શું થઈ રહ્યું છે શિક્ષક અને શિક્ષણનું ??

શું થઈ રહ્યું છે પ્રાથમીક શાળાઓમાં ? છે કોઈ માઈનો લાલ જે આ વાહિયાત સિસ્ટમને ચેલેન્જ કરી શકે? ક્યાં ગયા એ શિક્ષકો જે ખુમારીથી ભરેલા હતા. જેનામાં સત્યની તાકાત હતી જે કલેકટરને પણ પરખાવી દેતા કે હું એક ગુરુ છું ને મારા વર્ગ નો રાજા હું જ છું. મારા વર્ગ ના કયા બાળકને શુ આપવું ને શુ જરૂરિયાત છે એ હું જ નક્કી કરીશ તમે નહિ!


શિક્ષકની શીખવવાની આઝાદી પર મોટી તરાપ મરાઈ રહી છે. વર્ગખંડ માં શિક્ષકે કયો વિષય કેવી રીતે શીખવવો એ એની વ્યક્તિગત આવડત અને પોતે કેળવેલી કોઠા સુજ પર આધારિત હોય છે. હા એમા સુધારા સૂચવી શકાય પણ એ સુધારાઓનો અમલ ફરજીયાત પણે કરાવવો એ તો શિક્ષક જ નહીં પણ બાળક પર પણ ક્રૂરતા કહેવાય. 


સરકારના એક સંશોધન મુજબ ગુજરાતી મૂળાક્ષરોને કઈક અલગ જ ક્રમમા શીખવવાની પ્રથા છેલ્લા લગભગ 7 વરસથી ચાલે છે. આજ સુધી આપણે 'ક', 'ખ', 'ગ' આ જ ક્રમમાં કક્કો શીખ્યા છીએ. પણ આ સંશોધન મુજબ લગભગ 7 વર્ષથી 'ન', 'મ', 'ગ', 'જ' આવી અલગ જ પ્રકારની પ્રણાલી ચાલી રહી છે. બાળક નાનું હોય ત્યારે થી જ એ ઘરના માહોલ માંથી એક ચોક્કસ પ્રકારના કક્કાનો મહાવરો લઈને શાળામા દાખલ થાય અને શિક્ષક એ વર્ષો જૂની પ્રણાલીને નેવે મૂકીને સરકારી આદેશને માથે ચડાવી આવી અલગ જ પ્રાકારની પ્રણાલીને અનુસરે. ત્યારે બાળક કેટલી હદે confuse થાતું હશે એ તમે જ વિચારી જુઓ. 


આ તો માત્ર એક ઉદાહરણ છે. 4 વર્ષ પહેલાં એક નવો ફતવો બહાર પાડવામાં આવ્યો. 'દેશી હિસાબ' જેવા અન-અધિકૃત સાહિત્યનો ઉપયોગ વર્ગ ખંડમા ન કરવો. આ ફતવો પણ એટલા માટે જ કે કોઈ શિક્ષક આ નવી ન, મ, ગ, જ, વાળી પ્રણાલીનો ઉપયોગ કરવા તૈયાર ન થાય અને દેશી હિસાબ માંથી શીખવી ન શકે. જે દેશી હિસાબો માંથી આપણા બાપ દાદાઓ પાયા, અડધા અને પોણા શીખીને ભણ્યા એ દેશી હિસાબો ની ચોપડીઓ વર્ગમાં જોઈએ જ નહીં. પાયા, અડધા અને પોણા શુ છે એ નવી પેઢીના અમુક શિક્ષકોને પણ ખબર નથી. આ પાયા, અડધા, પોણા દૂર થયા એના લીધે આજે અપૂર્ણાંક સંખ્યાઓ સમજાવવામાં શિક્ષકને અને વિદ્યાર્થીને ગળે ફીણ આવી જાય છે.


