સરકારી શાળા વિરૂદ્ધ ખાનગી શાળા...
23.7.20
આજે ટેલિવિઝન ઉપર સમાચાર જોયા સરકાર શ્રી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો કે શાળા શરુ ના થાય ત્યાં સુધી વિદ્યાર્થી ઓને ફી માટે દબાણ કરવું નહિ. એટલામાં તો સેલ્ફ ફાયનાન્સ સંચાલક મંડળ દ્વારા સમાચાર આવ્યા કે આવતી કાલ થી ઓનલાઇન શિક્ષણ બંધ. તેઓ અહીંયા ખોટા છે તેવું જરાય કહેવું નથી પરંતુ મારો વર્ષો નો અનુભવ એવુ કહે છે કે અમારી શાળા માં કોઈ વિદ્યાર્થી ફી નથી આપતા ત્યારે શિક્ષક પોતાના પગાર માં થી ફી ભરી દેતા હોયછે. મે અગાઉ પણ પોસ્ટ કરેલ છે કે આવા કપરા કાળ માં વાલી માંડ પોતાના કુટુંબ નું ભરણ પોષણ કરતા હોય તેવામા આવી ફી ન જ પોષાય. આ જાણવા છતાં પણ પ્રાયવેટ શાળા નો મોહ વાલી ના છોડી શકતા હોયતો આના માટે માત્ર ને માત્ર વાલી જ જવાબદાર હોય તેવું હું સ્પષ્ટ માનું છું. હા ભૂતકાળ માં સરકારી શાળા ઓની છબી કદાચ અમુક કારણોસર ખરડાઈ હોય તો પણ એજ દિવસો યાદ રાખીને અત્યારે આટલો બધો દ્વેષ રાખવો કેટલા ટકા યોગ્ય છે અત્યારે મોટાભાગની સરકારી શાળા માં વેલ કોલીફાઇડ અને સમર્પિત શિક્ષકો છે. તો હજુ પણ મોડું થયું નથી એટલે આ બાબતે વાલી તેમજ સમગ્ર સમાજે જાગૃત થવાની જરૂર છે. આપણા જ ટેક્સ ના પૈસા માં થી શિક્ષક થી લઈને તમામ સરકારી કર્મચારીઓ નો પગાર થતો હોય છે તો તેનું વળતર આપણે આપણા સંતાનો ને સરકારી શાળા ઓમાં ભણાવી ને કેમ વસુલ ના કરી શકીયે... જય હિન્દ..
લેખ -1
શાળાઓ બુદ્ધિ/હોંશિયારી આપતી હોત તો ઘેર ઘેર મનમોહનસિંહ, એપીજે અબ્દુલ કલામ ને રઘુરામ રાજન ફરતા હોત...!
ગઈકાલે ખાનગી શાળાઓના બહિષ્કારનું એક સૂચન કર્યું એનો ધાર્યા કરતા વધારે પ્રતિભાવ મળ્યો. જે લોકોએ દુઃખ વ્યક્ત કર્યું એ પૈકી મોટાભાગનાનું કહેવું છે કે 'બાળકોને સરકારી શાળાઓમાં ભણાવવા તો છે, પરંતુ સરકારી શાળાઓમાં શિક્ષણ બરાબર નથી. બસ, પોતે નક્કી કરી લીધું કે ગુણવત્તા સારી નથી અને એ સુધારી શકે એમ પણ નથી..!
આ પૈકી મોટા ભાગનાઓએ કયારેય સરકારી શિક્ષણ વિષે ફરિયાદ કરી નથી, પોતાના બાળકને સરકારી નિશાળ દેખાડી નથી, જિલ્લા શિક્ષણાધિકારી, શિક્ષણ સચિવ, શિક્ષણ મંત્રી કે પોતાના વિસ્તારના ધારાસભ્યને સરકારી શાળાની ગુણવત્તા બાબતે ફરિયાદ કરી નથી.
