અનોખો પ્રવાસ

*વ્હોટ્સ અપની વાર્તા – ૪૩*

*અનોખો પ્રવાસ*

‘શું પ્રોગ્રામ છે વંદના તમારો આ વેકેશનમાં...?’ રોયલ ગ્રીન એપાર્ટમેન્ટના ક્લબ હાઉસમાં હિનાએ વંદના સામે જોઇને કહ્યું.

વંદના તો બધાને સંભળાય તેવી રીતે સહેજ મોટેથી બોલી... ‘સિંગાપોરનું લગભગ ફાઇનલ જ છે...!’

‘સિંગાપોર તો વળી શું જવાનું....?  આજકાલ તો સિંગાપોર એટલે મુંબઇ જઇને આવો એમ જ કહેવાય...! અમારી કામવાળી’યે સિંગાપોર જઇ આવી બોલો....!’ હિનાએ એ રીતે ચાબખો માર્યો કે વંદના સાવ ચૂપ થઇ ગઇ.

આમ પણ હિના રોયલ એપાર્ટમેન્ટમાં ‘આઇ એમ સમથીંગ’ નાં લેબલ લઇને ફરતી લેડી તરીકે ઓળખાઇ ચુકી હતી. આર્થિક સધ્ધરતા ખૂબ હતી પણ વૈચારીક પરિપક્વતા હજુ તેનાથી જોજનો દૂર હતી.

જો કે રોયલ ગ્રીન એપાર્ટમન્ટ એટલે શહેરનો સૌથી ધનાઢ્ય ગણાતો રહેણાંક વિસ્તાર હતો. અહીં એકમેકના સુખ દુ:ખ કરતાં પોતાના સુખને બતાવવાની સ્પર્ધા તીવ્ર હતી.

વેકેશનમાં સવારે ક્લબ હાઉસમાં એક્સેસાઇઝ પતાવી સૌ લેડીઝ વાતે વળગ્યાં હતા.

જોગીંગ કે કસરત ગમે તેટલી કરી લે પણ એકબીજાની વાતો કરવામાં સ્ત્રીના મનને જે માનસિક સ્વાસ્થ્ય મળે છે તે બીજે ક્યાંય નથી મળતું તેવું રોયલ ક્લબમાં પણ વર્તાઇ રહ્યું હતું.

જો કે આ ક્લબ-એક્સેસાઇઝમાં પણ દરેક સ્ત્રી પોતે એકબીજાથી ચઢિયાતી છે તે છતું કરવાની તક ગુમાવતી નહોતી. એક કિલો વજન ઘડાડે તો પણ બીજી સ્ત્રીઓ માટે તે ઇર્ષાનું કારણ બની જતી.

‘તો હીના આ વખતે તમે ક્યાં જવાના....?’ બાજુમાં બેસેલી આરતીએ પુછી લીધું.

‘જોઇએ... કદાચ... સ્વિઝર્લેન્ડ... અથવા ફુકેટ....!’ હિનાએ વધુ ઉંચેથી કહ્યું. બધા સાંભળી રહ્યાં છે તે બરાબર ચકાસી તે ફરી બોલી, ‘જો ને દસ દિવસથી ખરીદી પણ શરુ કરી દીધી છે... મને તો રોજે-રોજ નવા કપડાં અને તેનું બધુ મેચિંગમાં જ જોઇએ એ તો તને ખબર જ છે’ને...! સેવન સ્ટાર મોલમાંથી જ વેસ્ટર્ન કપડાં લઇ આવી.. ખાલી ટોપ જ ત્રણ ત્રણ હજારનાં છે.. .’ અને પોતાની જાહોજલાલીની વાતો ચાલુ કરી.

‘સાંભળ્યું છે કે તમારી ડાયમંડ કંપનીને બેંકવાળાએ સીલ કરી દીધી છે.... બેંકની લોન ભરપાઇ કરી નથી એટલે તમારા હસબન્ડના પાસપોર્ટ પોલીસ પાસે જપ્ત થઇ ગયા છે.’ આ વખતે વંદનાને પણ મોકે પે ચોકા મારીને બદલો વાળ્યાનો અહેસાસ થયો.

‘એ તો મોટી મોટી કંપનીઓના માલિક સાથે આવું થતું રહે... થોડાં પૈસા વેરી દઇશું એટલે બધુ હતું એમને એમ... આપણાં દેશમાં પૈસાદાર બનો એટલે બધુ આવી ગયું... !’ હિનાએ સ્વબચાવમાં આવીને કહ્યું.

