લોકશાહી ખતરામાં...
વૈશ્વિક સર્વે કહે છે કે લોકશાહીમાંથી લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. સરકારોના ભ્રષ્ટાચાર તેમજ બિનકાર્યક્ષમતાથી નિરાશા વધી રહી છે. યુવાનોને લોકશાહીથી અસંતોષ છે. નેતાઓ તેનો લાભ ઉઠાવી રહ્યા છે. 1920 અને 30ના દાયકા પછી પહેલીવાર લોકશાહી સામે ગંભીર પડકારો આવ્યા છે. એ વખતે મોટાભાગની સંસદીય લોકશાહીઓનો કચ્ચરઘાણ નીકળ્યો હતો. અમુક લોકશાહીઓનો તત્કાળ ખાત્મો બોલી ગયો. અમુક ધીમા મોતે મરી ગઈ.
ધીમું મોત ગંદુ હોય છે. અફવાઓ ફેલાય, ષડ્યંત્રોની ગુસપુસ થાય, શેરીઓમાં વિરોધ પ્રદર્શનો થાય, હિંસા ફેલાય. ગૃહયુદ્ધ જેવી સ્થિતિ પેદા થાય. કટોકટી જાહેર થાય. સ્થિતિ એટલી બગડે કે સરકાર અસ્થિર થવા લાગે, હિંસાને અટકાવવા માટે સૈન્ય બેરેક્સમાંથી બહાર નીકળીને શેરીઓમાં આવે અને પોતાના હાથમાં દૌર લે. છેવટે લોકશાહી પોતે જ ખોદેલી કબરમાં દટાઈ જાય.
20મી સદીનો ઉત્તરાર્ધ લોકશાહી માટે સુવર્ણકાળ હતો. 1945માં દુનિયામાં માત્ર 12 લોકશાહીઓ હતી. સદી પુરી થઈ ત્યારે તે સંખ્યા 87* હતી, પણ હવે તેનાં વળતાં પાણી છે. ઉત્તરોતર એકહથ્થુ સત્તાનું વલણ વધતું જાય છે. 21મી સદીના પ્રથમ દાયકામાં લોકશાહીની કૂચ અટકી ગઈ છે અથવા પીછેહઠ શરૂ થઈ છે. ઘણાં ઉદાહરણો છે જયાં લોકશાહીઓનું પતન થયું છે અને જે હયાત છે તેના પાયા હચમચી રહ્યા છે. જનકલ્યાણના નામે શાસકોમાં અબાધિત સત્તાઓ હાથમાં લેવાનું વલણ વધતું જાય છે. અફઘાનિસ્તાનમાં લોકશાહીનું 20 વર્ષમાં જ બાળમરણ થયું છે. અફઘાનિસ્તાન એક લેશન છે કે શા લોકશાહીને સાચવવી જોઈએ, તેને મજબૂત અને કાર્યક્ષમ બનાવવી જોઈએ. નહીં તો, 2045 સુધીમાં દુનિયામાં તેની સંખ્યા 12થી નીચે આવી જશે. તાલિબાનો જુદા-જુદા રંગ, રૂપ અને કદમાં દરેક રાષ્ટ્રોમાં છે.
* લોકશાહીઓની વ્યાખ્યા બધે એકસરખી નથી. ક્યાંક મિક્સડ લોકશાહીઓ પણ છે
Comments
Post a Comment