*ધર્મ જરૂરી છે ધર્માંધતા નહીં.* ....રાજેશ ઠાકર

બિનસાંપ્રદાયિક, બિનરાજકીય અને જાતિવાદમુક્ત કોરોના વાયરસ વિશે રાજેશ ઠાકરની પોસ્ટ....

ધર્મ વિરોધી લાગતી આ પોસ્ટ આપણને દવાખાનામાં સારવાર કે ખાટલો નહીં મળે ત્યારે યાદ આવશે અને અફસોસ કરવાનો મોકો પણ નહી મળે.

*કરોના વાયરસે આપણને કલ્પનાઓ અને કથાઓ ની અવાસ્તવિક દુનિયા થી વાસ્તવિકતા ની ધરતી પર આવવાનો મોકો આપ્યો છે. મોડુ થયું છે પણ આજની યુવા પેઢી માટે એલાર્મ ચોક્કસ છે. દેશને જરૂર શું છે?*


તેત્રીસ કરોડ દેવી દેવતાઓ ધરાવતાં દેશને  કોરોના વાયરસથી બચાવવા એકપણ દેવી કે દેવતા દિવ્યરથ પર સવાર થઈ ભારતવાસીઓની મદદે નથી પહોંચ્યા.

પૌરાણિક કથાઓના વર્ણન મુજબ એકપણ યોગી કે સંત મહાત્માએ પ્રજાને આ મહામારીથી બચાવવા તપ કરીને ઉંઘતા ભગવાનને જગાડવા કે રીઝવવાનો પ્રયાસ પણ હજુ સુધી નથી કર્યો.

જીવનના સુખ માટે પોતાના જ પરિશ્રમને યશ આપવાના બદલે ભગવાનને થેન્ક્સ કહેતી પ્રજા માટે મંદીરોના દરવાજા બંધ છે. જીવનના પ્રત્યેક દુ:ખ માટે પથ્થરોને પણ ભગવાન સમજી પુજતી, કરગરતી, બાધા આખડીઓ- દોરા ધાગામાં જકડાતી ભક્તોની ભીડ દરવાજા બંધ કરીને જવાબદારીથી છટકી ગયેલા આ દેવી દેવતાઓ સામે દીગ્મુઢ નજરે જોવા વિવશ છે .

*પ્રત્યેક ચાર ભારતીય દીઠ એક દેવી કે દેવતાની ફાળવણી જો ઈન્દ્ર ઈચ્છે તો થઈ શકે એમ છે. આ ઉપરાંત અલ્લાહ અને ઈસા મસીહનો પણ બિનસાંપ્રદાયિક ધોરણે ઉપયોગ થાય તો સોનામાં સુગંધ ભળે.*

વળી શંકરાચાર્ય, દાદા ભગવાન, સત્ય સાંઈ, સ્વામિનારાયણ કે ઈશ્વરીય અવતારનો દાવો કરનાર સંતો-મહંતો અને સંપ્રદાયોના કબ્જેદારો આ મહામારીથી બચાવવા વિધી-વિધાન, તંત્રમંત્ર કે ટોટકા દ્વારા ચમત્કાર કરે તો આજદીન સૂધી એમના પર મુકેલો વિશ્વાસ ટકી રહે.

શું આમાનુ કશું જ શક્ય છે ખરૂ? જો જવાબ હા હોય તો કોરોના વાયરસથી બચવાને બદલે મગજમાં ઘુસી ગયેલા ધર્માંધતાના વાયરસથી બચવું એ પહેલો વિકલ્પ છે.

