દિકરી દિવસ-Daughter's Day-बेटी दिवस...
આકરો અભિપ્રાય...
દીકરીનો મહિમા ગાવો જ જોઈએ, પણ સાથે સાથે આ બાબતોની ભૂલવા જેવી નથી..
26મી સપ્ટેમ્બર વિશ્વ દીકરી દિવસ તરીકે ઉજવાય છે. "દીકરી એટલે વહાલનો દરિયો અને માતા-પિતાએ
પોતાના હૃદયમાં ભરીઓ.." બાય ધ વે, દરિયો એટલે સાગર-સમુદ્ર નહીં હોં. દરિયો એટલે મોટી નદી, જે સાગર પાસે આવેલી હોય. દરિયો અને સાગર જુદા જુદા છે.
હવે મૂળ વાત કરીએ.
વિશ્વ દીકરી દિવસે સોશિઅલ મીડિયા પર દિકરીનો મહિમા ગાતા-રજૂ કરતા અનેક સુંદર-રસપ્રદ અને પ્રેરક સંદેશ- ઓડિયો કે વીડિયો જોવા મળે. આ બધુ જોઈને આનંદ જ થાય. દીકરીનો મહિમા ગાઈએ એટલો ઓછો. આપણે સદીઓ સુધી દીકરીઓ અને સ્ત્રીઓને ખૂબ અન્યાય કર્યો છે. સ્થિતિ હવે સમતોલ થવા તરફ ગતિ કરી રહી છે એ સારી નિશાની છે.
... પણ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે.
1. દીકરીઓને અપાતી સ્વતંત્રતા અને સુવિધા અને જીવનની સાચી સુગંધ શહેરો-નગરોમાં પહોંચી છે. ગુજરાતનાં ગામો છે 18232. ગામોમાં, કેટલાક સમુદાયોમાં હજી પણ દીકરીઓ અભાવથી પીડાય છે અને તેમની સાથે ભેદભાવ પણ થાય છે.
2. કોઈ પણ સ્વતંત્રતા જવાબદારી સાથે જ જન્મતી હોય છે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે તસુભારનો ફરક હોય છે. ગુજરાતની અનેક દીકરીઓ પોતાને મળેલી સ્વતંત્રતાનો, જાણે-અજાણે દૂરોપયોગ કરી રહી છે. એનાં પરિણામો એ પોતે, માતા-પિતા અને પરિવારજનો ભોગવી રહ્યા છે. ખાસ તો ગુજરાતની ટીન-એજર છોકરીઓમાં વ્યસનનું પ્રમાણ બુલેટ ગતિએ વધી રહ્યું છે. આપણી પતંગિયા જેવી, ડાહ્યી-ડમરી દીકરીઓ ડ્ગ્સ, ગાંજો, સિગારેટ અને દારૃની લતે ચડી રહી છે. આ કડવી અને કપરી વાસ્તવિકતા છે. મેં અનેક માતા-પિતાને રાતા પાણીએ રોતાં જોયાં છે.
3. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને થોડા સમય પહેલાં કહ્યું હતું કે 'ભાજપશાસિત ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં 14,229 મહિલાઓ ગુમ થઈ છે. આ વાત ગંભીર છે. ગુજરાતમાંથી મહિલાઓ ગુમ થાય છે તેમાં સાૈથી વધુ દીકરીઓ જ છે. થોડા સમયમાં વડોદરાથી ભગાડવામાં આવેલી એક સગીર બાળાને પરત લાવવાના ઓપરેશનમાં આ લખનાર પણ હતો. એ પછી તો તેના પર આ લખનારે ઘણું સંશોધન કર્યું છે. દીકરી દિવસે મારે ગુજરાતના, ખાસ કરીને દીકરીઓનાં માતા-પિતાને કહેવું છે કે સજાગ અને સતર્ક થાવ. સોશિઅલ મીડિયા, અન્ય મીડિયા તથા આધુનિક સમયકાળને કારણે ગુજરાતની દીકરીઓ ભોગ બની રહી છે. મોટી સંખ્યામાં ભોગ બની રહી છે.
