શ્રી માર્ટિનભાઈ(LIC)ને સ્મરાંજલિ🙏🌹🙏
અંજલિ આપને ધરું છું...
માર્ટીન...નામ પડે અને એક આનંદની લહેરખી પસાર થઈ જાય. કે પછી ટ્રીન ટ્રીન ટ્રીન ફોન ડીસ્પ્લે પર એમનું નામ ઝબકે એટલે ઉર ઉલ્લાસ વ્યાપી વળે. જી, હા.આ બિલકુલ કપોળ કલ્પિત વાત નહીં, પણ સ્વાનુભવ થકી નિપજેલી વાત છે. આજના જમાનામાં ઘણી વ્યક્તિનું નામ પડતાં જ ઘરના દરવાજા બંધ કરીને સંતાઈ જવાનું મન થાય કે રણકતાં ફોનને કટ કરીને સાયલન્ટ મોડ પર મૂકી દેવાનું મન થાય અથવા ફોનને રીસિવ કરવાનું જ ટાળીએ. એના બદલે માર્ટીન એક એવી વ્યક્તિ કે જેના નામની, ફોનની અને સાહચર્યની પ્રતીક્ષા અગોચર મનમાં હમેશાં રહ્યાં કરે. એકાદ અઠવાડિયું જાય ને મનમાં થાય કે આમને મળીએ. સામાન્ય સંજોગોમાં તો રવિવારે ચર્ચમાં કે ચર્ચ પછી મુલાકાત થઈ જાય. પણ આ કોરોનાકાળ મળવું કઠીન હોવાથી મળવાની ઈચ્છા ખાસ થાય. આ પ્રકારનો અનુભવ ફક્ત મારો કે પરિવારનો જ નહીં પણ એમની સાથે સંકળાયેલા સૌ કોઈનો હશે.
ફક્ત આગમનથી જ ખુશી આપનારી વ્યક્તિ સાથે પછી આગળ વધીને, બેસીને વાતો કરવાની કે અનુભવો શેર કરવાની કેટલી મજા આવતી હશે એ તો જેણે માર્ટીનભાઈની સાથે ક્ષણો કાઢી હશે એ જ કહી શકે. અને આવા એકદમ આનંદ આપી દેનાર વ્યક્તિના અકસ્માતના અને એ થકી અવસાનના સમાચાર મળે તો દુ:ખ જ નહીં, આઘાત લાગે...આઘાત. જી, હા. એવો જ આઘાત લાગ્યો હતો તારીખ 23મી એપ્રિલના રોજ, જ્યારે સાંજના પાંચના અરસામાં માર્ટીનભાઈના અવસાનના સમાચાર જાણીને. દિલ-મન આ વાત માનવા જ તૈયાર નહીં ! આવું થાય જ નહીં...મન એવું તો આકુળવ્યાકુળ બની ગયેલું કે...! એ જ વ્યાકુળતા આજે પણ જ્યારે જ્યારે દિવસમાં એક કે બે વાર એમની યાદ આવે ત્યારે ત્યારે અનુભવાય છે. એ વખતે કોરોનાનો ખોફ પણ થોડાક દિવસો ભૂલાઈ ગયેલો...! અને પછી હૈયે મસમોટી ફાળ (નહીં ફાળો !) પડેલી...જ્યારે આગળ એમના જીવનસાથી જિજ્ઞાસુ વિષે, એમની જનેતા રાહેલમાસી વિષે, એમના વહાલસોયા મિકી વિષે, એમની જીગરજાન ગુડિયા વિષે, એમનાં ભાઈ રોબર્ટના પરિવાર વિષે, એમની પર નભતાં તમામ લોકો વિષે વિચારતાં વિચારતાં ઊંડા શોક અને ગ્લાનિમાં ઉતરી જવાતું/જવાય છે.
માર્ટીનભાઈ એક હસતો આનંદિત ચહેરો, હમેંશા સહાય કરવાનો અવતાર, સમર્પણ વીર, પૈસા કરતાં પર્સનને મહત્ત્વનો ગણનાર પર્સનાલિટી, અનેકના જીવનમાં ખુશી ભરનાર કલાકાર, અનેકના લાઈફલાઈન,બીજાને ખુશ કરીને ખુશ થનાર વ્યક્તિ...જેટલું લખીએ એટલું ઓછું...આ તો જાહેરમાં દેખાતાં ઉડીને આંખે વળગે એવાં સદગુણો...આવાં અન્ય છૂપાં અને અજ્ઞાત, કેટલાં અને કેવાં સદગુણો એમનામાં હશે, એ તો એ જ જાણે...! એમના મોત પછી સૌના હૈયે વ્યાપી વળેલી ગમગીની અને સન્નાટા પાછળ આવા સદગુણો જ કારણભૂત હશે !