શિક્ષકને શુ ભણાવવું એ સરકાર નક્કી કરી શકે - અભ્યાસક્રમના સ્વરૂપમાં. નવા અભ્યાસક્રમ સાથે નવી પ્રણાલીઓ પણ વિકસાવી શકે. પણ આ પ્રણાલીઓ શિક્ષકો માથે થોપવામાં આવે એ ક્યાંનો ન્યાય.! હજારો વર્ષો થી કંઠય, તાલવ્ય, મૂર્ધન્ય, ઔષઠય, અને દંત્ય જેવી એક વૈજ્ઞાનિક પદ્ધતિથી સંસ્કૃત માંથી સીધી જ ગુજરાતીમાં આવેલી આ પ્રણાલીને આજ ના આ સંશોધકો અવૈજ્ઞાનિક કહે છે. આ પાછળનો કયો તર્ક છે એ આ જ સુધી સાબીત કરવામાં સરકારના કેહવાતા અધિકારીઓ નિષ્ફળ રહ્યા છે. શુ ભણાવવું એ સરકાર નક્કી કરે, કેવી રીતે ભણાવવું એ સરકાર નક્કી કરે, લેશન શુ આપવું એ પણ સરકાર જ નક્કી કરે, ને એ બધું કર્યા પછી જો પરિણામ સરકારની ફેવરમાં ન આવે તો નિષફળતાનું ઠીકરું કોના માથે ફોડવુ? શિક્ષક માથે. ને એ પણ બિચારો બાપળો, તૈયાર જ હોય છે. માથું ધરીને. લ્યો ફોડો. 


સરકાની કહેવાતી મોનીટરીંગ સિસ્ટમના માણસો શાળાની મુલાકાતો લે અને શિક્ષકોને સલાહ આપવાનું અને સરકારે જે સૂચનો કર્યા છે એ મુજબ જ કામ થાય છે કે કેમ એનું રિપોર્ટિંગ કરવાનું કામ કરે. સામાન્ય રીતે એવું બનવું જોઈએ કે શિક્ષકનું મૂલ્યાંકન કરનારનું જ્ઞાન શિક્ષક કરતા વધુ હોવું જોઈએ. આવું જરાય હોતું નથી. એને તો બસ કાગળિયા થી જ મતલબ હોય છે. કે સરકારની દરેક પ્રણાલી કાગળ પર સફળ થવી જ જોઈએ. જોકે એમાં બિચારા એનો પણ દોષ નથી એ પણ ચિઠ્ઠીના ચાકર. આ ચિઠ્ઠીના ચાકરો પાછા પ્રાઈવેટ શાળાઓ મા જઈને આમાંનું એક પણ સૂચન ન કરી શકે. ત્યાં બધું જ ચાલે. ત્યાં દેશી હિસાબ પણ ચાલે ને પોતાની રીતે બનાવેલ પુસ્તકો પણ ચાલે. કોઈ માઈનો લાલ પ્રાઇવેટ શાળામાં જઈને unqualified શિક્ષકને કહી ન શકે કે તારે આ રીતે ન ભણાવવું જોઈએ. ઓફિસ માંથી જ ટ્રસ્ટીઓ રવાના કરે. વળી સરકાર આ બાબતો નો લુલો બચાવ કરે કે "પ્રાઇવેટ શાળાઓ વિદ્યાર્થીઓને વાંચતા, લખતા, ગણતા શીખવે છે એ લોકો ની શૈક્ષણિક ગુણવતા આપણા કરતા વધુ સારી છે" શું શૈક્ષણિક ગુણવત્તામાં બાળકનો સર્વાંગી વિકાસ નો સમાવેશ નથી થતો? કેટલીક શાળાઓ તો 10*10 ની ઓરડીઓમાં ચાલે છે. ત્યાં ગુણવતા જળવાતી હશે? ને આવી પ્રાઇવેટ શાળામાં એડમિશન માટે સરકાર RTE અંતર્ગત 25% અનામત ફાળવે. એનો સીધો જ મતલબ એવો થયો કે સરકાર પાસે શાળાઓ ઉભી કરવા કે શાળાઓ ટાકવી રાખવા સક્ષમતા નથી. આવી 10*10 ના ઓરડાઓ વાળી શાળામાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે સરકાર RTE ના નિયમ અનુસાર એક વિદ્યાર્થી દીઠ 10,000 રૂ. ફી અને 3000 રૂ સ્ટેશનરી ખર્ચ આપે. શુ આ શાળાઓ વિદ્યાર્થીઓને કબબડી કે ખો-ખો શીખવી ને તેને જિલ્લા કક્ષાએ લાવી શકશે? શુ ગુણવતા યુક્ત શિક્ષણ એટલે માત્ર વાંચન, લેખન, ગણન? વિદ્યાર્થીની આંતરસૂઝ અને તેની આવડતની કોઈ જ કદર નહિ! એક પ્રાઇવેટ શાળામાં RTE અંતર્ગત એડમિશન મેળવનાર વિદ્યાર્થીને સ્ટેશનરી ખર્ચ 3000 રૂ. અને સરકારી શાળામાં ભણતા બાળકને શિષ્યવૃતિ માત્ર રૂ 500 જેમાં 300 રૂ યુનિફોર્મના. 200 રૂ શિષ્યવૃતિ. આતે ક્યાંનો ન્યાય! જે બાળકોને ખરેખર સ્ટેશનરીની જરૂર છે એવા બાળકોને માત્ર રૂ 200 શિષ્યવૃતી. 