બાળકને સરકારી શાળાને બદલે ખાનગી શાળાઓમાં ભણાવવાનો આગ્રહ રાખનારા વાલીઓમાં મૉટે ભાગે પોતાની નિસ્ફળતા છુપાવવાની માનસિકતા, એક પ્રકારની લઘુતાગ્રંથિ હોય છે. એ વારે વારે બોલતા હોય છે 'અમારા વખતમાં તો આવી શાળાઓ જ ક્યાં હતી?' શાળાઓ નહોતી એટલે પોતે ઉકાળી નથી શક્યા બાકી આવડત તો એમનામાંય રઘુરામ રાજન કે અબ્દુલ કલામથી જરાય ઓછી નથી એવા ભ્રમમાં રાચતા હોય છે.
બીજું: 'બોરડી નવી નવી બે પાંદડે થઇ હોય છે,' એટલે દેખાડો કર્યા વગર ગામને ખબર કેમ પડે કે 'બોરડી બે પાંદડે થઇ છે!' એટલે જાતે જ સેલ્સમેન બનીને પ્રચાર કરતા ફરે કે મારો બાબો/બેબી તો ફલાણી સ્કૂલમાં ભણે છે, જોરદાર સ્કૂલ છે. શું જોરદાર પૂછો તો મકાન, ફર્નિચરના વખાણ કરવા માંડે. એ નિશાળના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીનાં શિક્ષકની લાયકાત કેટલી છે, અનુભવ કેટલો છે એની ખબર ના હોય..! એ તો દેખાવના પ્રેમમાં હોય, શિક્ષણની ગુણવત્તામાં શું ધૂળ ખબર પડે, મૂળે તો વાત બોરડી બે પાંદડે છે એટલું જ સાબિત કરવાનું છે ને?
દરેકને પોતાના બાળકને ધીરુભાઈ અંબાણી, મનમોહન સિંઘ, સચિન તેંડુલકર કે પી.ટી. ઉષા બનાવવા છે. પોતે જીવનમાં જે કરી નથી શક્યા ને આગળ કરી નથી શકવાના એ, અધૂરા સપના પોતાના બાળક મારફતે પુરા કરવા છે, એના માટે બાળક પર માનસિક ત્રાસ ને તાણ વધારે છે. એ માનવ જ તૈયાર નથી કે સફળતા માટે વ્યક્તિમાં અંદરની 'આગ' હોવી જરૂરી છે, અંદરની આગ કુદરતી, પ્રકૃતિ દત્ત હોય છે. એના ઇન્જેક્શન નથી આવતા કે શાળાઓ મારી આપે. સફળતા માટેની આગ સાથે જે ભોગ આપવો પડે તે આપવાની શક્તિ પણ અંદરની આગ જ પુરી પડતી હોય છે. સફળતા માટે અંદરની આગ જ છે જે સચિન તેંડુલકર કે સહેવાગ કે વિરાટ કોહલીને સવારે 4 વાગે ઉઠાડીને કઠોર પરિશ્રમ કરાવે છે. સફળતા માટેની આગ જ સરકારી શાળાઓમાં ભણતા હોવા છતાં, તમામ વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરીને પણ એપીજે અબ્દુલ કલામ, મનમોહન સિંહ કે રઘુરામ રાજન કે ધીરુભાઈ અંબાણી બનાવે છે.
સ્પર્ધત્મક પરીક્ષાઓ પાસ કરીને જ્યાંથી સહુથી વધારે વિદ્યાર્થીઓ આવે છે એ કેરળની સરકારી શાળાઓમાંથી જ ભણીને આવે છે. આજે ગુજરાતમાં જે પ્રતિષ્ઠિત ડોક્ટરો, હાઇકોર્ટના વકીલો, સચિવાલયના અધિકારીઓ છે તે બધા સરકારી શાળાઓમાંથી જ આવ્યા છે એ આપણને યાદ આવતું જ નથી.
બાળકને સરકારી શાળામાં જ ભણાવો, સરકાર આપણને જવાબદાર છે. પૂરતા સારા શિક્ષકો, સારા રૂમો, સારી બેંચો માટે સરકારને ફરજ પાડી શકાય કારણ, સરકાર આપણે ચૂંટીએ છીએ. ખાનગી શાળાઓમાં જવું સરકારે ફરજીયાત નથી કર્યું કે નથી એ સરકારના કબ્જામાં. હાલ તો એવો ઘાટ છે કે "ચા તો 5 સ્ટાર હોટલમાં પીવી છે, પણ રૂ. 10/- મા જ કટિંગ પીવી છે." 5 સ્ટાર હોટલ 10ની કટિંગ ના આપે ભાઈ..!
