રામ નવમી...

હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શકિતઓ હાવી થવા લાગે, જીવ અને જગત જ્યારે આધિ , વ્યાધિ અને ઉપાધિથી તપ્ત થઈ જાય ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે અને શાંતિ અને સુખ સ્થાપવા, પ્રેમ , પાવિત્ર્ય અને પ્રસન્નતાના પુંજ એવા પ્રભુ રામ બપોરના બાર વાગ્‍યા ના સમયે અને તીથિ ચૈત્ર સુદ નવમી ના દિવસે જન્મ લે છે . બળબળતા બપારમાં અને ધગધગતા તાપમાં શ્રીરામનો જન્મ થયો . શ્રી રામના આ જન્‍મ દિવસને ઉત્તર થી દક્ષિ‍ણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્‍યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાના ભાઈ ભાડું પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્‍તમ તરીકેનું, એક પૂર્ણ પુરુષનું, જીવન વ્‍યતિત કર્યુ.


રામ નવમી વસંત ઋતુમાં આવતો હિંદુ તહેવાર છે, જે ભગવાન રામનો જન્મદિન છે. વિષ્ણુના સાતમા અવતાર તરીકે, તે હિંદુ ધર્મનો મહત્વનો તહેવાર છે. ભારતના ઘણાં રાજ્યોમાં રામનવમીની જાહેર રજા પણ રાખવામાં છે.


આ દિવસ ઘણી જગ્યાએ રામકથાના પઠન-પાઠન કરવામાં આવે છે. ભારતીય પરંપરા દ્વારા રામાયણ અને મહાભારતને ઇતીહાસ માનવામાં આવે છે. લોકો રામમંદિરોમાં પૂજન-અર્ચન, દર્શનાર્થે જાય છે. અથવા ઘરમાં પૂજા-અર્ચના પણ કરે છે. રામની બાલમૂર્તિની સેવા-પૂજા તથા પારણાનાં દર્શન પણ કરાય છે. ઘણાં લોકો આ દિવસ વ્રત-ઉપવાસ પણ કરે છે.


આ દિવસે અયોધ્યા, સીતા સંહિત સ્થળ (ઉત્તર પ્રદેશ), સીતામઢી (બિહાર), જનકપુર ધામ (નેપાળ), ભદ્રાચલમ (તેલંગાણા), કોદંદરામ મંદિર (આંધ્ર પ્રદેશ) તથા રામેશ્વરમ (તામિલ નાડુ) તથા અન્ય નાના-મોટા નગરોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરાય છે. અયોધ્યામાં લોકો સરયુ નદીમાં સ્નાન કરી રામમંદિરમાં દર્શનાર્થે જાય છે.


➥  શ્રી રામ:

રામ તો ભારતીય સંસ્કૃતિના આધારસ્ત અને ભારતીય જનતાના નિષ્ઠા કેન્દ્ર છે . આ રામ ના રંગે ભારત જેટલું રંગાયું છે એટલું બીજા કેઈના રંગે રંગાયું નથી . પ્રત્યેક ભારતીયના હૃદય પર તેઓનું પ્રેમશાસન હજી પણ ચાલી રહ્યું છે . ઠેર ઠેરથી આવતો “શ્રી રામ જય રામ જય જય રામ” ની ધૂનોનો ઉદ્ઘોષ એની સાક્ષી પુરી રહ્યો છે. 


રામ આપણા જીવનમાં ઓતપ્રોત થઈને ભળી ગયા છે. ભારતના ગામડાંઓમાં બે વ્યક્તિઓ રસ્તામાં સામસામે મળે તો પરસ્પર હાથ જોડીને “ રામ રામ ” કહે છે. “ રામ રાખે તેને કોણ ચાખે ” એ શબ્દોમાં ભગવાનની રક્ષણશક્તિમાં રહેલો માનવનો વિશ્વાસ પ્રતિબિંબિત થાય છે . “ રામ રાખે તેમ રહીએ ” એ શબ્દોમાં સાચા ભક્તની સમર્પણ વૃત્તિની ઝલક દેખાય છે. પ્રભુ વિશ્વાસથી ચાલનાર માનવ , કાર્ય કે સંસ્થાને માટે "રામ ભરોસે " એ શબ્દપ્રયોગ આપણે ત્યાં પ્રચલિત છે. “ ઘટ ઘટમાં રામ વસે છે ” એ શબ્દસમૂહ ઈશ્વરની સર્વવ્યાપક્તાનું દર્શન કરાવે છે . કોઈ પણ સુવ્યવસ્થિત અને સંપન્ન રાજ્ય વ્યવસ્થા માટે “ રામ - રાજ્ય ” શબ્દ પર્યાય સામો બની ગયો છે . આવી રીતે રામ આપણા સમગ્ર જીવન વ્યવહારમાં ગૂંથાઈ ગયા છે. 


