કોરોનાના જુદા જુદા રિપોર્ટ અને ટેસ્ટ અંગે પ્રાથમિક સમજ

  લેખ- 1

1) CT Value 


મિત્રો જે લોકો હમણાં RT-PCR  ટેસ્ટ કરાવે છે, તેમનો રિપોર્ટ પોજીટીવ હોય તો તે રિપોર્ટમાં CT Value લખેલી હોય છે. કોઇની 7 કોઇની 17 કોઇની 28.  ઘણા લોકો આ વેલ્યૂના આધારે ડોકટરો સાથે દલીલમાં પણ ઉતરતા હોય છે. ઘણા લોકો આ વેલ્યૂને 100માંથી મળતા માર્કસ સાથે પણ સરખાવતા હોય છે.  એટલે CT વેલ્યુ ને લઈને ઘણી ગેરમાન્યતાઓ છે. 

CT વેલ્યુ એટલે શું?  સાયકલ થ્રેશોલ્ડ વેલ્યૂ. 

તમારા ગળા કે નાકના જે ભાગમાંથી જે સેમ્પલ લીધું છે, તે સેમ્પલમાં વાયરસનો જથ્થો કેટલો હોય શકે તેનું એક અનુમાન માત્ર છે. 

મિત્રો આ વાયરસ અતિસૂક્ષ્મ એવા RNAનો બનેલો છે, આપણાં મશીનો સીધી એની હાજરી પારખી ના શકે. એટલે RT-PCR ની લાંબી લચક અને જટિલ પ્રક્રિયા કરી તેને DNA માં ફેરવવામાં આવે છે. ( 1993ના વરસનું કેમેસ્ટ્રીનું   નોબલ પ્રાઈઝ PCR એટલે કે પોલીમરેઝ ચેઇન રીએકશનના ફાળે જ ગયું હતું)  જેથી આપણાં મશીન એના જેનેટિક સિકવન્સ વાંચી શકે. 

હવે સેમ્પલમાં ઓછો વાયરસ હોય તો મશીને તેની હાજરી પકડવા વધારે સાયકલ ચલાવવી પડે અને વધુ વાયરસ હોય તો ઓછી સાઇકલમાં એ પકડાઈ જાય.  CT  વેલ્યૂ 26નો મતલબ છે કે 26 સાયકલ ફેરવ્યા પછી વાયરસ હાથે લાગ્યો,  3 નો મતલબ એમ છે કે સાવ ત્રણ જેટલી ઓછી સાયકલ ફેરવીને વાઇરસ એ સેમ્પલમાં પકડાઈ ગયો.


હવે આ રીતે સમજો તમને ઘરે કોઈ કામ છે અને બાજુમાં મેળો ભરાયો છે.  તમને થોડા માણસોની જરૂર છે અને એની શોધમાં તમે મેળા તરફ જાઓ છો. મેળામાં ભીડ હશે તો તમારા કામના માણસો શોધવા બધુ ચાલવું નહીં પડે. ઓછા ડગલામાં તમને તરત માણસ મળી જશે પણ મેળામાં ભીડ નહીં હોય તો કામનો માણસ શોધવા તમારે વધારે ડગલાં ચાલવું પડશે. 


એટલે કે CT  વેલ્યુ વધુ મતલબ મશીનને જે તે સેમ્પલમાં  વાયરસ શોધવા થોડી ઓછી મહેનત કરવી પડી અને વેલ્યૂ ઓછી મતલબ કે સેમ્પલમાં તરત વાયરસ મળી ગયો.  


