મજા મધ્યમવર્ગની...

'પપ્પા આ મધ્યમ વર્ગ એટલે શું ?’ છાપામાં લખેલા એક શબ્દ પર નજર પડતા ખુશીએ પૂછ્યું.


બાજુમાં બેઠેલા તેના પપ્પા સુધીરભાઇએ ખુશી તરફ નજર કરતા કહ્યું, ‘કેમ બેટા  ? એમ પુછવું પડ્યું ?’ 


‘પપ્પા, છાપામાં લખ્યું છે કે કોરોનાની સ્થિતિમાં કચડાયેલો મધ્યમવર્ગ.... હાલત બની ફફોડી....!! પપ્પા આ ફફોડી શું છે ?’ ખુશી સાતમાં ધોરણમાં હતી .


‘ફફોડી નહી બેટા.. કફોડી...!! છાપાની પ્રિન્ટીંગ મિસ્ટેક હશે.’ સુધીરભાઇએ ખુશીની ભૂલ સુધારતા કહ્યું.


‘પણ પપ્પા આ કફોડી એટલે શું ?’  ખુશીનો ફરી બીજો પેટા પ્રશ્ન ઉભો થયો. 


ત્યાં જ તેના પપ્પાના મોબાઇલની રીંગ રણકી. થોડીવાર તે મોબાઇલના બ્લેક એન્ડ વ્હાઇટ ડિસપ્લે પર લખાયેલું નામ જોઇ રહ્યાં.  ફોન પર વાત કરતા પહેલા તેને રસોડા તરફ નજર કરી અને કહ્યું, ‘દિપિકા, કહું છું મકાનમાલિકનો ફોન છે... ત્રણ મહિના થયાં આપણે વાયદાઓ કરીએ છીએ... શું કહું એમને ?’


ફોનની આખી રીંગ પતી, દિપિકાબેન રૂમમાં આવ્યા અને કહ્યું, ‘ કહી દો કે મારા ભાઇને કોરોના થયો તો તેમાં ખર્ચો આપવો પડ્યો છે એટલે દસ દિવસની મુદત આપો...!!’ 


ત્યાં ફરી રીંગ વાગી સુધીરભાઇએ કૉલ રીસીવ કર્યો , ‘જય શ્રી કૃષ્ણ પ્રવિણભાઇ...!!’  


સામેથી મકાનમાલિકે લડવાનું શરૂ કર્યુ, ‘ફોન તો ઉપાડો સુધીરભાઇ અને બહુ વાયદાઓ ના કરો હવે...! અમે તો તમને ઘર ભાડે આપીને ભૂલ કરી હોય એમ લાગે છે. આજે આવું છું ભાડુ લેવા... ભાડુ લીધા વિના પાછો નથી જવાનો.!’


સુધીરભાઇ લાચાર અને ગળગળા અવાજે બોલ્યા, ‘પ્રવિણભાઇ હું અઠવાડિયા પહેલા જ તમારું ભાડું આપવા આવવાનો હતો પણ મારા ભાઇને કોરોના થયો અને મારે તેના દવાના પૈસા આપવા પડ્યા..! તમે સમજો અમારી હાલત... હમણાં ધંધો પણ બંધ જેવો જ છે..!’


‘પણ, એમાં મારે શું...?  હવે દસ દિવસમાં પુરુ ભાડુ આપજો નહિતર મકાન ખાલી... અને બીજા ભાડુઆત તૈયાર જ છે, તમારા કરતા એક હજાર વધુ ભાડુ આપવા તૈયાર છે...!’ પ્રાવિણભાઇએ ગુસ્સામાં ફોન મુકી દીધો.


દિપિકાબેન ફોન કટ થતા જ બોલ્યા, ‘શું કહ્યું?’

 

‘આખરી વોર્નિંગ..!’ સુધીરભાઇએ કપાળે વળેલા પ્રસ્વેદ બુંદ લૂંછતા કહ્યું.   


