સાડી લાયબ્રેરી...Sari Library

 A new way to serve needy


અનોખી સાડી લાયબ્રેરીઃ સાડી સંવેદના અને સામાજિક ચેતના પણ બની શકે હોં....


આલેખનઃ રમેશ તન્ના


અમદાવાદના વાડજ વિસ્તારમાં રામાપીરનો ટેકરો એટલે હજારો શ્રમિકોની વસાહત. અહીં "ગ્રામશ્રી" નામની સંસ્થાના ઉપક્રમે છેલ્લાં 11 વર્ષથી સામાજિક સંવેદના અને ચેતનાના કેન્દ્ર તરીકે અનોખી સાડી લાયબ્રેરી ચાલી રહી છે. અનેક સ્ત્રીઓ શુભ પ્રસંગે નવી સાડી ખરીદવાનો ખર્ચ બચાવીને આ લાયબ્રેરીમાંથી પોતાને મનગમતી સાડી પહેરવા લઈ જાય, પ્રસંગ પતે એટલે ધોઈને-ઈસ્ત્રી કરાવીને પરત કરી આવે, અને તે કોઈ પણ પ્રકારના ચાર્જ વિના.


માત્ર અમદાવાદમાં જ નહીં, આવી સાડી લાયબ્રેરી લીલાપુર, રાહપુરા, પુનાદ્રા, વાઘજીપુરા, કડા, પેઢામલી, નરસિંહપુરા (વિરમગામ), ચડોતર (પાલનપુર) વગેરે ગામમાં પણ ચાલે છે. દરેક સાડી લાયબ્રેરીમાં પચાસેક સાડી રાખવામાં આવે છે. સાડી જોડે મોટાભાગે તેને અનુરૂપ બ્લાઉઝ પણ હોય છે. દર ત્રણ કે છ મહિને સાડી બદલવામાં આવે છે જેથી લાભાર્થી બહેનોને લેટેસ્ટ ચાલતી ફેશનની સાડી મળી શકે.


અહીં જે સાડી રાખવામાં આવે છે તે આમ તો થોડીક વખત પહેરેલી હોય છે, પણ તેની ગુણવત્તા એકદમ સરસ હોય છે. આ પ્રોજેક્ટનાં સંયોજક નીતાબહેન જાદવ કહે છે કે અમે ગમે તેવી સાડી લેતાં નથી. ખૂબ જ વપરાયેલી, ઘસાયેલી કે પછી ફાટી ગયેલી સાડી આવી લાયબ્રેરીમાં રાખવામાં આવતી નથી. સાડી લાયબ્રેરીમાં સાડીનો વધુ ઉપયોગ થઈ જાય પછી એવી સાડીઓને ગરીબ અને જરૂરિયાતમંદ બહેનોને ભેટ આપી દેવાય છે. તમે સાડી લાયબ્રેરીની સાડીઓ જુઓ તો દંગ રહી જાવ.. એકથી એક ચડિયાતી સાડી અહીં હોય છે.


સાડી લાયબ્રેરીનો પ્રારંભ કેવી રીતે થયો ? એની પાછળ રસપ્રદ કથા છે. મધ્યમ અને શ્રીમંત ઘરની બહેનો એક-બે વાર સાડી પહેરી લે તે પછી એ સાડી પહેરવાનું તેમને ઓછું ગમે. નવા પ્રસંગે નવી સાડી એવો વણલખ્યો નિયમ પણ ખરો. સાડી એ બહેનોની વિશેષતા ગણો તો વિશેષતા અને નબળાઈ ગણો તો નબળાઈ. નવી સાડી જોઈ નથી કે સ્ત્રીનું મન પલડ્યું નથી. સ્ત્રી માત્ર, નવી સાડીને પાત્ર. ઘરમાં કે દેહ પર નવી સાડી આવે પછી જૂની સાડીનું શું કરવું એ મોટો પ્રશ્ન હોય છે. કપડાં કબાટો કે વોર્ડ રૂમ છલકાતા જ રહે. જૂની સાડીઓ સાથે પાછો લગાવ એટલો બધો હોય કે કાઢી નાખવાનું મન ના થાય.