4. અલ્યા ભાઈ છોકરા અને છોકરીઓ વચ્ચે ભેદ ના જ રખાય. એક વાર નહીં સાડી સત્તર વખત આ વાત કબૂલ કરીને કહેવાનું કે કુદરતે સ્ત્રીને શરીર અને મન, બન્ને એવાં આપ્યાં છે કે તે ઝડપથી શિકાર બને છે. તેની ભાવનાઓ, મુગ્ધતા, ભાવુકતા અને શ્રદ્ધાનો મીસ-યુઝ થાય છે. તેના શરીરનો ઉપયોગ કરાય છે. સ્ત્રીને સ્વતંત્રતા આપવાની જ હોય, તેમાં સમાજ કંઈ નવાઈ નથી કરતો, પણ સૂકા ભેગું લીલું પણ બળે છે. છોકરીઓ એક યા બીજા પ્રકારે શોષણનો ભોગ બને જ છે. એટલે માત્ર આદર્શની વાતો કરવાને બદલે વાસ્તવિકતાને નજર સામે રાખીને જ જીવનના અભિગમ નક્કી કરવા જોઈએ.
5. ગુજરાતનાં જવાબદાર માતા-પિતાને મારે એટલું જ કહેવાનું કે તમારી દીકરીનું હિત તમારા હૈયે પહેલું હોવું જોઈએ. સાૈથી મોટી, પાયાની અને મહત્ત્વની વાત એ જ છે. જો તમને લાગે કે તમારી દીકરીને અમુક વલણ અને ચલણને કારણે તકલીફ પડી શકે તેમ છે તો તેને ટોકવાની અને રોકવાની તમારી ફરજ છે, છે ને છે જ. એમાં કોઈ દલીલ ના ચાલે. એમાં કોઈ છૂટછાટ નહીં. સ્વતંત્રતા અને છૂટ અને નવો જમાનો અને બદલાયેલો જમાનો અને વગેરે વગેરે.. બધુ જ સાચું મારા બાપ, પણ દીકરીનું હિત પણ સાચવવાનું હોય. આધુનિકતાના નામે અને બહાને નીકળી ના પડાય. અને આધુનિકતા કંઈ ટૂંકાં અને ગમેતેવાં કપડાં પહેરવામાં, મોડી રાત સુધી બહાર રહેવામાં કે ગમે તેની સાથે હરવા-ફરવામાં નથી. આધુનિકતા અને સ્વતંત્રતાની આ વ્યાખ્યાઓ સમાજે નહીં બજારે નક્કી કરી છે. એની પાછળ અબજો રૃપિયાનું માર્કેટ છે. પ્રેમ, સંવેદનશીલતા અને કરુણા એમા પાયા પર સાચું જીવન જીવાય છે. બીજું બધુ બનાવટી અને બજારું છે એ ભૂલવા જેવું નથી.. માટે, માતા-પિતા પોતે જવાબદાર બને. (ઘણી માતાઓને જ સુધારવી પડે એમ હોય છે. કૂવા હોય તો હવાડામાં આવે અને કૂવા હોય તેવું જ હવાડામાં આવે.) માતા પોતે સુધરે અને પછી દીકરીને યોગ્ય વાતાવરણ આપે.
6. ફૂલ જેવી દીકરીઓની સલામતિ એ સમાજનો વિષય છે. જ્યારે બહાર કાંટા જ કાંટા હોય ત્યારે
એ ફૂલનું રક્ષણ કરવાની અનિવાર્યતા વધી જાય છે. કાયદા અને શાસકો અને ધારાઓ અને કલમો.. એ બધુ તો છેક છેલ્લા ક્રમે આવે છે. પહેલા ક્રમ આવે છે માતા-પિતાની જવાબદારી. માતા-પિતાનું કહ્યું દીકરીઓ તો શું નાનું છોકરું ય હવે માનતું નથી એ વાતમાં તથ્ય હોવા છતાં કહેવાનું કે ઉકેલ તો તેમની કને જ છે. બહુ તો પરિવારજનો સાથ આપે.