અમારી ઓળખાણ અને પરિચય સાવ સામાન્ય રીતે થયેલાં. મારા લગ્ન પછી માર્ટીનભાઈની મારા બે સાળા સાથેની મિત્રતાને લીધે સંબંધની શરૂઆત થયેલી. જે ધીરે ધીરે પ્રગાઢ બનતો ચાલેલો. અને છેલ્લે તો એક પરિવાર જેવો જ નાતો એમની સાથે બંધાઈ ગયેલો. એ ડેડીયાપાડામાં શિક્ષક તરીકે જોડાયાં પછી મને અને મહેશભાઈને ત્યાં આમંત્રેલાં. અમે ચાર જણ એમને ત્યાં ગયેલાં અને લગભગ એકાદ અઠવાડીયું રોકાયેલાં. એ દરમ્યાન એમના પરોપકારી જીવનો અમને પરિચય થયેલો. અમને ખૂબ આનંદ, મોજ, મજા કરાવી હતી. ફરીવાર આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. પરંતુ ગામ,ઘર અને કુટુંબીજનોથી દૂર રહેવાનું ના પોસાતા એ નોકરીમાંથી સ્વેચ્છાએ રાજીનામું આપીને પાછાં ગામડી આવી ગયેલાં અને પછી આરંભાઈ બીજી નોકરીની તલાશ. કોઈ જગ્યાએ અરજી કરવાની હોય કે ઈન્ટરવ્યુમાં જવાનું હોય તો મારે ઘરે માર્ગદર્શન અને સલાહ સૂચન લેવાં અચૂક આવે. અને પછી અમે બે વાતોમાં એવા તો મશગૂલ બની જઈએ કે બે ત્રણ કલાક વીતી જાય ખબર ના પડે. એમ કરતાં એક દિવસ હું બજારથી ભજીયાંનું પડીકું લાવેલો. એના તેલ વાળા કાગળ પર મારી અનાયાસ નજર પડતાં એમાં મેં એલ.આઈ.સી.માં વિકાસ અધિકારીની જાહેરાત જોઈ. કૂતુહલવશ જોતાં એ જાહેરાત માટે અરજી સ્વીકારવાનું ચાલુ હતું. મેં એના વિષે એમને વાત કરતાં એમણે અરજી કરી દીધી. અને પછી એ પદ માટે પસંદ પણ થઈ ગયેલાં.
પરંતુ પડકારો તો હવે શરૂ થતાં હતાં. એલ.આઈ.સી.માં વિકાસ અધિકારીની જોબમાં ઑફિસ ઉપરાંત એક નિર્ધારીત લક્ષ્ય સાથે કામ કરવાનું હોય. નવી જોબ, નવો માહોલ, સવર્ણોનો ઈજારો, અનુભવ વગર વીમા વેચવાનો ધંધો ઊભો કરવાનો, એજન્ટ નીમવાના...વગેરે જેવાં પડકારજનક કામો...ઘણી વાર હું ચિંતામાં આવી જતો. પણ એમની ધગશ, લગન, ઉત્સાહ અને કાબિલે દાદ મહેનત ઉપરાંત એમનો સ્વભાવ એમને આ નોકરીમાં સફળ કરી ગયાં. અને પછી તો એમના લગ્ન, મકાન, બાળકો, સામાજીક વ્યવહારો, માતા પિતાની સેવા, સમગ્ર પરિવારની “વડીલ” બનીને દેખરેખ...વગેરેમાં એવાં તો ગળાડૂબ થઈને સફળતાની ટોચ પર જઈને બેઠેલાં જોઈને ખૂબ આનંદ થતો. એમની પ્રત્યેક સફળતાના સાક્ષી અમને બનાવીને એના મધુર સ્વાદ પણ એ ચખાડતાં રહેતાં. એક દસકો એવો હતો કે અમે મહિનામાં ચારથી પાંચ વાર મળતાં. અને કલાકો સુધી વાતો કરતાં રહેતાં. એ દરમ્યાન ઘણી વાર જાણે કે એ એમનાં ધંધાની પ્રેક્ટીસ અને માર્કેટીંગ કરતાં હોય એમ લાગતું. પણ મજા આવતી. નોકરી, ધંધા સિવાયની પણ વાતો થતી રહેતી. એમના પરોપકારની અને કુટુંબ સમર્પણની વાતોથી હું મને એમની આગળ નાનો લાગતો. અમુક બાબતોમાં મારી રાય લેતાં. પણ કરતાં કંઈક અનઅપેક્ષિત અને વધારે પડતું લાગે એવું !