પણ મિત્રો આ CT વેલ્યૂ જોઈને કોઈ ચિંતા પણ ના કરવી કે હરખાવવું પણ નહીં ! કેમ કે આ જે  તે સેમ્પલની વેલ્યૂ છે.  શક્ય છે એ જ દિવસે સાંજે એ જ વ્યક્તિનું બીજું સેમ્પલ લો તો આ વેલ્યૂ માં ફરક આવે.  ઘણા લોકોને CT વેલ્યૂ વધુ આવી હોય તો પણ સ્થિતિ ગંભીર હોય છે , ઘણાને ઓછી હોય તો પણ વ્યક્તિ સાજો હોય.  આ CT  વેલ્યુ પાછળ સેમ્પલ લેવાની પદ્ધતિ, જે રીતે સેમ્પલ ટ્રાન્સપોર્ટ થયું છે ઉપરાંત ટેસ્ટિંગ કરનારની દક્ષતા વગેરે પણ અસર કરતાં પરિબળો છે. આ શાકમાં મીઠા જેવુ છે. હવે શાકમાં મીઠું ના હોય અને તમે પાછળથી ઉમેર્યું અને હલાવવાનું ભૂલી ગયા, તો મીઠું ભભરાયું હશે ત્યાથી ચાખશો તો શાક ખારું લાગશે અને બીજી તરફથી ટેસ્ટ કરશો તો મોળું લાગશે.  વાયરસની સેમ્પલિંગમાં પણ આવું થઈ શકે. 


એટલે ટૂંકમાં CT Value તરફ જોવાનું માંડી વાળો. RT PCR ટેસ્ટ એ ફક્ત વાયરસની હાજરી શરીરમાં છે કે નહીં એ જ કહી શકે છે. એ શરીરમાં કેટલો ફેલાયો છે એટલે કે વાયરલ લોડ અંગે ચોક્કસ જાણકારી આપતો નથી. બીજું RT pCR માં સેમ્પલિંગ કે ટેક્નિક યોગ્ય ના હોય તો વાયરસની હાજરી હોય તો પણ ટેસ્ટ નેગેટિવ આવી શકે છે. જેને ફોલ્સ નેગેટિવ કહે ક્ગે. એટલે આ ગણિત સમજાય એટલું સરળ નથી. 


Source : https://www.icmr.gov.in/pdf/covid/techdoc/Advisory_on_correlation_of_COVID_severity_with_Ct_values.pdf


2) CT  Sevirity  Score 

આ સ્કોર આપણને ડોકટરે પ્રિસ્ક્રાઈબ કરેલા CT  Scan પરથી મળે. તમે જોયું હશે 25 માંથી આ સ્કોર આપવામાં આવે છે. રેડિયોલોજિસ્ટ ફેફસાની ઇમેજ જોઈને આ સ્કોર આપે છે.  આ સ્કોર નક્કી કઈ રીતે થાય છે? 


આપણી પાસે બે ફેફસાં છે. તેમાં જમણા ફેફસાંમાં ત્રણ અને ડાબા ફેફસામાં બે લોબ છે. સાદી ભાષામાં કહું તો ફેફસાંને કબાટ ગણીએ તો જમણા ફેફસાંમાં ત્રણ ખાના છે અને ડાબામાં બે ! કુલ થયા પાંચ ખાના ! આ પાંચ ખાનાઓના પાંચ માર્ક છે  અને કુલ માર્કસ પચીસ થાય! હવે એ જોવે છે કે કયા ખાનામાં વાયરસની કેટલી અસર છે.  જો ખાનામાં 5 ટકા કરતા ઓછી અસર હશે તો એને 1 માર્ક આપશે અને 75 ટકાથી વધારે અસર હશે તો એને 5 માર્કસ મળશે.  આવો સ્કોર દરેક ખાનાનો મપાય છે અને એના આધારે 25માંથી  કુલ સ્કોર આવે છે.  જો સરવાળો આઠથી નીચે હોય તો હળવી અસર , આઠ થી પંદરની વચ્ચે હોય તો મધ્યમ અને 15થી વધુ હોય તો થોડી અસર વધુ કહેવાય. 


 રિપોર્ટમાં વાયરલ ન્યુમોનિયાની અસર છે એવું લખાઈને આવે ( કારણ કે કોરોના વાઇરસની હાજરી સીટી સ્કેનમાં ખબર ના પડે પણ સ્કેનમાં ચોક્કસ ક્લાસિક ફીચર જોઈને કોરોનાની સંભાવના વ્યકત કરવામાં આવે છે). સામાન્ય રીતે ચેપ લાગ્યાના થોડા દિવસ પછી આ સ્કેન કરવામાં આવે છે અને ફેફસાંની સ્થિતિનો સુધારો જોવા લગભગ 3 અઠવાડિયા પછી સ્કેન જોવામાં આવે છે.  જો કે આ સ્કોર એકલો કોઈ ટ્રીટમેન્ટ  માટે કાફી નથી, અન્ય ક્લિનિકલ અને પેથોલોજિકલ પેરામીટર્સ પણ સાથે જોવા પડે અને પેશન્ટને એડમિટ કરવો કે હોમ આઇસોલેશનમાં રાખવો કે દવા કેવી  રોતે આપવી એ માત્ર કેસ હેન્ડલ કરતાં ડોકટર જ કહી શકે.  આ સ્કોરથી પેશન્ટે ગભરાવાની જરૂર નથી. આ સ્કોર ડોકટર  ને ગાઈડ કરવા માટે હોય છે. 