➥  મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ:

રામનો જન્મોત્સવ ભારતમાં ઠેર ઠેર ધામધૂમથી ઉજવાય છે . કારણ કે તેમના જન્મથી અને જીવનથી આખાયે રાષ્ટ્રને મનનીય માર્ગદર્શન મળ્યું છે . કૌટુંબિક , સામાજિક , નૈતિક તેમજ રાજકીય "મર્યાદા" માં રહીને પણ “ પુરુષ ” “ ઉત્તમ ’ શી રીતે થઈ શકે એ મર્યાદા – પુરુષોત્તમ રામનું જીવન આપણને સમજાવે છે . રામમાં દેવત્વ રામે નિર્માણ કર્યું છે . માનવ ઉચ્ચ ધ્યેય અને આદર્શ રાખી , ઉન્નતિ સાધી શકે તે રામે પોતાના જીવન દ્વારા બતાવ્યું છે અને તેવી જ વ્યક્તિ દેવત્વ પામી શકે એની પ્રતીતિ મહર્ષિ વાલ્મીકિએ આપણને કરાવી છે . વિકારોમાં , વિચારમાં તથા વ્યવહારિક સર્વે કાર્યોમાં તેમણે માનવીની મર્યાદા છોડી નથી . તેથી તે “ મર્યાદા –પુરુષોત્તમ ” કહેવાય છે. 


માનવજાત રામ બનવાનું ધ્યેય અને આદર્શ રાખે એટલા માટે મહર્ષિએ રામનું ચરિત્ર ચિત્રણ કર્યું છે . સદૂગુણની ટોચ અને તેમને સમુચ્ચય એટલે રામ ! “ આ ગુણે મારામાં લાવીશ એટલે હું રામ બનીશ ' – આવી મહત્ત્વાકાંક્ષા દરેક માનવના મનમાં નિર્માણ કરવા માટે ઋષિએ લેખિની હાથમાં પકડી હતી. 


ધર્મપરાયણ રામની પાલખી ખભે ઊંચકી આજે સી કોઈ ધન્યતા અનુભવે છે , કારણ કે રામ દૈવી સંસ્કૃતિના સંરક્ષક હતા અને દેવી સંપત્તિના ગુણોથી યુક્ત હતા . આસુરી સંસ્કૃતિનો નાશ કરનારને જ ભારત માથે લઈ નાખ્યું છે અને તેને જ આમજનતાએ પિતાના હૃદયમાં ચિરંતન સ્થાન આપ્યું છે એ આજે સૌ કોઈએ સમજી લેવાની જરૂર છે. 


રામના જીવનમાં પ્રતીત થતી દૈવી તેજસ્વિતા અને સાંસ્કૃતિક અસ્મિતા રામને મળેલા દિવ્ય શિક્ષણને આભારી છે . વિશ્વામિત્ર રામને લઈ ગયા હતા યજ્ઞના રક્ષણ માટે , પણ ત્યાં તેઓ રામને જુદી જ પદ્ધતિથી શિક્ષણ આપતા . રામની સાથે વાતો અને ચર્ચાઓ કરતાં કરતાં તેમણે રામને જીવનનું શિક્ષણ આપ્યું . રામને ખબર પણ ન પડી કે હું કંઈક ભણી રહ્યો છું . વિશ્વામિત્રને પણ કદી એમ ને લાગ્યું કે હું ભણાવી રહ્યો છું . આમ વિશ્વામિત્ર રોજ રામની જીવનદીવીમાંસાંસ્કૃતિક પ્રેમનું ધી પૂરતા રહ્યા . એક અંત : ક૨ણ બીજ અંતઃકરણ પાસે બોલે તેમ વિશ્વામિત્ર દિલ ખોલીને રામ પાસે બોલતા. 