ખાનગી શાળાઓમાં બાળકો ભણાવતા વાલીઓને ખબર છે કે દેશની 10 મોખરાની યુનિવર્સીટીઓમાં ગુજરાતની ટીપ-ટોપ ખાનગી યુનિવર્સીટીઓ પૈકીની એકેય નથી..? સરકારી યુનિવર્સીટીઓ જ આગળ છે. જીવનમાં આગળ વધનારાઓમાં સરકારી શાળાઓમાં ભણેલાની ટકાવારી વધારે આવશે...!
એક વાત યાદ રાખજો, આ એક સત્રનો સવાલ જ નથી. આવનારા ઓછામાં ઓછા 4-5 વર્ષ તો આર્થિક રીતે કપરા છે જ, એટલે જો ખાનગી શાળામાં 'આઘા-પાછા કરીને કે દેવું કરીને આ સત્રની ફી ભરશો તોય આવતા સત્રમાં અને પછીના સત્રોમાં આ જ સ્થિતિ રહેવાની છે. 'બોરડીના પાંદડા ખરવા મંડ્યા છે, બોરડી બોડી થતા વાર નહીં લાગે.' સવેળા ચેતી જાઓ તો સારું. સગવડ હોય જ તો બાળકને સરકારી શાળામાં ભણવા મુકો અને ઘરે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીનાં ટ્યુશન રાખો. સીધી દેખરેખમાં ભણશે ને બાળકમાં 'હીર' હશે તો ખીલી ઉઠશે.
અને હા, ભક્તિપૂર્વક જે કામો માટે 'મત' આપ્યા હતા એ થયા કે નહીં એ તો ખબર નથી. પાકિસ્તાન પડી ગયું કે નહીં, ચીન ગભરાઈ ગયું કે નહીં એ તો તમે જાણો. પરંતુ એટલું યાદ રાખો, નફરતના નામે 'આંખ મીંચીને મત આપ્યા' એને કારણે ગુજરાતનું અર્થતંત્ર ભીંસમાં છે. એ દેવું પાછું 'ખાનગી શાળામાં ભણીને બેરોજગાર ફરતા આપણા સંતોનોએ જ ભરવાનું છે, નોકરીઓ મળવાની નથી, મળશે એ ફિક્સ પગારની હશે નહિતર ખાનગી હશે જેમાં શોષણ જ હશે, એટલે હોય તો બચત કરો, કામ લાગશે.
ખાનગી શાળાઓ ને દવાખાના એ તો "ખોખલા સમાજે પોષેલી ભ્રષ્ટ રાજનીતિના ગુમડા છે." એ ગૌરવ લેવાની વસ્તુ નથી, એના ઉપર જેટલું વહેલું નસ્તર મુકશો એટલા વહેલા સુખી થશો.
જો શાળા અને શિક્ષકો જ બુદ્ધિના ઇન્જેક્શન આપતા હોત તો ગુજરાતની ગલીએ ગલીએ મોરારજી દેસાઈ, એચ.એમ. પટેલ, રઘુરામ રાજન, મનમોહન સિંહ ને અબ્દુલ કલામ ફરતા હોત. ઘેનમાં ઊંઘતા ભાઈ બહેનો, જાગો, પ્રભાતના કિરણો દરવાજે ઉભા છે, વધાવી લો નવી સવારને...