ગ્રામશ્રીનાં સ્થાપક શ્રીમતી અનારબહેન પટેલ અને માનવ સાધનાના સ્થાપક (અને તેમના જીવનસાથી) જયેશભાઈ પટેલને વિચારો આવ્યો કે જેમ પુસ્તકોની લાયબ્રેરી હોય તેવી જ રીતે સાડીઓની લાયબ્રેરી કરીએ તો ? આવા નવા અને ક્રિએટીવ વિચાર બન્નેને આવે તો ખરા, પણ તેનો બન્ને અમલ પણ કરે. તેમણે સાૈપ્રથમ રામાપીરના ટેકરા પર રુદ્ર કેન્દ્રમાં આશરે 11 વર્ષ પહેલાં પહેલી સાડી લાયબ્રેરી કરી જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. એ પછી તો એક પછી એક સાડી લાયબ્રેરી ખુલતી જ ગઈ. ટૂંકમાં લોકોએ આ નવા અભિગમને પ્રેમથી સ્વીકાર્યો. ગ્રામશ્રી સંસ્થાનાં ટ્ર્સ્ટી વંદનાબહેન અગ્રવાલે પણ આ પ્રોજેક્ટમાં રસ લીધો અને નીતાબહેન જાદવે આખા પ્રોજેક્ટને સરસ રીતે ઉપાડી લીધો.


અમેરિકામાં શેર એન્ડ કેર નામની સંસ્થા ચાલે છે જે સામાજિક સંસ્થાઓને આર્થિક સહયોગ કરે છે. એ સંસ્થાના મોભી શ્રી અમરભાઈ શાહે સાડી લાયબ્રેરી માટે બીડું ઝડપ્યું. અમેરિકામાં રહેતી ગુજરાતી બહેનો પોતાની સાડીઓ આ સંસ્થાના માધ્યમ દ્વારા અમદાવાદ મોકલે છે. બોલો, એવું કહેવાયને કે સંવેદનાને કોઈ સીમા નથી હોતી. અમેરિકાની ગરવી ગુજરાતણે પહેરેલી સાડી ગુજરાતની બહેનો પહેરે. એક બહેનની સાડી બીજી બહેન પહેરી જ શકે ને ? ગુજરાતીઓ એક બૃહદ પરિવાર જ છે ને ?આ રીતે સાડી સંવેદના અને સામાજિક ચેતનાનું કેન્દ્ર બની રહી છે.  


નીતાબહેન જાદવ કહે છે કે અમેરિકા ઉપરાંત રોટરી ક્લબ, લેડિસ સર્કલ અને ફિક્કી ફ્લો જેવી સંસ્થાઓ પણ સાડીઓ આપે છે. જ્યાં જ્યાં સાડી લાયબ્રેરી છે ત્યાં અમીર-ગરીબ કે પછી મધ્યમ વર્ગની, તમામ બહેનો હોંશે હોંશે સાડીઓ લઈ જાય છે. તેઓ ઉમેરે છે કે અમે સાડી લાયબ્રેરીમાં કોટન, સિલ્ક, હસ્તકલાથી ભરેલી-ગૂંથેલી, જડી ભરત કરેલી એમ વિવિધ પ્રકારની સાડી રાખીએ છીએ જેથી બહેનોને ચોઈસ મળી રહે. સાડીમાં ફેશનનું મહત્ત્વ હોય છે, તેથી અમે સાડી લાયબ્રેરીમાં લેટેસ્ટમાં લેટેસ્ટ સાડી રાખવાનો પ્રયાસ કરીએ છીએ.


રામાપીરના ટેકરા પરની સાડી લાયબ્રેરીમાંથી અરુણાબહેન ચાૈહાણ, જાગૃતિબહેન ચાૈહાણ અને રંજનબહેન અવારનવાર સાડીઓ લઈ જાય છે. તેઓ કહે છે કે સાડી લાયબ્રેરી થવાથી અમે સાડી પાછળ જે ખર્ચ કરતાં હતાં તે ખર્ચ ઘટ્યો છે. એ પૈસા અમારા પરિવારમાં બાળકોના શિક્ષણ વગેરે પાછળ ખર્ચી શકાય છે.  


સાડી એ ભારતીય સ્ત્રીનું મહત્ત્વનું પરિધાન છે અને સંસ્કૃતિનું અભિન્ન અંગ પણ છે. એ સાૈંદર્યનો વિષય છે એટલો જ સામાજિક પરંપરાનો મુદો પણ છે. સાડીની લાયબ્રેરી કરીને તેને પ્રેમ, સેવંદના, કરુણા અને ચેતનાનું કેન્દ્ર પણ બનાવી શકાય છે તે સાબિત થયું છે. કોઈ વ્યક્તિ સાડી લાયબ્રેરી વિશે વધુ જાણવા માગતું હોય તો તેઓ નીતાબહેન જાદવનો 9909419547 પર સંપર્ક કરી શકે છે.

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...