તોબરો ચઢવો કે ચઢાવવો

 તોબરો' એટલે 'તોબરો' એટલે 'તોબરો'!©


આજે સવાર સવારમાં મારો 'તોબરો' ચડ્યો'તો. લગભગ તો 'તોબરો' જ હતો. બે ઘડી તો મને ય થયું કે અરીસામાં જોઈ આવું કે 'તોબરો' ખરેખર કેવો હોય! હું બેસી જ રહ્યો. અરીસામાં જોઉં ને મારો 'તોબરો' ઓસરી જાય તો 'તોબરો' ચડાવવાનો કેફ ઊતરી જાય, મજા જ મરી જાય, સાહેબ!


મને કોઈ પૂછતા નહીં કે મને 'તોબરો' ચડવાનું કારણ શું હતું. તોબરો ચડવાનાં કોઈ ચોક્કસ કે ગંભીર કારણ જ નથી હોતાં. 'તોબરો' એસિમ્પ્ટૉમેટિક રોગ છે. એ ચડે ને અને કોઈ જ ઊપચાર વિના ઊતરે! 


તોબરા'નો મૂળ અર્થ 'મગજ ફટકવું' હશે પણ એનો ગૂઢાર્થ કોઈ આજ દિવસ સુધી પામી નથી શક્યું. 


'તોબરો' ચડવાની એક પૂર્વ શરત છે. 'તોબરા' ચડાવનાર તરફ અન્યનું ધ્યાન ખેંચાવું આવશ્યક છે. કોઈ જુએ નહીં તો 'તોબરો' ફ્લૉપ જાય. 'તોબરા' ધારકે છાની નજરે જોવું પડે કે કોઈનું ધ્યાન પડે છે કે નહીં? 


'તોબરો' ચડે ત્યારે 'હમણાં એને બોલાવતા નહીં, એનો 'તોબરો' ચડ્યો છે' રાખવું સારું. પણ સાલ્લું, 'તોબરાગ્રસ્ત' વ્યક્તિ સામે આંખ આડા કાન કરો તો 'તોબરા'ની તિવ્રતા વધી જાય અને છંછેડવામાં આવે તો વાતાવરણ બગડે!


'તોબરો' એટલે રીસાવું, 'મોઢું ચડાવીને બેસી રહેવું' કે 'લાંબું મોઢું કરવું' કહેવાય ખરું પણ 'તોબરો' શબ્દમાં જે વજન છે, જે ભાવ છે, જે 'વિઝ્યુઅલ પંચ' પ્રગટ થાય છે એની અસર જ જૂદી. કોઈ કામ બંધ કરીને ધબ્બ દઈને સોફા કે પથારીમાં પડતું મૂકે એ રીસાયું કહેવાય! રીસાવાનાં ચોક્કસ કારણ હોય જ્યારે 'તોબરો' તો 'અકળ લીલા' છે.  


'તોબરો' યોગનો એક છૂપો પ્રકાર છે. હા, યોગાસન સાધકને તણાવ મુક્ત કરે જ્યારે 'તોબરો' તણાવ નોંતરે!©


આપણી આસપાસનાં કેટલાક ચુનંદા લોકો 'તોબરા' સ્પેશ્યાલિસ્ટ હોય છે. કારણ ગંભીર હોય કે મૂફલિસ, 'તોબરાવસ્થા' એમનાં ગ્રહમાં જ લખી હોય છે. 'તોબરો'  એમની નબળાઈ નહીં, આવડત હોય છે! 


કેટલાંકને અમસ્તાં અમસ્તાં તો કોઈને વાત વાતમાં, અસ્થમાનાં દર્દીને શ્વાસ ચડે એમ 'તોબરો' ચડતો હોય છે! 'તોબરાખોર'ને બે-ચાર દિવસ 'તોબરો' ધારણ કરવાનો મોકો ન મળે તો ય 'તોબરો' ચડી જાય!©


'તોબરા'ની બ્યૂટી એ છે કે વ્યક્તિ ડોકથી કપાળ સુધી 'નમ્બ' થઈ જાય છે પણ અન્ય ક્રિયા યથાવત રહે છે. તરૂબેન વાસણ ઘસતાં હોય, તરૂણભાઈ બૂટની લેસ બાંધતા હોય કે પિન્કી ટીવી જોતી હોય, 'તોબરા' સાથે બધું ચાલે!


