સાહિત્યકાર અને બારાખડી...

      સુપ્રસિદ્ધ સાહિત્યકારો, બૌદ્ધિકો, કવિઓ કે લેખકો, પોતે બોલેલી કે લખેલી ખાસ "પંક્તિઓ, મુક્તકો, સુવાક્યો કે ઉક્તિઓ" વડે ખાસ ઓળખ ધારા વતા હોય છે. આ પ્રકારની ખાસ પંક્તિઓ અત્રે "કક્કો કે વ્યંજનો" ના પરિક્રમમાં ગોઠવીને પ્રસ્તુત છે. દરેકે દરેક પંક્તિઓ આપને વાંચવી ને સમજવી ગમશે. :-

કઃ

કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે,

કે તમારા મૌનને પણ રાગણી કરશું અમે.

સૌથી પહેલાં તો હ્રદયની તાપણી કરશું અમે,

એ પછી જે કાંઇ બચશે, લાગણી કરશું અમે.– -બરકત વિરાણી “બેફામ”

ખ –

ખોબો ભરીને અમે એટલું હસ્યાં

કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં –

ખટમીઠા સપનાઓ ભૂરાં ભૂરાં

કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં

અમે ધુમ્મસના દરિયામાં એવા ડૂબ્યાં

કે હોડી ખડક થઈ અમને નડ્યાં ——કવિ જગદીશ જોશી

ગ –

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો,

જીવનદાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો – કવિ નાઝિર દેખૈયા

ઘઃ

ઘણાં ચહેરા, ઘણી વાતો, ઘણું મૂકી ગયો છું હું,

અરીસો થઈ અને મુજ હાથથી ફૂટી ગયો છું હું.

ઘણી મશહૂર છે સ્ટૉરી, “ટપકતી છત હતો પહેલાં”

પછી વરસ્યો ઘણૉ વરસાદ અને તૂટી ગયો છું હું.—–જીગર જોષી

ચ –

ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.

લહરી ઢળકી જતી,

વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,

દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,

સ્વૈર પથ એહનો ઝાલીએ,

ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,

ચાલને !——————ઉમાશંકર જોશી

છ –

છો ને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે,

બન્ને દિલોમાં પ્રેમનો ઝણકાર બાકી છે.

સંસારના વહેવારનો વેપાર બાકી છે,

બન્ને દિલોના મળવા હજુ તાર બાકી છે.

અભિમાનમાં ફુલાઈ ગયા, જોયું ના ફરીને

ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને બિમાર કરીને

મારા ભોળા દિલનો ———– રમેશ ગુપ્તા

જઃ

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,

ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,

રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.—આદિલ મનસુરી

ઝ –

ઝટ જાઓ, ચંદનહાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું હું

મને લાગ્યો છે હારનો નેડલો, તમથી નહીં બોલું હું

નહીં ચડે ચૂલે રોટલી, ને નહીં ચડે તપેલે દાળ,

હાર નહીં લાવી દીયો, તો તો પાડીશ હું હળતાળ રે

ઘૂંઘટ નહીં ખોલું હું …———– ચીમનલાલ ભીખાલાલ જોશી

ટ –

ટચલી આંગળીનો નખ,

હું તો લટમાં પરોવી બેઠી સાજન,

મુ’ને એકવાર કાગળ તો લખ! ——- વિનોદ જોશી

ઠ – –

ઠોકરની સાથે તુજ નામ લેવાય છે ઈશ્વર,

તું કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર!

ને દૂર પેલી વસ્તીમાં ભૂખ્યાં છે ભૂલકાં,

લાગે છે તને દૂરના ચશ્મા છે ઈશ્વર!! ———-સૌમ્ય જોશી

ડ –

ડૂબતા સૂરજથી રૂઠી જાય છે સૂરજમુખી,

રાતરાણી એને આવીને મનાવી જાય છેઃ

ક્યાં રહે બાકી અભિવ્યક્તિની કોઈ શક્યતા,

કક્કા સાથે કાનો-માતર પણ ઉઠાવી જાય છે! — અદમ ટંકારવી

ઢ –

ઢળેલી આંખ તારા સ્નેહનું પ્રતિબિંબ છે

ખરેખર તો હ્રદયની વાતનું પ્રતિબિંબ છે. ——— રશ્મિ શાહ

ણઃ

ક ને મળે તો નાનો કણ,ખ ને મળે તો માથુ ખણ…

ગ ને મળે તો પૈસા ગણ,ચ ને મળે તો પંખી ચણ…

જ ને મળે તો જન્મે જણ,ધ ને મળે તો ટોળે ધણ…

પ ને મળે તો પ્રભુ પણ, ભ ને મળે તો ભણતર ભણ…

મ ને મળે તો મઝા મણ, ર ને મળે તો તરસે રણ…

હ ને મળે તો કોઇને ન હણ,ક્ષ ને મળે તો સરકે ક્ષણ….

