મિશન વિધ્યાની વાર્તા...

*મિશન વિદ્યાની વાર્તા “હરજી હેલીકોપ્ટર”*
એ આવ્યો હતો તો આઠમા ધોરણમાં પણ વાંચતા લખતા કે ગણતા હજુ બરાબર આવડતું નહોતું. અઠવાડિયામાં બે વાર નિશાળે આવે. બસ બગીચામાં થોડા આંટા મારે. કોઈ સાહેબ નવી બાઈક કે કાર લાવ્યા હોઈ તો એની રજેરજની વિગત જાણી લે. કાર ની નીચે ઘૂસીને પણ સીસ્ટમ એની એ જ છે કે કાઈ બદલાણી છે એ જાણી લે..!! એને યંત્રોમાં બહુ જ રસ પડે.. નાનપણથી એને એના પાપા આવા રમકડા લાવી દેતા અને એટલે જ કદાચ યંત્રોએ એના મનનો કબજો લઇ લીધો હશે!!

નામ એનું હરજી પણ બધા એને હરજી હેલિકોપ્ટર જ કહે!! આખું ગામ એને હેલીકોપ્ટર ના નામથી ઓળખે!! આ નામ કેમ પડ્યું એની પાછળની એક રસપ્રદ કહાની છે.

હરજીના બાપા રવજીને એક રિક્ષા અને એક આઈશર હતું. હરજી જ્યારે આઠ વરસનો હતો ત્યારે એના બાપા ભેગો જીલ્લામાં ગયેલો. જીલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનો કાર્યક્રમ!! ગામે ગામથી માણસોને જીલ્લા સુધી લાવવા માટે વાહનોની વ્યવસ્થા કરેલ એમાં રવજીને એના ગામમાંથી માણસોને લઇ જવાની જવાબદારી સોંપાયેલ.. રવજી લગભગ જ્યાં જાય ત્યાં હરજીને સાથે લેતો જાય.. આ ગરીબ કલ્યાણ મેળામાં પણ હરજી સાથે જ હતો…

જીલ્લાની બરાબર બારોબાર એક મોટા જાદુગરના તંબુ જેવો મોટો તંબુ ગોઠવાયો હતો. ગામેગામથી બસ,  ટ્રેકટર, છકડા રિક્ષા, આઈશરમાં ગરીબો આવી રહ્યા હતા. ગુજરાતમાં મોટે ભાગે ત્રણ પ્રકારના ગરીબો જોવા મળે છે!! એક કાયમી ગરીબ.. તમે એને ગમે તેટલું આપો એ ગરીબ જ રહે..!!

કોઈ પણ સહાય , ગમે તેટલી સહાય ગમે ત્યાં મળતી હોય આ લોકો દોડીને પહોંચી જાય!! નંબર બે મોસમી ગરીબ!! સીઝન પ્રમાણે વિઝન બદલાતા આવા ગરીબો એમની જરૂરિયાત મુજબ ગમે ત્યારે ગરીબ બની જાય છે.. આવા ગરીબો પોતાની કારમાં આવા મેળામાં આવતા હોય છે.. અને ત્રણ ભૂતિયા ગરીબ.. બીજા ગરીબો ના આવી શકે એમ હોય ત્યારે એમના નામે ચરી ખાનારા સેવાભાવી ગરીબ એટલે ભૂતિયા ગરીબ!! હરજી એના બાપાની આંગળી પકડીને આ બધો માહોલ જોઈ રહ્યો હતો. ચારે બાજુ ગરીબો ઉભરાઈ રહ્યા હતા. નવા નવા કપડાં પહેરીને અતરથી મઘમઘતા લાચાર ગરીબો પોતાનું કલ્યાણ થઇ જાય એની રાહ જોઈ રહ્યા હતા. વિશાલ ડોમમાં છેલ્લે એક ખુરશીમાં રવજી ગોઠવાઈ ગયો.