Source: https://www.medrxiv.org/content/10.1101/2020.10.15.20213058v1.full


હવે આપણે કોવિડની પેથોલોજિકલ સ્થિતિ જાણવા માટે કરવામાં આવતા ટેસ્ટ કે બાયોમાર્કર્સ વિશે વાત કરીશું 


3) CRP 

CRP એટલે સી રીએક્ટિવ પ્રોટીન. શરીરમાં કોઈ ચેપ લાગે એટલે શરૂઆતના તબક્કામાં CRP વધે.  CRP  પહેલા 6 થી 8 કલાકમાં વધે અને 48 કલાકની અંદર 300 – 350 mg/l  જેટલું પ્રમાણ શરીરમાં થઈ શકે છે. (ઉત્સવ) કોરોનાના આક્રમણને ખાળવા જ્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘાંઘી થઈ જાય અને ફેફસાં અને અન્ય સાજા કોષને નુકશાન પહોચડવાની શરૂઆત કરે ત્યારે CRP  લેવલ વધવા લાગે. CRP એ ઇન્ફ્લેમેશન માર્કર છે.


Source: https://www.ifcc.org/media/478649/14374331-clinical-chemistry-and-laboratory-medicine-cclm-ifcc-interim-guidelines-on-biochemical_hematological-monitoring-of-covid-19-patients.pdf


4)  D-Dimer

ઘણા લોકોને ડોકટર D-Dimer ટેસ્ટ કરવાની સલાહ આપે છે.  પહેલા સમજીએ D-Dimer શું છે?  તમે જોયું હશે કે આપણને ક્યારેય વાગે તો થોડી જ ક્ષણોમાં લોહી જામવાનું શરૂ થઈ જાય. બ્લડ ક્લોટિંગ કહેવાય એને જેથી શરીરમાંથી વધુ લોહી વહેતું અટકી જાય છે. થોડા સમયમાં એ જામેલો લોહીનો ગઠ્ઠો પણ વિસર્જિત થવા લાગે છે. આ સમયે જ D-Dimer લોહીમાં રીલીઝ થાય છે.  અતિ ઉત્સાહી રોગ પ્રતિકારક શક્તિના પ્રતાપે શરીરની અંદર ક્યારેક લોહીના ગઠ્ઠા બનવાની અને તૂટવાની શરૂઆત થાય છે. D-Dimer થી આપણને આ પ્રક્રિયા થઈ રહી છે તેની જાણ થાય છે અને ડોકટર ત્યાર બાદ લોહી પાતળું કરવા માટે ટ્રીટમેન્ટ આપે છે.  

 

Source:  https://www.ifcc.org/media/478649/14374331-clinical-chemistry-and-laboratory-medicine-cclm-ifcc-interim-guidelines-on-biochemical_hematological-monitoring-of-covid-19-patients.pdf

 


5) Ferritin  


નામ પરથી જ ખબર પડે છે કે ફેરિટીન એક પ્રોટીન છે જે શરીરમાં લોહતત્ત્વ કે આયર્નને જાળવે છે.  આપણે જે ખોરાક લઈએ તેમાંનું થોડું આયર્ન લાલ રક્ત કણો કે RBC બનાવવામાં વપરાય છે અને બાકીનું  Ferritin સ્વરૂપે લીવર, મસલ્સ અને સ્પ્લીનમાં સચવાય છે.  શરીરની ઇમ્યુનિટી ઓવર એક્ટિવ થવાથી શરીરના સાજા કોષને નુકશાન થવાનું શરૂ થાય છે. આ કોષમાં નુકસાન થવાને લીધે અંદર સચવાયેલું ફેરિટીન  રીલીઝ થાય છે અને તેનું વધતું લેવલ પણ વાયરસના લીધે શરીરમાં કેટલો ઉત્પાત મચે છે એના વિશે જાણકારી આપી શકે છે.