કોઈ એક પ્રણાલી ઓછામાં ઓછી દસ વર્ષ ચાલે ત્યારે એના સારા પરિણામો મળે. મારી 8 વર્ષની નોકરીમાં 3 વાર અંગ્રેજીનું પાઠય પુસ્તક બદલવામાં આવ્યું. પ્રજ્ઞા અભિગમ હજુ અમુક શાળાઓ સુધી પહોંચ્યું ત્યાં તો બંધ પણ કરી દેવામાં આવ્યું. આજે પરિસ્થિતિ એ છે કે જે બાળક પ્રજ્ઞા અભિગમ થી 4 વર્ષ ભન્યુ એ બાળક હવે સામાન્ય પુસ્તક લઈને ભણશે. શિક્ષક પણ confuse છે કે આમાં ભણાવવું કેમ. ને હવે સરકાર દેકારો કરી રહી છે કે સરકારી શાળામાં વાંચન, લેખન, ગણન,માં બાળકો નબળા છે. દોષ કોનો? 


શિક્ષકનો? હા શિક્ષકનો.  


➡અમલ થાય ત્યાંરે જ ભવિષ્યનો વિચાર ન કરીને વિરોધ ન નોંધાવ્યો એ દોષ શિક્ષકનો. 

➡જી હજુરી કરીને જેમ કહ્યું એમ કર્યા કર્યું એ દોષ શિક્ષકનો. 

➡સરકારને સારા આંકડાઓ મોકલવાની લ્હાયમાં વિદ્યાર્થીહિત ભૂલી ગયા એ દોષ શિક્ષકનો

➡ એક વાર પણ શિક્ષક સંઘે કે શિક્ષકોમાંથી કોઈપણે, પ્રામાણિકતાથી કે હિંમતભેર આવી વાહિયાત પ્રણાલીનો વિરોધ ન કર્યો એ દોષ શિક્ષકનો.


વર્ગખંડમાં ક્યાં વિદ્યાર્થીને શુ પીરસવું, ક્યાં વિદ્યાર્થીની કઈ સામાજિક, માનસિક ક્ષમતા છે એનો ચિતાર શિક્ષકને હોય જ છે. પણ આજ નો શિક્ષક આ બધી બાબતો ની સાબિતિઓ ભેગી કરવામાં જ નવરો નથી થતો. અભ્યાસક્રમને યોગ્ય આયોજન સાથે ભણાવવાનો સમય જ ક્યાં રહેવા દીધો છે? ક્યાં આધારે તમે પરિણામ માંગો છો?