નેતાઓના ભાષણ ચાલુ હતા.એવામાં જાહેરાત થઇ કે મંત્રીશ્રી હેલિકોપ્ટર લઈને પધારી રહ્યા છે. થોડી વાર રહીને રવજીને ખબર પડીકે પોતે ભાષણ સાંભળવામાં રહ્યો ત્યાં પોતાનો છોકરો હરજી પોતાની પાસે નથી.આડા અવળું જોયું , હરજી ના દેખાયો.કદાચ પાણી પીવા કે છાસ પીવા ગયો હોય એમ માન્યું પણ હરજી ના દેખાયો.  ડોમની ચારેય બાજુ આંટા મારી જોયા રવજી એ મલક આખાના છોકરા હતા બસ પોતાનો એક માત્ર છોકરો હરજી ના દેખાયો. પોલીસ ને વાત કરી. પોલીસ પણ કામે લાગી ગઈ . જેટલા વાહનો હતા ત્યાં બધે તપાસ થઇ. માઈકમાં જાહેરાત થઇ. બહુ પ્રયત્ન કર્યા પણ પરિણામ ના આવ્યું . ગરીબ કલ્યાણ મેળો પૂરો થયો. રવજી રોવા જેવો થઇ ગયો. ગરીબ કલ્યાણ મેળા માં બધા લઈને જતા હતા અને પોતે લેવાનું તો દૂર છોકરો ગુમાવી રહ્યો હતો એવામાં એક પોલીસ વાળો હરજીને પકડીને લાવ્યો અને શ્વાસભેર બોલ્યો.

“મંત્રીશ્રીનું  હેલીકોપ્ટર હતું ને ત્યાં ઉભો હતો..આને હેલીકોપ્ટરમાં રસ લાગે છે અને આપણને ધંધે વળગાડ્યા”!!

છોકરાને જોઇને રવજીનું બધું દુઃખ ગાયબ થઇ ગયું. અંધારી રાત પછી જેમ અવનિ પર તેજ કિરણો રેલાય એમ એના ચહેરા પર ખુશીના કિરણો રેલાઈ ગયા..!! રવજીએ હરજીને બાથમાં લીધો.

“બેટા હેલિકોપ્ટર જોવું હોય તો કઈને જવાય ને.. ચાલ તને એક હેલીકોપ્ટર લઇ દઉં” કહીને રવજીએ હરજીને રમકડાનું હેલિકોપ્ટર લઇ દીધેલું અને ત્યારથી એનું નામ ગામમાં હરજી હેલીકોપ્ટર પડી ગયેલું..!!

શાળાનો તમામ સ્ટાફ પણ એને હેલીકોપ્ટર જ કહેતો. હરજી આમ તો ઉંચો કાંઠાળો અને હાડેતું હતો. ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરી આ બે દિવસે નિશાળમાં હરજીની ખાસ જરૂર પડતી. કારણ હતું ધ્વજવંદન વિધિ!! ધ્વજવંદન વખતે હરજી એક જ ધ્વજના સ્થંભ પર ચડી જતો. વાંદરો ચડે એમ જ હરજી ફટાફટ ચડી જતો. ગામની પાણી ની ટાંકીથી નિશાળમાં આવતી પાણી ની પાઈપલાઈનમાં ભંગાણ પડતું ઈ વખતની ઈમરજન્સીમાં પણ હરજી ને તત્કાળ હાજર કરવામાં આવતો. હરજી એકલો ત્રિકમ વડે ચર ખોદી નાંખતો.. શાળાના કોઈ પણ રૂમમાં પંખો બળી ગયો હોય કે પંખો બદલાવવો હોય કે કેપેસીટર નવું નાંખવું હોય હરજીની સેવાનો લાભ શાળા જરૂરથી લેતી. ભણતર તો હરજીને ખાસ ચડ્યું નહોતું.એ માંડ માંડ મૂળાક્ષર વાંચી શકતો અને જેવું વાંચતો જ એવું જ લખતો. આમને આમ એ આઠમાં ધોરણ સુધી પહોંચી ગયો હતો!!

ગામમાં કોઈ નવી મોટર આવે એટલે પાદરમાંથી જ હરજી હેલીકોપ્ટર એની પાછળ દોડે.. જેના ઘર પાસે મોટર ઉભી રહે ત્યાં હરજી રોકાઈ જાય!! મોટર ની નખશિખ અવલોકન કરે.. સાયલેન્સર ને અડકી જુએ. મોટર આખી એના મગજમાં ઉતારી નાંખે!! ગામમાં જો કોઈ જેસીબી ક્યાય પણ આવ્યું હોય હરજી હેલીકોપ્ટર એની આસપાસ જ હોય!! આખો દિવસ એ જેસીબી પાસે જ હોય!!ક્યારેક એના બાપા આઈશર લઈને ક્યાય ભાડે ગયા હોય ને રિક્ષા ખાલી પડી હોય ઘરે તો હરજી ગામની શેરીમાં રિક્ષા લઈને નીકળી પડે!! વાડીમાં કે ખેતરમાં ક્યાય પણ રીંગ બોર વાળા આવ્યા હોય તો હરજી એક સિમેન્ટની ખાલી કોથળી લઈને શારડાવાળાની સાથે બેસી જાય!! જ્યાં સુધી પાણી ના નીકળે ત્યાં સુધી હરજી ઘરે ના આવે!! એક નો એક છોકરો એટલે રવજી એને કશું કહેતો નહિ. ક્યારેક એને ભણાવતા સાહેબ રવજી આગળ ફરિયાદ કરે કે હરજી અભ્યાસમાં ધ્યાન નથી આપતો કે વાંચતા નથી શીખતો ત્યારે હરવજી  એક જ જવાબ આપતો.