‘મારું માન વંદના, સિંગાપોર કરતા દુબઇ જ જઇ આવ... થોડો ખર્ચ વધશે.. પણ મજા આવશે..!’ હિનાએ વંદનાને વણમાગી સલાહ આપી.

હિનાએ વાત બદલવા નંદિની તરફ જોઇને કહ્યું, ‘ તમે ક્યાં ફરવા જવાના છો...? તમે તો ચારધામ કે મંદિરો સિવાય ક્યાંય નહી ફરતા હોય ખરુને..?’

નંદિનીએ હસતા હસતા કહ્યું, ‘સાચી વાત છે હિનાબેન તમારી... અમે દર વેકેશનમાં સાવ અનોખો જ પ્રવાસ કરીએ છીએ.. મારા પતિ અને તેના મિત્રો વિદેશોમાં કે સ્થળો પર ફરીને ખાલી પૈસા કે સમય બરબાદ નથી કરતા.’

‘આ અનોખો પ્રવાસ...? એ વળી કેવો...?’ વંદનાને નવાઇ લાગી એટલે હિના કાંઇ બોલે તે પહેલા નંદિની તરફ જોઇને કહ્યું.

અને ત્યાં જ હિનાની નાની દિકરી પરી સ્વિમીંગ કરીને આવી... તેને જોઇને હિનાએ પોતાનું ઉંચુ પલ્લુ બતાવવા કરતા કહ્યું, ‘ પરી બેટા... આપણે સિંગાપોર અને દુબઇ ટુરમાં કઇ ટુરમાં તને વધુ મજા આવી હતી..?’

જો કે પરી નિર્દોષ હતી... તેને તો સ્પષ્ટ જ કીધું…’ મમ્મી મને તો બન્ને ટુરમાં કંટાળો આવ્યો હતો... આખો દિવસ મોટી મોટી હોટલો અને બિલ્ડીંગો જોવાની.. અને તું તો શોપિંગ મોલમાં જ ટાઇમ કાઢી નાખતી હતી. રાત્રે પપ્પા કેસિનોમાં જતા રહે... તું મોબાઇલમાં જ ફોટા અપલોડ કર્યા કરે... મારે તો બસ તમને જોઇને બેસી રહેવાનું... મારે ગાર્ડનમાં રમવું હોય, કિડ્સ વર્ડમાં જવું હોય...બીચ પર ન્હાવું હોય  તો તમને ટાઇમ જ ન મળે...! બસ તમારી મરજી મુજબ મારે ફરવાનું... એટલે તો મને તો ક્યાંય ના મજા આવી...!’

પરીના વાક્યોથી હિનાના ભવા સંકોચાઇ ગયા અને હોઠ બીડીને બોલી. ‘સારુ.. બેટા... આ વખતે તું કહે તેમ ફરીશું.. બસ...!’ એમ કહી પરીને તેના કોસ્ચ્યુમ બદલવા જવા ઇશારો કરી દીધો.

‘ના મમ્મા... આ વખતે મારે રિધમની સાથે જવાનું છે... રિધમના મમ્મી- ડેડી દર વેકેશનમાં સાવ અનોખો પ્રવાસ કરે છે... મારે તેમની સાથે જવું છે...! નંદિની આંટી મને સાથે લઇ જશોને....?’ પરીએ તો નંદિની તરફ ઇશારો કરીને કહ્યું.

‘અરે, આ છોકરાઓ પણ જાણી ગયા છે કે તમે કોઇ અનોખો પ્રવાસ કરો છો..! આ અનોખો પ્રવાસ શું છે...? નંદિની અમને કહે તમે શું કરો છો.. ક્યાં જાવ છો...?’ વંદનાએ ફરીથી પુછ્યું.

‘તમને તો ખબર છે અમે રહ્યાં વધુ ધાર્મિક માણસો... રિધમના પપ્પાને અને મને પણ દર વેકેશનના દિવસો માત્ર પોતાના મોજશોખ પાછળ ખર્ચી દેવા બિલકુલ ન ગમે.. એટલે અમે છેલ્લા સાતેક વર્ષોથી અનોખો પ્રવાસ યોજીએ છીએ.. તેની શરુઆત અમે અને અમારા બે મિત્રો સાથે કરી હતી..’ અને નંદિનીએ પોતાના અનોખા પ્રવાસની વાત શરુ કરી. બધા લેડીઝ એકીટશે નંદિનીને સાંભળવા ઉત્સુક બન્યાં.