COURTESY  ------>

Source : https://www.ifcc.org/media/478649/14374331-clinical-chemistry-and-laboratory-medicine-cclm-ifcc-interim-guidelines-on-biochemical_hematological-monitoring-of-covid-19-patients.pdf

 

ICMR Clinical Mangement Guidelines : 


https://www.mohfw.gov.in/pdf/ClinicalManagementProtocolforCOVID19dated27062020.pdf


Diclaimer :  ઉપરોક્ત માહિતી સ્ત્રોત, વિજ્ઞાન અને અનુભવના આધારે   જનહિતમાં લખવામાં આવી છે. લખાણનો હેતુ અઘરા નામોને લઈને દર્દીઓમાં થતો મુંઝારો વિજ્ઞાનથી દૂર કરવાનો છે.  આ જાણકારીના આધારે કોઈ જાતનો મેડિકલ ઓપીનિયન  જાતે બાંધવો નહી કે આપવો નહીં. ટ્રીટમેન્ટ કરનાર ડોકટર વર્ષોના અનુભવ અને અન્ય ક્લિનિકલ કન્ડિશનના આધારે તેમજ સરકારની ગાઈડલાઇન્સ મુજબ જ નિર્ણય લેતા હોય છે.


STAY HEALTHY 🙏


લેખ-2

બે હાથ જોડીને, માથું નમાવીને વિનંતી છે.. સમયસર ટેસ્ટ કરાવો. "સાદી ખાંસી છે".. "આ તો સિઝન બદલાઈ છે ને એટલે"... "બહુ કામ કર્યું છે એટલે શરીર તૂટે છે".. "આ તો સિઝનલ તાવ છે".. મને તો એલર્જી છે એટલે શરદી થાય જ છે.." એવા બહાના કાઢીને જાતને છેતરશો નહીં. 


સક્ષમ હો તો પ્રાઈવેટમાં કરાવો જેથી સરકારી તંત્ર પર વધુ પડતો બોજ ન પડે.. પ્રાઈવેટની નૈતિકતા પર શંકા હોય કે અસક્ષમ હો તો સરકારીમાં કરાવો.. જે કરાવવું હોય તે કરાવો. પણ લક્ષણ દેખાય તો ટેસ્ટ કરાવો. મોડું ના કરશો. 


લક્ષણો દેખાય તો બેદરકાર બનીને ઘરમાં ફરફર ના કરશો. પાણીના માટલે જઈને ચોંટશો નહીં. એક જ ડાઇનિંગ પર બેસીને જમશો નહીં. આઈસોલેટ કરો. માસ્ક પહેરો. "ઘરમાં પણ" માસ્ક પહેરો. હવા ઉજાસવાળા રુમમાં આઈસોલેટ થાઓ. બારીઓ બંધ કરીને અંધારિયા રૂમમાં પડ્યા રહેશો નહીં. 


બીજી વાત.. ટેસ્ટ કરાવવા માટે સૌથી વધારે આનાકાની વડીલો કરે છે. પપ્પા ચોથે-પાંચમે દિવસે તૈયાર થયા ટેસ્ટ માટે.. ત્યાં સુધી અમને ઘરના બધાંને લક્ષણો આવી ગયા હતા..ઈનફેક્ટ એટલે જ એ ટેસ્ટ માટે તૈયાર થયા..


ઈમ્યુનિટી ગમે તેટલી સ્ટ્રૉંગ હોય.. ટેસ્ટ કરાવો..આપણને કંઈ ના થાય એ ખોટી ડંફાસ છે. પપ્પાએ આજ સુધી એક પણ બાટલો ચડાવ્યો નથી..એમની ઈમ્યુનિટી સ્ટ્રૉંગ જ છે... તો પણ કોરોના થયો.. માટે ટેસ્ટ કરાવો..માસ્ક પહેરો અને સારી ક્વોલિટીનું પહેરો.. 