ત્ર ને મળે તો ત્રિપુટી ત્રણ,અગર મળે જો અક્ષર ત્રણ,

તો આંગણ ફાગણ કરતા કરતા…‘ણ’ મળી એમ કરતો કામણ….. દેવિકા ધ્રુવ

ત –

તમારાં આજ અહીં પગલાં થવાના,

ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે;

ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,

ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે! ——– ગની દહીંવાળા

થ –

થઈ ગયાં છે ગાંધી અહીં ને થઈ ગયાં લોખંડીવીર,

ઈતિહાસને પલટી રહ્યાં, મોદી ખડા ગુજરાત છે.

વાણી મારી ગુજરાતીનને ભૂમિ આ ગુજરાત છે! —— દેવિકા ધ્રુવ

દ – –

દ્રૌપદીની આબરૂ દુઃશાસને લુંટાય છે,

એ પળે જાણે અજાણે શત્રુતા રોપાય છે!

માછલીની એક આંખે તાકવું જો તીર તો,

સાધવા સંધાન તો શું પાર્થએ રોકાય છે? —— શૈલા મુન્શા

ધ – –

ધારો કે એક સાંજ આપણે મળ્યાં;

આપણે હળ્યાં, પણ આખા આ આયખાંનુ શું? —– જગદીશ જોશી

ન –

નજર મિલાવી નજરથી દિલને લૂંટી કોણ ગયું?

ખીલી ન ખીલી કળિયો ત્યાં તો ચૂંટી કોણ ગયું? -– — અમર પાલનપુરી

પ – –

પંખીઓએ કલશોર કર્યો, ભાઇ ! ધરતીને સૂરજ ચૂમ્યો,

કૂથલી લઇને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો, વનેવન ઘૂમ્યો..

ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,

શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો, ઘૂમટો તાણ્યો..

નીનુ મઝુમદાર

ફઃ

ફૂલોમાં ડંખો કદી ક્યારેક કાંટાંમાં સુવાસ

લાગણીની આ રમત

આદમથી શેખ આદમ સુધી

એ જ દોરંગી લડત

આદમથી શેખાદમ સુધી ————–શેખાદમ આબુવાલા

બ –

બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા,

કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયાં.

આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય,

એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા.

– કૃષ્ણ દવે

ભ –

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,

જંગલની કુંજ કુંજ જોવી હતી

જોવી’તી કોતરોને જોવી’તી કંદરા,

રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.—– શ્રી ઉમાશંકર જોશી

મ –

મૈત્રીભાવનુ પવિત્ર ઝરણુ

મુજ હૈયામાં વહ્યાં કરે,

શુભ થાઓ આ સકળ વિશ્વનુ

એવી ભાવના નિત્ય રહે.—– મુનિ ચિત્રભાનુ

ય –

યાદમાં મળીએ પળેપળ, ક્યાંક તું ને ક્યાંક હું

કાપીએ ચૂપચાપ અંજળ, ક્યાંક તું ને ક્યાંક હું – —-રાજેશ વ્યાસ ‘મિસ્કીન

ર –

રેત ભીની તમે કરો છો પણ,

રણ સમંદર કદી નહિ લાગે;

શબને ફૂલ ધરો છો પણ,

મોત સુંદર કદી નહિ લાગે… ‘કામિલ’ વટવા

લ –

લાગણીનું નામ આવ્યું,શ્વાસ સૂનો થઇ ગયો,

શબ્દ જેવો શબ્દ પણ બેબાક મૂંગો થઇ ગયો.

હું કશું સમજું એ પહેલાં સાવ અળગો થઇ ગયો,

ફિલસૂફીમાં હું ગળાડૂબ મિત્ર શાણો થઇ ગયો.——- ગુલામ અબ્બાસ.