‘પેલા દૂધવાળનો હિસાબ અને કરીયાણાનું બિલ આપવાનું બાકી છે.. બે  દિવસ પછી તો ખુશીનો બર્થ ડે છે એટલે તેના માટે એક જોડી કપડા લાવીશું.. તમારા ચશ્મા પણ ક્યાં સુધી સાંધીને ચલાવશો અને કૂકર તો નવું લાવવું પડશે જ નહિ ચાલે....! વળી, આ મહિને લાઇટબિલ આવશે.’ દિપિકાબેને આવશ્યક ખર્ચની યાદી મુકી ત્યારે સુધીરભાઇના કપાળે ફરી પરસેવાની ધાર છૂટી.. એમની હાલત તો એક સાંધતા તેર તુટે તેવી હતી.


‘તારે પગની કપાસી કઢાવવાની છે... આ વખતે વ્યવસ્થા રહેશે તો પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓપરેશન કરાવી દઇશું.’ સુધીરભાઇએ દિપિકાબેને ન ગણાવેલો ખર્ચ પણ ગણાવ્યો ત્યારે દિપિકાબેને એટલું જ કહ્યું, ‘બળ્યું... મારા પગનું તો પછી થશે...!’ 


ત્યાં ખુશી વચ્ચે બોલી, ‘પપ્પા આ કફોડી એટલે શું ?’


સુધીરભાઇએ ખુશીને ખોળામાં લીધી અને કહ્યું, ‘જુની તકલીફો હોય અને બીજી નવી તકલીફો વધતી જ જાય એ હાલતને કફોડી કહેવાય...!’ ખુશી અને તેના પપ્પાને વાતે વળગતા જોઇ દિપિકાબેન પોતાના કામે વળગ્યાં. 


‘અને આ મધ્યમવર્ગ એટલે શું ?’ ખુશીના મુખ્ય પ્રશ્નનો જવાબ તો હજુ બાકી હતો. 


‘બેટા, તું કોઇ બાળવાર્તા વાંચને... આ બધુ અઘરું પડશે તને...!!’ પપ્પા ખુશીના પ્રશ્નને ટાળવા માંગતા હતા. ખુશી તો ફક્ત સમાચાર વાંચી રહી હતી અને તેના પપ્પા પોતાની જિંદગીને નજર સામે અનુભવી રહ્યા હતા....!!  


‘પણ પપ્પા... કાલે મમ્મી પેલા ભાઇને કહેતી હતી કે અમે રહ્યા મધ્યમવર્ગના માણસ અમારુ ગજુ નહી આ ખરીદવાનું....! એટલે આપણે મધ્યમવર્ગના છીએ ?’ ખુશી કંઇક સમજવા માંગતી હતી પણ સુધીરભાઇએ તેના પ્રશ્નોના જવાબ અધૂરા મુકી બહાર ચાલ્યા ગયા.  


આ તો ખુશી હતી... એના મનને સંતોષ ન થાય ત્યાં સુધી તેના પ્રશ્નોનો અંત આવે તેમ નહોતો. તે મમ્મી પાસે દોડી પણ મમ્મીએ પ્રશ્ન કર્યો, ‘ મમ્મી મધ્યમવર્ગ એટલે શું ?’ 


 ‘એ ભણવાનું બધુ તું પપ્પાને પુછને મારે બહુ કામ છે.’ તેની મમ્મીએ તેના પ્રશ્નને ટાળવા પ્રયત્ન કર્યો.


ખુશી રસોડામાં ઉભી હતી ત્યાં અચાનક જ બોલી, ‘મમ્મી મારે સુખડી ખાવી છે... ક્યારનીયે બનાવી નથી... બનાવી આપને..!’ 


દિપિકાબેન ઘી જોયું અને કહ્યું, ‘ હા, સારું..!’ 


બપોરે જમવામાં સુખડી હતી એટલે ખુશીને મજા પડી. પપ્પા જમવા આવ્યા ત્યારે આજે તેમની રોટલી પર ઘી નહોતું લગાવેલું ખુશીએ કહ્યું પણ ખરું, ‘મમ્મી પપ્પાને ઘીવાળી રોટલી ભાવે છે ને તું એમને રોટલી પર ઘી લગાવવાનું કેમ ભૂલી જાય છે.’ 


‘અરે...હા.. ભૂલી જ ગઇ મારી નાની સાસુ....!’ એમ કહીને દિપિકાબેને હસી કાઢ્યું. સુધીરભાઇ પણ સમજી ગયા હતા કે આજે સુખડીમાં ઘીનો વધુ ઉપયોગ થયો એટલે બે ત્રણ દિવસ ઘી વગરની રોટલી મળશે.’ 


