અનોખું અમદાવાદ...
1.
**અમદાવાદ શહેરની ટોકીઝોની કહાની **
અમદાવાદ શહેરમાં *વસંત* ઋતું ચાલતી હતી. *શીતલ* પવન ફૂંકાઈ રહ્યો હતો. સૂયઁ પોતાનો *પ્રકાશ* ફેંકી રહ્યો હતો. તે સમયે *લલિતામહલ* માં *મોહન*, *કમલ* અને *આશિષ* બેઠા હતા. તેઓ *એવરેસ્ટ* શિખરની વાતો જાણી આનંદ લઈ રહ્યા હતા. તે સમયે ત્રણે *એડવાન્સ* માં *મધુરમ* *મંગલમ* ના *સપના* જોઈ રહ્યા હતા. તે સમયે *આમ્રપાલી* અને *નટરાજ* રાજાની પુત્રીઓ જેવી કે *રૂપાલી* *રૂપમ* અને *અનુપમ* મોતીના *અલંકાર* પહેરી *અપ્સરા* જેવી લાગતી હતી. *શ્રી* *ગીતા* ને *મીરા* ની *માયા* પર પ્રભાવિત થઈ ગઈ હતી. *ચંદ્રભાનું*, *શિવ* ની *આરાધના* માં મશગુલ હતી. તે સમયે અમદાવાદમાં ત્રણે પુત્રીઓ *રોશની* *સોનલ* અને *ગૌરી* *રિલીફ* રોડનો પ્રવાસ રદ કરી *ગેલેકસી* ચોકમાં *અશોક* અને *શાલીમાર* ના *મિલન* સમારંભમાં ગયા. ત્યાં *રોઝી* અને *અંબર* નો *સંગમ* થયો. તે વખતે *એલ.એન* ચોકમાં તોફાન થયું. તોફાનમાં *લક્ષ્મી* અને *ગોલ્ડન* મૢત્યુ પામી. આ બે રત્રીઓના મૢત્યુના સમાચાર અમદાવાદ શહેરમાં ફેલાતા *લાઈટહાઉસ* બંધ થઈ ગયું. શહેરમાં અંધકાર છવાઈ ગયો. *સેન્ટ્રલ* ચોકમાં ગોળીબાર થયો. ગોળીબાર માં *કૢષ્ણ*, *નૉવેલ્ટી*,અને *ઈગ્લીંશ* નાં મૢત્યુ થયા. આ તોફાન વધુ ફેલાતાં બીજી બે સ્ત્રીઓ *કલ્પના* અને *મૉડલ* પણ મૢત્યુનો ભોગ બની. આ તોફાનના કારણે *પ્રતાપ* અને *પ્રિયા* ના ઘરને તાળું લાગી ગયું. *રીગલ* વિચારમય જીવન જીવતો થઈ ગયો. તે વખતે *ડ્રાઈવઈન* ચોકમાં સ્ત્રી કેળવણીકારો સ્ત્રી હકકની માંગણી કરતાં હતા. આ રક્ષણ હકક આંદોલનમાં બે સ્ત્રીઓ જેવી કે *અજંતા* અને *ઈલોરા* એ પોતાના પ્રાણ ગુમાવ્યાં હતાં. શહેરમાં તોફાન દરમ્યાન મૢત્યુ પામેલી વ્યકિતનાં માનમાં સ્ત્રી કેળવણીકાર *ઉષા* એ *દિપાલી* ના બંગલામાં શ્રધ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો હતો.તેમાં સ્ત્રી કેળવણીકારોએ મૢત્યુ પામેલી વ્યકિતઓને *અંજલી* આપી હતી.
નોંધ:- અમદાવાદમાં કુલ 56 ટોકીઝ હતી.
2.
