તમે જ તમારા ડૉક્ટર...
એમ.બી.બી.એસમાં એડમિશન મળ્યું ત્યારે એવી ફીલિંગ આવેલી, જાણે જગતની મહાસત્તા બનવા જઈ રહ્યા છીએ. એ સમયે ‘યુ કેન હીલ યોરસેલ્ફ’ના કન્સેપ્ટને હું હસી કાઢતો. જો માણસ પોતે જ પોતાની જાતને સાજો કરી શકતો હોય, તો મારી જરૂર જ શું છે ? એ વાત મારા વામણા અને ઘમંડી મગજને રીયલાઈઝ થતા બહુ વાર લાગી.
જ્ઞાનનો એ સૌથી ભયાનક તબક્કો હોય છે જ્યારે ‘બિલીફ સીસ્ટમ’ મજબૂત અને ઘમંડ નક્કર બનતો જાય છે. કૂવામાં થોડું પાણી આવવાથી તે પોતાની જાતને સમંદર સમજવા લાગે, તો સમજવું કે કૂવાનું અંધારું હવે કાયમી રહેશે.
જ્ઞાન (Knowledge) અને પ્રજ્ઞા (Wisdom) માં તફાવત છે. જ્ઞાન બરડ બનાવે છે અને પ્રજ્ઞા મૃદુ. આ બંને વચ્ચે એટલો જ તફાવત રહેલો છે, જેટલો શિક્ષણ અને કેળવણી વચ્ચે. શિક્ષણ Rigidity બક્ષે છે અને કેળવણી Flexibility.
If you are not open to any other possibility, science or ideology that means you have reached to the dead-end of knowledge.
વાત કરવી છે એક મહિલાની જેઓ Lymphoma નામના કેન્સરથી પીડાઈ રહ્યા હતા. તેમના કેન્સરનું નિદાન ૨૦૦૨માં થયેલું. ૨૦૦૬માં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા જ્યાં તેઓ ૩૦ કલાક સુધી કોમામાં રહ્યા. તબીબોએ તેમના સ્વજનોને કહી દીધેલું કે હવે કોઈપણ ક્ષણે તેઓ મૃત્યુ પામી શકે છે. તેમના અંતિમ દર્શન માટે સગા-વહાલાઓને પણ બોલાવી લેવાયા. પરંતુ કોઈક ચમત્કાર થયો અને તેઓ પાછા આવ્યા. અને એટલું જ નહીં, ફક્ત ચાર દિવસમાં તેમનું ટ્યુમર ૭૦ % જેટલું Shrink થયું અને તે પછીના પાંચ અઠવાડિયામાં તેમને કેન્સર-મુક્ત જાહેર કરાયા. આ પ્રસિદ્ધ મહિલાનું નામ છે અનિતા મૂર્જાની.
આ ચમત્કાર શું હતો ? એ જાણવા માટે તમારે એમનું પુસ્તક ‘Dying to be me’ વાંચવું પડશે. પણ બેભાનાવસ્થા દરમિયાન અનિતાએ રીયલાઈઝ કરેલા કેટલાક તથ્યો તેમણે પોતાના પુસ્તકમાં લખ્યા છે. પુસ્તક ‘Dying to be me’ ૨૦૧૨માં પબ્લીશ થયેલું અને રીલીઝ થયાના ફક્ત બે અઠવાડિયામાં એ ‘ધ ન્યુ યોર્ક ટાઈમ્સ’ના બેસ્ટ-સેલર લીસ્ટમાં હતું.
આ પુસ્તકમાં અનિતાએ લખ્યું છે કે હું કેન્સરને પરાસ્ત કરી શકી કારણકે મને એ સમજાઈ ગયું કે મને કેન્સર શું કામ થયેલું ? મેં મારી અંદર ઘણું બધું ‘Suppress’ કરીને રાખેલું. હું આજીવન અન્યને ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરી રહેલી. મેં મારી પોતાની જાતને ક્યારેય વ્યક્ત જ ન થવા દીધી. હું જ્યારથી સમજણી થઈ, ત્યારથી મને કેન્સરનો ડર લાગતો. કારણકે કેન્સરના કારણે મેં મારા સ્વજનો ગુમાવેલા.
મને સતત ભય રહેતો કે મને કેન્સર તો નહીં થાય ને ? હું ક્યારેય નિર્ભયતાથી મારી જિંદગી જીવી જ ન શકી. અને છેવટે મેં મારી જિંદગીમાં એ જ Attract કર્યું, જેનો મને ડર હતો. જેના વિશે હું સતત વિચારતી રહેતી. હું ક્યારેય મારી જાતને પ્રેમ નહોતી કરી શકી. કોમા દરમિયાન આ બધી વાતો મને બહુ સ્પષ્ટતાથી સમજાઈ ગઈ. અને મેં નક્કી કર્યું કે ‘આઈ વિલ હીલ માયસેલ્ફ’.
તબીબી વિજ્ઞાન ભણેલી કોઈપણ વ્યક્તિને આ અનુભવ, હકીકત કે પુસ્તક ‘વાહિયાત’ લાગી શકે. પણ આ લેખ મેં તબીબો માટે નહીં, દર્દીઓ માટે મુક્યો છે.