લેખ - 2
હમણાં હમણાં ખાનગી શાળાઓની ફી ઘટાડવા અથવા ફી માફી માટે વાલીઓ મેદાને પડયા છે. ભાઈ શું કામ ફી ઘટાડે? લાખો રુપિયા ફી ભરનાર વાલીઓને ત્રણ મહીનાની ફી ભારે પડે છે? સરકાર શા માટે તમારી ફી ભરે? સરકારે તમને સરકારી શાળામાં મફત શિક્ષણની વ્યવસ્થા આપેલી જ છે. ત્યાં તમારા બાળકને દાખલ કરી આવો ચોપડા અને યુનીફોર્મ પણ આપવામાં આવશે. પણ તમારે રુપિયા ખર્ચયાનો આત્મસંતોષ લેવો છે. સમાજમાં બેસીને મારા છોકરાની પોણાં બે લાખ ફી ભરુ છું એવું ગૌરવ લેવું છે. તો એ ગૌરવ લેવાનો ચાર્જ આપવો જ પડશે. તમારા બાળકને સંજવારી કાઢતા કે પોતુ કરતાં નથી શીખવવું અથવા નાનપ અનુભવવી છે તો તેમની સફાઈના પૈસા પણ તમારે ચુકવવા પડશે જ. બગીચામાં પાણી પાવા કે બે ચાર રોપાં વાવવા ગારાવાળા હાથ નથી થવા દેવા તો તેનો પણ ચાર્જ ચુકવવો પડશે. મધ્યાહન ભોજનની ખીચડી તમારાં છોકરાંને નહીં ભાવે તો કેન્ટીનનું બીલ ભરવું પડે. એકાદ કિમી તમારું છોકરું નથી ચાલી શકતું તો વાહન ભાડું ચુકવો. રુપિયાના જોરે શિક્ષકો અને શાળાને ખરીદી શકતા હોય તેવા અહોભાવથી રોફ જમાવનાર મા-બાપ એમના બાળકો પાસે વડીલો પ્રત્યે આદર અને વિનમ્રતાની અપેક્ષા રાખવી અસ્થાને છે. આ આખી પ્રક્રિયામાંથી પસાર થયેલ બાળકને આત્મનિર્ભર બનાવવું શકય બનશે ખરુ?
આજના સમયમાં શિક્ષણ એટલે શું? બસ બે ચાર અંગ્રેજીના વાકયો ફાડે. બે ત્રણ ઈંગ્લીશની પોએમ બોલે! યાદ શકિત અને જ્ઞાન બે વચ્ચે ભેદ ખબર નથી રહયો. અરે ભલા જેમને અંગ્રેજીના બે વાકય નથી આવડતાં એ પદમશ્રી ભીખુદાનભાઈ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવાની છ જણાંની સમિતીમાં હતા. બારમા ધોરણના પરિણામના બીજા દિવસે આપણે છાપાં વાંચીએ જ છીએ. એક રીક્ષાવાળાનો છોકરો બોર્ડમાં ત્રીજો. ઘરકામ કરતી વિધવાનો દિકરો બોર્ડમાં બીજા ક્રમે ઉતિર્ણ, ડ્રાઈવરની દિકરી ટોપટેનમાં, ખેતી કામની સાથે સાથે ખેડુત પુત્રએ મેળવ્યુ બોર્ડમાં ચોથું સ્થાન, સામાન્યત: માતા-પિતાને બાળકના શિક્ષણ કરતા પોતાનું સ્ટેટસ અને પોતાના અધુરા સપના હધારે અગત્યના હોય છે. ખાસ વર્તમાન સમયમાં મારો દિકરો અને રાયદે રિક્ષાવાળાનો દિકરો એક શાળામાં કેવી રીતે ભણે? અમારા પૈસાદારના બાળકો મોંઘી શાળામાં જાય એ માનસિકતાએ શિક્ષણમાં વ્યાપાર પેદા કર્યો. અને સરકારે પણ હવે આ ખુલ્લા વ્યાપાર પર ટેક્ષ નાખી અને વ્યાપારની વ્યાખ્યામાં સમાવી લેવો જોઈએ. ટેક્ષની આવક થાય.
અત્યારના મા-બાપ બાળકને એક પણ સંઘર્ષ કરવો પડે એ પરિસ્થિતિ સર્જાવા જ નથી દેતાં. જો સો શિક્ષિત અને સો અભણ મા-બાપનો સર્વે કરવામાં આવે તો અભણ મા-બાપના બોળકોની સફળતાનો રેસીયો ઉચો મળશે. કારણ શિક્ષિત માણસો બાળકને શું ભણવું શું ન ભણવું બાળકના બદલે પોતે નકકી કરે છે.