ઇચ્છીત પરિણામની લ્હાયમાં આજે શિક્ષક અને વિદ્યાર્થીઓ હોમાઈ રહ્યા છે. એક સાચા શિક્ષક હોવ તો તમામ ફતવા ને એક બાજુ મૂકીને વિદ્યાર્થી હિત ધ્યાને લઈને ભણાવજો. સરકાર સરકારનું કામ કરે, વિભાગ વિભાગનું કામ કરે, મોનીટરીંગ વાળા આવશે ને જશે, મૂલ્યાંકન કરનાર કરશે ને ટીકાઓ પણ કરશે. આ બધી જ બાબતો ની વચ્ચે વિદ્યાર્થીહિતની બલી ન ચડે એ જોવાનું કામ એક શિક્ષકનું છે. ને આ વિદ્યાર્થીહિત જો લક્ષમાં હશે તો કોઈની તાકાત નથી કે તમને કંઈપણ કહે. ઈશ્વર આપની રક્ષા કરશે.


એક શાળામાં આમ જ એક શિક્ષકે વિરોધ કર્યો. તે શિક્ષકે હિંમત ભેર જિલ્લા કક્ષાના અધિકારીને ખખડાવી નાખ્યા. શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ગામડા ગામની શાળા હતી. ગામમા જાણ થતાં જ આખું ગામ ભેગું થયું ને એ અધિકારીની ગાડીને ઘેરાવ કર્યો. અને તાત્કાલિક ધોરણે એ આદેશ રદ કરવામાં આવ્યો. અધિકારીના અહમ આગળ શિક્ષકનું કર્મ અને કર્મઠતા જીત્યા. અપેક્ષા રહિત કર્મ કરે તેને જ કર્મયોગી કહેવાય. આવા કર્મયોગીને ઉની આંચ ન આવે.


છમ્મવડું :-

વિદ્યાર્થી : સાહેબ આજ રમવા કાઢોને મેદાનમાં. 

શિક્ષક : તું પેહલા વાંચતા શીખ, પછી રમવા જજે

" ભારતે એક ગોલ્ડ મેડલ ગુમાવ્યો".


લેખાંક - 2

હવે સમય આવી ગયો છે.શિક્ષણ ના સંપૂર્ણ શુદ્ધિકરણ નો....એક ગેરવ્યાજબી માંગણી નો શિક્ષકોએ બહિષ્કાર કરીને જે જીત મેળવી છે.તે પછી દરેક ને ખબર પડી છે કે હવે પછી કોઈ ની પણ આવી ગેરવ્યાજબી માંગણીઓ નહીં સંતોષાય...આજ સુધી શિક્ષક કથપૂતળીની જેમ નાચ્યો છે.જેનું વળતર શાળાના નિર્દોષ બાળકોએ ચુકાવ્યું છે.