"ગમે તેટલું સાચવો તોય કોરોના થાય જ છે" એ 1000% ખોટી વાત છે... ઘરમાં કોઈ બેદરકારી દાખવે તો જ કોરોના થાય.. કેરિયર કોણ છે એ ક્યારેય ખબર નહીં પડે.. કોનાથી ઘરમાં ફેલાયું એ ચર્ચાનો વિષય છે જ નહીં..એ તમારૂં ઘર છે.. પોલિટિકલ અખાડો નહીં.. કોઈને બ્લેમ કરવાનો કોઈ અર્થ નથી.. 


સૌથી નબળી ઈમ્યુનિટીવાળાને સૌથી છેલ્લે થઈ શકે.. સૌથી સ્ટ્રૉંગ ઈમ્યુનિટીવાળાને સૌથી પહેલાં થઈ શકે.. શક્યતાઓ બધી જ હોઈ શકે.. કોઈ અછૂત નથી.. આ રોગ છે.. માન્યતા નથી.. ટેસ્ટ એ જ એકમાત્ર ઉપાય છે.. 


જળનેતિ કરી શકો તો બેસ્ટ.. નાસ લો તો ઉત્તમ એ પ્રિવેન્શનમાં હેલ્પ કરી શકે (Possibility, not a fact).. પરંતુ શરીરને સ્વચ્છ તો રાખે જ છે.. Airways ક્લિન હશે તો રોગ સમયે પણ રાહત રહેશે...શ્વાસ લેવામાં સરળતા રહેશે.. તકલીફો ઓછી હશે તો મનોબળ પણ મજબૂત રહેશે..


ખાસ વાત.. તમારા ઓળખીતાંને કોરોના થાય તો કયા ઉકાળા લેવા, શું દવાઓ લેવી એ દોઢા થઈને સલાહ આપશો નહીં.. ડોક્ટરની સલાહ લેવા દો..ડોક્ટરની સલાહ જ લો.. He is the best person to guide you.. ઘણા સંબંધીઓને પૂછશો એટલા વધારે કન્ફ્યૂઝ થશો.. "ડોક્ટર કહે એ કરો" 


સંબંધીઓને હાથ જોડીને વિનંતી.. તમે હિતેચ્છુ છો... તમને ચિંતા થાય છે અમારી.. તમારો આભાર.."કંઈ કામ હોય તો કહેજો" બોલવા 50 ફોન કરશો નહીં.. એકજણ સમાચાર લઈને બધાને આપી દો.. કામ હોય તો દર્દીને ખબર જ હોય છે કોને ફોન કરવો.. (Please don't take it otherwise) 


દિવસના પંદર લવિંગ ખાવાવાળાને પણ થયો છે.. ઉકાળા પીવાવાળાને પણ થયો છે.. કપૂરી પાન ખાનારને પણ થયો છે...જાતે વૈધ બનશો નહીં... આયુર્વેદિક કરવું હોય તો પણ નિષ્ણાંત વૈધના માર્ગદર્શન હેઠળ કરો.. જાતે મચી પડશો નહીં.. ઘેર ઘેર બની બેઠેલા ચરક મુનિઓથી બચો.. ડોક્ટરની સલાહ લો 


Disclaimer : આ જે પણ કંઈ શેર કર્યું એમાં કોઈ વાતને મેડિકલ એડવાઈસ માનશો નહીં.. એના માટે ડોક્ટરની જ સલાહ લો. મારા જાત અનુભવો હોઈ શકે છે. આપ સૌની શુભેચ્છાઓથી અમે બધા સ્ટેબલ છીએ.. આપનો આભાર. ડરશો નહીં. માસ્ક પહેરો અને ટેસ્ટ કરાવો. વૈજ્ઞાનિક અભિગમ દાખવો. 