એલોપેથીની દરેક ટેક્સ્ટ બુકમાં કેન્સરના કારણોમાંનું એક કારણ ‘Idiopathic’ હોય છે. ‘Idiopathic’ એટલે ‘reason not known’ અથવા તો ‘of spontaneous origin’. અને કેન્સર થવાના આ કારણમાં અસંખ્ય શક્યતાઓ રહેલી છે.
જે વાત અનિતાએ પોતાના પુસ્તકમાં લખી છે, એ જ વાતો અત્યાર સુધી જગતની અનેક ફિલોસોફીઝ કહેતી આવી છે. Suppression leads to disease.
આપણી મોટાભાગની તકલીફો અને બીમારીઓનું મૂળ કારણ આપણા વિચારોમાં રહેલું હોય છે.
જે ક્ષણે આપણે વિચાર બદલીએ છીએ, એ જ ક્ષણે આપણી અંદરનું વાતાવરણ બદલાવાની શરૂઆત થઈ જતી હોય છે. આપણા શરીરની અંદર રહેલો દરેક કોષ આપણા વિચારોના પ્રભાવમાં હોય છે. આપણું શરીર આપણા દરેક વિચારને રીએક્ટ કરતું હોય છે. Our body follows our mind.
અમે તબીબો બીમારીઓના જે કારણને ‘Idiopathic’ કહીએ છીએ, શક્ય છે કે એ કારણ આપણા વાઈબ્ઝ અને વિચારો હોય. અલ્ટરનેટીવ સાયન્સ, અમૂક ફિલોસોફીકલ માન્યતાઓ કે અનિતાની વાતોમાં જો થોડું પણ તથ્ય હોય, તો એ શક્યતા આપણા બધા માટે કેટલી બધી Liberating સાબિત થશે ?
Yes, we can heal our own selves. અને એ પ્રક્રિયામાં જે મદદ કરે, એને તબીબ કહેવાય છે. એક સુપર-સ્પેશીયલીસ્ટ કન્સલ્ટન્ટ હોવા છતાં પણ હું એવું જ કહીશ કે હું દરેક દર્દીની ‘સેલ્ફ-હિલીંગ’ પ્રક્રિયામાં મદદ કરવાનું અને તેને વેગ આપવાનું કામ કરું છું.
એ જ કારણ છે કે એક જ દવાની બે અલગ અલગ દર્દીઓમાં બે અલગ અલગ અસરો થાય છે. એક જ પ્રોસીજરનું પરિણામ બે ભિન્ન વ્યક્તિઓમાં સાવ ભિન્ન આવે છે. It all depends on how you react to your disease. અમે તબીબો જેને ‘તાસીર’ કહેતા આવ્યા છીએ, એ બીજું કશું જ નથી પણ દર્દીની ‘સેલ્ફ-હિલીંગ’ ક્ષમતા છે.
મગજ સૌથી ઉપરના ભાગમાં એટલે જ આવેલું હોય છે કારણકે એ બાકીના શરીરને લીડ કરે છે. મન જ્યાં લઈ જાય, ત્યાં શરીર દોરવાય છે. મનને ક્યાં લઈ જવું, એ આપણા હાથમાં છે. આપણે જે વસ્તુને એટેન્શન આપશું, એ વૃદ્ધિ પામશે.
What we focus on, grows.
અનિતાની વાત પરથી હું એટલું જ કહીશ કે નિર્ભય બનીને જીવો. કશું જ સપ્રેસ ન કરો. વ્યક્ત કરતા રહો, વ્યક્ત થતા રહો. સાંભળવા વાળું કોઈ ન મળે, તો વિચારોને કોરા કાગળ પર લખી નાખો. પણ નેગેટીવ હોય એવું કશું જ અંદર ન રહેવા દો. નિરાશા, ઈર્ષા, નફરત આ બધા નેગેટીવ ઈમોશન્સ છે. તમાકુની જેમ આ નેગેટીવ ઈમોશન્સની લાંબાગાળે ‘cumulative effect’ થાય છે. એ ન થવા દો.
આપણે બધા કુદરતના હસ્તાક્ષર વાળી બ્રમ્હાંડ દ્વારા લિખિત ઓરીજીનલ કોપી છીએ. જાતને પ્રેમ નહીં કરવાનું કોઈ સબળ કારણ આપણી પાસે નથી. So, let’s love our own selves.
થોડા ઘણા બેક્ટેરિયા, કેટલાક વાયરસ, થોડું પોલ્યુશન, થોડું રેડિએશન અને કેટલાક વારસાગત રોગો સિવાયની બીમારીઓ માટે આપણને કોઈને ડૉક્ટરને પૂછવાનો અધિકાર જ નથી કે ‘આ શેને કારણે થયું હશે ?’. અને માની લઈએ કે થયું પરંતુ એવું પૂછવાનો તો બિલકુલ અધિકાર નથી કે ‘આ મટી તો જશે ને ?’.
એ જાત પ્રત્યે હોય, ડૉક્ટર પ્રત્યે કે સારવાર પ્રત્યે. શંકા હંમેશા જીવલેણ હોય છે અને શ્રદ્ધા જીવદાયી.
Comments
Post a Comment