શિક્ષણએ જીવન જીવવાની કળા શીખવે છે. નહી કે ખાલી પૈસા કમાતાં! ખાલી પૈસાથી ચાલતું હોય તો સુશાંત રાજપુત વરસે એકસો સાઈઠ કરોડ કમાતો હતો. તમારુ બાળક બીજા બાળક કરતા બે માર્ક ઓછા આવતાં ડીપ્રેશનમાં આવે છે તો સમજો આપણે શિક્ષણ અપવામાં સરેઆમ નિષ્ફળ છીએ. શિક્ષણ સફળતાને પચાવતાં અને નિષ્ફળતાને સહન કરતાં શીખવે છે. એ ત્યારે જ શકય બનશે જયારે એક લાદીના કારખાનાવાળાના દિકરાના લંચબોક્ષમાંથી મજુરનો છોકરો પાસ્તા ખાતો હોય. મજુરના છોકરાની કોથળીમાંથી કારખાનાવાળાનો છોકરો બે ચાર રાવણાં ખાતો હોય. દરેક પરિસ્થિતિમાં કેમ ટકી રહેવું એ એક બીજા ભિન્નતા ધરાવતા વિદ્યાર્થી સાથે ભણતા હોય ત્યારે જ શીખવા મળે. નહી કે એક જ સરખી કેડરના વિદ્યાર્થીઓ વચ્ચે ભણવાથી. ટકા આવવા જરુરી છે પણ બીજા બાળક સાથે હરીફાઈમાં ઉતારવાની જરુર નથી. નવ્વાણું ટકા લાવનારને મેમાન સાથે બેસી બે વાતો નથી આવડતી. દસ બારમાં નિષ્ફળ ગયેલા અને ડોકટર નથી બન્યાએ અત્યારે કલાસ વન ટુ અધિકારીઓ બની ગયા છે અને આ નવ્વાણું ટકા વાળાના દવાખાના પર રેઈડ પાડી શકે છે.
ખાનગી શાળામાં આપણે જેટલા રુપિયા ભરીએ છીએ અને જેટલો સમય આપીએ છીએ એનાથી અડધા રુપિયા અને અડધો સમય આપણાં ગામની શાળામાં આપીએ તો, આપણાં બાળકો તો ભણશે પણ આપણાં ગામના ગરીબ બાળકો પણ ભણી શકશે. પણ જો એ ઈર્ષાથી જ ખાનગીમાં ભણાવતા હોય તો અલગ વાત છે.
ચિંટીયો: અમેરીકામાં સાબુની કંપનીમાં સાબુ પેકીંગ દરમ્યાન સાબુ વગરના ખાલી ખોખા અલગ તારવવા દોઢ કરોડનું લેઝર મશીન બનાવ્યું. અમારા રઘાએ મંડપ સર્વીસનો જુનો પંખો લાવી રાખી દીધો ખાલી હતા એ ઉડી ગયાં.
-- પોપટ ખુંટી
*તમો પણ સરકારી શાળામા અભ્યાસ કરેલો હશે*
લેખ - 3
મને એ જોઈ હસવું
હજાર વાર આવે છે
આ પ્રાઇવેટ વાળા કેવા
ઉઠા ભણાવે છે!!
પચરંગી યુનિફોર્મ ને
પીળા રંગની ગાડી!
ગામડે ગામડેથી છોકરા
વીણી લાવે છે.
ભાડું વસુલે મસમોટુને વળી એને
ટ્રાન્સપોર્ટ ફેસિલિટી ગણાવેછે
કોમ્પ્લેક્ષમાં સ્કૂલો ચલાવી
સર્વાંગી વિકાસ બતાવે છે
આ પ્રાઇવેટ વાળા કેવા
ઉઠા ભણાવે છે!!!
બે જોડી યુનિફોર્મ, બુટ મોજા ટાઈથી
ટેણીયાં ને ટનાટન બનાવે છે
ગણિતમાં "સો" એતો સમજ્યા ભાઈ
ને વળી ગુજરાતીમાંય સો!!