દલિત મેયર
આમ તો અમદાવાદના દલિત મેયર વિષે કંઈ લખવાની ઇચ્છા નહોતી. પરંતુ જ્યારે સંદેશમાં છપાયું કે આ પ્રથમ મિલ મજુર છે, જે અમદાવાદના મેયર બન્યા છે, ત્યારે મને થયું કે ઇતિહાસ ખોટો લખાઈ રહ્યો છે. મારે કંઈક લખવું જોઇએ.
1873માં અમદાવાદ મ્યુનિસિપાલિટીની સ્થાપના થઈ, એ પછી 1926માં બરો મ્યુનિસિપાલિટી બની અને એ પછી 1950માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના થઈ ત્યારથી માંડીને 1987માં ભાજપ સત્તા પર આવી ત્યાં સુધી 110 વર્ષ સુધી કોંગ્રેસ સત્તા પર હતી. 110 વર્ષમાં કોંગ્રેસે માત્ર એક જ વાર એક દલિતને મેયર બનાવ્યા હતા. જેઠાભાઈ ડોસાભાઈ પરમાર અમદાવાદના પ્રથમ મિલમજુર દલિત મેયર હતા.
અમદાવાદમાં કોંગ્રેસના એકસો દસ વર્ષના શાસનનો 1987માં અંત આવ્યો ત્યારે ભાજપે ગોપાળદાસ સોલંકીને મેયર બનાવ્યા. ગોપાળદાસ બીજા દલિત મેયર હતા. તેઓ અલબત્ત મિલમજુર નહોતા, પરંતુ શાહીબાગમાં મિલમજુરોએ બનાવેલી ધાબર સોસાયટીમાં તેઓ જરુર રહેતા હતા. ભાજપે 37 વર્ષ પછી કિરિટ પરમારને મેયર બનાવ્યા. તેઓ ત્રીજા દલિત મેયર છે.
જે શહેરમાં દલિતોની આબાદી સહેજેય પાંચ લાખ છે, જ્યાં દલિત સમાજના બુદ્ધિજીવીઓ, અધિકારીઓ, કર્મશીલો ચાલીએ ચાલીએ જન્મ્યા છે, મોટા થયા છે, એવા શહેરમાં શું કોંગ્રેસ કે શું ભાજપ બંનેએ મૂરખ દલિત સમાજનો હંમેશાં વોટબેન્ક તરીકે જ ઉપયોગ કે દુરુપયોગ કર્યો છે. એકવાર, માત્ર એકવાર ગામ તળેટીના વતની અને હંમેશાં દલિત કવિ સંમેલનોમાં એમની એકમાત્ર કવિતા 'મહાત્મા ગાંધીને શોધું છું' વાંચનારા જયંતિલાલ પરમાર સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન બન્યા હતા, તે સિવાય આ અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનના 147 વર્ષના વહીવટી ઇતિહાસમાં ક્યારેય દલિત સમાજની વ્યક્તિને સ્ટેન્ડિંગ કમિટિની ચેરપર્સન બનાવવામાં આવી નથી. કોંગ્રેસના શાસનમાં પણ સી. હિરાચંદ જેવા મારવાડીઓ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન બનતા હતા.
10,000 કરોડની રકમનો વહીવટ કરવા માટે કોંગ્રેસ કે ભાજપે દલિતોને ક્યારેય સક્ષમ ગણ્યા નથી. જ્યારે આ હકીકત અંગે વિચારું છું ત્યારે મન ગ્લાનિથી ભરાઈ જાય છે. શું મારો સમાજ એટલો બધો નપાણિયો છે, વાહિયાત છે કે જે શહેરને માંચેસ્ટર બનાવવા, જે શહેરની કાપડ મિલોને ધમધમતી રાખવા મારા સમાજે આંતરડા ગોગળે આવી જાય ત્યાં સુધી, ફેફસામાં રુના તાર ભરાઈ જાય અને ટીબીથી મરી જાય ત્યાં સુધી લોહીપસીનો વહેવડાવીને સમૃદ્ધ કર્યું એ શહેરના વહીવટમાં મારા સમાજનો કોઈ અવાજ નથી? શું મારા સમાજના બુદ્ધિજીવીઓ એટલા બધા હૈયાફુટ્યા છે કે ભેગા થઈને આ શહેરનો વહીવટ પોતાના હાથમાં લેવા માટે સક્ષમ જ નથી? આ બધા સવાલો જ્યારે મારા મનમાં ઉઠે છે ત્યારે, કિરિટભાઈને અભિનંદન આપવાની શક્તિ બચતી નથી. જે સમાજે કીડા મંકોડા તરીકે જીવવાનું જ પસંદ કર્યું છે એના માટે કશું બોલવું પણ નકામુ છે.
