બસ કર કોરોના...હે પ્રભુ !🙏

કહેર તેં બહું કરી,
હવે મહેર કર તો સારું  !
અહીં શહેરોના શહેર રોવા લાગ્યા છે,
ને ભઠ્ઠીઓ ગઈ છે હાંફી  !
સોશ્યલ મીડિયામાં તું એવો છવાણો કે...
ભયથી આંગળીઓ કાંપી  !
મોતનો મલાજો હવે જોવાતો-જળવાતો નથી,
"ॐ શાંતિ" કે "RIP...🌹🙏" લખવાને હિંમત લાવું કયાંથી ?!
ટક્કર હોય ખુદાથી જો તારે, તો જા...
ખુદાની ખુરશી તને દઉં હું  આપી !
બાકી માનવનું કાંઈ ગજુ મને ના લાગતું...
માનવની મથરાવટી તેં માપી !?
હોય હવે બે ચાર દહાડા કે પાંચ પચાસના ખેલ...
માંડ્યું શું આ મોતનું તાંડવ તે 400 દિવસથી ?
થોડું તો ઢીલું હવે મેલ.
ભઈ સા'બ, બાપા ને પગે લાગું કે 
અમારી ભૂલોને ભીતર તું ધકેલ.

- જયંતીભાઈ આઈ.પરમાર "નિર્દોષી"

••• 2 •••

તું ચૂપ કેમ છે?

તારી આપેલી આયુ રેખા ને નરાધમો લાગ્યા છે ભૂસવામાં,
નિર્દોષો તરફડે એમના નસીબના શ્વાસ લેવામાં, તું ચૂપ કેમ છે?

ઉમળકો નથી હવે, તને માયાળુ, કૃપાળુ, દયાળુ કહેવામાં,
હજાર હાથવાળા, હજારોને ચાર કાંઘની ખોટમાં, તું ચૂપ કેમ છે?

કોઈનું ભાવિ, કોઈના લાડ, કોઈના સપના હોમાયા છે કાળખપ્પરમાં,
નતમસ્તક છે માનવતા, ઠોકરે છે જીવન, કરૂણ પોકારમાં, તું ચૂપ કેમ છે?

જીવન વીતે કતારોમાં, એમ તારે શરણે આવવા સુતા કતારમાં,
ચારેકોર લૂંટારાનું જંગલરાજ, દુનિયાના ક્રુર ઈરાદામાં, તું ચૂપ કેમ છે?

તારણહાર, ચુપકીદી તોડ, તથાસ્તુ બોલ, લાખોની ખુશીમાં,
ચીસોમાં પીગળેલા શબ્દોની પીડા સમજવામાં, તું ચૂપ કેમ છે?

વિકરાળરૂપ ધરી ફરી અવતરવાની આજીજી લે ધ્યાનમાં,
માનવભક્ષીઓના નરસંહારનો ન્યાય આપવામાં, તું ચૂપ કેમ છે?

મનોજ શાહ
૨૯-૪-૨૧

••• 3 •••

કોઇને ઇશ્વર મળે તો કહેજો, માણસ મરી રહ્યો છે,
ઝાઝ્ઝો પ્રાણવાયુ હવામાં વધારે, માણસ મરી રહ્યો છે.

તને પૂજ્યા કર્યો મનથી આજીવન જે માણસે,
તારા કાજે ન જોયા દી કે રાત જે માણસે,
વગર પથારીએ કણસી કણસીને એ માણસ મરી રહ્યો છે.

કોઇને ઇશ્વર મળે તો કહેજો, માણસ મરી રહ્યો છે.

હોય હૈયામાં હામ ને ખિસ્સામાં દામ તેથી શું થાય?
મનમાં વસેલ હોય રામનું જ નામ તેથી શું થાય?
ધર્મ કોઇપણ હોય તેનો, અંતે તો માણસ મરી રહ્યો છે.

કોઇને ઇશ્વર મળે તો કહેજો, માણસ મરી રહ્યો છે.

આ લખતાં ય લાખ વાર ધ્રુજ્યો છે અંગુઠો અમારો,
તને કાંઇ નથી થતું ચલાવે જાય છે મોતનો મારો?
આંતરડી કકળીને થાકી છે હવે તો જાગ, માણસ મરી રહ્યો છે.

કોઇને ઇશ્વર મળે તો કહેજો, માણસ મરી રહ્યો છે.

બાપ સામે બેટો ગયો ને બેટા સામે જ કોઇ બાપ,
સ્મશાનને પણ હાંફ ચડ્યો છે હવે તો રાહત આપ,
ઉધારી દે ચોપડે પાપ પણ દયા રાખ, માણસ મરી રહ્યો છે.

કોઇને ઇશ્વર મળે તો કહેજો, માણસ મરી રહ્યો છે.