રામના જીવનમાં રહેલા સદ્દગુણોને પણ આજના દિવસે સમજી લેવા જોઈએ . જેને રામ થવાની ઈચ્છા હોય - જેને નર માંથી નારાયણ થવું હોય તેણે રામનો એક-એક ગુણ લેવો તથા તે આત્મસાત્ કરવો તો તે ખરેખર એક દિવસ "रामे भूत्वा रामं यजेत् "– રામ થઈને રામની પૂજા કરશે. 


➥  રામના ચરિત્ર્યની ભવ્યતા:


➢ આદર્શ ભાઈ:

રામ આપણા સૌની સામે એક કૌટુંબિક આદર્શ મૂકી ગયા છે . રામને બીજા ત્રણ ભાઈઓ હતા છતાં તેઓની વચ્ચે ઝઘડો થયો એવું આપણે કદાપિ સાંભળ્યું નથી , કારણ કે ત્યાગમાં આગળ અને ભોગમાં પાછળ એ તેઓના જીવનમંત્ર હતો . સ્વાર્થ ત્યાગની પરાકાષ્ટા એટલે રામ . જ્યાં હંમેશાં બીજાનો વિચાર કરવામાં આવે છે , ત્યાગની તૈયારી રાખવામાં આવે છે ત્યાંથી કલેશ - કંકાસ સેંકડો યોજન દૂર રહે છે. 


➢ આદર્શ પુત્ર:

રામની માતૃ - પિતૃ ભક્તિ તો ખરેખર અનુકરણીય છે . વનમાં જવાની પિતાની આજ્ઞાનું રામ જરા પણ દુઃખ કે આનાકાની વગર પાલન કરે છે . રાજ્યાભિષેકની વાત સાંભળતી વખતે કે વનમાં જવાનો આદેશ સ્વીકારતી વખતે રામના ચહેરા પરના ભાવો એક સરખા જ હતા . કયાં વસુંધરાનું રાજ્ય અને કયાં વનવાસ ! વાલ્મીકિ કહે છે , "श्रुत्वा न विव्यथे रामः " વનવાસની આજ્ઞા સાંભળીને રામ જરા પણ વ્યથિત થયા નહીં . પિતાશ્રીનો શબ્દ તરત જ કબૂલ . આમ પ્રસન્નતા એટલે જ રામ , પ્રભાતનો પાંચથી સાત સમય , રામની યાદમાં રામ -પ્રહર તરીકે આથી જ રાખ્યો છે . મોટા ભાગના લોકો તે સમયે પ્રસન્ન હોય છે . વળી જે કૈકેયી માતાને લીધે આ પ્રસંગ ઉપસ્થિત થયો તે જ માતાને , જરા પણ દ્વેષ , મત્સર ન રાખતાં , રામ નમસ્કાર કરવા જાય છે અને પ્રથમ જેટલો જ પ્રેમ રાખી બોલે છે – એ રામના ચરિત્ર્યની ભવ્યતાનું દર્શન કરાવે છે. 


➢ આદર્શ મિત્ર:

રામ –સુગ્રીવની મૈત્રી પણ આદર્શ હતી . “ તારા જેવો મિત્રરકો'ક જ હોય ” – એમ રામ સુગ્રીવને કહે છે . પરસ્પરની શકિતનું માપ પૂર્ણ રીતે જાણનારાં રામ – સુગ્રીવ એકબીજાનું કામ ઉમંગથી કરે છે . વાલીને મારવામાં રામ સુગ્રીવને મદદ કરે છે અને રાવણને મારી સીતાને પાછા લાવવાના કામમાં સુગ્રીવ રામને મદદ કરે છે . સુગ્રીવ પર રામને અનહદ પ્રેમ હતો . સુગ્રીવમાં પણ તેમણે અભેદ્ય ભાવના સાધી હતી . સુગ્રીવને જરા પણ દુઃખ થાય તો રામની આંખમાં પાણી આવી જાય . રામે પિતાનામાં અને સુગ્રીવમાં જરા પણ ફરક જોયો નથી . તેથી જ રામ જ્યારે સરયૂ પ્રવેશ કરે છે ત્યારે કિષ્કિંધા થીં સુગ્રીવ દોડતો આવ્યો છે અને તે પણ રામ સાથે સરયૂ પ્રવેશ કરે છે . મતિ કુંઠિત થાય એ આ સુહદ –પ્રેમ છે. 