‘રિધમના પપ્પા એડવોકેટ... તેમને ગામડાંના ગરીબ લોકોના ઘણાં કેસો આવે... તેમના કોર્ટના ખર્ચા... ગામડેથી અપડાઉન કરવા.. બધુ જોઇને દ્રવી ઉઠતાં... આજથી સાત વર્ષ પહેલાં તેમને આવા કેસોનો અભ્યાસ કર્યો અને કયા તાલુકામાંથી વધુ કેસો આવ્યાં છે ત્યાં અમે પહેલો પ્રવાસ કર્યો... વેકેશનમાં દરેક ગામમાં જેનો કેસ હોય તેમને રૂબરુ મળી તે કેસની માહિતી... તેમાં કઇ રીતે જલ્દી નિરાકરણ આવે તે સમજાવતા.. અને પહેલા જ પ્રવાસમાં લોકોને તેમના ઘરે રૂબરૂ મળવાથી સિત્તેરેક કેસોનો નિકાલ તો તેમના ઘરેથી જ આવી ગયો..’

‘તો ફી પણ તગડી મળી હશે... આ તો કેસ શોધવા ગામડે ગામડે જવું...’ હિનાએ ફરી એક શબ્દનું બાણ છોડી દીધું.

‘અરે... ના... ના હિનાબેન... અમે કોઇ પાસે એક રુપિયો પણ નહોતો લીધો... અમારા પંદરેક દિવસના ગામે ગામ પ્રવાસમાં લગભગ અમે વીસ જેટલા ગામડાંઓની મુલાકાત લીધી.. આ રૂબરૂ મુલાકાતથી જ અમને સાચો ખ્યાલ આવ્યો કે તેઓને ખરી મુશ્કેલીઓ શું હોય છે...? એસી ચેમ્બરમાં બેસી ગામડાંના લોકોનું જજમેન્ટ લેવું અને તેમના ઘરે જઇને રૂબરુ મળતાં તેમની મિલ્કતોના પ્રશ્નો, કૌટુંબિક ઝઘડાઓ, છુટાછેડા, જમીનના ઝઘડાઓ વગેરે બાબતો ત્યાં જઇને સારી રીતે સમજી શક્યા.. અરે, ઘણાં ગામોમાં તો રાત્રી સભા થઇ અને કાયદાકીય જાગૃતિ માટે લોકોએ ખૂબ સારો સહયોગ આપ્યો.’ નંદિનીએ સવિસ્તાર કહ્યું.

‘તો પછી રહેવાનું... જમવાનું...’ વંદિતાએ પુછ્યું.

‘અમે તો પંદરેક દિવસનું જમવાનું... ઓઢવા.. પાથરવાનું સાથે લઇને જ ગયા હતા.. ટેન્ટ પણ પોતાનો સાથે જ રાખ્યો હતો.. બે – ત્રણ દિવસ લાગ્યા ગામલોકોને અમને સમજતા... પણ પછી તો અમને ઘરે-ઘરેથી રોકાવા આમંત્રણ મળતું ગયું.. મારા દિકરા રિધમને તો હોટલો કરતા ગામડાંમાં વધુ મજા આવી અને તે પહેલો અમારો અનોખો પ્રવાસ સફળ રહ્યો.’ નંદિનીએ પોતાની વાત પુરી કરી.

‘પછી અત્યારે આ રીતે જ અનોખો પ્રવાસ કરો છો..?’ વંદીતાએ પુછ્યું.