7. માતા-પિતાને, સમાજના બીજા લોકોને એક બીજી કડવી વાત પણ કહેવાની છે. દીકરીઓને વર્ચ્યુઅલી માન આપો છો તે વાત ગમે તેવી છે, પણ તેને એક્ચ્યુઅલી, હકીકતમાં માન આપો. આપણા સમાજમાં આજે પણ દીકરીઓને પૂરતું માન અપાતું નથી. આ વાત નાની છે પણ તેનાં પરિણામો ગંભીર આવે છે. બહારથી થોડું માન મળે એટલે આપણી દીકરીઓ અઢળક ઢળી જાય છે. જો દીકરીઓને દરેક ઘરમાં યોગ્ય રીતે માન અપાય, પ્રેમ અપાય અને તેમને સમય અપાય તો છોકરીઓ ભાગી જવાના 60-70 ટકા કિસ્સા ઘટી જાય. માન, પ્રેમ અને સમય આપવામાં મોંઘવારી, સરકાર કે વિરોધીઓ.. કશું જ નડે એમ નથી.
8. મારે ગુજરાતની દીકરીઓને કહેવાનું કે જીવનને અખીલાઈમાં અને મૂળ રીતે સમજો. માતા-પિતાથી વધુ હિતકારી કોઈ હોતું જ નથી. બીજાને તમારું મન આપતાં પહેલાં તેમને જ તમારું મન આપો. એમને માન આપો અને તમારી દરેક લાગણીની ચર્ચા સાૈપ્રથમ માત્ર તેમની સાથે જ કરો. બહાર ફાંફાં ના મારો. અને મહેરબાની કરીને મોબાઈલ ફોનના પરદા પર જોઈ જોઈને આ અભિનેતાઓ અને બીજી સેલિબ્રીટી પાછળ સહેજે ગાંડા ના થાવ. આ બધુ આભાસી જ હોય છે. એ રીલ છે રીઅલ નથી. એ વર્ચ્યુઅલ છે, એક્ચ્યુઅલ નથી. એ દૃશ્ય છે, અસલ નથી. ગાંડા-દીવાના-પાગલ બનવું હોય તો જેમનું સમાજ માટે પ્રદાન છે તેમની પાછળ બનો. અને હા, ધાન અને પરિધાનમાં કાળજી રાખો, દીકરીઓ. જંક ફૂડ અને ફાસ્ટ ફૂડને બદલે પોષ્ટિક ખાઓ. એવાં કપડાં પહેરો જેનાથી તમે શોભો. વિવેક અને સમજણ કેળવીને પરિધાન કરો. ભગવાને તમને સાૈંદર્ય પ્રદર્શન કરવા નથી જ આપ્યું. તમારાં દાદા-દાદી ગામડામાં, આકરી મહેનત કરીને, પેટે પાટા બાંધીને જીવતાં હતાં. એ બિચારાં થીંગડાં મારીને કપડાં પહેરતાં હતાં. એવી સ્થિતિમાં તેમણે, ભૂખ્યા રહીને તમારા પિતાઓને ભણાવ્યા છે ત્યારે તમને બધી સુવિધા મળી રહી છે. મહેરબાની કરીને છકી ના જાઓ. તમારામાં પડેલી પ્રતિભા, સજ્જતા, પ્રેમ અને સંવેદનાનો સમાજના હિતમાં ઉપયોગ કરવાનો છે. સારા દેખાવામાં સમય ના વેડફશો. દેખાદેખીમાં ના પડશો.
દીકરીઓ તો ડાહ્યી જ હોય એટલે દીકરીઓને વધારે કહેવાનું જ ના હોય..
દરેકને વિશ્વ દીકરી દિવસની 11 દરિયા ભરીને શુભકામનાઓ. ગુજરાતમાં એ દિવસ ઝડપથી આવે જ્યારે એક પણ દીકરી દુઃખી ના હોય, નિરક્ષર ના હોય, ભૂખી ના હોય, ઘર છોડીને ભાગી જતા ના હોય, વ્યસનો ના કરતી હોય..
બસ, પોતાની જાતને, પોતાનાં માતા-પિતાને, પરિવારને, પાડોશીને, સગાં-વહાલાંને અને સમગ્ર સમાજને ગાૈરવ થાય તેવું સુંદર જીવન જીવતી હોય...
નોંધઃ આપને આ વિચારો ગમે તો ગમતાંનો ગુલાલ કરીને, અગરબત્તીની સુગંધની જેમ તેનો પ્રસાર કરજો...
(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, 9824034475, અમદાવાદ)
Comments
Post a Comment