Stay Healthy stay safe

લેખ - 3

કોરોનાના રિપોર્ટ અને સમજણ | Aapna Mudda Aapni Vaat | આપણા મુદ્દા આપણી વાત | 02-12-2020

 

ડીડી ગિરનાર પર આજે રાત્રે 8.00 વાગ્યે જુઓ ‘આપણા મુદ્દા, આપણી વાત' કાર્યક્રમમાં "કોરોનાના રિપોર્ટ અને સમજણ" વિષય પર ચર્ચા 


ચર્ચા વિશેષજ્ઞ:

1) ડૉ. અમિત પટેલ - ફેફસાંના રોગોના નિષ્ણાત

2) ડૉ. નલિન પટેલ - રેડિયોલોજિસ્ટ

3) ડૉ. સંદીપ શાહ - પેથોલોજીસ્ટ


આજના "કોરોનાના રીપોર્ટ અને સમજણ" વિષયને અનુરૂપ જો આપને કોઈ પ્રશ્નો કે મૂંઝવણ હોય તો આપ ફોન નં. (079) 26853814 / 26853816 પર ફોન કરી આપના પ્રશ્નોનું સમાધાન મેળવી શકો છો


જોવા ક્લિક કરો.. - 

https://youtu.be/RbqVfYfG3Ss

લેખ - 4

*શું HRCT (હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી) ખરેખર કોરોના ટેસ્ટ છે ?*

******

*કોરોના સંક્રમણના પ્રાથમિક તબક્કે HRCT સ્કેન સલાહભર્યો નથી : ડૉ.પંકજ અમીન (રેડિયોલોજીસ્ટ સિવિલ હોસ્પિટલ)*

****** 

*એક HRCTમાં છાતીએ ૧૦૦૦ X-RAY જેટલા રેડીએશન ઝીલવા પડે છે : નિષ્ણાંત તબીબો*

--------------------------

કોરોનાવાયરસનું સંક્રમણ જાણવા માટે RT-PCR ટેસ્ટ અને રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવે છે.સરકાર દ્વારા પણ આ બંને ટેસ્ટને જ ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે. 

પ્રવર્તમાન કોરોનાની સ્થિતિમાં ઘણાય લોકો રેડિયો ડાયગ્નોસીસ માટેના HRCT (હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી) સીટી સ્કેનને પણ કોરોનાનો ટેસ્ટ માની બેઠા છે જે  તદ્દન ખોટુ છે.....

કોવિડ ટેસ્ટ પોઝીટીવ આવે ત્યારે તે વ્યક્તિ દ્વારા અન્ય લોકોને કે પરિવાજનોને સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા દર્દીના ધરને કોરોના સંક્રમિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે. દર્દી હોમ આઇસોલેશનમાં હોય ત્યારે અન્ય વ્યક્તિઓ તેનાથી અંતર જાળવે, આ દર્દી થકી પડોશી કે તેના ઘરના સભ્યોને જ સંક્રમણ ન થાય તેની સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર આ પ્રકારના સ્ટીકર લગાવવામાં આવે છે. 

પરંતુ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં ઘણાય પરિવારો આ સમગ્ર પ્રક્રિયા થી બચવા પણ HRCT ટેસ્ટ કરાવી રહ્યા છે જે તબીબી સલાહભર્યુ નથી.

 

*શું છે HRCT (હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી) આવો જાણીએ.....*


રેડિયો ડાયગ્નોસીસમાં HRCTનો ઉપયોગ ફેફસામાં વાયરસની અસર જોવા માટે કરાવવામાં આવે છે. પરંતુ તે ક્યારેય કરાવવો જોઇએ તે માટેના તબક્કા નિર્ધારિત છે. કોરોના વાયરસથી સંક્રમણના શરૂઆતના તબક્કામાં એટલે કે ઇન્ક્યુબેશન ફેઝમાં  દર્દી હોય ત્યારે તબીબો આ ટેસ્ટ કરાવવાની સલાહ આપતા નથી. તાવ આવવો, માથુ દુખવુ જેવા સામાન્ય લક્ષણો ધરાવતા દર્દી માટે આ ટેસ્ટની જરૂરિયાત રહેતી નથી. 

તબીબોના મત મુજબ કોરોના વાયરસનાના પ્રાથમિક તબક્કામાં મોટાભાગે એચઆરસીટી સામાન્ય જ આવે છે. ત્યારબાદના પ્રોગ્રેસીવ ટેસ્ટમાં વાયરસ ફેફસા સુધી પહોંચે ત્યારે એચઆરસીટી ટેસ્ટમાં લક્ષણો જણાઇ આવે છે.વાયરસનું સંક્રમણ ગંભીર બને  ત્યારે બંને બાજુના ફેફસા ભરાઇ જાય અને વધારે પડતો સ્કોર જોવા મળે છે . ત્યારબાદ ફેફસામાં રીગ્રેસનનો સ્ટેજ આવે છે એટલે કે ફેફસામાં વાયરસનું સંક્રમણ વધવા લાગે છે. 

