*અભ્યાસ વિના સંકલ્પ અને પુરુષાર્થ નકામા*

_ગુડ મૉર્નિંગ_ - *સૌરભ શાહ*

( _મુંબઇ સમાચાર_ : સોમવાર, 23 એપ્રિલ 2018)

*સંક્લ્પ* અને પુરુષાર્થના પગથિયાં પાર કરી લીધા પછી આવે છે અભ્યાસ.

અભ્યાસ એટલે શીખવું અને અભ્યાસ એટલે શીખતાં રહેવું. જીવનમાં માર્ગદર્શન વિના આગળ ન વધાય. તમે પહેલીવાર તમારા ઘરેથી નીકળીને સ્ટેશન સુધી ગયા ત્યારે કોઈ તમને સાથે લઈ ગયું હશે અથવા કોઈએ તમને રસ્તો દેખાડ્યો હશે અથવા તમે ગૂગલ મૅપ ફૉલો કર્યો હશે. આ બધા તમારા માર્ગદર્શક છે.

માર્ગદર્શક એટલે જે માર્ગ દેખાડે એ જ લોકો નહીં. જેઓ ખોટા માર્ગે જતાં આપણને રોકે એવા લોકો પણ ખરા.

જેઓ જરૂર પડે તમને યોગ્ય સાથ આપે અને જરૂર પડ્યે તમારાં ખોટાં કાર્યોમાં તમારો સાથ છોડી દે એ લોકો પણ તમારા માર્ગદર્શક છે.

જેમની પાસે અનુભવનો ભંડાર છે અને જેઓ તમને પોતાના અનુભવોના ખજાનામાંથી લહાણી કરે છે તેઓ પણ તમારા માર્ગદર્શક છે.

આવા માર્ગદર્શકો તમારા અભ્યાસમાં મદદરૂપ થતા હોય છે. જેમ પુરુષાર્થ વિનાનો સંકલ્પ નકામો તેમ અભ્યાસ વિનાનો પુરુષાર્થ નકામો.

આવડત વિનાની મહેનતનું કોઈ મૂલ્ય નથી. ઊલટાનું એ જોખમી છે. તમારામાં ગાડી રિપેર કરવાની આવડત નથી અને છતાંય હું તમને મારા ગૅરેજમાં નોકરીએ રાખું એટલે તમે મને રાજી કરવા દસ કલાક સુધી પરસેવો પાડીને ઓજારો લઈને કડાકૂટ કરશો તો એમાં તમારું ને મારું નુકસાન જ છે. પુરુષાર્થ તો જ સફળ થાય જો આવડત હોય. આવડત કેળવવી કંઈ ખાવાના ખેલ નથી. પંડિત શિવકુમાર શર્માની જેમ સંતુર વગાડવાની મને ગમે એટલી હોશ હોય પણ વર્ષોના રિયાઝ વિના એ કામ ન થઈ શકે. રિયાઝ પણ ત્યારે જ થાય જ્યારે એ કામ કરતાં હું શીખ્યો હોઉં. એ કામ હું ત્યારે જ શીખી શકું જ્યારે મને એમાં રુચિ હોય. મને ક્રિકેટમાં રુચિ ન હોય તો તમે મને ગમે એટલી લાલચ આપશો, ધમકી આપશો, સગવડો આપશો - હું સચિન તેન્ડુલકરના પગલે નહીં જ ચાલી શકું.

માત્ર રુચિ હોવી પૂરતી નથી. પૅશન પણ જોઈએ. અને પૅશનની સાથે પાયાની સમજણ કે બેઝિક ટેલન્ટ પણ જોઈએ. લખવામાં તમને રુચિ હોય પણ પૅશન ન હોય તો નહીં ચાલે. પૅશન ભલે હોય કે મારે બહુ મોટા લેખક જેવું બનવું છે પણ જો આ ક્ષેત્ર વિશેની પાયાની સમજણ કે બેઝિક ટેલન્ટ નહીં હોય તો આગળ નહીં વધાય. મારો હાથ કલમ પકડવા માટે છે પણ મારા હાથમાં પીંછી પકડાવી દેશો તો હું સરખું કૂતરુંય ચીતરી નહીં શકું. કૂતરાં-બીલાડા તો બાજુએ રહ્યા. હાથ સરખો રાખીને ધ્રુજ્યા વિના સીધી લીટી દોરતાંય મને નથી આવડતું. શું ધૂળ હું પાબ્લો પિકાસો બની શકવાનો?