‘જો કે અત્યારે તેમા થોડો બદલાવ આવ્યો છે. રિધમના પપ્પાએ પોતાના પહેલા અનોખા પ્રવાસના પ્રયોગની જાણ તેના મિત્રોને કરી... તો બધાને તે પ્રયોગ ગમવા લાગ્યો... તેમાં એક ડોક્ટર.. બે શિક્ષકો... એક એગ્રિકલ્ચર એડવાઇઝર.. બે ડાયરાના કલાકારો પણ જોડાઇ ગયા...!  અમે પહેલેથી પ્લાન કરી કોઇ એક તાલુકાનો અભ્યાસ કરીએ... તેના ગામડાઓની ભૌગોલિક સ્થિતી, શિક્ષણનુ સ્તર, સ્વાસ્થ્ય સબંધી સર્વે, ગામની પાયાની જરુરિયાતો.. ખેત-પેદાશો અને તેને લગતા માર્કેટની સમજણ.. વગેરે જોઇને જે તે ગામમાં ગ્રામ સેવકો બની કામ કરીએ છીએ.. અમે શરૂઆતમાં એક લક્ઝરી કરી લેતાં, તેમાં સૌ સભ્યો પોતાના પરિવાર સાથે સ્વેચ્છાએ આવે અને પોતાના વેકેશનના સમયનો અને જ્ઞાનનો ઉપયોગ છેવાડાના માણસો સુધી ફેલાવતા. અમને પહેલા હતું કે લેડીઝ, નાના બાળકો બધાને આ પ્રયોગમાં મજા નહી આવે.. પણ બાળકોને તો સૌથી વધુ મજા આવી.. ગામડાંઓનું વાતાવરણ... પરિવાર સાથે જ રહેવાની તક... સેવાનું સુખ અને મનની શાંતી બધું જ તેમને સમજણ પડવા લાગી. ડોક્ટર અમારા પ્રવાસના આજુબાજુના ગામમાં  લોકોના સ્વાસ્થ્ય સબંધી કામ કરે.. દવા આપે.. લોકોને સાજા કરે. શિક્ષક આ પ્રવાસમાં ગામડાનાં બાળકોને ભણતર અને ગણતર શીખવે અને ભવિષ્ય વિશેની માહિતી આપે.. ડાયરાના કલાકારો રાત્રી કાર્યક્રમો ગોઠવે... અને ખરેખર જ્યારે ગામલોકોને આ અનોખા પ્રવાસની જાણ થવા લાગી કે પછી તેઓ પણ અમને મદદરૂપ બનવા લાગ્યાં.. અને અમને સમજાઇ ગયું કે દેશ પરદેશ ફરવા કરતા તો વેકેશનનો સાચો ઉપયોગ આ રીતે જ છે. જો કે હવે તો ત્રણ લક્ઝરી થઇ ગઇ છે... બધા અલગ-અલગ તાલુકામાં આ રીતે અનોખો પ્રવાસ કરે છે... અને સૌ પોતાના જ્ઞાન કે સમયને વેડફવા કરતા સદુપયોગ કરી રહ્યાં છે..’ નંદિનીએ પોતાના અનોખા પ્રવાસની વાત પુરી કરી.

‘અને મમ્મી... રિધમને બધા મોટા તળાવમાં ન્હાય છે... મોટા મેદાનોમાં રમે છે... ત્યાં કોઇ ટ્રાફીક નથી.. રાત્રે ખુલ્લામાં સુવાનું... રમવાનું... બધું જ છે.. જે આપણાં પેકેજમાં પણ નથી હોતું.. મોબાઇલ કવરેજ ના હોય એટલે મમ્મી-પપ્પા પાસે ને સાથે જ રહે... કોઇ શોપિંગ મોલ પણ નહી કે મમ્મી બિઝી થઇ જાય.. મમ્મી પ્લીઝ... મને નંદિની આન્ટી સાથે જવું છે....’ પરીએ તો છેલ્લે પોતાની મમ્મી તરફ જોઇને કહી દીધું.

‘નંદિની... લાગે છે કે અમે પણ તમારા અનોખા પ્રવાસમાં જોડાઇ જઇએ... મારી દિકરીએ આજે સાચુ કહ્યું.. અમારો પ્રવાસ તો માત્ર પેકેજ કે શેડ્યુલ જ હોય છે... ત્યાં પ્રેમ વધે કે સેવા થાય તેવું કાંઇ જ નથી હોતું... લાગે કે વિદેશ ફરી આવ્યાં... પણ ટાઇમ અને પૈસો બન્ને મુકીને જ આવીએ છીએ.. અને વંદના તે પણ કહ્યું હતું કે અમારા પાસપોર્ટ તો પોલીસના કબ્જામાં છે... તો તેમાં પૈસા વેડફવા કરતા આ અનોખા પ્રવાસમાં પૈસા વાવીશું તો ઉગી નીકળશે... પરી હું તારા ડેડીને સમજાવીશ કે તે આ અનોખા પ્રવાસમાં જોડાય..’ અને હિનાએ પરીના ગાલે દીર્ધ ચુંબન કરી તેને અને પોતાના મનને પણ સારી રીતે સમજાવી દીધું.

*સ્ટેટસ*

*પ્રવાસમાં કેટલે દૂર જવું એ જરુરી નથી,*
*એકબીજાથી નજીક આવવું એ જરુરી છે.*

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...