ગુજરાત-1

🌻 *જય વસાવડા લિખિત આટલી સરસ અંજલિ ગુજરાતને ભાગ્યે જ કોઈએ આપી છે :-*

પુનરાવર્તન કરવું ગમે તેવી આ ગુર્જર સ્તુતિ ફરી ફરીને share કરવાનું ગમે તેવી છે

આ ગુજરાત છે...

જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત.

જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત.

ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત.

શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠેલું ગુજરાત.

ફળફળતાં ઢોકળાં જેવું નરમ
અને
માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત...

હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું
અને
પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું.

હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું
અને
કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન છું.

કેડિયાની ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું
અને
દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરી ઉજાસમાં કેસર ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું.

ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું છું હું...ગુજરાત

સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય છું
જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે.

મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી
અને
મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ!

મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે
અને
તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે...

મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે
અને
નકશાઓનો એક ઝાટકે આકાર બદલાવી દેનાર સરદાર પટેલ પણ શ્વાસે છે

ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી
અને
ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો.

મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી.

મહેબુબખાનથી મનમોહન દેસાઇ,
આયેશા ટાકિયાથી હિમેશ રેશમિયા સુધી ગુજરાતની અહાલેક વાગે છે...

વ્હાલા, હું ગુજરાત છું.

હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની ખુમારીભરી ડણક છું

અને એવા ડાલામથ્થા સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા દાના જેવા સંતોના ભજનોની ચાનક છું.

હું પરબવાવડીના છું.

મારી વીજળીના ચમકારે ગંગાસતીએ મોતીડાં પરોવ્યા છે
અને
મારી બળબળતી રેતી પર શ્વાન સંગાથે પાણી લઇ દાદા મેકરણ ઘુમ્યા છે.

મધરાતે એકતારા પર ગુંજતા દાસી જીવણના ભજનમાં હું છું
અને
ભવસાગર હાલકડોલક થતી જેસલ જાડેજાની નાવડી તારવી જનાર સતી તોરલના કીર્તનમાં હું છું.

મોરારિબાપુના કંઠે ગવાતી ચોપાઇ છું
અને
રમેશભાઇ ઓઝાના કંઠે ગવાતા શ્રીનાથજી પણ

જમિયલશાહ દાતાર અને ગેબનશાહ પીરોની અઝાન પર ઝૂકતું મસ્તક પણ હું છું...

મારી છાતી પર પ્રિયદર્શી અશોકના શિલાલેખ છે.

પાવાગઢની ગોદમાં પડેલું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું ચાંપાનેર છે.

મારા કાળજડે ધમધમતું લોથલ જેવું બંદર છે
અને
સંસ્કૃતિના ટીંબા નીચે અડીખમ ઉભેલું ધોળાવીરાનું નગર છે.

મેં રાજા નૌસોરસ જેવા ડાયનાસોરના ઈંડાઓ સાચવ્યા છે
અને
ગામેગામ ફિલ્મી શૂટિંગ થાય એવા રજવાડી મહેલો ખીલવ્યા છે.

મારી ગુફાઓમાં બુદ્ધના ઓમ મણિપદ્મે હૂમનો ધીરગંભીર નાદ ગુંજે છે.

મારી શેરીઓમાં નવકાર મંત્રની વૈશ્વિક પ્રાર્થનાનો સાદ ગાજે છે.

મારી બર્થ સર્ટિફિકેટમાં રાજકીય ઉંમર ૫૦ની હશે,
પણ મારી ઉંમર કેટલી છે એ મને ખુદને ખબર નથી.

હું ઉચ્છંગરાય ઢેબરની ગાંધીટોપીમાં બેસીને હીંચકતું બાળક હતું
અને
જીવરાજ મહેતાના ખાદીના ઝભ્ભાના સળમાંય હું લપાતું હતું.

માધવસિંહ સોલંકીના સાહિત્યપ્રેમી ચશ્માની ફ્રેમ પર હું પગ લંબાવી બેઠું છું
અને
ચીમનભાઇ પટેલના ચળકતાં લલાટમાં મેં મારૂં પ્રતિબિંબ શોઘ્યું છે.

કેશુભાઇની ફાફડા- મરચાં સાથેની ચાની અડાળીના મેં ઘુંટ પીધા છે
અને
શંકરસિંહ બાપુની ટનાટન વાતોને બડી મુગ્ધતાથી સાંભળી છે
અને હા...
મારા આ ગોલ્ડન બર્થ ડે માટે જ જાણે મને નરેન્દ્ર મોદી મળ્યા છે.