અભ્યાસ માટે તમારે તમારી આંતરિક અસ્કયામતો જોઈ લેવી પડે. સૌ કોઈનામાં ધંધો શીખીને અંબાણી બનવાની આવડત ન હોય. સૌ કોઈનામાં અભિનય કળા શીખીને અમિતાભ બચ્ચન બનવાની આવડત ન હોય. તમારે ક્યા ક્ષેત્રનો અભ્યાસ કરવો છે, ક્યા ક્ષેત્રમાં તાલીમ મેળવવી છે તે પારખી લેવું જોઈએ. મેડિસિનના કે કૉમ્પ્યુટર સાયન્સના છેલ્લા વર્ષમાં આવીને આ ક્ષેત્ર મારા માટે કામનું નથી એવું નક્કી કરીને એ ક્ષેત્રને રામરામ કરી દેવાની તીવ્ર ઈચ્છા ધરાવનારા મિત્રો મારા સર્કલમાં છે. હું પોતે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થવા નીકળેલો પણ મારા જીવનના હિસાબના ચોપડામાં પ્રથમ ટ્રાયલ બૅલેન્સની એન્ટ્રીમાં લખાઈ કે તરત જ સમજાઈ ગયું અને મેં કૉમર્સ અધવચ્ચે જ છોડી દીધું, સી.એ. એન્ટ્રન્સની પરીક્ષા આપવા માટેના ક્લાસની ફી ભરી હોવા છતાં ત્યાં જઈને સમય બગાડવાનું છોડી દીધું. હું લકી કે જીવનના આરંભે જ આ અક્કલ ભગવાને મને આપી. નહીં તો ઠેબાં ખાઈ ખાઈને સમજાયું હોત તો ઘણું મોડું થઈ જાત અને બાકીની જિંદગી અફસોસમાં પૂરી થાત.

અભ્યાસ એટલે શીખવું એ તો ખરું જ, અભ્યાસ એટલે શીખ્યા કરવું પણ ખરું. એને રિયાઝ કહેવાય, પ્રેકટિસ કહેવાય. પ્રોફેશનલ્સ માટે પ્રેકટિસનું કે રિયાઝનું જે મહત્ત્વ છે તે જ મહત્ત્વ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વખતે થતા પુનરાવર્તન કે રિવિઝનનું છે. જે શીખ્યા છીએ તે પાકું કરવું. શીખાઉ હોઈએ કે પાક્કા પ્રોફેશનલ. ગુજરાતી રંગમંચના સિનિયર મોસ્ટ અભિનેતાઓને મેં એમના શો પહેલાં ગ્રીન રૂમમાં ચકરી મારતા જોયા છે. અઢી કલાકના નાટકના તમામ સંવાદોને અડધો કલાકમાં ઝડપથી, કોઈ લાગણી ઉમેર્યા વિના, બોલી જવાના જેથી સંવાદના શબ્દો બરાબર યાદ રહે અને કોના પછી કોણે શું બોલવાનું છે તેની ક્લ્યુઝ બરાબર મગજમાં જડાઈ જાય. પૂરા એક-બે મહિનાના સઘન રિહર્સલ્સ પછી પણ દરેક શો પહેલાં આવી ચકરી મારતા કલાકારોને મેં જોયા છે. તેઓ પોતાની યાદદાસ્તને ભગવાન ભરોસે નથી રાખતા. પ્રેક્ષકોએ ખર્ચેલાં ટિકિટનાં નાણાંનું પૂરેપૂરું વળતર આપવાની એમની પૅશનને લીધે આવી ટેવ પડતી હોય છે.

અભ્યાસ એટલે તમને જે કંઈ આવડે છે તેની ધારને તેજ કર્યા કરવી. મહાન ગાયકો જીવે છે ત્યાં સુધી, કામ કરતાં રહે છે ત્યાં સુધી રિયાઝ કરવાનું છોડતા નથી. એવું નથી કે હવે તેઓ રિયાઝ છોડી દેશે તો ગાઈ નહીં શકે. પણ એમના ગાવામાં પ્રવેશતી નવીનતા, તાજગી રિયાઝને કારણે આવે છે.