#રાજુસોલંકી
3.
રિલીફ સિનેમા 1952 માં ઉદઘાટન થયું ત્યારે લેવાયેલી અલભ્ય તસવીર!!! જૂની ફિલ્મ દાસ્તાન (તે વખતે સાવ નવી) થી શરૂઆત થઈ, પુશ બેક ચેરની અદ્યતન સેવા સાથે!!! જોવા અને જાણવા આવેલાઓ પાસે માત્ર સાયકલ જ. સ્કુટર તો સમ ખાવા એકેય દૃષટિગોચર નથી. લગભગ તમામ પુરુષો સફેદ લેંઘામાં સજ્જ, પેન્ટ કદાચ લક્ષરીમાં આવતું હશે!!!
4.
અમદાવાદ સાથે જોડાયેલી રમૂજ
***********
***
કટિંગ (અડધી) કે પા (ક્વાર્ટર) ચ્હા માટે જાણીતા અમદાવાદ શહેરની શાકભાજીની વાત અમે ગઈ સાલે જ વાંચી. મુંબઈસ્થિત સોલિસિટર રામદાસભાઈ ગાંધીએ ‘સફર સોલિસિટરની’ પુસ્તક લખ્યું છે. તેઓ થોડાં વર્ષ અમદાવાદમાં પણ રહ્યા હતા. તેમણે નોંધ્યું છે કે ઓછામાં ઓછો નકામો ભાગ નીકળે અમદાવાદના લોકો ‘ટીંડોળાં’નું શાક સૌથી વધુ બનાવતા. એક તો ‘ટીંડોળાં’ એવું શાક કે તેમાં નકામો ભાગ ઓછો હોય અને વળી ચડી પણ જલદી જાય.
****
તેમણે એમ પણ નોંધ્યું છે કે જો કોઈ નારંગી કે મોસંબી ખરીદતું હોય તો તેમને તરત પૂછવામાં આવતું કે ઘરે કોઈ માંદું છે? કોઈ બીમાર હોય ત્યારે જ લોકો ફળ ખરીદતા.
કેવો હતો એક જમાનામાં અમદાવાદી?
******
સાયકલ લઈને પોતાના બે-ત્રણ મિત્રો સાથે ચ્હાની હોટલમાં જાય. હોટલની બહાર સાયકલ પાર્ક કરીને થડા પર બેઠેલાને સૂચના આપેઃ ‘બોસ, આ સાયકલનું ધ્યાન રાખજો...’
એ પછી ત્રણ-ચાર મિત્રો હોટલમાં સ્થાન લઈને તરત જ સૂચના આપે... એ ભાઈ પંખો ચાલું કરો. પંખો ચાલું થાય તેની દસમી મિનિટે બે કટિંગ (અરધી) ચ્હાનો ઓર્ડર ‘માણેક ચોકની માર્કેટમાં એક કિલો સોનાનો ઓર્ડર આપતા હોય તે રીતે’ આપવામાં આવે. ત્યાં એક જણ બૂમ પાડે... ‘એ ટેણી... આજનું છાપું તો લાવ...’ બે-ચાર મિત્રો વહેંચીને છાપું વાંચે... ચ્હા પીતાં પીતાં સાંપ્રત પ્રવાહોની ચર્ચા થાય. (ટીવીમાં આમે રોજ રાત્રે ચર્ચાના કાર્યક્રમો આવે છે તેનાં મૂળ ખરેખર અહીં છે...) અડધો કલાક સુધી ‘ચ્હા’ની ચાહ સાથે આ મહેફિલ ચાલે...
