાં બેઠેલાં મારા જેવાં પ્રિન્સિપાલને LLB કહીને સંબોધે ? એ કેટલું યોગ્ય હતું  ?

LLB નો અભ્યાસ કરીને લેબલ લાગે એ જુદી વાત છે, આનંદની વાત છે. પણ આમ ભરસભામાં કટાક્ષના ટોનમાં અને ઉડાડવાની ભાવનાથી કોઈ LLB કહે એને હું મારું અપમાન માનું છું. એ અધિકારીશ્રીને વિનંતી કે થોડી વાર મારી જગ્યાએ એમને મૂકીને મારી વાત પર વિચાર કરી જુએ...

વળી મેં અવારનવાર મીડિયામાં એવી પણ પોષ્ટ જોઈ છે કે જેમાં  છેલ્લી પાટલીએ બેસનારનો મહિમા ગાયો હોય.અને છેલ્લે બેસનાર કેવી રીતે પ્રગતિ કરીને મહાન બની હોય એની વાતો હોય.

ટૂંકમા કહું તો છેલ્લે બેસનાર વિષે એવું કોઈ અનુમાન ના બાંધવું જોઈએ કે એનું સ્વમાન ઘવાય. અને આવી કોમેન્ટ તો હરગીઝ ના જ થવી જોઈએ.એવું પણ બને કે એ છેલ્લે બેઠો છે એમાં એની કોઈ મજબૂરી હોય.એવું પણ બને કે એ છેલ્લે ભલે બેઠો છે પણ પ્રથમ હરોળમાં બેસનાર કરતાં વધારે ધ્યાન મગ્ન અને પરિણામલક્ષી હોય...

સ્વાનુભવ પર આધારિત કથન...

લેખક શ્રી જયંતીભાઈ આઈ.પરમાર 

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...