        હાલ ના પ્રવર્તમાન કોરોના કાળ માં વેપારીઓના વેપાર-ધંધા મંદા પડી ગયા છે.કંઈક લોકો નફામાં થી નુકશાન મા આવી ગયા છે..હવે તે નવેસરથી ધંધા શરૂ કરીને પોતાનું નુકસાન રિકવર કરી રહયા છે એજ સ્થિતિ શિક્ષકની છે.શિક્ષક પણ આટલા સમય થી ઘરે બેઠેલા વિદ્યાર્થી નું શિક્ષણ શેરીશિક્ષણ દ્વારા રિકવર કરવા નો પ્રયત્ન કરી રહ્યો છે.ત્યાં અધિકારી અને હવે નવા આવેલા અને આપણામાં થી જ ઉતપન્ન થયેલા એસ.આઈ.પણ માર્ગદર્શન કરવાની જગ્યાએ આવી ને અવનવી સમસ્યાઓ ઉભી કર્યા કરે છે. જાણે કે તે સાચી પરિસ્થિતિ જાણતાજ ના હોય તેમ !!!! માસકોપી કેમ છે ?🤔 જી શાળા કેમ નથી ?🤔 Teems કેમ નથી ?🤔આ ચોપડી કેમ નથી પુરી ? 🤔આ ચોપડી માં કેવી રીતે તપાસ્યું છે ?🤔 અહીં માસકોપી છે...🤔વગેરે... વગેરે.. નું 2 કલાક મા નિરીક્ષણ કરીને અને ખોટું ખરું સમજાવી અને શાળાનો અને શિક્ષક નો ગ્રેડ નક્કી કરીને જતા રહે છે!!!!જરા વિચારો પુરી કર્તવ્ય નિષ્ઠાથી સરકાર શ્રી ના આટલા બધા કાર્યક્રમોનું એક સાથે શેરી એ શેરીએ ફરી ને એક શિક્ષક સંચાલન કરી રહ્યો છે.વળી પાછું હાલના ધોરણના વિદ્યાર્થી ને પાછલા ધોરણ ના અભ્યાસ ક્રમ ની ચોપડીઓ આપીને પાછલું તો બગડ્યું પણ હાલનું પણ બગાડી રહયા છે.વધુમાં હાલ ભૂલી ગયેલા બાળકો ને શીખવવા નું તો એક બાજુ રહ્યું અને જાણે આતો વર્ગ મા રેગ્યુલર ભણાવતા હોય તેમ દર અઠવાડિયે એકમ કસોટી પણ ચાલુ કરી દીધી.અને એ પણ વિદ્યાર્થી ઘરે જાતે લખે છે તે વાત થી બધા વાકેફ છે છતાંયે એક પ્રશ્ન તો કરે...જ.......

'' ભાઈ માસકોપી કેમ છે ''.🤔 

અત્યાર સુધી..... સી.આર.સી.,બી.આર.સી.લેવલે જે માર્ગદર્શન મળતું હતું અને મળે છે.તે ખૂબજ સુંદર અને અર્થસભર છે....તે વ્યાજબી અને શિક્ષકો તથા બાળકોના હીત નું છે....પછી નવી નવી કેડરો કે જે શિક્ષકના માનસપટ પર ખોટી અસર ઉભી કરે છે..તેની જરૂરજ શુ છે????અને જો આ લોકો આટલા કર્તવ્યનિષ્ઠ છે તો કેમ શિક્ષક નો વ્યવસાય છોડી આમાં આવ્યા???તેમને કહો આપણી જગ્યાએ રહી યોગ્ય પરિણામ લાવીને બતાવે🤐

      શિક્ષક થાક્યો નથી અને થાકશે પણ નહીં.પણ એક કર્તવ્યનિષ્ઠ શિક્ષક ને ચિંતા એ વાત ની છે કે તે પોતાના વિદ્યાર્થી ને જે આપવા માંગે છે.તે આપી શકતો નથી.અને આગળથી જે આપવામાં આવે છે તે અહીંના વિદ્યાર્થી માટે ચાલે તેમ નથી...🤔

હવે,અહીં પણ શિક્ષક સર્વેક્ષણ જેવી દ્વિધા વળી સ્થિતિ થઈ ગઈ છે.કે બિચારો શિક્ષક કરે તો કરે શુ ?????

પણ....હવે લાગે છે.....આટલા મોટા બળવા પછી એક બળવો આપણા બાળકોના હિત માટે કરવાની જરૂર જણાય છે.......એ......છે.......સંપૂર્ણ બહિષ્કાર અધિકારીઓ અને એસ.આઈ.ની ઉપર જણાવ્યા મુજબ ની તર્કવિહોણી અને ગેરવ્યાજબી માંગણીઓનો....ઉપલા લેવલથી આવતા પાઠ્યપુસ્તક સિવાયના વધારાના નવાનવા સાહિત્યો નો.....દર અઠવાડિયે લેવાતી એકમ કસોટીનો....