એ પછી મિત્રો ઊભા થઈને હોટલની બહાર નીકળતાં નીકળતાં હોટલના માલિકને કહે... ‘બોસ... લખી લેજો...’
તો આ હતું અમદાવાદનું કલ્ચર.
********
એવું કહેવાય છે કે જે મૂળ અમદાવાદી હોય તે...
સૌથી ઉત્તમ માગે,
સૌથી સસ્તુ માગે,
મનગમતું માગે,
નમતું માગે,
ઉધાર માગે....
***
અમદાવાદી એટલો બધો કંજૂસ કે તાળી પાડવામાં પણ કંજૂસાઈ કરે. એવું કેમ? અરે ભાઈ, તાળી પાડીએ ને જમણો હાથ ડાબા હાથ પાસેથી કશું લઈ લે તો! ...
***
...અને પેલી વાત તો તમે જાણો જ છો કે ભળભાંખરે (સવારના પહોરમાં) રેલ્વે સ્ટેશન પર ગાડી ઊભી રહી. મુસાફરે બારી ખોલીને પૂછ્યું કે કયું સ્ટેશન આવ્યું? સ્ટેશન પર ઊભા રહેલા રાહદારીએ કહ્યું કે જો આઠ આના (પચાસ પૈસા) આપો તો કહું... પેલો મુસાફર કહે ચોક્કસ અમદાવાદ આવ્યું છે!
***
અમદાવાદમાં એક માથાભારે વ્યક્તિએ મહાજનને બેફામ ગાળો આપી. પેલા ભાઈ ઉપર કોઈ જ અસર નહિ. કેમ? મહાજનભાઈ કહે... ‘એ આપે છે ને... આપણી કનેથી કશું લઈ તો જતો નથી ને...!’
***
એક વાર કોઈ કાંકરિયામાં ડૂબતું હતું. જે બચાવ માટે એ ભાઈ બૂમો પાડતા હતા. કિનારે એક ભાઈ ચાલતા હતા તેને તે ડૂબતી વ્યક્તિ કહેતી હતી... ‘મને તમારો હાથ આપો...’ પણ પેલા ભાઈએ હાથ ના આપ્યો. જેવું તેણે કહ્યું... ‘લો... મારો હાથ લઈ લો. મારો હાથ પકડો- એવું કહ્યું કે તરત જ કિનારે ચાલતી વ્યક્તિએ ડૂબતી વ્યક્તિનો હાથ પકડી લીધો...
અમદાવાદીને કોઈ ‘આપો’ એવું કહે તે ના ગમે...
*****
.....અને વિનોદ ભટ્ટે એક વાર મસ્ત વાત કરી હતી. સમગ્ર વિશ્વમાં કબજિયાતના સૌથી વધુ દરદીઓ અમદાવાદમાં છે. કેમ? સાલું... કશું છોડવું પડે તે અમદાવાદીઓને પાલવતું નથી.
***
મુંબઈની એક હોસ્ટેલમાં બધા મિત્રોએ પિકનિક ગોઠવી.
સુરતવાળો કહે હું સુતરફેણી લાવીશ.
ખંભાતવાળો કહે હું હલવાસન લાવીશ. ભાવનગરવાળો કહે કાલે જ ગામથી ગાંઠિયા આવ્યા છે. હું લેતો આવીશ.
વડોદરાવાળો કહે હું લીલો ચેવડો લાવીશ.
એક ખૂણામાં બેઠેલો અમદાવાદી કશું બોલતો નહોતો... બધાએ તેની સામું જોયું... એ ધીમેથી બોલ્યો... ‘કાલે મારા મહેમાન આવવાના છે... હું તેમને લેતો આવીશ...’