ગમે તે ઉંમરે 'તોબરો' ચડી શકે. સાત વરસની દીકરી વઢાય તો 'તોબરો' ચડે, બે છોકરાંની માને સાડીનાં 'સેલ'માં જતાં રોકાય તો 'તોબરો' ચડે ને ચા મોડી મળે ત્યારે દાદાનો ય 'તોબરો' ચડે.


'તોબરો' ટકવાનો સમય ગાળો ફ્લેક્સિબલ હોય છે. દોઢ કલાક ચાલે કે સવારથી સાંજ પણ ચાલે. અમારા એક સંબંધી આઠ દિ' સુધી 'તોબરો' લઈને ફરવાની કેપેસિટી ધરાવતા'તા. એમનું નોર્મલ રૂટિન ચાલુ હોય. ગરમાગરમ જમે ને નિરાંત સૂવે ય ખરા પણ બધું 'તોબરાકીય'. એમને નોકરીમાં કોઈ પૂછે, 'કેમ તબિયત સારી નથી?' ત્યારે કહેવું કેમ કે પોતે આજકાલ મોંઘેરો 'તોબરો' લઈને ફરે છે!©


'તોબરો' ચડવાની સ્પીડ અવાજની ગતિ કરતાં અનેક ગણી વધારે હોય છે પણ 'તોબરો' ઉતરવાની સ્પીડ એકદમ ધીમી હોય છે. માંડ ઊતરે. કાળોતરાનાં ઝેર જેવું. ડંખ વાગતાં જ ચડે પણ એ ઝેર ધીમે...ધીમે...ધીમે ઊતરે. 


અલબત્ત, 'તોબરો' ઝેર નથી, 'તોબરો' તો અમૃત છે, નિર્દોષ છે, નિરૂપદ્રવી છે. 'તોબરો' તો પ્રેમનો એક અલગારી પ્રકાર છે. જીવનને નવપલ્લવિત કરતા રહેવાની એક જડીબુટ્ટી છે. 'તોબરો' ચડાવવાની આવડત ન હોય એમની જિંદગી અધૂરી છે.


'તોબરા'ની ફ્રિક્વન્સીનું પ્રમાણ બહેનોમાં વ્યાપક હોવાની થતી રમૂજ સાથે હું સહમત થતાં અચકાઉં છું. હકીકત તો એ છે કે, જો 'તોબરા' પર અભ્યાસ-સંશોધન કરવામાં આવે તો 'તોબરા'નું એપીસેન્ટર 'દંપતિઓ' હોવાનું તારણ નીકળે એ નક્કી! 


કલાકોનાં કલાકો અગણિત વખત 'તોબરો' ચડાવી દાયકાઓનું સુખી અને મીઠાશભર્યું દાંપત્ય જીવન ગાળતાં અનેક દંપતિઓ અત્યારે હાથ ઊંચા કરીને મારી વાતને ઉમળકાભેર વધાવશે જ કે 'તોબરો' ચડાવ્યા વિનાની જિંદગી એટલે વઘાર વિનાની દાળ કે ખાંડ વિનાનો દૂધપાક!©


તમે 'તોબરો' ચડાવવાની ડેફિસિયન્સીથી  પીડાતા હો તો વિના સંકોચે કોઈ સારા સાઇકિઅસ્ટ્રીસ્ટની એપોઇન્ટમેન્ટ લઈ લેવાની મારી વણમાગી સલાહ છે.


સાભાર: ભાઈશ્રી #Anupam_Buch ભાઈ ની વોલ પરથી..

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...