હું ફરી જણાવ્યું છું કે આપણે કામ થી ભાગવા નથી માંગતા પણ એવા બિનજરૂરી કામ મા સમય પણ બગાડવા નથી માંગતા...જેની માઠી અસર કુમળા બાળકો પર થાય.અને આપણે જે બાળક ને સમજ્યા છીએ અને જે આપવા માંગીએ છીએ તે આપી શકીએ..સંપૂર્ણ પણે જૂની શિક્ષણ પ્રણાલી ની ફરી શરૂઆત થાય...જેથી પહેલાની જેમ ફરી સરકારી પ્રાથમિક શાળાઓમાં થી કોઈ ડોક્ટર કોઈ એન્જીનીઅર બની શકે...

હું માત્ર ઉપલા લેવલથી ચૂંથી નાખેલા શિક્ષણ ને સાંધા મારીને સારું બતાવવાનું કામ શિક્ષક કરી રહ્યો છે....છતાંયે ઉપલા લેવલે શિક્ષકની કોઈ કદર નથી...એ પરિસ્થિતિ ને સુધારવા માટે નો પ્રયત્ન કરવા આપ સર્વે ને નમ્ર વિનંતી કરું છું.🙏

લેખાંક - 3

આકરો અભિપ્રાય


............


પ્રાથમિક શાળાના શિક્ષકો પાસેથી ભણાવવા ઉપરાંત કેટલાં કામ લેવાય છે ? શાલીગ્રામ પર ચટણી

વટાય છે ? કળશને સંડાસનો કળશિયો બનાવાય છે.. ? 


આલેખનઃ રમેશ તન્ના 



એક ગામમાં એક માજી રહેતાં હતાં.


તેમણે એક છોકરાને ગામની નિશાળ તરફ દોડાવીને કહ્યું કે,  "જા માસ્તરને 

બોલાવી આવ."


છોકરાએ જઈને પ્રાથમિક શાળાના શિક્ષકને કહ્યું કે, "તમને પેલાં માજી બોલાવે છે."


શિક્ષકને તો ટેવ જ પડી ગયેલી, ચીંધેલું કામ ફટાફટ કરવાની.


શિક્ષક તરત પહોંચ્યા માજીના ઘરે. પૂછ્યું, "બોલો બા, શું કામ હતું.. ?" 


માજી કહે, "બેટા..  મને બે દિવસથી કસર છે. તાવ જેવું લાગે છે. મારાથી કામ થતું નથી.  થોડાં ઠામણાં (વાસણ) ઘસી આપને !" 


શિક્ષક ભડક્યો, " માજી, હું કંઈ વાસણ ઉટકવાનું કામ નથી કરતો.. મારું કામ તો બાળકોને ભણાવવાનું છે."


માજી શાંતિથી બોલ્યાંઃ "ઈ તો મને ખબર જ છે, પણ તમેન સરકાર એકસોથી વધુ કામ સોંપે છે તોય તમે

દોડી-દોડીને એ કામ કરો છો.. તો મને થયું કે તમે વાસણ પણ ઉટકતા હશો.. બેટા, ખોટું ના લગાડતો, પણ 

મને લાગ્યું કે તમને કોઈ પણ કામ ચીંધી શકાય.. એટલે મેં તને હાકર્યો. (બોલાવ્યો)"



આ છે તો હાસ્ય કથા, પણ તેમાં ભારોભાર વજુદ છે. 


પ્રાથમિક શાળાનો શિક્ષક એટલે ગરીબ ઘરની જોરુ. એને કોઈ પણ કામ સોંપી શકાય. એને તતડાવી શકાય. એને ઊભા પગે રાખી શકાય. 


એક વખત અમે બે-ચાર વર્ષ પહેલાં થોડાક પ્રાથમિક શિક્ષકો સાથે મળીને ભણાવવા ઉપરાંત પ્રાથમિક શાળાના શિક્ષકોને કયાં કયાં કામ સોંપાય છે તેની યાદી કરી હતી. એ વખતે એ યાદીનો આંકડો 50થી વધી ગયો હતો.


કેટલાક શિક્ષકોને અમે આ વિગત માટે કહી રાખ્યું હતું. 


વિરમગામ-જોશીપુરાના શિક્ષક શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલે અમને હમણાં એક યાદી મોકલાવી છે. 