કેટલાક દિમાગી દિવ્યાંગો આ મહામારીને ઈશ્વરીય કોપ કે અલ્લાહના ક્રોધ હોવાનો દાવો કરી "જે નથી એના હોવા વિશેનો" ભ્રમ અકબંધ રાખવા મથી રહ્યા છે. શું આ દાવો કરીને તેઓ જેને દયાના સાગર અને કૃપાનિધાન તરીકે આજ સુધી જોતાં આવ્યા છીએ એ પરમકૃપાળુ પરમાત્મા પર એક આતંકી કૃત્યનો અપરાધ નથી મઢી રહ્યા? પોતાની હાજરી કે શક્તિ બતાવવા નરસંહાર પર ઉતરી આવે તે ભગવાન, જીસસ કે અલ્લાહ હોઈ શકે ખરા? મુળમાં ઉપરવાળાના નામે નીચે ધર્મની હાટડીઓ ચલાવવા વાળા બની બેઠેલા એજન્ટો કોરોના આગળ લાચાર થઈ બંધ થયેલા ધાર્મિક સ્થાનોના દરવાજા ક્યાંક એમના અસ્તિત્વ પર પુર્ણવિરામ ના મુકી દે એ માટે હવાતીયા મારી રહ્યા છે.

જો પોલીયો, શીતળા અને ક્ષય જેવી જીવલેણ મહામારી સામે જે-તે સરકારોએ  મેડીકલ સાયન્સના બદલે મંદીરો/મસ્જિદોના શરણે જવાનું પસંદ કર્યું હોત તો આજે ભારત અપંગો અને અશક્તોની બહુસંખ્યક વસ્તી ધરાવતો બીમાર દેશ હોત. કોરોના વાયરસે આપણને કલ્પનાઓ અને કથાઓની અવાસ્તવિક દુનિયાથી વાસ્તવિકતાની ધરતી પર આવવાનો મોકો આપ્યો છે. મોડુ થયું છે પણ આજની યુવા પેઢી માટે એલાર્મ ચોક્કસ છે. દેશને જરૂર શું છે? જનતા અને સરકારની પ્રાથમિકતા શું હોવી જોઈએ? તેનો જવાબ મેળવવા વર્ક ટુ હોમ કરવું પડશે. સ્વયંને પ્રશ્ન પુછવા પડશે કે ભવ્ય મંદીરો/મસ્જિદો જરૂરી હતા કે એઈમ્સ જેવી હોસ્પિટલ?  જેટલા મંદીરો છે એના દસ ટકા હોસ્પિટલ જો નિર્માણ થઈ હોત તો આજે બચવા માટેના દરવાજા બંધ થવાના બદલે આપણી સેવામાં ખુલી ગયા હોત.

ઉંચી પ્રતિમાઓ પાછળ કરાતો કરોડોનો ખર્ચ જો દેશમા તબીબી શિક્ષણ પાછળ થયો હોત તો લેખે લાગત. મંદિરોની દાનપેટીઓ અને ભંડાર છલકાવવાની ઘેલછા જો શિક્ષણ અને આરોગ્યલક્ષી પ્રકલ્પો માટે થઈ હોત તો તેનું વળતર આજે મેળવી શકાત. દેશમાં સાધુ સંતો, જોગી જોગટાઓ, યોગીઓ, બાવાઓ, મુલ્લા મૌલવીઓ અને પાદરીઓ જરૂરી છે કે ડોક્ટર્સ? આજે આ તકસાધુઓની સરખામણીએ પચાસ ટકા સંખ્યા ડોક્ટર્સની હોત તો આરોગ્યનો કુંભમેળો કોરોના સામે બાથ ભીડી શકત. ગલીએ, શેરીએ અને પ્રત્યેક ચાર રસ્તે બનેલી દેરીઓ કે મંદીરોના બદલે જો એટલા આરોગ્ય કેન્દ્ર દેશમા હોત તો આજે આ મહામારીથી લડવા કામે લાગત.

*અરે ધર્મ જો ત્યાગ, સ્વાર્થહીનતા અને પ્રમાણિકતા કેળવવા પુરતો પણ કામે લાગ્યો હોત તો દેશના અરબો એકઠા કરીને બેઠેલા અભિનેતાઓ, ક્રિકેટર્સ, કલાકારો, ડાયરાબાજો અને કથીત સેલેબ્રિટી હાથ ધોવાની સલાહ આપી હાથ ખંખેરી નાખવા જેવી કંજુસાઈ કરતા જોવા ના મળત.*