એમની દાઢી ને ગમ્મતથી ખેંચવી મને ગમે છે
અને
એમને લીધે જ મારી આ ધમાકેદાર પાર્ટીના ગેસ્ટલિસ્ટમાં આખી દુનિયા છે.

એમણે મને હવામાં ઉછાળીને ગેલની કિલકારીઓ કરાવી છે
અને
સતત પહેરવા માટે નવા નવા ‘વા-વા’ આપ્યા છે.

અરે વાહ, હું ગુજરાત છું

મારા અફાટ લાંબા સાગરકાંઠાને ખેડીને નાનજી મહેતાએ આફ્રિકા સર કર્યું છે
અને
એ જ દરિયાના મોજાંની થપાટો ખાઇ ખાઇને ભારતની નંબર વન કંપની બનાવી જનાર ધીરૂભાઇ અંબાણીનો પિંડ ઘડાયો છે.

અમેરિકન મેગેઝીનોમાં ચમકતાં અબજપતિ અઝીમ પ્રેમજી, તુલસી તંતી કે ગૌતમ અદાણીનું પણ હું વતન છું...
અને
મેં જ જતનથી નિરમા, કેડિલા, એલેમ્બિક, ટોરન્ટ, અજંતા, રસના, બાલાજી અને અફકોર્સ ટાટા જેવી બ્રાન્ડ્સ ના પારણાં હીંચોળ્યા છે.

સુરતના હીરાની હું પાસાદાર ચમક છું અને પાટણના પટોળાંની આભલા મઢેલી ઝમક છું.

રવિશંકર રાવળ અને કનુ દેસાઈની હું રેખાઓ છું.

સપ્તકના તબલાની થાપ અને કુમુદિની- મૃણાલિનીના નૃત્યના ઠેકાઓ હું છું.

હું છું સર ભગવતસિંહજીના ભગવદગોમંડલના ફરફરતા પાનાઓમાં

હું છું સયાજીરાવ ગાયકવાડના પેલેસની દીવાલો પર મલપતાં રાજા રવિવર્માનાચિત્રોમાં

હું પગથિયા ઉતરૂં છું અડાલજની વાવમાં
અને
પગથિયા ચડું છું, અમદાવાદની ગુફાના

લખતરની છત્રી મારા તડકાને ટાઢો કરે છે
અને
સીદી સૈયદની જાળી એ જ તડકાથી મારી હથેળીમાં જાણે મહેંદીની ભાત મૂકે છે.

હઠીસિંગની હવેલીના ટોડલે ખરતું હેરિટેજનું પીછું હું છું
અને
ધોરડોના સફેદ રણમાં ચૂરચૂર થઈ જતું નમકનું સ્ફટિકમય ચોસલું હું છું...

ઇડરના કોતરો સૂસવાટા મારતો પવન પણ હું છું
અને
નલીયામાં ઠરીને પડતું હિમ પણ

નવસારીના દાદાભાઈ નવરોજીની પારસી અગિયારીનો આતશ પણ મારો છે
અને
ગોઘૂલિ ટાણે સોમનાથના શિવાલયમાં ઘંટારવ સાથે થતી આરતીની અગ્નિશિખા પણ મારી છે.

મહાલના જંગલોમાં પાણીમાં ઠેકડાં મારતા આદિવાસી બાળકો મારા ધાવણથી ઉછરે છે
અને
લાલ લાલ સનેડો ગાઈને ચ્યોંચ્યોં જતા છોરા-છોરીઓ ય મારા ગાલે બચ્ચી ભરે છે.

ગોંડલના ફાફડા-ભજીયાના ટેસડા મારી જીભમાંથી ઝરે છે અને
સુરતની રતાળુની પુરી ખાવાથી પડતો શોષ પણ મારા ગળે પાંગરે છે.

હળવદના ચૂરમામાં રેડાતી ઘીની લચપચતી ધાર છું હું

વડોદરાની ભાખરવડી ખાધા પછીનો સીસકાર છું હું.

ભાવનગરી ગાંઠિયામાં મરીનો દાણો હું છું
અને
રાજકોટના સંચાના આઈસ્ક્રીમ પર મુકાયેલો ચેરીનો બોલ પણ હું જ છું.

મેં જેટલા રસથી એકલવીર જોધા માણેક, દાના દુશ્મન જોગીદાસ ખુમાણની બહારવટાની શૌર્યકથાઓના ઘૂંટડા ભર્યા છે,

એટલા જ રસથી વલસાડની હાફૂસ અને જૂનાગઢની કેસરના અમૃતરસના પણ ઘૂંટડા ગટગટાવ્યા છે.

મારી થાળીમાં ષટરસ છે, મારા હોઠ પર પાનથી લાલ થયેલ તંબોળરસની લાલિમા છે,
અને
મારા ગલોફામાં ઝેરી ગૂટકાના ચાંદાની કાલિમા પણ છે.