વ –

વગડા વચ્ચે તલાવડી રે તલાવડીની સોડ

ઊગ્યો વન ચંપાનો છોડ વસંત આવ્યો

વરણાગી રે ઝૂલે કેસરિયા ઝૂલ ——- બાલમુકુંદ દવે

શઃ

શબ્દ ક્યાં મારો કે તમારો છે? શબ્દ હર કોઈનો દુલારો છે.

બુઠ્ઠા અણિયારા રેશમી બોદા,શબ્દના કેટલા પ્રકારો છે

ભાવ છે અર્થ છે અલંકારો,શબ્દનો કેટલો ઠઠારો છે

જો જરાક અડકો તો છટપટી ઉઠશે,શબ્દ સંવેદનાનો ભારો છે

– રાહી ઓધારિયા

સ –

સપના રૂપે ય આપ ના આવો નજર સુધી

ઊડી ગઈ છે નિંદ હવે તો સહર સુધી – –કવિ બેફામ

હ –

હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત– કવિ અવિનાશ વ્યાસ


ળઃ

‘ળ‘ન હોત તો ગોળ ગળ્યો ન હોત,

ને સઘળું સળવળતુ ન હોત;

‘ળ‘ ન હોત તો ફળિયે મળ્યા ન હોત,

ને કાળજે સોળ ન હોત;

‘ળ‘ ન હોત તો માળવે મળ્યા ન હોત,

ને વાંસળી થી વ્યાકુળ ન હોત;

‘ળ‘ ન હોત તો કાગળ ઝળક્યાં ન હોત,

ને ઝાકળ ઝળહળ ન હોત;

‘ળ‘ ન હોત તો આંગળી ઝબોળાઇ ન હોત,

ને જળ ખળભળ ન હોત.————–દેવિકા ધ્રુવ

*ક્ષ* –

ક્ષણ છોડી ને ,સદી માં શોધું છું!

ખોવાયેલી નાવ ,નદીમાં શોધું છું !!

છે બધું છતાં કેમ,ખૂટે છે કશુ ?

સુખના કારણો,અતીતમાં શોધું છું !!

સમાયું બધુંએ ,શૂન્યમાં જાણું છું!

તોય જુઓ બધું ,અતિમાં શોધું છું !!-અનામી

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,

બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,

ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. મનોજ ખંડેરિયા

*જ્ઞ* –

જ્ઞાન એ જ જે વર્તન હોય

પરમ બ્રહ્મનું સ્વરૂપ સોય. અનામી.

ક્ષ અને જ્ઞ

એક સાથેઃ

ક્ષરાક્ષરના જ્ઞાતા ક્ષત્રિય ક્ષમિતે,

જ્ઞાન-ચક્ષુથી ક્ષીરનીરના જ્ઞાનથી,

જ્ઞાતિના ક્ષેત્રની ક્ષતિઓને,

ક્ષમ્ય-ભાવે ક્ષમી, ક્ષણે ક્ષણે,

ક્ષેમકુશળતા બક્ષી….. દેવિકા ધ્રુવ

શ્રઃ

શ્રીકૃષ્ણચન્દ્રકૃપાલુ ભજમન નન્દનન્દન સુન્દરમ્

અશરણશરણ ભવભયહરણ આનન્દઘન રાધાવરમ્

શીરમોરમુકુટ વિચિત્રમણિમય મકરકુંડલધારિણમ્

મુખચન્દ્રદ્રુતિનગ ચન્દ્રદ્યુતિ પુષ્પિતનિકુંજવિહારિણમ્———–કવિ શ્રી જયરામ

શ્રાવણનો આ સરતો મહિનો, પણ ક્યાં છે સૌનો કાનો,

ગોતી ગોતી થાકી આંખો, ના દેખાય યમૂનાનો કાંઠો….

વસુદેવ ને દેવકી લઇને આવે જેલની યાદો,

નંદ-જશોદા બાંધી બેઠા ક્યારનો મનમાં માળો,

શોધી શોધી થાકી આંખો, ના દેખાય ગોકુળની ગાયો…..

લાગણીઓ તો લળી લળીને રમવા માંડી રાસો,

ઉજાગરાએ માંડ્યો હવે, લો, રાતનો અહીં વાસો,

ગોતી ગોતી થાકી આંખો, ના દેખાય મન-મંદિરનો માધો……દેવિકા ધ્રુવ

ઋઃ

ૠતુ રૂડી રૂડી મારા વહાલા,રૂડો માસ વસંત

રૂડા વન માંહે કેસું ફૂટયાં, રૂડો રાધાજીનો રંગ.

-નરસિંહ મહેતા

======================

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...