એમ કરતાં કરતાં એ ક્યારે કુટુંબનું ભલું કરીને બહાર ભલું કરવાં નીકળી ગયા એનો ખ્યાલ જ ના આવ્યો ! માર્ટીનભાઈ એલ.આઈ.સી.ના પર્યાય બની ચૂક્યાં હતાં. એલ.આઈ.સી.ના પ્રતિકની જેમ બે હાથો વડે લોકોની બૂઝતી જીંદગી બચાવવાને કાર્યરત થઈ ગયેલાં એમનો ગ્રાહક હોય કે ના હોય, ઓળખીતો હોય કે ના હોય, બનતી બધી મદદ કરવાં તૈયાર જ હોય. અને પ્રશ્નનો ઉકેલ આણીને જ જંપે. એમની ઑફિસમાં આવવાનું પણ બે ત્રણ વાર આમંત્રણ આપેલું, પણ જઈ ના શકાયેલું. પરંતુ એમની સાથેની વાતચીત પરથી એવું લાગે કે એ ઑફિસના સહ કાર્યકરોમાં પણ એટલાં જ પ્રિય હશે જેટલાં ઘર-કુટુંબમાં, સગાં સંબંધીઓમાં, અડોશ પડોશમાં, મિત્ર વર્તુળમાં અને સમાજમાં છે. એમનું આમ અચાનક ઉપડી જવું એ સમાજને એક મોટી ખોટ માનું છું.
છેલ્લાં પાંચેક વર્ષથી મળવાં બેસવાનું ઓછું થતું. પણ જ્યારે પણ મળતાં, હ્રદયના ઊંડાણ સુધી ની વાતો કરી લેતાં. એમની સખાવત અને સહાય મોટેભાગે સિક્રેટ રહેતી. એ તકતી વગરના દાનવીર હતાં. આપવામાં ક્યારેય અચકાતાં નહીં. મારે ઘરે મારા ધર્મ પત્નીના સગાં ભાઈ જેવો વ્યવહાર રાખતાં અને સમયાંતરે એવો વહેવાર પણ કરતાં. મારા સંતાનો એમને મામા કહીને બોલાવે તો ખુશ થતાં. ભાણિયાઓની પ્રગતિ જોઈને હરખાતાં. એમની ખુશી અને આશિષો ફોન કે મેસેજો દ્વારા વ્યક્ત થતાં રહેતાં.
છેલ્લે અમે લગભગ ફેબ્રુઆરીમાં મળ્યાં હતાં. ઑફિસના કામથી મારા ઘરે પધારેલાં. ઑફિસેથી સીધાં જ આવેલાં એટલે ચહેરા પર થાક વર્તાતો હતો. મેં આવકાર્યા. પણ કોરોનાથી અમને સેફ રાખવાં એમણે અંદર આવવાની ના પાડી. એમને અંદર આવવાની અને મારે એમને અંદર બોલાવવાની અદમ્ય ઈચ્છા...પણ મજબૂર હતાં. આખરે હું બહાર નીકળ્યો અને મારા ઘરની જ બહાર રામફળના ઝાડ નીચે અડધો એક કલાક ગોષ્ઠિ કરી લીધી. કોઈ અગમ્ય કારણોસર એમનામાં મને પહેલાં જેવો આનંદ અને ઉત્સાહમાં કમી જોવાં મળી હતી. અંતમાં એમણે એમની ડીકી ખોલીને મને કોરોનાના ડ્રોપનું આખું બોક્ષ બતાવેલું. અને વાતવાતમાં એમની સેવાકીય ઝલક આપી દીધી હતી ! એ સમયે હું મારી જાતને એમના કરતાં ઉતરતી માની રહ્યો હતો. કોરોનાના આ કપરાં કાળમાં પણ એમણે લોકસેવા ચાલું જ રાખી હતી. એ કીટની કિંમત પૂછતાં એમણે મને એક બોટલ રૂપિયા 800 ની આસપાસની જણાવી હતી. " કેવી રીતે આપો છો ? " આ પ્રશ્નનો જવાબ એક સ્માઈલથી અનુત્તર રાખ્યો હતો ! પણ એ વખતે હું એમનામાં એક ગજબનો આત્મ સંતોષ અને આત્મિક આનંદ જોઈ શક્યો હતો. અને પછી એકાદ બે ઉડતી મુલાકાતો થઈ હતી. પણ એમાં “ કેમ છો માર્ટીનભાઈ ?" જેવી ટૂંકી અને વાતચીત થઈ હતી. જે અમારી આખરી ગોષ્ઠિ બની ગઈ. કાળની થપાટમાં એમના મોટાભાઈ ઝપટાયાં અને અઢળક અને અનન્ય કોશિષો છતાંય મહામારીનો ભોગ બની ગયાં. આ સમાચારનું દુ:ખ હતું જ.અને એમનું એ દુ:ખ ઓછું અને હલકું કરવા મારે એમની સાથે એક ગોષ્ઠિ કરવી હતી...એક દિવસ હું અને સુનિતા તૈયાર પણ થયેલાં...પણ...એ પહેલાં...