એની વિગત પ્રમાણે જોઈએ તો શિક્ષકો પાસે 115થી પણ વધુ પ્રકારની કામગીરી સરકાર કરાવે છે. 


વર્ગને સ્વર્ગ માનનારા કવિવર અને પ્રોફેસર શ્રી ઉમાશંકર જોશીએ એક વખત કહ્યું હતું કે આપણે બહેનો પાસેથી ખૂબ કામ લઈએ છીએ.. શું આપણને મહિલાઓ પાસેથી આટલું બધું કામ લેવાનો અધિકાર છે ખરો ? 


એ જ વાત પ્રાથમિક શાળાના શિક્ષકોને લાગુ પડે છે. 


શું સરકાર કે સમાજને પ્રાથમિક શાળાના શિક્ષકો પાસેથી આટલાં બધાં કામ લેવાનો અધિકાર છે ખરો ? 


ભાર વિનાના શિક્ષણની વાતો કરવાની અને પ્રાથમિક શાળાના શિક્ષક પર એટલો બધો ભાર નાખી દેવાનો કે 

એની કરોડરજ્જુ જ તૂટી જાય. ગુજરાતના પ્રાથમિક શાળાના શિક્ષકની કરોડરજ્જૂ તૂટી ગઈ છે કારણ કે તેના પર ક્ષમતા કરતાં ઘણો વધારે ભાર નાખી દેવાયો છે. 


ખરેખર તો શિક્ષક પોતે જ સમાજની કરોડરજ્જુ છે, એને જ આપણે કરોડરજ્જુ વિનાનો કરી નાખવાનો ? 


પાંચમી સપ્ટેમ્બર, 2021, રવિવારના રોજ ગાંધીનગરમાં યોજાયેલા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણીએ સરસ વાત કરી. તેમણે કહ્યું કે શિક્ષક માત્ર સરકારનો કર્મચારી નથી, એ શિક્ષક પણ છે..


અમે પણ, માનનીય મુખ્યમંત્રીશ્રી, એ જ કહીએ છીએ. એ શિક્ષક છે અને તેને શિક્ષક જ રહેવા દો. કોઈ પણ સમાજ માટે, કોઈ પણ રાષ્ટ્ર માટે, પ્રાથમિક શિક્ષણ સાૈથી મહત્ત્વનું છે. 


જેનું પ્રાથમિક શિક્ષણ બગડ્યું તેનું બધુ જ બગડ્યું. એ તો ધરોહર છે. એ તો પાયો છે. એ તો મુખ્ય કૂવો છે. એ તો બધી જ સમસ્યાઓની માસ્ટર કી છે. 


પ્લીઝ, શિક્ષકને શિક્ષક જ રહેવા દો. 


ગુજરાતમાં આશરે બે લાખ પ્રાથમિક શિક્ષકો છે. આવતી કાલના ગુજરાતનો આધાર આ શિક્ષકો પર જ છે. તેઓ નક્કી કરશે તેવું ગુજરાત થશે. ગુજરાતના સાચા ઘડવૈયા તેઓ જ છે.


એમને એમનું કામ કરવા દો. એમને સરખું અને યોગ્ય વળતર આપો. એમના પર પૂરો વિશ્વાસ મૂકો. એમને માન અને સન્માન આપો. અમને, તેઓ સ્વાયત્તાથી સરસ કામ કરી શકે તેવું યોગ્ય વાતાવરણ આપો. 


મહેરબાની કરીને શાલીગ્રામનો ઉપયોગ ચટણી વાટવામાં ના કરો. 


પૂજાના કળશને સંડાસનો કળશિયો ના બનાવો મારા બાપ..


ગુજરાતના અત્યાર સુધીના વિકાસ કે ઉત્કર્ષમાં અનેક કેળવણીકારો અને શિક્ષકોનું જ પાયાનું અને મોટું પ્રદાન છે.


