વિશ્વ ચકલી દિવસ...(ચકલી કાવ્યો )

 







1.

 હે ચકલી મારે આંગણે ચકચક તો કર,

એસી ના એ ખાંચામાં ખચખચ તો કર.


સઘળાં ઝાડ  પર તારી જ માલીકી છે,

ન્યાય માંગીને  તું થોડું હક હક તો કર.


કહે તો ખરી દર્પણમાં શું દેખાય છે તને,

તારી ચાંચ મારીને થોડુંક ટકટક તો કર.


માળો બાંધવાનું શરુ કરે આળસ ન કરે,

તારા ચકારાણાથી થોડુંક રકઝક તો કર.


તારી ભીતર "શ્યામ" ના શ્રીકૃષ્ણ વસે છે,

નાનકડા  તારા હૃદયમાં તું ધકધક તો કર.


શામજી માલી રાપર કચ્છ


૧ પાણીનું કુડું ૧ ચોખાનું કુંડું

ને ચકલી દિવસની શુભકામના💐💐

2.

આજ વિશ્વ ચકલી દિવસ પર ચકીરાણી  પર સરસ અને સરળ શબ્દોમા એક ગીત....


આવો ચકીરાણી કાચા મારા ખોરડે,

તમને કોઈ નહીં   વઢશે રે........

રહેવાને કાજ  હું આપીશ ઓરડો,

તમને કોઇ કનડશે નંઈ.............

             આવો ચકીરાણી........


ઘરના બારણા ખુલ્લા અમે રાખિયા,

આવી અમ ખોરડું શોભાવજો રે......

             આવો ચકીરાણી............


નાવણિયા  કાજ અમે કુંડા  ભરાવશુ,

બેસીને નાવણીયા  નાવજો રે..........

          આવો ચકીરાણી...............


ભોજનિયા ભાવતા તમને ખવડાશુ,

પાટલે બેસી  તમે જમજો રે.......

         આવો ચકીરાણી..............


પાટણના પટોળાની સાડી પહેરાવશુ,

કુમ કુમના પગલા તમે પાડજો રે...

         આવો ચકીરાણી............


અવસરના તોરણિયા બારે બંધાવશુ,

આવી અમ આંગણું દિપાવજો રે...

         આવો ચકીરાણી...............

                     -"મોજીલો" માસ્તર......

3.1

મારી નાની અમથી ચાંચ 

લાવું ચોખાનો દાણો

મારી નાની અમથી પાંખ

લાવું મગનો દાણો

મુઠી કરતા નાનું એવું કદ 

અમારું તો પણ

રહેવા રહ્યો ના આશરો

રાસાયણિક ખાતરે

રોન્દયો જોને રોટલો 

માનવીએ તોડ્યો  ઓટલો

કાચની હાંડી ,દેવી દેવતા,

દાદા દાદી ની છબી,

સંસ્કૃતિ શું વિસરાઇ?

વિસરાઈ રહ્યુ મારૂં ચિં ચીં ચીં 

અમારી કાળી દાઢી મેલુ ધોરું પેટ

રાત પડે તો અલગ થાતા 

દંપતી કેવા નેક 


યોગેશ વ્યાસ

વલસાડ

3.2

 વિશ્વ ચકલી દિવસ 

(જૂની ડાયરીનું ગમતું પાનું)


ચોખા જોઇ ચકલી સાંભરે

લાડકા બાળપણ ને,

ચકી ચકા મજાની વાર્તા કહેતું 

ઘડપણ સાંભરે.

વીસમી માર્ચ લાવે લુપ્ત થતી 

ચકલી ની યાદ.

ચક્લી જ નહી અલોપ 

થઈ ગયેલ ઘડપણ પણ સાંભળે 

ચક્લીબેન ની સાથ 


યોગેશ વ્યાસ


3.3

 ટગર ટગર નીરખે મારી નાની અમથી આંખ,

ટક ટક કરી ચણે દાણો નાની અમથી ચાંચ.


ફર..ર..ફર..ફર..ઉડું હું નાની અમથી પાંખ,

ચીં.. ચીં.. ચીં.. કેવી કરું ઝીણો મારો સાદ.


ઝીણા ઝીણા ચોખા મગ ના દાણા વિસરાયા,

ચકલી તો ઠીક ઠીકરીની ખીચડી વિસરાય ગઈ.

યોગેશ વ્યાસ જામનગર

૩.૩.૨૧

 4.

ખેતરે આવતી ચકલી,

 રૂડી રૂપાળી એ ચકલી,

 રૂમઝુમ એ કરતી આવે,

 ફરરર એ પાંખો ફફળાવે,

                ખેતરે આવતી..

મારી વ્હાલી એ ચકલી ,

મને બહું ગમતી એ ચકલી,

મારા હાથે બાજરો ખાતી,

મારા ખોબલે પાણી પીતી,

                 ખેતરે આવતી..

હું રોજ નિશાળે જાઉં,

હું પાછી સીધી ખેતરે જાઉં,

હું ચકલી સાથે ખૂબ રમું,

હું ચકલી સાથે નૃત્ય કરૂં,

                  ખેતરે આવતી.‌.

☘️🌷☘️🌷☘️

      ... શ્વેતલ(અંજી)

5.

ચકલી  કરતી  ચીચી ફળિએ,

પ્યારથી  એને  સીચી ફળિએ.


લાગણી બહુ  જતાવી સૌએ,

હિડોળા  પર  હીચી  ફળિએ.


રાખી'તી  પરિવારની જેમ જ,

પ્રેમ  કુંડામાં   પીતી   ફળિએ.


અંતીમ  શ્વાસ છોડ્યો ઘરમાં,

આંખ  એને   મીચી  ફળિએ.


આપ્યો'તો પ્રેમ ચકલીને 'દિન',

પ્યાર  સૌનો   જીતી  ફળિએ.

----------------------------------

દિનેશ સોની(દિન),

રાપર-કચ્છ

6.

સદીઓથી દઈ રહી 'તી સૌને દીદાર ચકલી 

મળતી નથી હવે એ માંગ્યે ઉધાર ચકલી


 ટકટક કરીને કાચે બિંબાવતી 'તી ખુદને

 કરતી 'તી  શું સમયને બહુ ધારદાર ચકલી ?


 ભૂલી ન જાય ભીંતે ટાંગેલ એ છબીને

 રચતી'તી એટલે ત્યાં જીવતો મિનાર ચકલી 


એ આંગણાં અવાચક  ,એ ઝાડવાં ઝૂરે  છે 

ભૂલી ગયાં બધાંયે તીણી પુકાર, ચકલી  !


જ્યાં વારતા કહું છું ચોખા ને મગને જોડી 

સ્વીટુ પૂછે તરત કે , 'ક્યાં છે બીમાર ચકલી ' ?


ના છે કશે તણખલાં ના છે સળી બટકણી 

આવી ચડે તો રહેશે માળાની બહાર ચકલી


-પ્રતાપસિંહ ડાભી'હાકલ'


Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...