***
અમદાવાદ નગર અડધી ચ્હા અને આખા પ્રેમનું નગર છે, પણ અડધી ચ્હા હવે ‘ક્વાર્ટર’ સુધી પહોંચી ગઈ છે. લો-ગાર્ડન વિસ્તારમાં કલાકાર કટિંગ મળે છે.. ચમચીથી ચ્હા પીવી પડે એવા મહાન દિવસો અમદાવાદમાં આવી ગયા છે.
**
ચન્દ્રકાન્ત બક્ષી કહેતા હતા કે અમદાવાદમાં કોઈને પૂછીએ કે આ ફ્લેટ કેટલામાં લીધો? તો જવાબ અચૂક એવો મળે છે કે અમે 35 લાખમાં લીધો હતો, પણ અત્યારે 55-60 લાખ ચાલે છે. આ છે અમદાવાદીનું વ્યક્તિત્વ.
***
અમદાવાદી પોતાને મળેલું જમવાનું એક પણ આમંત્રણ ચૂકે નહીં, પણ મિત્રને તો એવું જ કહેવાનો કે... એ બાજુ નીકળો તો ઘરે આવજો!
**
જેમ અડધી ચ્હા અમદાવાદીએ કરી છે તેમ ‘મિસ કોલ’ની અપૂર્વ શોધ પણ અમદાવાદમાં જ થઈ છે.
અમદાવાદમાં કોલ કરીને જેટલું કોમ્યુનિકેશન થતું હશે તેનાથી વધારે કોમ્યુનિકેશન મિસ્ડકોલ્સ દ્વારા થતું હશે.
***
અમદાવાદના વિશ્વખ્યાત ડોક્ટર મયુર પટેલ પાસેથી એક વાત સાંભળી હતી તે માનવાનું મન થાય એવી નથી, પણ મજા પડે તેવી છે.
એક અમદાવાદીને ફેમિલી ડોક્ટરે સલાહ આપી કે તમને ડાયાબિટીસ છે કે નહીં તે ચેક કરાવો.
એ ભાઈ પહોંચ્યા ‘સ્વાસ્થ્ય’માં મયુરભાઈ પટેલ પાસે.
પોતાનું લોહી મફતમાં આપીને એ ભાઈ કોઈ પણ પ્રકારનો ટેસ્ટ કરાવવા રાજી નહોતા.
મયુરભાઈએ એક ડબ્બી આપીને કહ્યું કે આમા તમારો પેશાબ લેતા આવજો.
તેના પરથી ટેસ્ટ કરીશું.
બીજા દિવસે તે ભાઈ એક મોટી બાટલીમાં પેશાબ લાવ્યા. ડોક્ટર કહે આટલા બધા પેશાબની ક્યાં જરૂર હતી? એ ભાઈ હસતાં હસતાં કહે... આમાં સાહેબ ક્યાં પૈસા આપવાના હોય છે... તમ તમારે રાખોને...’
ડોક્ટરે રિપોર્ટ કર્યો. સાંજે અમદાવાદીભાઈ રિપોર્ટ લેવા આવ્યા.
ડો. મયુર પટેલે કહ્યું કે, ખુશીની વાત છે. આપને ડાયાબિટીસ નથી.
એ ભાઈ રિપોર્ટ લઈને ઊભા થઈ ગયા અને ખુશીમાં ઠેકડો મારીને બોલ્યા, ‘ડોક્ટર, સાહેબ મને એકલાને નહિ... મારા આખા પરિવારને ડાયાબિટીસ નથી...’
*****
તો આવી છે જાતભાતની કંજૂસ ગણાતા અમદાવાદીની દંતકથાઓ જેવી હાસ્યકથાઓ. માનવમિત્ર👆😃🤔🙋♂️👍
••• 5 •••
Comments
Post a Comment