HRCTમાં દર ચાર થી પાંચ દિવસમાં વાયરસનું સ્ટેજ બદલાય છે તેનુ સ્વરૂપ બદલાતુ જોવા મળે છે. એટલે કે જો વાયરસે ફેફસામાં ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યુ હોય તો ૧૪ થી ૨૮ દિવસ દરમિયાનમાં એચઆરસીટીમાં બદલાવ જોવા મળે છે. 

શરૂઆતના તબક્કામાં જ્યારે કોવિડ રીપોર્ટ પોઝીટીવ આવે અને HRCT કરાવવામાં આવે ત્યારે તેની સામાન્ય આવવાની સંભાવના પ્રબળ રહેલી છે. જો ઓક્સિજનનું પ્રમાણ ૯૫ ટકા કે તેથી વધારે રહેતુ હોય તો તબીબી સલાહ પ્રમાણે પ્રાથમિક તબક્કામાં એચ.આર.સી.ટી. કરાવવાની જરૂરિયાત રહેતી નથી. બીજા તબક્કા એટલે કે ૭ દિવસ બાદ જ એચઆરસીટી ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે. 


*HRCT માં બતાવવામાં આવતો CS સ્કોર શું છે?*


HRCT દરમિયાન કોરેડ સ્કોર એટલે કે કોવિડ વાયરસે ફેફસામાં કેટલા પ્રમાણમાં અસર કરી છે. ફેફસાનો કેટલો ભાગ કોરોના વાયરસથી સંક્રમિત છે. વાયરસે ફેફસામાં કેટલા પ્રમાણમાં બગાડ કર્યો છે તે આ સ્કોર થી જાણવામાં આવે છે. 

મનુષ્યના શરીરમાં બે ફેફસા હોય છે જેમાં જમણા ફેફસામાં ત્રણ અને ડાબા ફેફસામાં બે (lobule) હોય છે. કયા લોબમાં વાયરસની કેટલી અસર છે તે કોરેડ સ્કોર ૨૫ અથવા ૪૦ માંથી આપવામાં આવે છે. જો ૨૫ ના સ્કોર સંલગ્ન વાત કરીએ તો  કોરેડ સ્કોરનો સરવાળો ૮ થી નીચે હોય તો હળવી અસર, આઠથી પંદરની વચ્ચે હોય તો મધ્યમ અને ૧૫થી વધુ હોય તો થોડી ગંભીર અસર માનવામાં આવે છે. કોરેડ સ્કોરમાં ગંભીરતા વધુ જણાઇ આવે ત્યારે જ દર્દીને સધન સારવારની જરૂર પડતી હોય છે. જેમાં તેને ઓક્સિજન અથવા વેન્ટીલેટર પર રાખવાની જરૂર જણાઇ આવે છે. 


*નિષ્કર્ષ*


HRCTનો ઉપયોગ કોરોના રોગનો ફેફસામાં ફેલાવો કેટલા પ્રમાણમાં છે તેને માટે જ કરવાનો રહે છે. કોરોના રોગના નિદાન માટે તેનો ઉપયોગ કરવાનો રહેતો નથી. 

કોરોનાના નિદાન માટે આર.ટી.પી.સી.આર. અને એન્ટીજન જ ગ્રાહ્ય છે.


*ધ્યાન રાખવા જેવી બાબત*


રેડિયોલોજી તબીબી તારણ પ્રમાણે એક HRCT કરાવવાથી મનુષ્યના શરીરમાં લગભગ છાતીના  ૧૦૦૦ X-RAY જેટલુ રેડીએશન ઝીલવુ પડતુ હોય છે. જે રેડિયેશનનો ડોઝ ઘણો જ મોટો કહેવાય છે. લાંબા ગાળે આ રેડિએશનના કારણે કેન્સર થવાની પણ શક્યતાઓ રહેલી છે. 

*અમિતસિંહ ચૌહાણ*

લેખ - 5

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...