બે દિવસ પછી ખુશીના જન્મદિવસને ત્રણેયે સાથે ઉજવ્યો. ખુશીને નવા કપડા અને સેન્ડલ મળતા તે ખુશ થઇ ગઇ. મમ્મીએ બનાવેલી કેક કાપીને ઘરમાં જ સેલીબ્રેશન કર્યુ. ખુશીએ મમ્મી પપ્પાના મોંમા કેકનો ટુકડો મુકતા કહ્યું, ‘થેંક્યુ મમ્મી પપ્પા...! આઇ લવ યુ સો મચ..!’


બાકીની કેક ખુશીએ ધરાઇને ખાધી. તે સાંજના મમ્મી પપ્પાના ભાણામાં ફક્ત છાછ અને ખીચડી જ હતા તે જોઇ ખુશીએ કહ્યું, ‘પપ્પા આજે મારો બર્થ ડે છે... તમે કોઇ સારી વાનગી કેમ ન બનાવી ?’


‘પણ તે તો કહ્યું હતુ કે મને ભૂખ નથી. હું કેક ખાઇને ધરાઇ ગઇ છું.’ દિપિકાબેન તરત બોલ્યા.


ખુશીએ વળતો જવાબ આપ્યો, ‘મમ્મી મને ભૂખ નહોતી પણ તમારે તો પાર્ટી કરવી પડે’ને ?  પપ્પા આજે રાતે આપણે આઇસ્ક્રીમ ખાઇશું...!! અને ગાર્ડનમાં જઇશું. ’ ખુશીની નાની નાની ફરમાઇશો પણ સુધીરભાઇના ખિસ્સાને અસર કરી જતી હતી પણ તે તેમની એકની એક વ્હાલી દિકરીને નહોતા કહી શકતા કે બેટા આપણે મધ્યમવર્ગથી પણ નીચે આવી ગયા છીએ... તને કેવી રીતે સમજાવીએ કે..?’


તે રાતે ત્રણેય ફરવા ગયા, આઇસ્ક્રીમ ખાધો અને પછી નજીકના એક ગાર્ડનમાં બેઠા. ગાર્ડનમાં બીજા કેટલાક પરિવાર મનને હળવું કરવા આવ્યા હતા. સુધીરભાઇના મનમાં કેટલીયે ગણતરીઓ ચાલી રહી હતી. દિપિકાબેને હળવેથી હાથ પકડીને કહ્યું, ‘શું મકાન ખાલી કરવું પડશે ? બીજે ક્યાં જઇશું ?’ 


‘ના... ના... ગમે તેમ કરીને વ્યવસ્થા કરી લઇશ... તુ ચિંતા ન કરીશ.’ બન્ને વચ્ચે સુખી દંપતીની સંવેદનાઓનું નહી પણ જીવનના અનેક સંઘર્ષોની વેદનાઓનાનું ઘોડાપુર વહી રહ્યું હતું. 


ત્યાં ખુશી દોડતી આવી અને બોલી, ‘પપ્પા, આજે મારા બર્થ ડે પર  મારે તમને કંઇક કહેવું છે...!’ 


‘હા, બોલને બેટા...!’ સુધીરભાઇએ તેનો હાથ પકડતા કહ્યું. 


તે હાથ છોડાવીને  દૂર ગઇ અને થોડા ઉંચા અવાજે બોલી, ‘મારે ફક્ત મારા મમ્મી પપ્પાને નહી પણ તમને બધાને કંઇક કહેવું છે... સાંભળો તો પ્લીઝ...!’ તેનો અવાજ સરસ હતો એટલે ત્યાં ઉભેલા લોકોનું ધ્યાન તેના તરફ ગયું.


‘આજે મારો બર્થ ડે છે અને મારા સૌથી પ્યારા મમ્મી પપ્પા મને ઘણાં સમય પછી ગાર્ડનમાં લઇ આવ્યા છે. મને આઇસ્ક્રીમ ખવડાવ્યો... મને સરસ નવા કપડા લઇ આપ્યા અને આ સેંડલ પણ...! મારા મમ્મી પપ્પા મારા માટે બધુ કરે છે પણ મારા એક પ્રશ્નનો જવાબ નથી આપતા...!’ ખુશીએ જે રીતે કહ્યું તો બધાને કુતુહલ થયું કે આ નાની છોકરી શું કહેવા માગે છે ? તેઓ એકચિત્તે સાંભળવા લાગ્યા...! 