જવાનું તો હર કોઇએ છે એક દિવસ તારા ધામમાં,
પણ આમ થોડું હોય કે સોંપો પડી જાય ગામેગામમાં?
ઓરતા કેટલાયના અધુરા છે તેની તો લાજ રાખ, માણસ મરી રહ્યો છે.

કોઇને ઇશ્વર મળે તો કહેજો, માણસ મરી રહ્યો છે. 

માન્યું કે કેટલાંકમાં નહીં હોય જીવતી માણસાઈ,
તું તો ઇશ્વર છે તારાથી ય ભૂલાઈ ગઇ ઇશ્વરાઈ?
ઝાઝા બધાં ઘર નંદવાણા હવે તો કર હાંવ, માણસ મરી રહ્યો છે.

કોઇને ઇશ્વર મળે તો કહેજો, માણસ મરી રહ્યો છે.

કોઇના છીનવાયા છે લાડકવાયા તો કોઇની ગઇ છે આજીવિકા,
એક તાણોને તેર નહીં, તોંતેર તૂટે એવી થઈ ગઇ છે પ્રણાલિકા,
સજા હોય તો પણ કેટલી? થોડું તો વિચાર, માણસ મરી રહ્યો છે.

કોઇને ઇશ્વર મળે તો કહેજો, માણસ મરી રહ્યો છે.

- કલ્પેશ ભટ્ટ
30/04/2021 @10 am
દુખી મન અને ભગ્ન હ્રદય સાથે લખેલી કવિતા.
🙏🏻🙏🏻

••• 4 •••

એક અવાજે મડદાં બોલ્યાં 'સબ કુછ ચંગા-ચંગા'
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે 'વાહ રે બિલ્લા-રંગા'!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો  'રાજા મેરા નંગા'
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

- પારુલ ખખ્ખર

FB પર poem of the day

••• 5 •••

તું યે ઇશ્વર માસ્ક લગાવી બેઠો?
કે ધોવાને હાથ ગયો તું એંઠો!

એકે ખૂણે ભાળ નથી કંઇ તારી
ડિસ્ટન્સ રાખી કઇ ગુફામાં પેઠો?

પાંચે તત્વોનો અધિપતી તું માને
વાયુનો તો ક્યાંય નથી કંઇ નેઠો!

મન્નત, બાધા હોય તને જો પહોંચ્યું
કાઢી અવસર આવ જરા તું હેઠો

બીજું કાંઇ નહીં તો કહી દે કે મારે
ક્યાં સુધી કરવાની છે આ વેઠો.

••• 6 •••


ઓ ઈશ્વર!
તું પાછો ઈશ્વર થઈ જા ને!!

હ્ર્દય રડે છે, ચિત્કાર કરે છે,
તું પાછો દયાળુ થઈ જા ને.

સ્વજનો ચાલ્યા, વ્હાલા ચાલ્યા,
તારાં જ સૌ સંતાનો ચાલ્યા,
તું પાછો માવતર થઈ જા ને!!

રિસ ચડી છે? ક્રોધ ચડ્યો છે?
ભૂલ થઈ છે અમનેય ખબર છે
તું પાછો ક્ષમાવન થઈ જા ને!!

છોરું કછોરું થાય, માવતર કમાવતર નહિ,
ભૂલી જા તું સઘળું ઈશ્વર
તું પાછો ઈશ્વર થઈ જા ને!!!

હ્ર્દય તૂટ્યા, ઘરો તૂટ્યા
કંઈ કેટલાંય શમણાંઓ તૂટ્યા,
તારા સંતાનો સૌ દુઃખમાં ડૂબ્યા,
હે ઈશ્વર!
તું પાછો તારણહાર થઈ જા ને!!🙏🙏🙏

••• 7 •••

एक सुबह होगी 😊😊

जब लोगों के कंधों पर ऑक्सीजन सिलेंडर नहीं दफ्तर का बैग होगा, 

गली में एंबुलेंस नहीं स्कूल की वैन होगी, 

और भीड़ दवाखानो  पर नहीं चाय की दुकानों पर होगी, 

एक सुबह होगी ❤

जब हाथोंं में कैरम और लूडो नहीं बैट और बॉल होगा, 

मैदानों में सन्नाटा नहीं शोर का भार होगा, 

शहरों की सारी पाबंदियां हटेगी और फिर से त्यौहार होगा, 

एक सुबह होगी 🙏🙏

जब जी भर के सबको गले लगाएंगे, 

कड़वी यादों को दफन कर फिर से मुस्कुराएंगे, 

और दुनिया को कह देंगे नजरे झुका लो हम फिर से वापस आए हैं ।।

एक सुबह होगी  ?🤔

••• 8 •••

એક કાવ્ય 🙏 #સર્જક_તરીકે_મારી_ફરજ

હાય! અમારી જાન બચાવો હાય અમોને આપો શ્વાસ
હાય! અમોને શાને ખેલાવો છો નવા-નવા આ તાસ

હાય! અમે સૌ થાક્યા છીએ કુટી કુટી ખુદની છાતી
હાય! અમારી હાલત જોઈને શું આંખ્યું ટાઢી થાતી?

