પાટણનાપટોળાનો ઈતિહાસ...

          પાટણનાં પટોળાં સાથે એક રસપ્રદ કથા પણ સંકળાયેલી છે. છેક ૧૨મી સદીમાં ઈ.સ. ૧૧૭૫ના અરસામાં પાટણના સોલંકીવંશના રાજવી મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહના ઉત્તરાધિકારી મહારાજ કુમારપાળ સોલંકી ચૂસ્ત જૈન ધર્મી હતા.

          તેઓ દરરોજ પ્રાત:કાળે પુજાવિધિમાં બેસતી વેળા રેશમી પટોળાંનું ધોતીવસ્ત્ર અને  ઉપવસ્ત્ર પસંદ કરતા. તેઓ  દરરોજ નવા વસ્ત્રનો જ આગ્રહ રાખતા. એ વખતે  (૧૨મી સદીમાં) હાલના મહારાષ્ટ્રના દક્ષિણે ઔરંગાબાદ પાસે  આવેલા જાલના પ્રાન્તના મુંગીપટ્ટગામા વિસ્તારમાં વસતા પટોળાંનાં કુશળ કસબીઓ જ પટોળાં બનાવતા.

          પાટણના રાજવીના ધ્યાનમાં આવ્યું કે જાલનાનો રાજા પોતાના રાજમાં બનતા પટોળાંનો એક વાર ઉપયોગ કર્યા પછી જ તે પટોળાંને  જાલનાની બહાર વેચવા માટે મોકલવાની રજા આપે છે. હવે એક વાર વાપરેલું યા પહેરેલું પટોળું પૂજા વિધિમાં કેવી રીતે લઈ શકાય?

          આથી પાટણના રાજવી કુમારપાળ સોલંકીએ જાલના ઉપર ચઢાઈ કરી અને યુદ્ધમાં સમગ્ર પ્રદેશ જીતી લીધો. રાજાને બંદી બનાવાયો અને જાલનામાં વસતા તમામ ૭૦૦ સાળવી - વણકર પરિવારોને માનપૂર્વક પાટણ લાવીને વસાવ્યા. જાલના એટલે દક્ષિણ ભારતનું પ્રવેશદ્વાર.

દેશી હાથસાળ અને રંગોનો જાદુ. સંપૂર્ણપણે લાકડાની અને દેશી બનાવટની સાળ હોય છે. જેમાં કોઈ પ્રકારની મશીનરી કે મિકેનિકલ વર્કની ગેરહાજરી હોય છે. તેને હાથથી જ ચલાવવામાં આવે છે. એમાં ક્યાંય પગનો ઉપયોગ પણ થતો નથી. વિશ્ર્વમાં આ પ્રકારની સાળ ઉપર વણાટકામ આપણે ત્યાં જ (પાટણમાં) થાય છે.

          પાટણનાં પટોળાં એટલે રેશમનાં તાણાંવાણાં ઉપર સુંદર ભાત. પાટણનાં પટોળાંનો ગુણવિશેષ દર્શાવતી જાણીતી ગુજરાતી કહેવત છે : "પડી પટોળે ભાત, ફાટે પણ ફિટે નહીં. રેશમનું સૌંદર્ય એટલે પટોળાં. ઘણાં બધાં ગુજરાતી ગીતો અન્ો લોકગીતોમાં પાટણનાં પટોળાંની હાજરી ચિરંજીવ છે. એમાંનું એક ગીત ખાસ્સું જાણીતું છે. "છેલાજી રે... મારી હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો... એમાં રૂડા રે તારલિયા જડાવજો...

          મોંઘાં શબ્દ પણ સૂચક છે. સદીઓ પહેલા તો છેક ચીનથી પાટણ રેશમ આયાત કરવામાં આવતું. પાટણમાં અગાઉ ૫૦૦થી વધુ સાળવી - વણકર પરિવારો પટોળાં બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા હતા. આજે ફક્ત ત્રણ-ચાર પરિવારો જ આ ભાતીગળ કળાને જીવંત રાખી રહૃાા છે.

          પટોળાનાં વણાટકામમાં કાપડનો ૪૮નો પનો હોય છે. એક પટોળું બનાવવામાં લગભગ ચારેક મહિના થાય. એ હિસાબ્ો એક વર્ષમાં એક સાળવી વણકર કારીગર-કલાકારનું જૂથ (જેમાં ત્રણ-ચાર કસબી જોડાયેલા હોય.) માંડ ત્રણેક પટોળાં જ તૈયાર કરી શકે. આ જ કારણ છે કે પટોળાંની કિંમત લાખોમાં થવા જાય છે. એટલે કે દોઢ લાખથી લઈને ત્રણ-ચાર લાખ રૂપિયા અને એથી મોંઘા પટોળાં પણ બને છે.

