આંબેડકર...

"આજ સાંજે આ હોટલમાં તારો પગ હોવો જોઈએ નહીં, નહિ તો તારા ટાંટિયા ભાંગી નાખીશું અને લબાચા ફેંકી દઈશું."
 હા, આજથી બરાબર 100 વર્ષ પહેલાં આજના દિવસે વિશ્વવંદનીય મહામાનવ બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરને આ શબ્દો સાંભળવા પડેલા...!
 વાત તો આખી એમ છે કે પાંચ વર્ષ અભ્યાસાર્થે વિદેશ રહી આવેલા ભીમરાવે વડોદરા સરકારની શિષ્યવૃત્તિની શરતોના પાલન માટે નોકરીનો નિર્ણય કરી વડોદરા સરકારને પોતાની નોકરીની અને રહેવા માટેની વ્યવસ્થા માટે અરજી કરી. કારણકે તેમને અગાઉનો વડોદરાનો વસમો અનુભવ હતો. જવાબમાં 'તાકીદે વડોદરા આવી જાઓ.' એટલું જ લખેલ પત્ર મળ્યો. નિવાસ કે નોકરી બાબતે કોઈ ચોખવટ ન હતી.
 સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં પોતાના મોટાભાઈ બાળારાવ સાથે તેઓ વદોડરા આવી ગયા. આંબેડકરને સ્ટેશન ઉપર મળી તેમની સર્વ વ્યવસ્થા કરવી એવી આજ્ઞા મહારાજશ્રી સયાજીરાવે કરી હતી. પરંતુ એક અસ્પૃશ્યના સ્વાગત માટે કોણ જાય ? આથી તેમના રહેવા-જમવાની વ્યવસ્થા આંબેડકરે જાતે જ કરવાની હતી ! ઘણા પ્રયત્નો કરવા છતાં વડોદરામાં તેમને રહેવા મકાન ન મળ્યું.તેઓ ભલે ઈંગ્લેન્ડ કે અમેરિકા ઉચ્ચ અભ્યાસ કરી આવેલા ઉચ્ચ અધિકારી હતા, પરંતુ ભારતમાં તો તેઓ એક 'અસ્પૃશ્ય' જ હતા.  એક મહાર યુવક વડોદરા સચિવાલયમાં નોકરી કરવા આવવાનો છે એ સમાચાર વડોદરા શહેરમાં અગાઉથી જ પ્રસરી ચુક્યા હતા. કોઈ હિન્દુ વીસીમાં કે વસ્તીગૃહમાં આંબેડકરને સ્થાન ન મળ્યું. કોઈ હિન્દૂ, મુસ્લિમ કે પારસી તેમને મકાન આપવા તૈયાર ન હતા. અંતે એક પારસી ગૃહસ્થ જહાંગીરજી ધનજીની વીસીમાં ડૉ.આંબેડકર એદલજી સોરાબજી એવું બનાવટી નામ રાખી રહ્યા.
   આ વીસીની વિગત આપતા ડૉ. આંબેડકર નોંધે છે કે, " વડોદરા સ્ટેશને ઉતરતા અમારી સમક્ષ સૌથી મોટો પ્રશ્ન ઉતારાનો હતો. ક્યાં જવું ? શું કરવું ? અમે વિચાર્યું કે પારસી લોકોના ધર્મમાં કોઈ આભડછેટ નથી. કોઈક પારસી લોજમાં જઈએ તો ઠીક. પારસી લોજનું સરનામું  મેળવી અમે ત્યાં પહોંચ્યા. બે માળની લોજના માલિકે અમને ઉપર બિલાવી એક રૂમ આપ્યો. સમાન મૂકી કપડાં ઉતારી હું ઊભો હતો ત્યાં પારસી મલિક આવ્યા અને મારા શરીર પર 'સદરો કે કંદોરો' ન જોતાં તેમને લાગ્યું કે હું પારસી નથી. તેમને કડક અવાજે પૂછ્યું, "તું કોણ છે ? આ લોજ પારસી લોકો માટે જ પારસી મલિક દ્વારા ચલાવવામાં આવે છે." મારી મૂંઝવણનો પાર ન હતો. ગાત્રો ગળવા માંડ્યા. હવે ક્યાં જઇશું ?  હિંમત એકઠી કરીને મેં કહ્યું કે, "મારે  થોડા દિવસ જ રહેવું છે. બીજે વ્યવસ્થા થતાં જ હું અહીંથી નીકળી જઈશ. હું જમવાની વ્યવસ્થા બીજે કરી લઈશ. માત્ર મને રહેવાની વ્યવસ્થા કરી આપો. "  આ વીસીમાં બહુ મુસાફરો ન આવતા હોઈ વીસીના માલિકે બે પૈસા કમાવાની ગણતરીએ હા પાડી... અને  રોજના દોઢ રૂપિયાના ભાડે પારસી નામ સાથે હું વીસીમાં રહેવા લાગ્યો."
   એક પલંગવાળી પ્રથમ માળની ઓરડીમાં ભંગાર સમાન અને વંદા, મચ્છર,ઉંદરના ત્રાસ વચ્ચે ડૉ. આંબેડકર ત્યાં રહ્યા.
