પપ્પાની ગર્લફ્રેન્ડ...રીવ્યુસ્...





આમ તો હું સ્લો રીડર છું. પણ DrNimit Ozaની લેટેસ્ટ નવલકથા 'પપ્પાની ગર્લફ્રેન્ડ' જ્યાં સુધી આખી ના વંચાઈ ત્યાં સુધી હું આ બૂકને અળગી ના કરી શક્યો. મારાં જ આશ્ચર્ય વચ્ચે બે દિવસમાં વાંચન સફર પૂર્ણ થઈ ગઈ.

મારાં માટે સારૂં સાહિત્ય અને સિનેમા બંને એક સમાન છે. મને ફિલ્મો વાંચવી અને સાહિત્ય જોવાનું વધારે પસંદ છે. સારાં સર્જનની ખૂબી જ એ હોય છે કે કૃતિનાં 'ધ એન્ડ' બાદ ભાવકોનાં મન-મગજમાં એ 'સ્ટાર્ટ' થાય છે. એ તમને વિચારતાં કરે. સવાલો ઊભાં કરે. 

'પપ્પાની ગર્લફ્રેન્ડ' એક આવું જ સર્જન છે... સાહસિક, ધારદાર, પ્રામાણિક અને અધિકૃત... કડવું છે પણ સત્ય છે... આકરું છે પણ સાચું છે... દેખાતી સ્થૂળતા પાછળ ગહન સુક્ષ્મતા છે... 

આવું અલગ અને નીડર સર્જન માટે લેખકની હિંમત, પ્રકાશકની તૈયારી અને વાંચકોની તત્પરતાનો ત્રિવેણી સંગમ હોવો ખૂબ જરૂરી છે.

નેવર જજ અ બુક બાય ઈટ્સ કવર. આ ઉક્તિ આ નવલકથા માટે એકદમ બંધબેસે છે. Dr. Nimit Oza સરે જેમ કહ્યું છે એમ આ વાર્તા કોઈ લગ્નતેર સંબંધ નથી. તો પછી શું છે આમાં...?

વાર્તા છે... બાયોલોજીનાં સાઈઠ વર્ષનાં પ્રોફેસર વિનાયક ત્રિવેદીની... તેનાં અતીત અને વર્તમાનની... પ્રેમ, સેક્સ, સંબંધ અને સમાજની... પિતા-પુત્રીની... સ્ત્રી-પુરૂષનાં Basic Instinct ની... વૃત્તિ, પ્રકૃતિ, સંસ્કૃતિની... હોર્મોન્સ વિરુદ્ધ ઈન્ટેલિજન્સની... 

પ્રોફેસર ત્રિવેદીનું પાત્ર સરળ પાત્ર નથી, કોમ્પ્લેક્ષ છે. ઘણાં લેયર્સ છે. પુરૂષની પ્રકૃતિ અને સ્વભાવનું પ્રતિબિંબ છે... તો વાર્તાના સ્ત્રી પાત્રોની વધારે વાત કરીને રસભંગ કરવાં નથી માંગતો, પણ સ્ત્રીનાં પાત્રોને ખૂબ જ સશક્ત અને સુંદર રીતે આલેખવામાં આવ્યાં છે. 

ઘટનાઓ અને નોન-લિનીયર લેખન છેલ્લે સુધી બાંધી રાખે છે, જકડી રાખે છે. વિચારવા માટે મજબૂર કરે છે.

વાર્તામાં વનલાઈનર્સ એકદમ મજબૂત અને અસરકારક છે. જે ધડામથી આવે છે અને હચમચાવી જાય છે. ભાષાની ભવ્યતા અને શબ્દોનો વૈભવ લગભગ દરેક પેઇઝ પર ભરપૂર છે.

ઘણાં બધાં કવોટ્સ લખવાનું મન થાય છે વાર્તામાંથી... પણ પસંદગી અઘરી છે. ઘણું બધું છે જે શેર કરવાની લાલચ થાય છે. પણ એવું નથી કરવું. વાંચવાની લયમાં આવે ત્યારે એની મજા અલગ છે.

એકાદ બે વાત જરા ખૂંચી પણ ખરી. અમુક વખતે અલંકારનો અતિરેક લાગ્યો અને બીજું કે મુક્ત અને આધુનિક દર્શાવવા માટે શરાબ- સિગરેટનો સહારો ના ગમ્યો. પણ એ અવગણી શકાય અને કહી શકાય કે એ વાર્તાની માંગ હતી.

જો એક લાઈનમાં કહેવું હોય તો કહેવાય કે...
પપ્પાની ગર્લફ્રેન્ડ = Biology + Physiology + Psychology + Sociology + Philosophy.

‘જે સવાલ સાંભળવા માટે દરેક પુરુષ પોતાની યુવાની ખર્ચી નાખતો હોય છે, એ સવાલ સાઈઠ વર્ષની ઉંમરે કોઈ પુરુષને પૂછાય ત્યારે એના જીવનમાં ઉત્સાહ, ઉત્સવ અને ઉજવણીનું એનાથી મોટું બીજું કોઈ જ કારણ નથી હોતું. આવનારા દસ થી પંદર વર્ષોમાં મૃત્યુની નજીક સરકી રહેલા પુરુષને, આવો સવાલ સાંભળીને ફરી પાછી જીવવાની ઈચ્છા થઈ જાય એ સ્વાભાવિક છે. જીવનના છેલ્લા પડાવમાં ધીમી પરંતુ મક્કમ ગતિએ મૃત્યુ તરફ ધકેલાઈ રહેલા કોઈપણ પુરુષને હવે યમના આવવાનો ડર નથી હોતો, એને સંયમના જવાનો ડર હોય છે. હું એક ખીણની ધારે ઉભેલો, જ્યાંથી મેં ધાર્યું હોત તો પાછો ફરી શક્યો હોત પણ કદાચ લપસી જવું મારા ફાયદામાં હતું.’

-પ્રોફેસર વિનાયક ત્રિવેદી ( પપ્પાની ગર્લફ્રેન્ડ)

R R Sheth & Co Pvt Ltd

Bookpratha

#mustread #gujaratinovel #Latest


 


 

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...