હું ગુજરાત છું!

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મશાલમાંથી અંગારા લઈને અમેરિકા અજવાળનાર
અને
બિગ બેન ટાવરના ડંકા તળે ડંકો વગાડનાર એન.આર.જી.(Non Resident Gujarati) છું હું.

મકરસંક્રાંતિના પતંગ ચગાવવા કરતા કાપવાનો વઘુ શોક રાખનાર કાચપાયેલો માંજો છું હું.

હું હજાર નંગ પુસ્તક નથી જીરવી શકતું,
પણ રોજ અડધો કરોડ અખબારી નકલો પચાવી જાઉં છું

કણબીનું હળ છું, કસબીની હથોડી છું.

હું હોળીની પીળી ઝાળ છું અને દીવાળીની સતરંગી રંગોળી છું.

હું નર્મદના ડાંડિયે પીટાયેલા મારા આકારનો પોકાર છું.

હું કાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલેસનું સાસરિયું છું.

હું મુનશીની અસ્મિતા છું અને મેઘાણીની રસધાર છું...

મિયાં ફૂસકીની ટોપી અને ગલબા શિયાળની જામફળની ટોપલી યે મારી જ હતી.

બકોર પટેલના હાથ પર પડતી વાઘજીભાઈની હું તાળી છું.

મેં અનુભવી છે પીળા રૂમાલની ગાંઠની ભીંસ, સેના બારનિશની ચુસ્ત છાતીએ સંપુટ આપનારી મારી હથેળીના સળ ઉઠેલા છે.

નૌતમલાલની ચાંદીની મૂઠવાળી લાકડીની ઠક ઠક મને હજુ સંભળાય છે.

છ અક્ષરના નામમાંથી ઉઠેલો ત્રણ અક્ષરના નામનો સોનલવરણો પોકાર મારા કાળજે ત્રોફાય છે.

મોબાઈલની કોલર ટયુનમાં નયનને બંધ રાખીને ગઝલ સંભળાય ત્યાં હું રણકું છું.

પન્નાભાભી જાય છે, પણ આભડછેટ જતી નથી એ વિચારે હું ઝબકું છું.

ઉપેન્દ્ર ત્રિવેદી-રમેશ મહેતાનો લહેકો પણ હું છું
અને
કાંતિ મડિયા- સિઘ્ધાર્થ રાંદેરિયાનો રંગીલો ચટકો પણ હું છું.

હું તોફાની ટપુડો છું, હું તુલસી વિરાણી છું, મારે ત્યાં કંકુ ખરે ને સૂરજ ઉગે છે, અને મારી આંખે કંકુના સૂરજ આથમે છે...

હા, હું ગુજરાત છું.

મારો બર્થ ડે છે, છતાં ય મને કેમ કોઈ ગંદકીથી દૂર નિર્મળ રાખતા નથી?

કેમ મારા આખા ય શરીરની નસેનસમાં પડી ગયેલા ખાડા પુરાતા નથી?

હજુ ય હું ફફડું છું કે કોઈ લુખ્ખો મવાલી દાદાગીરીથી મારી કેક પરથી મીણબત્તીઓ ચોરી જશે
અને
પોલીસ એફઆઈઆર પણ નહીં નોંધે તો?

આટઆટલી રમણીયતા પછી શું મારે રમખાણોથી જ ઓળખાવાનું છે?

ચકલીને ય ન સાચવી શકનાર મારા ગુજરાતીઓ મને સાચવશે?

કે પછી ગૌમાતાની વંદના કરી ગાયનું દૂધ જ ન પીવા જેવો દંભ કરશે?

ક્યાં સુધી મારા ગૌરવને બદલે જ્ઞાતિ ગર્વ જ સાંભળી મારે માથું દુઃખાડવું પડશે?

ક્યારે હું અંકિત ફડિયા કે ગીત શેઠી પરફોર્મન્સથી ઓળખાઈશ
અને
માત્ર એમના બેન્ક બેલેન્સથી નહિ?

ક્યારે મારી આંખો ઠારનાર ઉડતા પતંગિયા જેવા મારા ખરા સ્વર્ણિમ ભવિષ્ય જેવા યુવક યુવતીઓને પ્રેમ કરવા, આનંદ કરવા, સત્ય શોધવા માટે મોકળું મેદાન અને અનંત આકાશ મળશે?

રિમેમ્બર, હું એડજસ્ટેબલ છું, ફ્લેક્સીબલ છું અને એટલે જ મોડર્ન એન્ડ પ્રોગ્રેસિવ છું.

વેપાર મારી આવડત છે, નબળાઈ નથી.