    અમેરિકા અભ્યાસની તેમની અર્થશાસ્ત્ર વિષયની પદવીઓ જોતાં મહારાજાએ નાણાંસચિવ તરીકે સેવાઓ લેવાનું વિચાર્યું હતું. પરંતુ તે પહેલાં જુદાજુદા ખાતાઓનો અનુભવ અનિવાર્ય લાગતાં, સવાસો રૂપિયાના પગાર સાથે સૈનિક-સચિવની જગ્યાએ તેમની નિમણૂક કરવામાં આવી.
 આ સમય દરમ્યાન સચિવાલયમાં તેમની સાથે ' ક્લાર્ક ફાઈલ દૂરથી ફેંકતા અને પટાવાળા જાજમ વીંટાળી લેતા' જેવા ભેદભાવ અને અપમાનજનક બનાવો બન્યા જે ખૂબ જાણીતી વાતો છે.
  વડોદરામાં બાબાસાહેબનો અગિયારમો દિવસ હતો. બાબાસાહેબ નોંધે છે કે, " જમી, કપડાં પહેરી, પુસ્તકો લઈ હું ઓફિસે જવાની તૈયારી કરતો હતો ત્યાં ઘણાબધા લોકોના આગમનનો ઘોંઘાટ થયો. મારા મનમાં કે કોઈક મુસાફરો આવ્યા હશે. તો ઊંચા,તગડા, હાથમાં લાઠી લઈ ગુસ્સે ભરાયેલા દશ-બાર પારસી મારા રૂમ પાસે પહોંચી ગયા. તેમાંના એકે પૂછ્યું, 'તું કોણ છે?' તારી બધી જ ચાલાકી અમે જાણી ગયા છીએ. પરસીનું બનાવટી નામ ધારણ કરવાની તારી આ હિંમત ? બદમાશ ! તે પારસી લોકોની વીસી અભડાવી દીધી. એકપછીએક વારા ફરતી બધા મનફાવે તેમ બોલતા હતા અને હું અસહાય અને નિરુત્તર રહી સાંભળતો હતો. મારો જીવ પણ જોખમમાં હતો. ત્યાં બીજાએ કહ્યું. 'બોલ, તારા લબાચા લઈ ક્યારે નિકળીશ ?...જો આજ સાંજ સુધીમાં આ હોટલમાં તારો પગ હોવો જોઈએ નહીં. નહીતર તારા ટાંટિયા ભાંગી નાખીશું અને લબાચા ફેંકી દઈશું? "
 એક જાહેર સભામાં આંખમાં આંસુ સાથે આ કરુણ પ્રસંગ વર્ણવતા બાબાસાહેબ કહેલું કે, "પારસી લોકોના ગયા પછી હું વિચારમાં પડ્યો કે આ મુસીબતમાંથી કેવી રીતે માર્ગ કાઢવો ? આખો દિવસ હું મકાન માટે ભટક્યો. મને ક્યાંય મકાન ન મળ્યું. કેટલાક હિન્દૂ, મુસ્લિમ,ખ્રિસ્તી પરિચિત મિત્રોએ જુદાંજુદાં બહાના કાઢી મને રવાના કરી દીધો. મહારાજા મૌસુર જવાના મુડમાં હતા અને દીવાન આગળ રજુઆત કરવાનો કોઈ અર્થ ન હતો. વળી પ્લેગને કારણે વડોદરામાં ગમે ત્યાં વસવું પણ જોખમકારક હતું. મારે માટે ઉપર આભ અને નીચે ધરતી હતા. મારી મતિ મૂંઝાઈ ગઈ. મને કશુંય સૂઝતું નહોતું કે મારે શું કરવું ? મારુ હૃદય ભરાય આવ્યું. એક વૃક્ષ નીચે બેસી ચોધાર આસુંએ હું રડી પડ્યો.. "
  મિત્રો, આ વૃક્ષ સયાજીબાગની અંદર આવેલું, જે વવાજોડામાં પડી ગયું. ક્યાંય રહેવાની વ્યવસ્થા ન થતાં બાબાસાહેબ મુંબઈ જવા રેલવે સ્ટેશને ગયા. પરંતુ ટ્રેન ચાર કલાક મોડી હતી. જેથી બાબાસાહેબ સયાજીબાગમાં છેક છેવાડે એકાંતમાં આવેલા આ વૃક્ષની નીચે બેઠા અને ચોધાર આંસુએ રડ્યા. ગહન ચિંતન અને મનન કર્યું. દ્રવિત થાય. તેમના મનમાં માનવીય સમાનતા માટે ચિનગારી ઉઠી અને તેમણે આ વૃક્ષની નીચે જ સંકલ્પ લીધો કે, "જે સમાજમાં હું જન્મ્યો છું તે (દલિત) સમાજ ઉપરના અમાનવીય,અન્યાયી, ઘૃણાજનક, ગુલામીયુક્ત અત્યાચારો દૂર કરીને જ જંપીશ અને તે અત્યાચારો દૂર કરવામાં હું નિષ્ફળ નિવડીશ તો બંદૂકની ગોળી વડે મારા દેહનો અંત આણીશ."

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...