આ જિંદગી અભ્યાસ માટે છે, સતત નવું શીખતાં રહેવા માટે છે. જે શીખ્યા છીએ તેને વધુ રિલેવન્ટ બનાવવા માટે છે. અભ્યાસ એટલે મહાવરો. કોઈ વાત જીવનમાં વણાઈ જાય ત્યારે એની ટેવ પડી જાય. મને નાનપણથી જ જમવામાં જે હોય તે ચાલી જાય એ વાતનો અભ્યાસ છે એવું કોઈ કહે (એવું હું નથી કહી શકતો, ફ્રેન્ક્લી) તો એનો અર્થ એ થયો કે એમને એવી ટેવ પડી ગઈ છે. મને નાનપણથી જ રોજનું કામ રોજ પૂરું કરીને જ સૂઈ જવું એવી ટેવ છે. એવું મહેન્દ્રભાઈ મેઘાણી કહી શકે, એમના પુત્ર ગોપાલ મેઘાણી કહી શકે. કારણ કે આવો એમનો અભ્યાસ છે.

સંકલ્પ અને પુરુષાર્થમાં જ્યારે અભ્યાસ ઉમેરાય છે ત્યારે સફળતા એક જ ડગલું દૂર હોય છે. આ ચોથા પગથિયા વિશે કાલે વાત કરીને સ્વામી રામદેવના કરાડ (મહારાષ્ટ્ર)ના પ્રવચનમાંથી જડી ગયેલી સફળતાની આ જડીબુટી વિશેની વાત પૂરી કરીએ.

*આજનો વિચાર*

ઢેફું સમજીને તમે ફેંકી દ્યો ધૂળમાં
કે સોનાના ત્રાજવેથી તોલો
અમને શું ફેર પડે, બોલો?
આંગળિયું પકડી ક્યાં આવ્યા’તા કોઈની
તે ભૂલા પડવાથી હવે ડરીએ?
મારગ ને પગલાંની મોજ પડી જાય
એમ આપણે તો આપણામાં ફરીએ
લ્હેરખીને જોઈ ઘણા ભોગળ ભીડે,
ને વળી કોઈ કહે બારીયું તો ખોલો
અમને શું ફેર પડે, બોલો?
વગડે વેરાન, હારે વાતું મંડાણી ને
મન થયું ઊગ્યા તો ઊગ્યા
આપણે ક્યાં માળીને કરગરવા ગ્યા’તા, ભાઈ
ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા
ડાળીયું પર ઝૂલે છે આખું આકાશ
એમાં પોપટ બેસે કે વળી હોલો
અમને શું ફેર પડે, બોલો?
આપણે ક્યાં પરપોટા ભેગા કરવા’તા
તે કાંઠે જઈ માથાં પછાડીએ?
એકાદો મરજીવો મૂળ લગી પ્હોંચે ને
તો જ અમે બારણું ઉઘાડીએ
બાકી તો ઝાંઝવાને કરવતથી વહેરો
કે રંધા મારીને તમે છોલો
અમને શું ફેર પડે, બોલો?

- કૃષ્ણ દવે

*એક મિનિટ!*

રાહુલ ગાંધીનો જન્મ થઈ રહ્યો હતો ત્યારે હૉસ્પિટલમાં આવેલા રાજીવ ગાંધીને ડૉકટરે કહ્યું,

‘અમે મા અને બેટા-બેઉને બચાવી લઈશું પણ કૉન્ગ્રેસને નહીં બચાવી શકીએ!’
--------------------------------
WhatsApp  Group : _ગુડ મૉર્નિંગ_ - *સૌરભ શાહ* 9004099112

Facebook - www.fb.me/saurabh.a.shah

Email - hisaurabhshah@gmail.com

Blog - www.saurabh-shah.com

પુસ્તકો ઘેરબેઠાં મેળવવા - *બુકપ્રથા* http://bit.ly/bookpratha અથવા *ધૂમખરીદી* http://bit.ly/2hGtvGm

© Saurabh  Shah

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...