એમનાં આકસ્મિક મોતના સમાચારથી જે મનોયાતના, દુ:ખ અને પીડા થઈ હતી એ અત્રે વર્ણવવી અસ્થાને છે. બલ્કે એમના ધર્મપત્ની, બાળકો, માતાશ્રી, નજીકના સગાં વહાલાં, અને મારા જેવાં સમરસિયાં તેમજ એમના લાભાર્થીઓની શું દશા થઈ હશે ??? એ કલ્પના માત્રથી જ ધ્રુજી ગયો હતો અને આજે પણ ધ્રુજી જવાય છે ! એમનાં આકસ્મિક મોત વિષે જ્યારે જ્યારે વિચારું છું ત્યારે ત્યારે એક માની ના શકાય એવું અને અકળાવનારું કુતૂહલ થાય છે ! કાશ હું એમને મળીને એમની અંતિમ અવસ્થા વિષે જાણીને એમને બચાવી શક્યો હોત.
અમારા સંબંધો આમ તો સાળા બનેવીના. કાયમ મને રીસ્પેક્ટફુલી બનેવી કહીને જ બોલાવે. પણ પછી વાતો એ ચડી જઈએ એટલે મિત્રથી પણ વધું ખુલ્લા અને મોકળા મને ગોષ્ઠિ કરી લઈએ.મને જ્ઞાની માને, ઘણીવાર મારી સલાહ માંગે, મારામાંથી પ્રેરણા મેળવે. એમને હિંમત મળે.હળવાં બની જતાં. અને અઢળક શાતા મેળવી છૂટાં પડીએ.જાણે કે આગળની જીંદગાની માટે ભાથું મળી ગયું હોય ! વાતચીતની આપ લે દ્વારા એકબીજાને ખુશી વહેંચીએ. એમનાંમાંથી હું શીખું કે મારામાંથી એ ? એ સમજાય નહીં ! પણ અંતે કંઈક આપ્યાંનો કે કંઈક મેળવ્યાનો ઓડકાર ખાતાં છૂટાં પડીએ.
લગભગ 25 વર્ષના સહ જીવનમાં પ્રસંગો તો ઢગલો છે. જેવાં કે...નવા વર્ષે એમનાં તરફથી એમનાં ખર્ચે વહેંચાતી ડાયરી, મારા નિસર્ગને માટે સુંદર અને સુશીલ કન્યા શોધી આપવાની એમની નેમ, ઘરે પધારે ત્યારે બહેન બહેન કરતાં રહેવાની બળૂકી ઘેલછા, એમનાં મકાનના ઉદ્દઘાટન ટાણે મેં આપેલી નાનકડી ભેટને ઉત્તમ ભેટનો શરપાવ, ગમી ગયેલી રાસબેરી મીઠાઈ ખાવા મારા ઘરે આવવાની પ્રેમાળ અને આગ્રહભરી અપેક્ષા,સાક્ષી માટે એક નહીં પણ બે કુર્તા લેવાનો પ્રેમાળ હઠાગ્રહ, મારા પ્રિન્સીપાલપણાં માટે એમણે કરેલી અકલ્પ્ય કોશિષ, અને મિકીના આગળ અભ્યાસ માટે સતત અમારું કાઉન્સેલિંગ.....આ તમામ એક પછી એક નજર સમક્ષ તાદ્દશ્ય થાય છે. આ લેખમાં ફક્ત મારી જ લાગણીઓ નથી પણ આ અને આવી લાગણીઓ મારાં પરિવાર અને અન્ય સૌ કોઇની હોઈ શકે. હું તો ફક્ત શબ્દ સ્વરૂપે એને રજૂ કરી શક્યો છું. લેખના શીર્ષક માટે પણ ભારે મથામણ અનુભવી છે. આખરે ઉદભવેલા ત્રણ પૈકી આ રાખ્યું છે.અન્ય બે...ફૂલ તો એની ફોરમ ઢોળી રાજી...ખાંધિયો ગુમાવવાનો ખોફ...