આઈન્સ્ટાઈન ને અખો એક
સાથે બનાવે છે
કે.જી નું બાળક, ચિત્રમાં
અઠ્ઠાણું ને સંગીતમાં સત્તાણું!!
પિકાસોને રોવડાવી
મારા રહેમાનને શરમાવે છે
આ પ્રાઇવેટ વાળા
કેવા ઉઠા ભણાવે છે!!!
ઇંગલિશ મીડિયમનું ગૌરવ
ને ગુજરાતીની સુગ!
ગુજરાતમા જ રહીને
મેઘાણી,કલાપી કે પછી
તુષાર શુક્લની સામે જ
રોલેટ એકટ" ચલાવે છે
આ પ્રાઇવેટ વાળા
કેવા ઉઠા ભણાવે છે !!!
નોન ક્વોલિફાઇડ સ્ટાફ ને
વળી ગુણવત્તા વાળું શિક્ષણ?
નેવુંનો કલાસ ને નેવુંયે બાળકોને
નેવું ઉપર ટકા આવે છે!!
આ પ્રાઇવેટ વાળા
કેવા ઉઠા ભણાવે છે!!!!
આ પ્રાઇવેટ વાળા
હાટડી ચલાવે છે!!
પૈસા કમાવા માટે,
કેવા ઉઠા ભણાવે છે!!!!
એક વિચાર એવો પણ આવે છે કે
એક કાંકરે બે પક્ષી મારવા હોય તો ?
હાલ કોરોના મહામારીના લીધે સ્કુલ ફિ માફિ માટે વાલીઓએ આંદોલન કરીને સરકારના ડંડા ખાવા કરતા એક અભિયાન ચલાવો કે દરેક વાલીએ પોતાના સંતાનનું સર્ટિ (L.c.) પ્રાઈવેટ સ્કુલમાથી કઢાવીને સરકારી સ્કુલમા એડમિશન લઈ લેવુ,
પછી ભલે એક સત્ર માટે જ લો.
પછી જુઓ રમત, પ્રાઈવેટ સ્કુલવાળા અને સરકાર ચકરાવે ચડશે...!
કારણ ?
પ્રાઈવેટ સ્કુલની વેલ્યુ ડાઉન થવાની બીકે સંખ્યા શોધવા ધરે ધરે નીકળશે અને પુરતી સંખ્યા નહિ હોવાને લીધે તેઓને મેન્ટેનન્સ કાઢવાના પણ ફાંફાં પડશે.
બીજુ કે સરકાર માટે એ વિટંબણા ઉભી થશે કે હાલમા જ ધણી સ્કુલોમાં સ્ટાફ, ક્લાસ રૂમ, પાઠ્ય પુસ્તકો, સ્પોર્ટ તેમજ પ્રાયોગીક લેબના સાધનો તેમજ ઘણી બધી વસ્તુઓની પુરતા પ્રમાણમાં ઉપલબ્ધિ નથી હોતી, એમા પણ જો દરેક વાલી પોતાના સંતાનને સરકારી સ્કુલમાં એડમિશન લે તો સરકાર પણ મુશ્કેલીમાં મુકાય તેમ છે અને આ સરકાર પણ દરેક સ્કુલમાં પુરતા સ્ટાફની ભરતી કરવા મજબુર બનશે તેમજ ભાંગીને ભંગાર થયેલી સ્કુલોને જીવંત કરવાની જવાબદારી અને ખર્ચ વધશે, જેથી કરી સરકાર ખુદ પ્રાઈવેટ સ્કુલોને ફિ માફી કરવા દબાણ કરશે
આમ પણ આ સત્ર ફેઈલ જ છે
તો શા માટે આ ઊપાય ન અજમાવીએ, આવુ કરવાથી સરકારનુ પણ પાણી મપાઇ જશે અને સેલ્ફ ફાઈનાન્સ સ્કુલોને પણ અક્કલ આવશે કે જો વિદ્યાર્થી જ ન હોય તો કેટલા વિશે સો થાય.!
આ મારો અંગત વિચાર છે જો યોગ્ય હોય તો દરેક વાલી સુધી આ પોસ્ટને શેર કરવા વિનંતી...
Comments
Post a Comment