➢ આદર્શ શત્રુ:

લોકોત્તર શત્રુ પણ રામ જ . મારીચ રામની ઉદાત્તતા અને ભવ્યતાનું વર્ણન કરતાં કહે છે , “ મિત્ર જોઈએ તે રામ જેવો અને શત્રુ જોઇએ તે પણ રામ જેવો જ . ” રાવણના મૃત્યુ પછી વિભીષણ રાવણનો અગ્નિસંસ્કાર કરવાની ના પાડે છે ત્યારે રામ તેને કહે છે , “ મરણની સાથે વેર પૂરું થાય છે , તેથી ભાઈને શોભે એવો એનો અગ્નિસંસ્કાર કર . તું નહીં કરે તે હું એ કરીશ . એ જેવો તારો ભાઈ તેવો જ મારે પણ ભાઈ છે. 


➢ આદર્શ પતિ:

લોકોત્તર વલ્લભ એટલે રામ . સાધ્વી સ્ત્રીઓની અપેક્ષા રામ જેવા પતિની હોય છે . રામને અલૌકિક અને અનહદ પ્રેમ સીતા પર હતો . એ પ્રેમગીતથી રામાયણ ભર્યું છે . રામે સીતાનો ત્યાગ કર્યો એ પ્રસંગ પરથી કેટલાક લોકો રામના સીતા માટેના પ્રેમ વિષે શંકા ઊભી કરે છે , પરંતુ તે અસ્થાને છે . રામ રાજા હતા . રાજા તરીકે પ્રજાને વિશ્વાસ સંપાદન કરવા એ એમનું પ્રથમ કર્તવ્ય હતું . આ દષ્ટિએ રાજા તરીકે રામે રાણી સીતાને ત્યાગ કર્યો અને નહીં કે પતિએ પત્નીનો . દાંપત્ય ધર્મ અને રાજ્ય ધર્મ વચ્ચે ઊભા થયેલા સંઘર્ષને રામે યોગ્ય ઉકેલ સાધ્યો છે . રામે પત્નીને ત્યાગ કર્યો હોત તે રામ યજ્ઞ પ્રસંગે બીજી સ્ત્રીને પરણત પરંતુ રામે તેમ ન કરતાં સ્પષ્ટ ભાષામાં કહ્યું છે કે , “ રામના હૃદય – સિંહાસન પર એક સ્ત્રીને જ સ્થાન છે અને તે સ્ત્રી એટલે સીતા .” અંતે સીતાની સુવર્ણ પ્રતિમા બનાવીને યજ્ઞ કર્યો છે. 


સીતા પણ જન્મજન્માંતર સુધી રામને જ પતિ તરીકે , ઝંખે છે . આ રીતે જોતાં રામનો –ત્યાગ એ આત્મબલિદાનની ઉચ્ચતમ ભાવનાનું પ્રતીક છે. 


રામને પોતાની જન્મભૂમિ ખૂબ વહાલી હતી . વાલીને માર્યા પછી કિષ્કિંધાનું રાજ્ય તેઓ સુગ્રીવને આપી દે છે અને રાવણને માર્યા પછી લંકાનું રાજ્ય વિભીષણને આપી દે છે . આ ભૂમિએ સુંદર હતી પણું રામને લાભ કે મેહ ન થયો. 


“ दुर्लभं भारते जन्म। ” જે ભૂમિમાં જન્મ દુર્લભ છે એ ભૂમિમાં જન્મ મળ્યા પછી એ ભૂમિની મહત્તા એમને કોણ સમજાવશે ? રામના ઉપાસકોનું આ કામ છે . રામનવમીને દિવસે આ કાર્ય માટે કટિબદ્ધ બનીએ , માનવ માત્રને પ્રેરણા અને પ્રોત્સાહન આપતા સાગર જેવા ગંભીર , આકાશ જેવા વિશાળ અને હિમાલય જેવા ઉદાત્ત શ્રીરામના જીવનને વિચાર કરી તેમના ગુણોને જીવનમાં લાવવા , તેમના વિચારો અને સંસ્કૃતિ સમાજમાં ટકાવી રાખવા કૃતનિશ્ચયી બનીએ તો જ રામનવમી સાચા અર્થ માં ઊજવી કહેવાય.


રામ નવમીની શુભેચ્છાઓ...🙏

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...