“ મનેય ખબર છે એ અભ્યાસમાં નબળો છે પણ એના મગજમાં જ લોઢું ભરાઈ ગયું છે.નો આવડે તો કાઈ નહિ માસ્તર બાકી એનામાં ખોટા વનાન નથી આવ્યા ને એજ મોટું ભણતર.. એને અત્યારથી જ રિક્ષા આવડી ગઈ છે. જેવો તેવો ટેમ્પો પણ ચલાવી લે છે.. મોટો થઈને લોઢામાંથી રળી ખાશે.તમ તમારે મોજ કરો. તાલુકામાંથી કોઈ તમારા સાહેબ આવે અને કહે કે આને કેમ વાંચતા નથી આવડતું તો મારું નામ દઈ દેજો માસ્તર અથવા હું હાજર હોવને તો બોલાવી લેજો.હું સાબને કહી દઈશ કે એમાં સાબનો કોઈ વાંક નથી અને તેમ છતાયે કોઈ આડા અવળીનો થાય અને તમારી નોકરી પર પાટુ મારતો હોય તો ય મને કહી દેજો એક ઝટકી મારીશને તે સીધો દોર થઇ જશે ત્યારે હાલો માસ્તર સાહેબ જય સીયારામ!!” કહીને રવજી રિક્ષાને રાંઢવાથી શરુ કરીને જતો રહેતો!!”

“મિશન વિદ્યા” આવ્યું અને પ્રિય બાળકોની યાદી તૈયાર થઇ!! હરજી હેલીકોપ્ટર નું નામ એમાં સહુથી પહેલા લખાયું. શાળામાં આમ તો શિક્ષકો ભણાવતા જ હતા પણ તો ય અમુક બાળકો ના મગજમાં અમુક રકમ કે અમુક બાબતો બેસતી જ નહોતી.શિક્ષકો શીખવાડી શીખવાડીને થાકી જાય પણ હરામ બરાબર એક તસુભાર પણ ઉગાવો ના લે.. અમુક શિક્ષણના સાહેબો સો ટકા સિદ્ધિની પાછળ પડી ગયા હતા એ શિક્ષકોને અવારનવાર કહેતા કે તમે ગમે તે ઉપાય કરો પણ બધા જ બાળકોને વાંચન લેખન અને ગણન આવડવું જ જોઈએ. ના શું કામ આવડે?? તમને પગાર તો એનો જ આપવામાં આવે છે ને?? હવે આવા સિદ્ધ પુરુષોને કોણ સમજાવે કે તમે ગમે તેટલું ખાતર નાંખો પણ ખારાપાટમાં સફરજન નો ઉગે ઈ નો જ ઉગે!!!

સરકારના આદેશ મુજબ શાળાઓ વહેલા ખુલવા લાગી. પ્રિય બાળકોને તનતોડ અને મનતોડ મહેનતથી વાંચન લેખન અને ગણન શરુ થયું. અમુક બાળકોમાં સુધારો દેખાયો. પણ અમુક તો હતા ત્યાને ત્યાં જ રહ્યા. એમાં હરજી હેલીકોપ્ટર નો પણ સમાવેશ થતો હતો. પંદર દિવસે આંકડાઓ અપલોડ થયા. નોધપાત્ર સુધારો હતા તેમ છતાં છ બાળકો હજુ સંતોષ આપે એવી કેટેગરીમાં તો નહોતા જ!! એના પણ કારણો હતા.. અધવચ્ચે થી શાળામાં આવ્યા હતા… ભાગીયાના બાળકો હતા..અનિયમિત હતા.. વસંતમાં ના ખીલી શક્યા એ પાનખરમાંથી ક્યાંથી ખીલે તેમ છતાં શિક્ષકો એ પોતાના પ્રયત્નો તો શરુ જ રાખ્યા હતા.. ઢગલાબંધ ટીએલએમ વપરાયું હતું તેમ છતાં પથ્થર પર પાણી જેવી સ્થિતિ થઇ હતી. એવામાં તાલુકામાંથી સમાચાર આવ્યા કે ટીમ આવવાની છે.. ફલાણી ફલાણી તારીખે ફલાણી ફલાણી શાળામાં અને ફલાણા ફલાણા શિક્ષકો મરણીયા બની ને ભણાવવા માંડ્યા!!

