સિક્કો મોટો કે નોટ ?

એક વખત એક માણસ ના ખીસ્સામાં 1000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો ભેગા થયા.

સિક્કો તો અભીભૂત થઇને નોટની સામે જોયા જ કરતો હતો.

નોટે પુછ્યુ, “આટલું ધ્યાનપૂર્વક શું જુએ છે?’

સિક્કાએ કહ્યુ, “આપના જેટલા મોટા મૂલ્યની વ્યક્તિ સાથે ક્યારેય મૂલાકાત થઇ નથી એટલે આપને જોવ છું.

આપનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીમાં આપ કેટલું બધુ ફર્યા હશો !

આપનું મૂલ્ય મારા કરતા હજારગણું વધારે છે એટલે કેટલા લોકોને ઉપયોગી થયા હશો ?”

નોટે દુ:ખી વદને કહ્યુ, “ભાઇ, તું વિચારે છે એવું કંઇ નથી.

હું એક ઉદ્યોગપતિના કબજામાં હતી. એણે મને સાચવીને એની તિજોરીમાં રાખેલી.

એકવખત મને તિજોરીમાંથી બહાર કાઢીને એણે કરેલા ટેકસચોરીના કૌભાંડને ઢાંકવા માટે  લાંચ તરીકે એક અધિકારીના હવાલે કરી.

મને એમ થયુ કે ચાલો જેલમાંથી છુટ્યા હવે કોઇના ઉપયોગમાં આવીશ.

પણ મારા સપનાઓ સપનાઓ જ રહ્યા કારણકે અધિકારીએ મને એના બેંકલોકરમાં કેદ કરી દીધી.

કેટલાય મહિનાઓ બાદ અધિકારીએ એક મોટો બંગલો ખરીદ્યો એટલે મને બેંકલોકરમાંથી બહાર નીકળવાની તક મળી.

જેવી બીલ્ડરના હાથમાં આવી કે એણે તો કોથળામાં પુરીને એક અંધારી જગ્યાએ મુકી દીધી.

મારો તો શ્વાસ પણ રુંધાતો હતો.

હજુ થોડા દિવસ પહેલા જ ત્યાંથી નીકળીને આ માણસના ખીસ્સામાં પહોંચી છું.

ભાઇ સાચુ કહુ તો મેં મારી જીંદગી જેલમાં જ વિતાવી છે.”

નોટે પોતાની વાત પુરી કરીને પછી સિક્કાને પુછ્યુ, “દોસ્ત, તું તો કહે તારા જન્મ પછી તું કેટલુક ફર્યો ? કોને કોને મળ્યો ?”

સિક્કાએ હરખાતા હરખાતા કહ્યુ, “અરે દોસ્ત, શું વાત કરુ ? હું તો ખૂબ ફર્યો.

એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ત્યાથી વળી ત્રીજી જગ્યાએ સતત ફરતો જ રહ્યો.

ક્યારેક ભીખારી પાસે જઇને એને બીસ્કીટનું પેકેટ અપાવ્યું તો ક્યારેક નાના બાળકના હાથમાં જઇને એને ચોકલેટ અપાવી.

પવિત્ર તીર્થસ્થાનોમાં જઇ આવ્યો, પવિત્ર નદીઓમાં નાહી આવ્યો અને પ્રભુના ચરણસ્પર્શ પણ કરી આવ્યો.

ક્યારેક હું આરતીની થાળીમાં જઇ આવ્યો તો ક્યારેક અલ્લાહની ચાદરમાં પણ પોઢી આવ્યો.

મને ખૂબ મજા આવે છે અને જેની જેની પાસે જાવ છું એને પણ મજા કરાવું છું."

સિક્કાની વાત સાંભળીને નોટની આંખો ભીની થઇ ગઇ.

મિત્રો,

*તમે કેટલા મોટા છો એના કરતા તમે લોકોને કેટલા ઉપયોગમાં આવ્યા એ વધુ મહત્વનું છે.*

મોટા હોય પણ ઉપયોગમાં ન આવે તો એ નાના જ છે અને નાના હોય પણ બીજાને ઉપયોગમાં આવે તો *એ નાના નહી બહુ મોટા છે.*

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...