ઉત્તમ કેળવણીકારો એ ગુજરાત પ્રદેશની પાટી છે, પરિપાટી છે. 


ગુજરાત પ્રદેશનાં જે પોત અને પ્રતિભા છે.. એ પ્રાથમિક શાળાના શિક્ષકોએ સર્જેલાં છે એ કદી ના ભૂલશો. 


ગુજરાતના શિક્ષણને ખાનગીકરણનો એરુ આભડી ગયો છે અને સગી જનેતા જેવી માતા ગુજરાતીને ગુજરાતના વાલીઓ છોડી-તરછોડી રહ્યા છે તેનાં અનેક કારણો છે એનું એક કારણ એ છે કે આપણે પ્રાથમિક શાળાના શિક્ષકમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે.


ટીમના સાૈથી શ્રેષ્ઠ ખેલાડીને આપણે બારમો ખેલાડી બનાવવાની ગંભીર ભૂલ કરીને બેઠા છીએ. 


ઝડપથી જાગીએ.. જાગ્યા ત્યાંથી (નવી) સવાર કરીએ... 


પ્રાથમિક શાળાના શિક્ષકને મને ફાવે ત્યારે ટાંપાં ના ભરાવીએ. કોઈ પણ કામ હોય એટલે એને ના દોડાવીએ. ઈચ્છા થાય એટલે એને સાદ ના પાડીએ.


એ શિક્ષક છે, પટાવાળો નથી.

એ શિક્ષક છે, વાણોતર નથી.

એ શિક્ષક છે, મજૂર નથી.

એ શિક્ષક છે, ચીઠ્ઠીનો ચાકર નથી.

એ શિક્ષક છે, ગુલામ નથી. 

એ શિક્ષક છે, ડસ્ટબીન નથી.

એ શિક્ષક છે, જી હજૂરિયો નથી.

એ શિક્ષક છે, રમકડું નથી.

એ શિક્ષક છે, રોબોટ નથી. 


પાટનગરમાંથી કોઈ એક રીમોટથી ગુજરાતનાં 18232 ગામો, 225 નગરો અને દસ મોટાં શહેરોના

પ્રાથમિક શિક્ષકો પાસે કામ કરાવવાં એ રીત જ ખોટી છે. એમાં ભારે જોખમ છે. ગંભીર જોખમ છે. 


શિક્ષક પાસેથી કામ લેવાની રીત ના હોય, પ્રીત જ હોય.


એ રીતનો નહીં પ્રીતનો માણસ છે. 


એ બાળકોના હૃદયમાં સંવેદના અને કરુણાનું વાવેતર કરનારો ખેડૂત છે.

એ ઉદ્યાનમાં બાળકોરૃપી પુષ્પ ખીલવનારો માળી છે. 


એ મહાસાગરમાં ડૂબકી મારીને સાચાં મોતી શોધી કાઢનારો મરજીવો છે, એને સફાઈ માટે ગટરમાં ના ઉતારાય. 


આ લેખના પ્રારંભમાં એક માજીની વાત કરી હતી.


એક માજીએ શિક્ષકને વાસણ માંજવા બોલાવ્યો હતો.


જો આપણે શિક્ષકોને સ્વતંત્ર રીતે, પ્રેમથી, એની રીતે અને પ્રીતે કામ કરવા દઈએ તો 

ગામના તમામ રહીશો જ એવા સંવેદનશીલ બન્યા હોય કે માજી માંદાં હોય તો

કોઈને કહેવું જ ના પડે કે મારું કામ કરી આપો.


આપોઆપ સામેથી લોકો તેમનું કામ કરી આપે.


એ સમાજ જ સ્વસ્થ અને સંવેદનશીલ સમાજ કહેવાય. 


એવા સમાજનો બધો આધાર અને મદાર છેવટે તો પ્રાથમિક શાળાના શિક્ષકો પર છે. 


... માટે એટલું જ કહેવાનું કે શિક્ષકોને, શિક્ષણ સિવાયનાં માપનાં કામ સોંપો. 

લેખાંક - 4


Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...