વિદેશોમાં કોઈએ ગીતા, રામાયણ, ઉપનિશદો કે વેદો નથી વાંચ્યા છતાં જે રીતે ત્યાં સ્પોર્ટસમેન, એક્ટ્રસ અને ધનપતિઓએ કરોડો રૂપિયા પોતાની તિજોરી ખોલીને વહાવી દીધા તે કાબીલે તારીફ છે. સામે છેડે આપણે માસ્કના પણ કાળાબજાર અને ટેસ્ટના પણ હજારો ઉઘરાવવાના ઉદાહરણ જોઈ રહ્યા છીએ. લોકોને ધાર્મિકતાના પંપ મારી કરોડો રળી ખાનાર કથાકારો એ વગર પરિશ્રમે કમાયેલી તમામ મુડી જે લોકોની છે તે હાલની સ્થિતિમાં પરત કરી દેવી જોઈએ પણ એકેય વીરલો આ કરશે નહીં, હા ટોકન જાહેરાત કરી ધર્મધુરંધર હોવાની પ્રસિધ્ધિ પામવાનો પ્રયત્ન ચોક્કસ થતાં જોવા મળશે. પોથીઓ ઉંચકવા, કનૈયાના મામેરા ભરવા, પાટલા અંકે કરવા હજારો અને લાખોની ઉછામણી કરનારાઓ એ પણ આત્મચિંતન કરવું જોઈએ કે આ નાણાં વેડફવાના બદલે એકાદ તેજસ્વી પણ ગરીબ વિધ્યાર્થીને ડોક્ટર બનાવવા વાપર્યા હોત તો વધારે હીતાવહ હતું.

ખેર, વાંક સત્તાધીશોનો નહીં સર્વસત્તાધીશના નામે ધાર્મિકતાના ચશ્મા પહેરી સરકારો પસંદ કરવાની આપણી મુર્ખતાનો છે. ધર્મ, જાતિ, સંપ્રદાયના નામે વંહેચાઈને નાગરિક ધર્મ વીસારે પાડી દેવાની આપણી માનસિકતા જ સરકારોની પ્રાથમિકતા સુનિશ્ચિત કરે છે. રામના મંદીર પર સરકારો બનાવવા અને હટાવવા ખર્ચેલા સમય, શક્તિ અને જીવન જો સરકાર પર સસ્તા શિક્ષણ અને આરોગ્યના હક્ક માટે દબાવ ઉભો કરવા ખર્ચાયા હોત તો આજે સ્થિતિ જુદી હોત. જે ધર્મ વાસ્તવિકતાથી દૂર લઈ જતો હોય એનાથી અંતર જાળવી ને જ વિશ્વગુરૂ બની શકાય. રાજનેતાઓ અને પ્રજા જેટલુ વહેલું સમજે તેટલું સારૂ. બાકી જેમ કાલે પ્રધાનમંત્રી દેશની આરોગ્ય વ્યવસ્થા આગળ જેમ લાચાર બની જનતાને હાથ જોડવા ઘુંટણીયે પડતાં દેખાયા એમ આવતીકાલે આખો દેશ બેબસ અને વિવશ થતો નજરે પડશે.

કોરોના બિનસાંપ્રદાયિક, બિનરાજકીય, સર્વસમાનતાના સિધ્ધાંતને વરેલો વાયરસ છે. રાષ્ટ્રવાદ કે રાષ્ટ્રવિરોધી સામે કોરોના સમદ્રષ્ટી ધરાવે છે માટે સમગ્ર ભારતીયો તથા ધર્મોએ એકજુટ થઈને લડવું પડશે. શક્ય છે આ કોરોના વાયરસ આપણી ભીતરના ભેદભાવને મીટાવવા સકારાત્મક નીવડે.

*ધર્મ જરૂરી છે ધર્માંધતા નહીં.* પ્રત્યક્ષને પ્રમાણની જરૂર નથી હોતી.

*બંધ મંદીરો અને ખુલ્લી હોસ્પિટલો, ગાયબ ભગવાન અને ખડેપગે હાજર ડોક્ટર ઘણું કહી જાય છે... સંભળાય તો!*

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...