          મોટા ભાગે ગ્રાહકના ઑર્ડર અનુસાર આ કલાકારો પટોળાં તૈયાર કરવાનું વધુ પસંદ કરે છે. એટલે કે તમે પાટણમાં આ કલાકાર પાસે જાઓ ત્યારે પટોળાં તૈયાર મળી રહે એવું ન બને. એક નાનકડો દુપટ્ટો પણ પટોળાં સ્ટાઈલનો બનાવવામાં આવે તો એની કિંમત પણ રૂપિયા ૧૦,૦૦૦થી વધુ રહેતી હોય છે.

          પટોળાં મોંઘાં હોવાનું કારણ એ પણ છે કે અન્ય કાપડની સરેરાશ આવરદા ૧૦૦ વર્ષની ગણાય. જ્યારે આ પટોળાં ૧૦૦ વર્ષ કરતાંય અધિક વર્ષો સુધી જેમનાં તેમ જ રહે છે. કહે છે કે ૩૦૦ વર્ષ સુધી તો તેનો રંગ પણ જતો નથી. પટોળાં જેમ જૂનાં તેમ તેની કિંમત વધુ. એટલે કે પટોળાંનું મહત્ત્વ અને મૂલ્ય વિન્ટેજ કાર જેવું છે.

          પટોળાં બનાવવામાં રેશમના વણાટકામથી માંડીને કાપડને ૨૦ પ્રકારની પ્રૉસેસમાંથી પસાર કરાવવામાં આવે છે. આવી જટિલ પ્રક્રિયાના કારણે જ પટોળાં મોંઘાં હોય છે. પટોળાં સાડીની વિશેષતા એ છે કે તેને ઊલટાવીને જુઓ કે સુલટાવીને જુઓ, તેની ડિઝાઈન એકસરખી જ લાગે. આથી તેને બેઉ બાજુથી પહેરી શકાય. નવાઈની વાત તો એ છે કે પટોળાં સાડી બનાવી દીધા પછી તો તેના કારીગર-કસબીને પણ ખ્યાલ આવતો નથી કે આ પટોળાં સાડી કઈ તરફથી સીધી ગણાય.

          પટોળું બનાવનાર કલાકાર હાથસાળ પર રેશમનું કાપડ વણી લીધા બાદ ડિઝાઈનની પસંદગી કરીને ડિઝાઈનની જરૂરિયાત અનુસાર કાપડને નાની નાની ગાંઠ મારીને નેચરલ કલર - વનસ્પતિજન્ય રંગના મિશ્રણમાં બોળીને પટોળાંની ભાત ઉપસાવે છે. ગળીમાંથી ભૂરો રંગ મળે. હળદરમાંથી પીળો, આમળામાંથી લીલો. એ જ પ્રમાણે ગુલાબની પાંદડીઓ, હરડે, બોરડીની લાખ. મોટા ભાગે શ્ર્વેત-શ્યામ ઉપરાંત લાલ, લીલો, પીળો, વાદળી, કેસરી અને મોરપિચ્છ રંગ સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે.

          પટોળું શબ્દ "પટ્ટ શબ્દ પરથી આવ્યો છે અને ઈસુની છેક ૭મી સદીમાં પટ્ટ શબ્દ વસ્ત્રના પર્યાયરૂપ શબ્દ તરીકે પ્રયોજાતો હોવાનું પ્રમાણ મળે છે. મહાકવિ કાલીદાસે તેમની "માલવિકાગ્નિમિત્ર નામની સંસ્કૃત નાટ્યકૃતિમાં "પત્રોણ શબ્દ વસ્ત્રના અર્થમાં પ્રયોજ્યો છે. જ્યારે તેમની જાણીતી કૃતિ "અભિજ્ઞાન શાકુન્તલમ્માં પણ કાલીદાસે વસ્ત્ર માટે "ચીનાંશુક શબ્દનો ઉપયોગ કર્યો છે....

પાટણથી પટોળાં વિષેનું પ્રખ્યાત ગીત...

છેલાજી રે
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે

રંગ રતુંબલ કોર કસુંબલ
પાલવ પ્રાણ બિછાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે

ઓલ્યા પાટણ શે’રની રે મારે થાવું પદમણી નાર
ઓઢી અંગ પટોળું રે  એની રેલાવું રંગધાર
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે

ઓલી રંગ નીતરતી રે મને પામરી ગમતી રે
એને પહેરતાં પગમાં રે  પાયલ છમછમતી રે
નથણી લવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...