હાય! અમે તો બેઠા ઘરના ખૂણે ઉદાસ
હાય! અમોને શાને ખેલાવો છો નવા-નવા આ તાસ

હાય! કહે છે લાશો તમને હાય કહે છે માતા-બહેનો
હાય! અમારી પહોંચે ક્યાંથી? કહીને આદમી થાક્યો

હાય! તમે જોઈ લેજો સત્ય તણો કોઈ કાચ
હાય! અમોને શાને ખેલાવો છો નવા-નવા આ તાસ

હાય! અમારી બુમો સુણો, હૈયું ફાટ ભરીને રડતું
હાય! અમારા આંખોમાંથી રક્ત વહીને પડતું

હાય! અમારું જીવતર જાણે થઇ ગયું આભાસ
હાય! અમોને શાને ખેલાવો છો નવા-નવા આ તાસ

હાય! તમારી છાતી લોકો છપ્પન ઇંચ કહી પોકારે
હાય! તમારું હૈયું પીગળે હાય અમારી આવો વ્હારે 

હાય! તમારા પદ માટે શાને નાચો આવો નાચ
હાય! અમોને શાને ખેલાવો છો નવા-નવા આ તાસ

હાય! અમારા મરશિયા શાને પહોંચે રાજા આપને દ્વાર
હાય! અમારા ઝૂંપડાઓ સુઈ ગયા છે ભૂખ્યા પેટે આજ

હાય! તમારે મન તો બસ લાગે છે આ કંકાસ
હાય! અમોને શાને ખેલાવો છો નવા-નવા આ તાસ

હાય! કહું હું કોની માટે? કોણ મને સાંભળશે?
હાય! અમારા રાજા આજે મૌન ધરીને બેઠા છે.

હાય! અમારો જીવ બચાવો 'બનીને આવો દાસ'
હાય! અમોને શાને ખેલાવો છો નવા-નવા આ તાસ

દીપક કે.સોલંકી 'રહીશ'

https://www.facebook.com/100007640111368/posts/3430060087258628/?app=fbl

••• 9 •••

લજ્જાનો ઈતિહાસ વહે છે ગંગાજીમાં
માનવતાની લાશ વહે છે ગંગાજીમાં

જેને વીંટળાઈને પળભર નોખા નો થયા
હા, એ બાહુપાશ વહે છે ગંગાજીમાં

ધ્રુસ્કે ધ્રુસ્કે આંખોમાંથી જમના વહેતી
સંબંધો ચોપાસ વહે છે ગંગાજીમાં

ધરતી માહે સમાઈ જવા ઈચ્છા જાગી
જોયું  કે આકાશ  વહે  છે ગંગાજીમાં

પરંપરાના નામે ગોથા-ઠેબા ખાતો
કાળોધબ અજવાસ વહે છે ગંગાજીમાં

એની ઓળખ કરતાં દસકા વીસકા લાગ્યા
લે આ તો વિકાસ  વહે છે ગંગાજીમાં
 
પરપોટા ફૂટ્યા એવા કે ધાક પડી ગઈ,
જાણે અંતિમ સ્વાસ વહે છે ગંગાજીમાં

કાંઠે  ઉભો સ્વાન ચૂંથે કટકા-બટકા
ગંધાતી સુવાસ વહે છે ગંગાજીમાં

હરખાઈને શાસનમાં જે જમા કર્યો તો
મારો એ વિશ્વાસ વહે છે ગંગાજીમાં

નેટવર્ક  ગુ.સ. ૧૪ મે.

••• 10 •••

મને લાગે છે પ્રભુ પણ
Whatsapp નો
રસિયો થઈ ગયો છે,

એ પણ હવે
સ્વર્ગલોક ગ્રુપ,
પૃથ્વીલોક ગ્રુપ
બનાવતો થઈ ગયો છે.

અચાનક ગમે એને
You are removed
કહેતો થઈ ગયો છે,

પૃથ્વી ગ્રુપ ને બદલે
સ્વર્ગલોકમાં મેમ્બર
વધારતો થઈ ગયો છે.

અહીં અનાથ કરી,
ઉપર family
બનાવતો થઈ ગયો છે,

હવે બસ કર આ રમત
તું તો માણસ ની જેમ
અંચઈ કરતો થઈ ગયો છે.

••• 11 •••










Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...