ગુજરાત વિષે...

ગુજરાત વિષે

નફો ગાંઠે,ખર્ચો સ્વાદે,પગ હોય પ્રવાસે,
હાથ ગણતો રોકડા,વેપાર ગુજરાતી શ્વાસે!

તહેવાર તો દરેક ઉજવે, એક વિશેષ ભોજે,
ઉત્તરાયણે ઉંધિયુ તો ફાફડા જલેબી દશેરે!

મીઠું દેશભરનું પકવે રંગ ચડે અહીં કાપડે,
કપાસના તાંતણે થી લઈ ફેશન ના વણાટે!

સાહિત્ય તો વિકસ્યું છે ખાલી એમ જ દાદે
પુસ્તકો ના વેચાણો તો સર્જકને બહું સતાવે!

આમ પાછો છે કલારસિક રંગમંચ કે નાટકે
નવ નવ રાત ઝુમતો ઘુમતો રાસને ગરબે!

અમદાવાદ કરકસરે ને સુરત છે ઝાકમઝોળે
વામકુક્ષી હજીય જળવાઇ રજવાડી રાજકોટે

વડોદરુ આધુનિકતા પરંપરા વચ્ચે હિંચકોલે
ભાવનગર સંસ્કારી નગરી ગાંડુ તોય ગાંઠીયે!

અંબા માવડી આરાસુરે દરિયો અડે સોમનાથે
શિવ શક્તિ જાણે વ્યાપતા તળે અને શીખરે!

જગતગુરૂ કૃષ્ણ બીરાજે જગતમંદિર દ્વારીકે,
સખોસુદામો વસીયો ગાંધી નરસૈયાની ભોમે!

મેઘાણીની ચારણકન્યાને અખો ચડ્યો છપ્પે
નરસૈયો રાજી પ્રભાતિયે પ્રેમાનંદ આખ્યાને!

સોનેટ હાઇકુ ગઝલ ખંડકાવ્યે પદ્ય છે ઉફાને,
ઉજો,સ્નેહરશ્મી,રપા,નર્મદ વધાવાયા ઇર્શાદે!

મુન્શી થી ભટ્ટ, હરકિસન વંચાતા રસવાચકે,
ગુણસુંદરી કે ગ્રામલક્ષ્મી વખણાય એ સરલે!

બક્ષી ના ડાયાસ્પોરા બની ફેલાયેલા જગતે,
ગાંઠે ગુજરાત બાંધી ગણાય બધાં ગુજરાતે!

ગૌરવવંતુ રાજ્ય આગળ પડતું રહે ભારતે,
સમૃદ્ધિને સંગે વિધ વિધ રંગે ગુજરાત સંગે!

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...