જવાહરલાલથી જીન્નાહના વેવાઈઓ મારી ભાષા બોલ્યા છે. મેં દેશને પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ આપ્યા છે.
અને
આખી દુનિયામાં, આખા દેશમાં જ્યારે કોઈ પણ રિઝર્વ બેન્કની નોટને હાથમાં પકડશે...
ત્યારે એને એના પર એક ગુજરાતીનું બોખું સ્મિત જોવા મળશે.

અત્યાર સુધીમાં મેં પેદા કરેલા સર્વશ્રેષ્ઠ ગુજરાતીનું! જ્યાં હું છું, ત્યાં સદાકાળ ઉત્સવ છે, હું નર્મદા તીરે વિસ્તરેલો કબીરવડ છું.

હું બોસ છું...
બાપુ, હું ગુજરાત છું.

જય વસાવડા

 ગૂજરાત-2.
ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સંભારણા,


અંગ્રેજ શાસન પહેલાં અમદાવાદ દેશનું સૌથી મોટું શહેર હતું. મુગલ સામ્રાજ્ય નબળું પડતાં મરાઠા શાસન આવ્યું. તે સમયે ગુજરાતની રાજધાની અમદાવાદ જ હતી, પણ બે જાતના મરાઠી શાસન હતાં. સમગ્ર અમદાવાદમાં બધા દરવાજા પર પૂનાના પેશ્વાની સત્તા હતી, જ્યારે જમાલપુર દરવાજા પર વડોદરાનુ ગાયકવાડ શાસન હતું. પેશ્વાનો પ્રતિનિધિ ભદ્રમાં રહેતો હતો, જ્યારે ગાયકવાડી પ્રતિનિધિ ગાયકવાડ હવેલીમાં રહેતો. પેશ્વાનો સૂબો શેલુકર શહેરમાં ત્રાસ આપતો હતો, તેણે ગાયકવાડ હવેલી પર હુમલો કરીને જીતી લીધી. વર્ષ ૧૮૦૦મા નાચગાનમાં મશગુલ શેલૂકર પર ગાયકવાડ લશ્કરે હુમલો કરી જેલમાં પૂરી પૂના મોકલી આપ્યો.

તભી સે કહેવત છે કે,
"હવેલી લેતા ગુજરાત ખોઈ...."


પેશ્વા અને ગાયકવાડ વચ્ચે અમદાવાદ માટે લડાઈ થઈ. અંગ્રેજોની મદદથી ગાયકવાડોને અમદાવાદ મળ્યું. ૧૮૧૭મા અંગ્રેજ અને ગાયકવાડ વચ્ચે એગ્રીમેન્ટ થયો, ગાયકવાડોએ ડભોઈ પરગણું લીધું અને અમદાવાદ અંગ્રેજોને સોંપ્યું. ખેડાના કલેક્ટર ડનલોપે નવેમ્બર ૧૮૧૭મા અમદાવાદ પોતાને હસ્તક લીધું. રાજધાની અમદાવાદ મુંબઈ સ્ટેટનુ મથક બન્યું.
૧ લી મેં *ગુજરાત રાજયના ૫૮ માં* સ્થાપના દિવસ ની તમામ ગુજરાતી બંધુઓને હર્દિક શુભેચ્છઓ,
*જયાં જયાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત*

ચાલો, આપણે બદલીએ, સમાજ બદલાશે,દેશ પ્રગતિ કરશે.

*જય જય ગરવી ગુજરાત*

ગુજરાત - 3

લાંબો ડગલો મુંછો વાંકડી
શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી
છેલ છબીલો ગુજરાતી
તન છોટુ પણ મન મોટું
છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભલો ભોળો
હું છેલ છબીલો ગુજરાતી


ગુજરાત - 4

Happy birthday GUJRAT..

બૉસ, આ ગુજરાત છે !

અહીં પ્રેમ કેરો સાદ છે
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે !
બૉસ, આ ગુજરાત છે !

અહીં નર્મદાનાં નીર છે
માખણ અને પનીર છે
ને ઊજળું તકદીર છે !
યસ, આ ગુજરાત છે !

અહીં ગરબા-રાસ છે
વળીજ્ઞાનનો ઉજાસ છે
નેસોનેરી પરભાત છે
અલ્યા, આ ગુજરાત છે !

અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાંખમીર છે
નેપ્રજા શૂરવીર છે !
કેવું આ ગુજરાત છે !

અહીં વિકાસની વાત છે
સાધુઓની જમાત છે
ને સઘળી નાત-જાત છે
યાર, આ ગુજરાત છે !

અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
નેશૌર્યનો સહવાસ છે !
દોસ્ત, આ ગુજરાત છે !..

🙏🏻જય જય ગરવી ગ

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...