ગુરુવાર હતો. બે દિવસથી હરજી હેલીકોપ્ટર નિશાળે ગયો નહોતો.. પાદર આવેલ પવાલા ના ગલ્લે એ બેઠો હતો. એવા માં એક જુના મોડેલની સરકારી જીપ સાવ ભાખડ ભાઠું થઇ ગયેલ જીપ ગલ્લા પાસેથી નીકળી અને હેલીકોપ્ટર રાબેતા મુજબ એની પાછળ મુઠ્ઠીઓ વાળીને દોડ્યું.જીપ નિશાળમાં આવી અને પાછળ પાછળ હરજી હેલીકોપ્ટર પણ!! જીપમાંથી સાહેબો નિશાળમાં પધાર્યા.પણ હરજી હેલીકોપ્ટર તો વાંકો વળી ને જીપનું નિરિક્ષણ કરતો હતો. એક બે સાહેબને થયું કે આ બે દિવસ નો આવ્યો અને આજે જ ગુડાણો.. આજે તપાસ ટુકડી આવી ને આજે જ આ હરજી આવ્યો. પણ સારું છે કે એ વર્ગમાં ના ગયો.. સાહેબો એ સરભરા સ્વીકારીને વર્ગખંડોમાં ગયા. બાળકોને પૂછ્યું. અનિયમિત બાળકોના વાલી સંપર્ક રજીસ્ટરો જોયા જે હજુ ત્રણ દિવસ પહેલા જ બનાવેલા હતા.પ્રગતી સારી હતી.શિક્ષકોના કામને કારણે બહુ બધો વાંધો તો ના આવ્યો. પણ નબળા બાળકો પ્રત્યે વધારે ધ્યાન રાખવું અને મૌખિક સુચનાનો પુરેપુરો અમલ કરવો એવી રાબેતામુજબની નોંધ પછી તપાસ ટુકડી બીજી શાળામાં જવા તૈયાર થઇ. આચાર્યશ્રી અને બીજા શિક્ષકો સાહેબને વિદાય આપવા સુધી દરવાજા સુધી ગયા જેમ દીકરીને વિદાય આપતા હોય એમ ભાવુક પણ બન્યા!! ત્યાં જીપ પાસે હરજી હેલિકોપ્ટર  પ્રકટ થયો. અત્યાર સુધી જીપની બીજી બાજુ નીચે બેસીને નિરિક્ષણ કરતો હતો એટલે કોઈને દેખાયો નહિ પણ ઉભો થયો એટલે દેખાયો. ડ્રાઈવર ની આગળ જઈને હરજી બોલ્યો.

“ આ જીપ આગળ નહિ હાલે.. અવાજ પરથી મને ખબર પડી કે એક્સેલ ભાંગવાની છે..રોડમાંથી વિચિત્ર અવાજ આવતો હતો..હું પવલાના ગલ્લેથી દોડતો દોડતો આ જીપની પાછળ પાછળ આવ્યો છું. એટલું જ કહેવાનું કે બીજી જીપ મંગાવી લો અથવા આને ધીરે ધીરે હાંકજો” એકી શ્વાસે હરજી બોલ્યો. તપાસ ટુકડી વાળા મોટા સાહેબ એને જોઈ જ રહ્યા, ડ્રાઈવર બોલ્યો.

“ હવે એવો અવાજ વરસો થી આવે છે.. તને શું ખબર પડે એક્સેલમાં કે જોટામાં કે રોડમાં”

“સાહેબ એ થોડો એમ આર છે.. મંદ બુદ્ધિ છે.. આખો દિવસ આવા વાહનો ની આજુબાજુ રખડ્યા કરતો હોય છે એની વાત ના માનશો” એક ઉત્સાહી શિક્ષક બોલ્યાં અને હરજી સામે ગુસ્સામાં ડોળા કાઢ્યા. સાહેબો ગોઠવાયા અને જીપ ઉપડી અને હેલીકોપ્ટર મૂઠીઓ વાળીને જીપની પાછળ!!

ગામને પાદર પવલા ના ગલ્લા પાસે જ્યાં જીપ ગઈ કે તરત જ જીપમાં બેઠેલા તપાસ ટુકડીના મોટા સાહેબ બોલ્યા.