અને અત્યારે આપ અમારી વચ્ચે નહીં હોવાનો વસમો વસવસો...આપનું પરલોકગમન થવું ! અમને પુનરુત્થાનમાં શ્રધ્ધા હોવાં છતાં, ત્યાં મળવાની આશા હોવાં છતાં આ ભવનો તૂટી અને છૂટી ગયેલો સાથ કેમનો વેઠી શકાય ? ભલે લોક કહેતાં કે ઈશ્વરની યોજના અકળ છે. પણ આમ અકાળે કાળમુખા બનીને કિલ્લોલ કરતાં કુટુંબને કલ્પાંત કરતું કરી દેવું એ શીદને સહન થાય ? આપની બાબતમાં હું ઈશ્વરને અપરાધી અને અન્યાયી માનું છું. માર્ટિનભાઈ આપે જ અહીં સ્વર્ગ બનાવેલું, પછી બીજા સ્વર્ગની તલાશમાં કેમ નીકળી ગયાં ? ખેર, તમે નથી પણ અમારાં મન અને દીલને સ્વર્ગ બનાવીને ગયા છો. અને આ સ્વર્ગમાં અમે આપણે નિરંતર મળ્યા કરીશું...રોજે રોજ.
લેખક – સૌ પરિવારજનો વતી
શ્રી જયંતીભાઈ આઈ.પરમાર “ નિર્દોષી “
We miss you dear Martinbhai.😣🌹
ReplyDeleteReal Hero and nice man
ReplyDeleteIshware atle amni company ma bolavya k tamari ahi jarur che
Thanks
Deleteસદાબહાર હસતો ચેહરો, તેમના ચહેરા ઉપર ગમગીની કે ગુસ્સો જોવા મહેનત કરવી પડે. એ વાત બીલકુલ સાચી કે તેમનો જીવ પરોપકાર માં આનંદ અનુભવતો હતો. કૌટુંબિક જવાબદારીઓ જે રીતે અદા કરતા હતા કે આપણ ને ઈર્ષા આવે. આવા અદના આદમી ના આત્મા ને કોટી કોટી વંદન. પ્રભુ પિતા તેમના આત્માને અને કુટુંબના સભ્યોને અનેકગણો બદલો આપશે.
ReplyDeleteકે.ડી.જોયસ.
Thanks.
DeleteThis comment has been removed by the author.
Deleteસમાજ ને ન પૂરી શકાય તેવી ખોટ પડેલ છે.ખૂબ જ સેવાભાવી અને નમ્ર સ્વભાવ ધરાવતું વ્યક્તિત્વ હતું. તેઓને કોટી કોટી વંદન.
ReplyDeleteઆભાર.
Deleteસેવાભાવી, નમ્ર, જવાબદાર અને હસમુખા વ્યક્તિ ના માલિક એવા માર્ટિન ભાઈની આપણને સદાય ખોટ વર્તાશે.
ReplyDeleteઆભાર.
Deleteસેવાભાવી, નમ્ર, જવાબદાર અને હસમુખા વ્યક્તિ ના માલિક એવા માર્ટિન ભાઈની આપણને સદાય ખોટ વર્તાશે.
ReplyDeleteઆભાર.
DeletePrabhu temna Aatma ne shanti Aape .
ReplyDeleteAabhar. 🙏
Deletegreat person... કયારેય ન ભૂલી શકાય એ મારો ભાઈ. પ્રભુએ તેને તેના દીકરાને તેના દરબારમાં અખંડ આનંદમાં હંમેશ માટે બોલાવી લીધો.. એ તો ચોક્કસ છે જ કે તેનો આત્મા
ReplyDeleteપ્રભુ પાસે જ અખંડ આનંદમાં પ્રવેશ પામ્યો છે. મારા આ ભાઈની ખોટ મને તથા આખા કુટુંબને પડશે જ. જોરદાર મોભી આપણને છોડીને ઈસુ પાસે ચાલી ગઇ. પ્રભુ તેના આત્માને શાંતિ આપે તથા તેના પરિવારને આશીર્વાદ આપે એ જ પ્રાથૅનાઓ... જયંતિ ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર...
DeleteNo thanks. We have the same pain.😣
DeleteNo thanks...
DeleteWe have the same pain.😣
Martin is younger than me but in social work is far away n ahead than me. He is the person who is always ready to help other either he knows or not.
ReplyDeleteGod give his soul place in his kingdom
ખૂબ સરસ અને સુંદર વ્યક્તિત્વ
ReplyDeleteVery well written. May his soul rest in peace. 🙏
ReplyDeleteNot A forgatable person in our life. We miss you sir.
ReplyDeletePrabhu temni aatma ne shanti aape tevi ishwar pase prathna.