‘કયા પ્રશ્નનો જવાબ, ખુશી ?’ સુધીરભાઇ બોલ્યા.


‘એ જ કે મધ્યમવર્ગ કોને કહેવાય ? પણ આજે હું મારો લખેલો નિબંધ તમને સંભળાવું છે અને તમને બધાને કહીશ કે મધ્યમવર્ગ કોને કહેવાય...?’ એમ કહીને તેને તેના નાનકડા પર્સમાંથી એક ચીઠ્ઠી કાઢી અને ખોંખારો ખાધા પછી બોલવાનું શરૂ કર્યુ, 


*‘મધ્યમવર્ગ એટલે નિશાળના હોંશિયાર અને ઠોઠની વચ્ચે આવતો વિદ્યાર્થી...! જે ક્યારેય કોઇ સાચો જવાબ આપી શકતો નથી અને  ઠોઠ નિશાળીયાની જેમ ક્યારેય મસ્તી પણ નથી કરી શકતો...! મધ્યમવર્ગ તેમના ખિસ્સામાં પડેલા પૈસાને આધારે સાચું કે ખોટું બોલે છે. મધ્યમવર્ગ પોતાની પાસે પૈસાની સગવડ નથી એમ ખુલીને કોઇને કહી પણ શકતો નથી. તે રાશનની લાઇનમાં ઉભા રહેતા શરમાય છે અને કરિયાણાના બિલ હપ્તે હપ્તે ભરીને જીવનભર કરમાય છે. પોતાની ફ્રેન્ડ સાથે માર્કેટમાં બધી વસ્તુ તપાસે પણ મને આ રંગ નથી ગમતો કે આ તો મારી પાસે છે એમ કહીને નવી વસ્તુઓ જલ્દી નથી ખરીદતો એ છે મધ્યમ વર્ગ..! ભલે પેટ ખાલી રહ્યું હોય પણ મિષ્ટાન્નના મીઠા ઓડકાર ખાઇ બતાવે એ છે મધ્યમવર્ગ...! પોતાના દિકરા કે દિકરીના મોજ માટે પોતાના શોખને મારી નાખે એ છે મધ્યમવર્ગ...!  પગની કપાસી દુ:ખે પણ મને સારા સેન્ડલ લાવી આપે એ છે મધ્યમવર્ગ...!  પોતાના દિકરાઓ માટે સુખડી બનાવે પણ પોતે ઘી લગાવવાનું ભૂલી જવાનું બહાનું કરે એ છે મધ્યમવર્ગ...!  પપ્પા પાસે પૈસા ન હોય એટલે આજે તો લાવવાનું ભૂલી જ ગયો એ બહાનું કરે એ છે મધ્યમવર્ગ...! ઘરની હાલત ભલે ફફોડી હોય પણ પોતાની દિકરા દિકરીને સાચુ ન કહે એ છે મધ્યમવર્ગ...!!’*  


ત્યાં જ એકાએક ખુશી રડી પડી અને દોડીને પપ્પાને વળગી પડતા કહ્યું, *‘અને છેલ્લે..., હું મધ્યમવર્ગના મારા મમ્મી પપ્પાને ખૂબ જ પ્રેમ કરું છું....! મને મધ્યમવર્ગ ખૂબ જ વ્હાલો છે.’* 


અને ત્યાં ઉભેલા બધા ખુશીની વક્તૃત્વશૈલી પર આફરીન થઇ ગયા.  સુધીરભાઇ અને દિપિકાબેન તો પોતાના આંસુઓને રોક્યા વિના ખુશીને ચુંબનોથી નવડાવી રહ્યા હતા.  


*સ્ટેટસ* 

*ખાલી ખિસ્સામાં તો રોજ કેટલાય યુધ્ધો થાય છે,*

*ને કોઇને શું ખબર, એમાં આપણી કેવી હાર થાય છે.*


સૌજન્ય અને આભાર  સહિત...🙏

*લેખક* 

*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*

*મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦*

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...