“ડ્રાઈવર જીપ સાવ ધીમી ચલાવજે.. સાવ ધીમી જ .. પેલો છોકરો કદાચ સાચું બોલતો હોય”

ડ્રાઈવરે જીપ ધીમી કરીને કશુક બોલવા જતો હતો ત્યાં જ ખટાક દઈને અવાજ આવ્યો.!! એક્સેલ ખરેખર ભાંગી ગઈ હતી..જીપ ધીમી હતી એટલે વાંધો ના આવ્યો.. નીચે ઉતરીને ડ્રાઈવર માથે હાથ દઈને બેસી ગયો!! ત્યાં સુધીમાં હરજી હેલીકોપ્ટર નિરિક્ષણ કરતું કરતુ આવી ગયું હતું.

“ હું કેતો તો ને કે એક્સેલ નો ગઈ છે..તો જ આવો અવાજ આવે બાકી નો આવે.. પણ રાંકનું કહ્યું ભિખારી તો થઇ રહ્યું ને!!! કાઈ વાંધો નહિ બધું થઇ રહેશે!! આ જીપ ને તો હવે બીજી જીપ વાંહે બાંધીને લઇ જવી પડશે!! હરજી હેલીકોપ્ટર બોલતું હતું. મોટા સાહેબ એની પાસે ગયા માથે હાથ મુક્યો. અને પૂછ્યું.

“કેટલું ભણેલો છો તું???”

“આઠમું ભણું છું..પણ વાંચતા લખતા નથી આવડતું. ક્યારેક જાવ નિહાળે ક્યારેક પાનના ગલ્લે.પણ એમાં સાહેબોનો વાંક નથી.. ભગવાને મગજ જ એવું આપ્યું છે બોલો.. મારા બાપા કહે છે એમ કે મારા મગજમાં લોઢું ભરાઈ ગયું છે એ લોઢું જ રોટલા આપશે,.. આ તમારી જુનવાણી જીપમાં જ એક્સેલ આવે બાકી નવી જીપમાં એક્સેલ ના આવે.. અવાજ પરથી કહી દઉં કે કોઈ પણ ગાડીમાં શું ફોલ્ટ છે મને આમાં રસ છે પણ આવું તો નિહાળ્ય માં નથી શીખવાડતા!! એટલે નિહાળ્ય નથી ગમતી” એટલામાં એક બીજા સાહેબે નિશાળમાં ફોન કર્યો હતો એટલે આચાર્યશ્રી વગર ચંપલે દોડી આવ્યા હતા.!!

“ તને ઘણું બધું આવડે છે હરજી ઘણું બધું, ભલે તને વાંચતા લખતા કે ગણતા ન આવડે પણ બીજું ઘણું બધું જીવનોપયોગી આવડે છે, ચાલ મારી પાસે આવી જા”  કહીને મોટા સાહેબે હરજી હેલીકોપ્ટર સાથે સેલ્ફી લીધી અને હરજીના ખિસ્સામાં ૧૦૦ ની નોટ મૂકી. આચાર્ય આ બધું જોઈ જ રહ્યા હતા. ઘણી બધી વાતો થઇ હરજી હેલિકોપ્ટરના વખાણ પણ થયા પણ હવે તોંતેર મણનો પ્રશ્ન આવ્યો કે હવે તાલુકા સુધી કહી રીતે પહોંચવું?? અને  હરજી બોલ્યો કે તમને ફટકી માં પોગાડી દઉં કહીને એ મુઠ્ઠીઓ વાળીને પોતાના ઘર તરફ દોડ્યો!! બધા એને જતા જોઈ રહ્યા!!

થોડી વારમાં હરજી ઘરેથી રિક્ષા લઇ આવ્યો. રિક્ષાની પાછળ બાંધી જીપ!! જીપમાં એક માત્ર ડ્રાઈવર બેઠા અને સાહેબો??  અને રિક્ષા માં બેઠા સાહેબો !! અને હરજીએ રિક્ષા ચલાવી. કોઈએ એને પૂછ્યું પણ નહીં કે તને રિક્ષા ચલાવતા આવડે છે કે નહિ!! બધાયને તાલુકા સુધી મૂકી આવ્યો!!

નિશાળમાં ભણાવાતું શિક્ષણ કહેવાય પણ કેળવણી તો મોટે ભાગે  નિશાળની બહાર જ મળતી હોય છે!!! મૂલ્યાંકન મોટે ભાગે શિક્ષણનું જ કરવામાં આવે છે. કેળવણીનું મૂલ્યાંકન થાય એવા માપ દંડો હજુ સુધી  શોધાયા નથી!!

            મિશન વિદ્યામાં નબળો હરજી મશીન વિદ્યામાં પાવરફુલ સાબિત થયો

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...